અયોધ્યામાં હવે નવો વિવાદ શરૂ થયો, મંદિરનિર્માણમાં કોનો દાવો મોટો?

પ્રતીકાત્મક તસવીર Image copyright PUNEET BARNALA/BBC

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદનો નિર્ણય કરતાં વિવાદિત જગ્યા રામ લલાને આપવાનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાને પડકારવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે જાહેરાત કરી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની 5 જજોની બેન્ચે ચુકાદામાં સુપ્રીમ કોર્ટની સોંપી દીધી છે અને મંદિર બનાવવા માટે સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું છે. પરંતુ સાધુસંતોનાં વિભિન્ન સંગઠનોમાં આ ટ્રસ્ટમાં સામેલ થવા અને ન થવા પર વિવાદ શરૂ થયો છે.

આ વિવાદ એટલો વકર્યો છે કે સાધુસંતો પોતાના વિરોધીઓને ન માત્ર અપશબ્દ બોલી રહ્યા છે, પરંતુ બે સમૂહ વચ્ચે તો હિંસક સંઘર્ષ સુધીની નોબત આવી.

રામજન્મભૂમિ ન્યાસના મહંત નૃત્યગોપાલદાસ પર કથિત રીતે અભદ્ર ટિપ્પણી બાદ તેમના સમર્થકોએ તપસ્વી છાવણીના સંત પરમહંસદાસ પર હુમલો કર્યો અને મોટી સંખ્યામાં પોલીસદળ પહોંચાડ્યા બાદ જ પરમહંસદાસને ત્યાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા.

Image copyright ANI
ફોટો લાઈન તપસ્વી છાવણીના સંત પરમહંસદાસ

તો પરમહંસદાસને તપસ્વી છાવણીએ એવું કહીને કાઢી મૂક્યા કે તેમનું આચરણ અશોભનીય હતું અને તેઓ જ્યારે પોતાના આચરણમાં પરિવર્તન લાવશે ત્યારે જ તેમની છાવણીમાં વાપસી થશે.

આ વિવાદમાં માત્ર આ જ બે પક્ષો નથી, પરંતુ મંદિરનિર્માણના ઇરાદાથી અગાઉથી ચાલી રહેલાં ત્રણ અલગઅલગ ન્યાસ એટલે કે ટ્રસ્ટ સિવાય અયોધ્યામાં રહેનારા અન્ય ઊંચી પહોંચ ધરાવનાર સંત પણ સામેલ છે.

હકીકતમાં અયોધ્યા વિવાદ કોર્ટમાં હોવા છતાં રામલલા વિરાજમાનનું ભવ્ય મંદિર બનાવવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ત્રણ ટ્રસ્ટ સક્રિય હતાં.


અગાઉથી ત્રણ ટ્રસ્ટ

ફોટો લાઈન રામજન્મભૂમિ મંદિરનિર્માણ ન્યાસના જન્મેજય શરણ

આમાં સૌથી જૂનું ટ્રસ્ટ શ્રીરામજન્મભૂમિ ન્યાસ છે, જે વર્ષ 1985માં વિશ્વ હિંદુ પરિષદની દેખરેખ હેઠળ બન્યું હતું અને આ જ ટ્રસ્ટ કારસેવકપુરમમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મંદિરનિર્માણ માટે પથ્થરો પર નકશીકામ કરી રહ્યું છે.

બીજું ટ્રસ્ટ રામાલય ટ્રસ્ટ છે, જે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પછી વર્ષ 1995માં બન્યું હતું અને તેના ગઠન પાછળ તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિમ્હારાવની ભૂમિકા ગણાવાય છે.

જ્યારે ત્રીજું ટ્રસ્ટ 'જાનકીઘાટબડા સ્થાન'ના મહંત જન્મેજય શરણના નેતૃત્વમાં બનેલું શ્રીરામજન્મભૂમિ મંદિરનિર્માણ ન્યાસ છે.

આ ત્રણેય ટ્રસ્ટ હવે એવું કહે છે કે અગાઉથી જ મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ મોજૂદ છે, તો સરકારે કોઈ અન્ય ટ્રસ્ટ બનાવાની શું જરૂર છે.

આ બધાં ટ્રસ્ટ પોતાના નેતૃત્વમાં મંદિરનિર્માણ ટ્રસ્ટ બનાવવા માટે દબાણ કરી રહ્યાં છે.


મંદિર માટે કરોડો રૂપિયાનું દાન

Image copyright Getty Images

વીએચપીના નેતૃત્વવાળા શ્રીરામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ અને મણિરામદાસ છાવણીના સંત મહંત નૃત્યગોપાલદાસ છે.

રામમંદિર આંદોલન દરમિયાન મંદિરનિર્માણ માટે જે દાન એકત્ર કરાયું, કરોડો રૂપિયાની ધનરાશિ આ ટ્રસ્ટ પાસે છે, કેમ કે વીએચપીએ જ મંદિરનિર્માણ માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

આથી નિર્ણય બાદ વીએચપી નેતા અને તેની સાથે જોડાયેલા ધર્માચાર્યો આ ટ્રસ્ટના માધ્યમથી મંદિર બનાવાનો દાવો કરે છે અને તેના માટે અભિયાન ચલાવે છે.

જ્યારે રામાલય ટ્રસ્ટની રચના વર્ષ 1995માં દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સમેત 25 ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનિર્માણ માટે કરાઈ હતી.

તેની રચનામાં શ્રૃંગેરીપીઠના ધર્માચાર્ય સ્વામી ભારતી પણ સામેલ હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામાલય ટ્રસ્ટના સચિવ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મંદિર બનાવાનો તેમની પાસે કાનૂની અધિકારી હોવાનો દાવો કર્યો છે.

આ સંદર્ભે ગત અઠવાડિયે દિલ્હીમાં એક પત્રકારપરિષદ પણ યોજાઈ હતી.


'નવું ટ્રસ્ટ બનાવવાની જરૂર નથી'

બીબીસી સાથેની વાતચીતમાં સ્વામિ અવિમુક્તેશ્વરાનંદ કહે છે, "અયોધ્યામાં મસ્જિદ પડ્યા બાદ રામાલય ટ્રસ્ટ મંદિરનિર્માણનું નિમિત્ત બન્યું છે. મંદિરનિર્માણ ધર્માચાર્યોના માધ્યમથી જ થવું જોઈએ."

"એ માટે અમારે કોઈ સરકારી મદદ અને હસ્તક્ષેપની જરૂર નથી. સરકારે જો આમાં કોઈ મનમાની કરી તો અમે ન્યાયાલય પણ જઈ શકીએ છીએ."

રામાલય ટ્રસ્ટનો દાવો પણ શ્રીરામજન્મભૂમિ ન્યાસ જેવો છે. બંનેનું કહેવું છે કે તેમને મંદિરનિર્માણની જવાબદાર સોંપવામાં આવે અને નવું ટ્રસ્ટ બનાવાની જરૂર નથી.

રામાલય ટ્રસ્ટનો તર્ક છે કે તેની રચના બાબરી મસ્જિદ પડ્યા બાદ થઈ છે અને તેની અગાઉ બનેલાં ટ્રસ્ટ ગેરદાયદે છે.

જ્યારે વીએચપી અને શ્રીરામજન્મભૂમિ ન્યાસનું કહેવું છે કે મંદિરનિર્માણ માટે તેઓએ કાનૂની લડાઈ લડી છે, માટે મંદિર બનાવાનો અધિકાર તેમને છે.

જ્યારે આ વિવાદમાં મુખ્ય પક્ષકાર રહેલા નિર્મોહી અખાડાનું કહેવું છે કે નવું ટ્રસ્ટ જે પણ બને, તેમાં તેમની મહત્ત્વની ભૂમિકા હોય.

નિર્મોહી અખાડાની ભૂમિકાની વાત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં પણ કરી છે.


ફોટો લાઈન રામજન્મભૂમિના પૂજારી સત્યેન્દ્રદાસ

વળી શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ ન્યાસના અધ્યક્ષ જન્મેજય શરણ કહે છે, "સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવા માટે અધિકૃત કરી છે આથી એ અધિકાર કેન્દ્ર સરકારનો જ છે કે તે કોઈ નવું ટ્રસ્ટ બનાવે છે જે મંદિરનિર્માણ કરે."

"જો આ કામ માત્ર વિશ્વ હિંદુ પરિષદને જ આપવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું. તમામે અંગત સ્વાર્થ બાજુ પર મૂકીને મંદિરનિર્માણ પર ધ્યાન આપવું જોઈએ."

"સરકારે તમામ ન્યાસોના પ્રતિનિધિઓને સામેલ કરીને એક નવું ટ્રસ્ટ બનાવવું જોઈએ અને તેની દેખરેખ સરકારે કરવી જોઈએ."

બીજી તરફ રામ લલા વિરાજમાનના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ કહે છે કે ટ્રસ્ટનું ગઠન સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર થવું જોઈએ. તેમનું કહેવું છે કે કોઈ જૂના ટ્રસ્ટને તેનું કામ ન સોંપાવું જોઈએ.

તેમના અનુસાર, "સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ નવું ટ્રસ્ટ બનવું જોઈએ."

"રામમંદિરનિર્માણ નામ પર પહેલાથી જ બનેલા ટ્રસ્ટે ભેગી કરેલી સંપત્તિ અને ભંડોળ પણ આ સરકારી ટ્રસ્ટને સોંપી દેવાવું જોઈએ. સરકારે જે લોકો આવું ન કરે તેમની પાસે તેને બળજબરીપૂર્વક લઈ લેવું જોઈએ."

સત્યેન્દ્રદાસ કોઈનું નામ તો નથી લેતા પરંતુ નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્રદાસ સ્પષ્ટ રીતે કહે છે કે વિશ્વ હિંદુ પરિષદે મંદિરનિર્માણ પર ભેગી કરેલી ઈંટો, શિલાઓ અને રોકડ સરકારને સોંપી દેવી જોઈએ.


ઑડિયોક્લિપથી હલચલ

પરંતુ વિહિપ આટલી આસાનીથી આ બધું સોંપી દે એવું લાગતું નથી.

વિહિપના પ્રવક્તા શરદ શર્મા કહે છે કે કેન્દ્ર સરકાર તેમના કામની ઉપેક્ષા ન કરી શકે.

શરદ શર્મા કહે છે, "અમે વર્ષોથી મંદિરનિર્માણનાં કાર્યોમાં લાગેલા છીએ, અમારા સંગઠને આંદોલનનું નેતૃત્વ પણ કર્યું છે."

"દેશ-વિદેશના તમામ હિંદુઓનું અમને સમર્થન અને સહયોગ મળેલો છે. અમને એ વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદી અમારી સલાહ જરૂર લેશે."

મંદિરનિર્માણ માટે બનનારા ટ્રસ્ટ મામલેના વિવાદ સમયે બે મહંતો વચ્ચેની વાતચીતની એક ઑડિયો ક્લિપ વાઇરલ થતા આગમાં ઘી હોમાયું છે.

Image copyright Reuters

અયોધ્યામાં સંત સમુદાયો વચ્ચે પ્રસારિત થઈ રહેલી એક ઑડિયો ક્લિપમાં રામમંદિર આંદોલનમાં સક્રિય રહેલા વિહિપ નેતા અને ભાજપના પૂર્વ સાસંદ રામવિલાસ વેદાંતી કહી રહ્યા છે કે તેઓ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનવા માગે છે.

બીબીસીએ આ ઑડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી, પંરતુ આ ક્લિપે અયોધ્યાના સંતોમાં ઘણી હલચલ મચાવી દીધી છે.

આ ઑડિયો ક્લિપ કથિત રીતે રામવિલાસ વેદાંતી અને તપસ્વી છાવણીના પ્રમુખ મહંત પરમહંસદાસ વચ્ચેની વાતચીતની છે.

આ ઑડિયો ક્લિપમાં મહંત પરમહંસદાસ કથિત રૂપે રામજન્મભૂમિ ન્યાસના પ્રમુખ મહંત નૃત્યગોપાલ દાસ માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી નારાજ થઈને નૃત્યગોપાલદાસના સમર્થક સાધુઓએ તેમના ઘર પર હુમલો કર્યો હતો.

નૃત્યગોપાલદાસ ટ્રસ્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને સામેલ કરવાની માગ પણ કરી ચૂક્યા છે.

વળી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિ પણ આ વાતને સમર્થન આપી ચૂક્યા છે.

જ્યારે આ ઑડિયો ક્લિપમાં રામવિલાસ વેદાંતી અને પરમહંસદાસ યોગી આદિત્યનાથને સામેલ કરવા માટે એટલા માટે વિરોધ કરતાં સંભળાઈ રહ્યા છે, કેમ કે તેઓ રામાનંદ સંપ્રદાયમાંથી નહીં પણ નાથ સંપ્રદાયમાંથી આવે છે.

જોકે, રામવિલાસ વેદાંતી આ વાતચીતથી સ્પષ્ટ ઇન્કાર કરે છે જ્યારે પરમહંસદાસ આ મુદ્દે હજુ પણ કંઈ બોલી નથી રહ્યા.

પરંતુ મહંત નૃત્યગોપાલદાસ ઉપર પરમહંસદાસ કેટલાક ગંભીર આરોપ લગાવી રહ્યા છે.

Image copyright EPA

અયોધ્યામાં વર્ષોથી મંદિર આંદોલનને નજીકથી નિહાળનારા સ્થાનિક પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠી કહે છે, "સુપ્રીમ કોર્ટે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના વિવાદને ભલે ખતમ કરવાની કોશિશ કરી છે પરંતુ હવે અયોધ્યામાં સાધુ-સંતો વચ્ચ વિવાદ અને ટકરાવ વધી જશે."

"આ વાતની શક્યતા પહેલાથી જ હતી કે ટ્ર્સ્ટનો ભાગ બનવા માટે હિંદુવાદી સંગઠનો વચ્ચે અંદરોઅંદર ટકરાવ થશે."

"પરંતુ હવે જે રીતે સ્ટિંગ ઑપરેશન અને એકબીજા પર શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે તેનાથી વિવાદ વધવાની શક્યતા છે."

"હજુ તો અન્ય પણ કેટલાક સંતો છે જે આ નિર્ણયની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે તેઓ પણ માગ કરશે કે તેમને પણ ટ્રસ્ટમાં સામેલ કરી લેવામાં આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ