રાષ્ટ્રીય સરવે : ગુજરાતના આ શહેરના નળનું પાણી અસુરક્ષિત, દિલ્હીનું સૌથી ખરાબ

BISનો રિપોર્ટ Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કરના એક અહેવાલ પ્રમાણે, બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જેના તારણ અનુસાર, દેશનું આર્થિક પાટનગર ગણાતા એવા મુંબઈ શહેરમાં નળમાંથી આવતું પાણી દેશમાં સૌથી સુરક્ષિત હોવાનું બહાર આવ્યું હતું.

આ અભ્યાસ દરમિયાન ગાંધીનગરમાંથી લેવાયેલા નળના પાણીના નમૂના નક્કી કરાયેલા માપદંડો પર યોગ્ય ઠર્યા નથી.

નોંધનીય છે કે આ યાદીમાં ગાંધીનગર ગુવાહાટી અને બેંગ્લુરૂ સાથે 10મા ક્રમાંક પર હતું.

આ અભ્યાસમાં ગાંધીનગરના તમામ 10 નમૂના ફેલ થયા હતા.

ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, બીઆઈએસ દ્વારા નિર્ધારિત કરાયેલા માપદંડો પૈકી પાંચ માપદંડ પર ગાંધીનગરના નમૂના ખરા નહોતા ઊતરી શક્યા.

Image copyright Getty Images

અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે દેશમાં સૌથી ઊતરતી કક્ષાનું પાણી દેશની રાજધાની દિલ્હીના નળોમાંથી આવે છે.

ટીડીએસ, ઈ-કોલી, ક્ષાર તત્વો અને ધાતુત્વો જેવા 19 પરિમાણ નક્કી કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ અભ્યાસમાં દેશનાં કેટલાંક મોટા શહેરોને, જેમાં કેટલાંક રાજ્યોનાં પાટનગરોનો પણ સમાવેશ થાય છે, સામેલ કરાયાં હતાં.

બીઆઇએસના અભ્યાસ પ્રમાણે દેશનાં 17 રાજ્યનાં પાટનગરોમાંથી લેવાયેલા નમૂના પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 10500:2012 મુજબ ખરા ઊતર્યા નહોતા.

ગાંધીનગર ઉપરાંત ચંદીગઢ, ગુવાહાટી અને લખનૌ વગેરે જેવાં શહેરોના નમૂના પણ નિષ્ફળ રહ્યા હતા.

આ અભ્યાસમાં મુંબઈના પાણીના નમૂના નિર્ધારિત માપદંડો પ્રમાણે સૌથી યોગ્ય સાબિત થયા હતા.

દિલ્હીમાંથી લેવાયેલા દરેક 19 નમૂના બીઆઇએસ દ્વારા નિર્ધારિત 11 માપદંડમાં અસફળ રહ્યા હતા.

અભ્યાસ પ્રમાણે જે શહેરોના નમૂના નીચી ગુણવત્તાના હોવાનું માલૂમ પડ્યું છે, તે માટે કેટલીક ખાસ અશુદ્ધિઓ જવાબદાર હતી.

મોટા ભાગના નમૂનાઓમાં ટોટલ ડિઝોલ્વ સોલિડ (TDS), માટીયુક્ત અશુદ્ધિ અને પાણીમાં ક્ષારત્વનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.

આ સિવાય ઘણાં શહેરોના પાણીના નમૂનાઓમાં ખનીજ દ્રવ્યો તેમજ કોલિફૉર્મ અને ઇ-કોલાઇ જેવા બૅક્ટેરિયાની હાજરી જોવા મળી હતી.

નોંધનીય છે કે પાણીમાં આ પ્રકારના બૅક્ટેરિયાની હાજરી ગંભીર માંદગીનું કારણ બની શકે છે.


2018માં રૉંગ-સાઇડ ડ્રાઇવિંગે દરરોજ 24ના જીવ લીધા

ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મંત્રાલયના એક રિપોર્ટના અભ્યાસ પરથી સામે આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2018માં રૉંગ-સાઇડ ડ્રાઇવિંગના કારણે દરરોજ 24 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

આ સિવાય વર્ષ 2018માં પાર્ક કરેલાં અન્ય વાહન સાથે અથડાવાના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કુલ 4,800 લોકો મૃત્યુ પામ્યા છે.

રિપોર્ટ અનુસાર ગત વર્ષની સરખામણીએ રૉંગ-સાઇડ ડ્રાઇવિંગને કારણે થયેલાં મૃત્યુની સંખ્યામાં 9%નો ઘટાડો નોંધાયો છે.

પાર્ક કરેલાં અન્ય વાહનો સાથે અથડવાના કારણે થયેલાં મૃત્યુની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ બમણો વધારો નોંધાયો છે.

એક અહેવાલ પ્રમાણે, ટ્રાફિક સેફ્ટી નિષ્ણાતોએ હાઇવે અને અન્ય રસ્તા પર વધતી જતી અકસ્માતની ઘટનાઓ માટે નિયમોનો અમલ કરાવવામાં વહીવટી તંત્રની અસફળતાને જવાબદાર ગણાવી છે.


માર્ચ સુધીમાં એર ઇન્ડિયા અને BPCLની વેચાણપ્રક્રિયા પૂરી કરાશે : નાણામંત્રી

Image copyright Getty Images

'નવભારત ટાઇમ્સ' એક અહેવાલ પ્રમાણે, નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ, 2020 સુધીમાં ઍર ઇન્ડિયા અને BPCLની વેચાણપ્રક્રિયા પૂરી કરી લેવાશે.

આ વાતચીત દરમિયાન નાણામંત્રીએ આ બંને કંપનીઓના વ્યૂહાત્મક વેચાણ અંગે માહિતી આપતાં કહ્યું હતું :

"આ બંને કંપનીઓનું વેચાણ ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાની સરકારની યોજનામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે."

"આ અંગે વધુ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ઇન્ટરનેશનલ રોડ શો બાદ ઍર ઇન્ડિયામાં રોકાણ માટે રોકાણકારો રસ દાખવી રહ્યા છે."

નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ સતત ખોટ કરી રહેલી ઍરલાઇન એવી ઍર-ઇન્ડિયાની વેચાણપ્રક્રિયા રોકાણકારોના નબળા પ્રતિસાદને કારણે રદ્દ કરી દેવાઈ હતી.


અમરેલીમાં ગાંજાના ખેતર પર પોલીસ ત્રાટકી

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં માદક પદાર્થોની ખેતી અટકાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે આ દિશામાં કાર્યવાહી કરતાં અમરેલી પોલીસે શુક્રવારે ગાંજાના ખેતર પર દરોડો પાડી 90 લાખ રૂપિયાની કિંમતનો 1,766 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો.

પોલીસને 36 કલાકની મહેનત બાદ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુવાગઢ ગામમાં 85 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ગાંજાના પાકને કબજે કરવામાં સફળતા મળી હતી.

અમરેલીના દામનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સુવાગઢના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખેતર પર ખાનગી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે એક જ પરિવારના ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો