અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ચુકાદાને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પડકારશે

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવાનો નિર્ણય લીધો છે.

બોર્ડના સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે પત્રકારપરિષદમાં કહ્યું, "બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે."

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ચુકાદા મામલે બેઠક યોજી હતી.

બેઠક બાદ બોર્ડના સચિવ ઝફરયાબ જિલાની, બોર્ડના સભ્ય કાસિમ રસૂલ ઇલિયાસ અને અન્ય સાથીઓએ પત્રકારપરિષદ સંબોધી હતી.

પત્રકારપરિષદમાં ઝફરયાબ જિલાનીએ જણાવ્યું કે મુસ્લિમ પક્ષકારોમાંથી મિસબાહુદ્દીન, મૌલાના મહફુઝૂર્રહમાન, મોહમ્મદ ઉમર અને હાજી મહબૂબે પુનર્વિચાર અરજી દાખલ કરવા માટે પોતાની સહમતિ આપી છે.

એક અન્ય પક્ષકાર ઇકબાલ અંસારી અંગે પૂછતાં ઝફરયાબ જિલાનીએ કહ્યું કે ઇકબાલ અંસારી પર જિલ્લા અને પોલીસ તંત્ર દબાણ કરી રહ્યું છે.

Image copyright Getty Images

જિલાનીનું કહેવું હતું, "અયોધ્યાનું પ્રશાસન અને પોલીસ તેમના પર દબાણ કરી રહ્યું છે, આથી ઇકબાલ અંસારી પુનર્વિચાર અરજીનો વિરોધ કરે છે."

"લખનઉ જિલ્લા પ્રશાસને અમને પણ બેઠક કરતાં રોક્યા હતા. આથી અમારે છેલ્લી ઘડીએ બેઠકની જગ્યા બદલવી પડી."

"અગાઉ આ બેઠક નદવા કૉલેજમાં થવાની હતી, પણ બાદમાં મુમતાઝ કૉલેજમાં કરવી પડી."

પત્રકારો સાથેની વાતચીતમાં ઝફરયાબ જિલાનીએ કહ્યું કે બેઠકમાં સામે આવ્યું છે કે કોર્ટના ચુકાદામાં કેટલાક મુદ્દે વિરોધાભાસ છે, એટલું જ નહીં ઘણા મુદ્દે તો આ ચુકાદો સમજની બહાર જણાય છે.

જિલાનીએ કહ્યું કે આ બધી બાબતોને ધ્યાને લઈને અમે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

જિલાની અનુસાર વરિષ્ઠ વકીલ રાજીવ ધવન જ બોર્ડ તરફથી પુનર્વિચાર અરજી દાખલ કરશે.

રાજીવ ધવન અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારોના વકીલ હતા.

પરંતુ હિંદુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તો આમાં પક્ષકાર જ નથી, તો તેઓ અરજી કેવી રીતે શકે છે.

સિન્હા અનુસાર આ મામલે સુન્ની વકફ બોર્ડે નિર્ણય લેવાનો છે.

વરુણે કહ્યું કે દરેક પુનર્વિચાર અરજી દાખલ કરવાનો અધિકાર છે, પરંતુ તેમના મતે આ નિર્ણયની વિરુદ્ધમાં જવાનો કોઈ કાયદાકીય આધાર નથી.

જિલાનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બાબરી મસ્જિદના બદલે પાંચ એકર જમીનની વાત તેઓ સ્વીકારતા નથી.

જિલાનીએ કહ્યું કે મુસલમાન ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, બાબરી મસ્જિદના બદલે બીજી જગ્યા માગવા માટે નહોતા ગયા.

તેમણે કહ્યું કે અયોધ્યામાં અગાઉથી જ 27 મસ્જિદો છે, માટે વાત માત્ર મસ્જિદની જ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો