BHU : RSSનો ધ્વજ ઊતરાવા બદલ પ્રૉક્ટર વિરુદ્ધ કેસ

RSS Flag Image copyright Getty Images

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય એટલે કે BHUના મિર્ઝાપુર સ્થિત દક્ષિણ પરિસરમાં RSSના ધ્વજના કથિત અપમાન મામલે ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે.

આ બનાવ બાદ આ મામલાનાં આરોપી ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર કિરણ દામલેએ પ્રૉક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે.

મિર્ઝાપુરના બરકઠામાં BHUની એક શાખા છે, જે દક્ષિણ પરિસરના નામે ઓળખાય છે. 12 નવેમ્બર, મંગળવારના રોજ કેટલાક વિદ્યાર્થીઓ આરએસએસની શાખા યોજ્યા બાદ ત્યાં યોગ કરી રહ્યા હતા.

કિરણ દામલે પર આરોપ છે કે તેમણે આ દરમિયાન ત્યાં આવીને RSSનો ધ્વજ ઉતારીને ફેંકી દીધો અને શાખા યોજી રહેલા લોકોને ફરી વાર આવું ન કરવાની ચેતવણી પણ આપી.

આ બનાવ બાદ RSSના જિલ્લા કાર્યવાહક ચંદ્રમોહન સહિત તમામ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ કિરણ દામલે વિરુદ્ધ પ્રદર્શન કર્યું, ધરણાં યોજ્યાં અને સૂત્રોચ્ચાર કર્યાં.

મંગળવારે સાંજે ચંદ્રમોહનની ફરિયાદને આધારે પોલીસે કિરણ દામલે વિરુદ્ધ સંઘના ધ્વજનું અપમાન કરવાનો ગુનો દાખલ કર્યો હતો.


સાવચેતીના પગલારૂપે તરાવ્યો ધ્વજ : દામલે

Image copyright BBC/SAMIRATMAJ MISHRA

તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અભયકુમાર સિંહે આ અંગે મીડિયાને જાણકારી આપી, "આ ક્ષેત્રમાં છેલ્લાં 7 વર્ષોથી RSSની શાખા યોજાઈ રહી છે. ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર પર RSSના ચંદ્રમોહન સિંહ અને અન્ય લોકોની ફરિયાદને આધારે વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી અને ધમકી આપવાના આરોપો હેઠળ IPCની કલમ 153A, 295A, 504, 505 હેઠળ ગુનો દાખલ કરાયો છે."

પોતાની વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ અને છાત્રોના વિરોધને જોતાં કિરણ દામલેએ ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.

બીબીસી સાથેની વાતચીતમાં કિરણ દામલેએ કહ્યું કે, "ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર તરીકેની તો મારી પર વધારાની જવાબદારી હતી, હું તો અહીં આસિસ્ટંટ ડાયરેક્ટર, ફિઝિકલ એજ્યુકેશનના પદ પર છેલ્લાં 10 વર્ષથી કાર્યરત છું."

"હું જ્યારે સ્ટેડિયમમાં પહોંચી ત્યારે કેટલાંક બાળકો યોગ કરી રહ્યાં હતાં. ત્યાં ઑરેન્જ કલરનો ધ્વજ લગાવેલો હતો."

"જ્યારે મેં આ ધ્વજ વિશે તેમને પૂછ્યું તો કોઈએ કંઈ જ જવાબ ન આપ્યો. ધ્વજને ત્યાંથી ઊતરાવીને મેં મારી પાસે મગાવી લીધો, જેથી જે કોઈ પણ તેની માગણી કરવા મારી પાસે આવે હું તેને એ ધ્વજ પરત કરી શકું."

"ત્યાં બેઠેલા કોઈ પણ વિદ્યાર્થીએ ધ્વજ વિશે કંઈ જ ન કહ્યું. ખરેખર તો મેં આ પગલું સાવચેતીના ભાગરૂપે લીધું હતું, કારણ કે બધા વિસ્તારોમાં કલમ 144 લગાવાઈ છે, જો આવી પરિસ્થિતિમાં કોઈ પણ બનાવ બને તો તેની જવાબદારી પ્રશાસનને માથે જ આવે છે."

કિરણ દામલે આ વિશે જણાવે છે કે તેમને આ ધ્વજ RSSનો જ છે એવી કોઈ જ જાણકારી નહોતી, કારણ કે સ્ટેડિયમમાં શાખા યોજવાની પરવાનગી લેવામાં આવી નહોતી.

તેઓ જણાવે છે કે, "પરિસરમાં તો શાખા યોજાય છે, પરંતુ સ્ટેડિયમમાં નહીં. જોકે, કોઈ પણ સ્થાને શાખા યોજવા માટેની કોઈ જ પરવાનગી લેવામાં આવી નહોતી, પરંતુ જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ આ ધ્વજ ફરકાવે છે ત્યારે તેમને કોઈ આવું કરતા રોકતા નથી."

"મંગળવારે પણ કોઈ પણ વિદ્યાર્થીએ કોઈ જ ફરિયાદ કરી નહોતી, પરંતુ બાદમાં બહારના કેટલાક માણસો આવીને હંગામો કરવા લાગ્યા."

"મેં તો ત્યારે પણ સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો મેં કઈ પણ ખોટું કર્યું હોય તો હું માફી માગવા માટે પણ તૈયાર છું, પરંતુ વિદ્યાર્થીઓએ મને માફી માગતા અટકાવી દીધી."

કિરણ દામલેનું કહેવું છે કે તેમણે આ પદ પરથી રાજીનામું એટલા માટે આપ્યું છે, કારણ કે તેઓ નથી ઇચ્છતાં કે કોઈ પણ પ્રકારનો અનાવશ્યક વિવાદ સર્જાય. જોકે, યુનિવર્સિટી તરફથી તેમનું રાજીનામું સ્વીકારાયું છે કે કેમ એ વાતની પુષ્ટિ થઈ નથી.


રાજકારણ શરૂ થયું

બરકછા સ્થિત BHUના દક્ષિણ પરિસરમાં આ ઘટના મંગળવારે સવારે સર્જાઈ હતી. ઘટનાના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પ્રશાસનિક ભવન સામે ઘરણાં-પ્રદર્શન શરૂ કરી દીધાં.

આ વિવાદની જાણ પોલીસને થતાં જ તેઓ પણ ત્યાં પહોંચી ગયા. તેમજ RSSના જિલ્લા પ્રચારક અને ભાજપના ધારાસભ્ય સહિત તમામ અન્ય લોકો પણ સ્થળ પર પહોંચી ગયા.

વિદ્યાર્થીઓએ ધ્વજ પરત કરાયા બાદ તેમજ ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર પર કાર્યવાહી કરવાના આશ્વાસન બાદ જ પોતાનાં ધરણાં સમાપ્ત કર્યાં. ત્યાર બાદ તેમનાં વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી.

તેમજ દક્ષિણ પરિસરનાં ઇનચાર્જ પ્રોફેસર રમાદેવી નિમ્મનાપલ્લીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ યુનિવર્સિટી પરિસરનો મામલો છે, તેમજ યુનિવર્સિટીનું પ્રશાસન આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે."

"ડેપ્યુટી ચીફ પ્રૉક્ટરે ધ્વજ ઊતરાવ્યાં પહેલાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની જરૂર હતી. જો આવું થયું હોત તો કદાચ પરિસ્થિતિ આટલી બગડી ન હોત, પરંતુ આ વિશે તેમને પણ કશી જ ખબર નહોતી."

"યુનિવર્સિટીમાં તમામ ધર્મ, સમુદાય અને વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે અને તેમને પોતાનો ધર્મ અનુસરવાની પૂરતી છૂટ છે."

"અમારો હેતુ કોઈનીય ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. ડેપ્યુટી ચીફ પ્રૉક્ટરનું રાજીનામું અમે ચીફ પ્રૉક્ટર પાસે મોકલી આપ્યું છે. આગળની કાર્યવાહી તેમણે જ કરવાની છે."

પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ વિશે કશું જ જાણતાં ન હોવાની સાથે કિરણ દામલે આ મામલામાં પોતે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની વાતથી ઇનકાર કરતાં કહે છે કે, "પરિસરમાં શાંતિ અને સૌહાર્દ માટે મારી જે જવાબદારી હતી, એ મેં બજાવી. હવે આગળ શું કરવું છે એ યુનિવર્સિટી પ્રશાસન નક્કી કરશે."

તેમજ દક્ષિણ પરિસરના ઇનચાર્જ આ મામલાને રાજકીય રંગ ન આપવાની અપીલ કરી રહ્યાં છે, પરંતુ આ મામલો તો રાજકીય રંગમાં અગાઉથી જ રંગાઈ ચૂક્યો છે.

બરકછા સ્થિત BHUના રાજીવ ગાંધી દક્ષિણ પરિસરમાં ડેપ્યુટી ચીફ પ્રૉક્ટરના રાજીનામા અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાને લઈને કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ આ કાર્યવાહી વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો છે.

બુધવારે કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે પરિસર ઇનચાર્જ રમાદેવી નિમ્મનાપલ્લી સાથે મુલાકાત યોજીને ફરિયાદ રદ્દ કરાવવાની માગ કરી, RSSના સ્વયંસેવકોએ કૉંગ્રેસી નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં અને પરિસરમાં તેમના પ્રવેશનો વિરોધ કર્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો