કાશ્મીરી કલાકારો સંઘર્ષને દુનિયા સામે કઈ રીતે રજૂ કરી રહ્યા છે અને શું બદલાયું છે?

"મેં ચાવી લટકાવવાનું એક હેંગર બનાવ્યું છે, તેની તસવીર તમને મોકલીશ."

મલિક સજ્જાદ કાશ્મીરની ગ્રાફિક નવલકથાના લેખક છે. તેઓ 'ગ્રેટર કાશ્મીર' અખબારમાં કાર્ટૂન પણ બનાવે છે. સજ્જાદ 15 વર્ષના હતા ત્યારથી આ કામ કરતા આવ્યા છે.

પાંચ ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને લગતી બંધારણની કલમ 370 રદ કરી દીધા બાદ કાશ્મીરમાં તમામ પ્રકારે પ્રતિબંધ લગાવાયા છે.

આથી નવરાશનો સમય પસાર કરવા માટે મલિક સજ્જાદે ચાવી લટકાવવા માટેનું હેંગર બનાવ્યું. પોતાની ભત્રીજીઓ માટે કાગળમાંથી રમકડાં બનાવ્યાં.

એક દિવસ મલિક સજ્જાદના ભત્રીજાએ બટમાલૂમાં ઘરની ઉપર ડ્રોન ઊડતું જોયું. તેણે કાકાને કહ્યું કે આવું કોઈ ઊડતું રમકડું બનાવી આપો.

સાડા ત્રણ વર્ષના ભત્રીજાની માગણી પછી સજ્જાદે કાર્ડબોર્ડમાંથી એક હેલિકૉપ્ટર બનાવી આપ્યું. ત્રણ દિવસ તેમને રમકડાનું હેલિકૉપ્ટર બનાવતા થયા હતા.

સજ્જાદ કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં તેમણે બસ આ પ્રકારના કામ જ કર્યા છે.

કાશ્મીરમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષની રાજકીય ચર્ચાથી દૂર આવા કલાકારો પોતાની રીતે દુનિયા સામે આ સંઘર્ષને રજૂ કરી રહ્યા છે.


હજી તો ઘણી તકલીફો ભોગવવાની છે...

મલિક સજ્જાદ કહે છે તેમની આ પ્રવૃત્તિઓ કાશ્મીરની સ્થિતિ અને કલાકારોનું રોજિંદું જીવન વ્યક્ત કરી રહી છે.

જોકે સજ્જાદે પોતે બનાવેલી ચાવીની ખૂંટીની તસવીર મોકલી નહીં. તેઓ મોકલી જ ના શક્યા, કેમ કે પાંચ ઑગસ્ટથી કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ છે.

સજ્જાને જૂન 2015માં મુન્નૂ એવા નામે ગ્રાફિક નવલકથા લખી હતી. ફોર્થ એસ્ટેટ નામના પ્રકાશકે તે છાપી હતી. મુન્નૂની કહાની કાશ્મીરીના એક કિશોરની છે, જે પોતાના નસીબનો માર્ગ જાતે કંડારવા માગે છે.

કાશ્મીરી હરણ હાંગુલ નામશેષ થવાને આરે છે, તેની વાત કહીને, તેને મનુષ્યના રૂપમાં પરિવર્તિત થતા બતાવીને તેમણે કાશ્મીરની સ્થિતિની વાત અભિવ્યક્ત કરી છે.

આ કથામાં હાંગુલ કાશ્મીરના આમજનતાના પ્રતીક તરીકે આવે છે. નવલકથામાં સજ્જાદે હાંગુલની સ્થિતિનો પ્રતીકાત્મક ઉપયોગ કરીને લોકોની માનસિક સ્થિતિ કેવી છે તે દર્શાવ્યું છે.

ત્યારપછી સજ્જાદ કાશ્મીરની બદલાયેલી સ્થિતિનું વિશ્લેષણ પૂર્ણ રીતે કરી શક્યા નથી.

કાશ્મીરની વર્તમાન સ્થિતિને કારણે તેઓ જે અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે, તે એક કલાકાર તરીકે તેમને સ્પર્શ્યા વિના રહી શકે તેમ નથી.

સજ્જાદ કહે છે કે હજી પણ વધારે તકલીફો ભોગવવી પડશે એમ લાગે છે. કદાચ હજીય વધારે ખરાબ સમય આવવાનો છે.

આ પ્રતિબંધો વચ્ચે એક શાદીનો પ્રસંગ યોજાયો હતો તેના વિશે પણ સજ્જાદે એક પ્રકાશક માટે લખ્યું છે.


વર્તમાન રાજકીય માહોલ

દિલ્હીના કલાકાર ઇંદર સલીમ મૂળ કાશ્મીરના રહેવાસી છે. તેઓ કહે છે કે કલાકાર હંમેશાં ખોટા પ્રચાર અને સંકુચિત વિચારસરણીનો વિરોધ કરતો હોય છે.

સલીમ કહે છે, "હું તેને કલાકારો માટે ધ્યાનમાં બેસવા જેવી વાત કહું છું. કલાકારોની રીતે સીધી પ્રક્રિયા અધૂરી હોય છે."

તેઓ એવું પણ કહે છે કે ભારતની કોઈ આર્ટ ગેલેરી આવી કલાકૃતિઓનું પ્રદર્શન ના કરે તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.

ઇંદર સલીમ તેમના ઉદ્દીપક જેવા પર્ફૉમન્સ આર્ટ માટે જાણીતા છે. તેમણે પત્રકાર સતીષ જેકબ સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરી છે.

તેઓએ અરજી કરીને કલમ 370ની નાબૂદી અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના રાષ્ટ્રપતિના વટહુકમને પડકાર્યો છે.

સલીમ કહે છે, "મારું અસલી કામ મારી અરજી છે, જે અત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડી છે. વર્તમાન રાજકીય માહોલમાં કાશ્મીર વિશે જે ચર્ચાઓ થઈ રહી છે, તેને કલાકારો તરફથી સમર્થન નથી. કેમ કે તેમાં કલાકારોનો અભિપ્રાય ધ્યાને લેવાયો નથી."

કાશ્મીરના કલાકારો કહે છે કે આવી પરિસ્થિતિમાં સર્જાનારી કલા વર્તમાનનો એક અલગ પ્રકારનો દસ્તાવેજી પુરાવો પણ બની શકે છે.


જમ્મુ અને કાશ્મીરની કલા અને સંસ્કૃતિ

આજની તારીખમાં જમ્મુ અને કાશ્મીરની કલા, સંસ્કૃતિ અને ભાષાની અકાદમીઓ તદ્દન નિષ્ક્રિય થઈ ગઈ છે.

14 જૂન 2016ના રોજ શ્રીનગરમાં દ્વિવાર્ષિક કલા પ્રદર્શન યોજવાની જાહેરાત થઈ હતી. પરંતુ આજ સુધી તે યોજાયું નથી. 2014માં કાશ્મીરમાં એક આર્ટ ગેલેરી ખુલી હતી, પણ બાદમાં તેને બંધ કરી દેવાઈ હતી.

કલાકાર સૈયદ મુજતબા રિઝવી કહે છે કે છેલ્લા 40 વર્ષથી કાશ્મીર ખીણમાં પોતાના માટે એક જગ્યા શોધવા માટે કલાકારો કોશિશ કરી રહ્યા છે.

રિઝવીએ એક જૂની સરકારી ઇમારતમાં ગેલેરી વન નામે આર્ટ ગેલેરી ખોલી હતી. બાદમાં તેને બંધ કરી દેવાઈ હતી.

જોકે કાશ્મીર ખીણના કલાકારો કહે છે કે ભલે તેમની કલાનું પ્રદર્શન ના થતું હોય, તેઓ પોતાની કલાના સર્જનમાં લાગેલા છે.

ભલે ખીણમાં કરફ્યૂ લાગે કે પ્રતિબંધ લાગે, તેઓ પોતાનું કામ કરતા રહે છે. ઘણી વાર કલાકારો આ સંઘર્ષને પોતાના સર્જન માટે પ્રતીક તરીકે પણ પ્રયોજે છે. સંઘર્ષને પણ તેઓ પોતાની કલાના માધ્યમથી વ્યક્ત કરે છે.

ઇંદર સલીમે પેલેટમાંથી કેટલાક ઘરેણાં બનાવ્યા છે. તેનું નામ તેમણે 'ઑર્નામેન્ટ્સ પેલેટેડ' એવું આપ્યું છે.

તેઓ કહે છે, "કાશ્મીરમાં ચાલી રહેલા યુદ્ધના અવશેષો ત્યાંના લોકોની જિંદગીનો હિસ્સો બની ગયા છે. તે તેમની કલા, સંસ્કૃતિ અને નૃત્યના માધ્યમથી પ્રગટ થાય છે."

તેઓ કહે છે કે લોકો ઘરેણાંનો ઉપયોગ શરીરના શણગાર માટે કરે છે, પણ કાશ્મીરમાં લોકોના શરીર પર પેલેટના ઘા પડેલા છે.


રાજકીય-સાંસ્કૃતિક સંકટ

ફોટો લાઈન ઈંદર સલીમ

કાશ્મીરમાં લોકો ખાલી કારતૂસને તાવીજ બનાવીને પહેરે છે અથવા તો તેની માળા બનાવીને ગળામાં પહેરે છે તે વાત હવે નવી નથી રહી.

ઇંદર સલીમ કહે છે કે આ એક કલાકારની સાધનાનું ઉદાહરણ છે.

મલિક સજ્જાદ 1987માં શ્રીનગરમાં જન્મ્યા હતા. તેઓ આઝાદી પછીથી કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય અને સાંસ્કૃતિક ઉથલપાથલના સાક્ષી બની રહ્યા છે.

તેઓ કહે છે, "એક કલાકાર અને લેખક તરીકે મારા માટે દુનિયાની ગતિ બહુ ઝડપી છે. એવું લાગે છે કે પોરો ખાવાની કોઈ શક્યતા જ નથી રહી."

"આવા માહોલમાં કલા તમારી લાગણી અને અનુભવોની અભિવ્યક્તિ છે, જે બહુ મહત્ત્વની બની જાય છે."

જોકે આ વખતે લોકોમાં બહુ અજબ પ્રકારનો સન્નાટો છે. લોકોના મનમાં ડર અને ગભરાટ છે. કાશ્મીરમાં છવાયેલા કાળા વાદળોની જેવી સ્થિતિને મલિક સજ્જાદ હજીય સાનુકૂળ થઈ શક્યા નથી.

તેઓ કહે છે, "હું મારા ભત્રીજા અને ભત્રીજીઓ માટે કલાકૃત્તિઓ બનાવી રહ્યો છું. હું મારા દોસ્તો અને કાશ્મીરની આવનારી પેઢી માટે આ રચનાઓ કરી રહ્યો છું.

"હું ભારતની આર્ટ ગેલેરીઝ અને શોપિંગ મૉલ્સમાં જાઉં છું, જેથી ત્યાંની એસીની ઠંડી હવાને અંદર શ્વસી શકું. મને તેની જરૂર એટલા માટે પડે છે કે હું ભારતમાં બીજા પ્રદેશોમાં જાઉં ત્યારે ત્યાં મારા સહન કરવી મુશ્કેલ એવી ગરમી અને ધૂળ થાય છે.

"સેન્સરશીપની વાત છે ત્યાં સુધી મને નવાઈ લાગી રહી છે, પણ મને કોઈ ખાસ આશા પણ નથી.

"બીજી પણ એક વાત છે. દુનિયા બહુ મોટી છે. એવા લોકો પણ છે, જે અટકીને તમારી વાત સાંભળે છે, તમારી લાગણીમાં ભાગીદાર બને છે.

"તેથી સંપૂર્ણ રીતે નિરાશ થઈ જવું, તે આ લોકોના અસ્તિત્વને નકારી દેવા જેવું થશે."


બંકર અને કાંટાળી તાર પાછળ કેદ છે કાશ્મીર

ફોટો લાઈન કલાકૃતિ સાથે કલાકાર મસૂદ હુસૈન

આજે સમગ્ર કાશ્મીરમાં બંકરો બની ગયા છે. રસ્તાઓ કાંટાળા તાર લગાવીને બંધ કરી દેવાયા છે.

શ્રીનગરમાં લાંબો સમય રહેલા કલાકાર મસૂદ હુસૈન કહે છે કે કાશ્મીરની આ સ્થિતિ જ કલાકારો માટે પ્રેરણાનો સ્રોત બની શકે છે.

અટવાઇ ગયેલી ટેપમાં કાશ્મીરનો અવાજ કેદ થઈ ગયો છે. આ ટેપમાંથી ક્યારેય ગઝલો સાંભળવામાં આવતી હતી તે લાંબા સમયથી ખામોશ થઈ ગઈ છે.

64 વર્ષના મસૂદ હુસૈને કાશ્મીરના ઇતિહાસને પોતાની કૃત્તિઓમાં પ્રતીકાત્મક રૂપે ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે. એક કેનવાસ પર મસૂદ હુસૈને પાંડુલિપિની તસવીર બનાવી છે.

મસૂદ કહે છે કે છેતરપિંડી તરફની તેમની આ પ્રતિક્રિયા છે. તેમણે શેખ અબ્દુલ્લા અને જવાહર લાલ નહેરુ વચ્ચે વાતચીત ચાલતી હોય તેવું ચિત્ર પણ કર્યું છે. તેમાં બંને નેતાઓને કલમ 370 પર ચર્ચા કરતા બતાવ્યા છે.

તે પછીના પાના પર તેમણે વૉટર કલરમાં ઘેટાઓનું ટોળું બતાવ્યું છે. આ ઉપરાંત તેમણે કાશ્મીરમાં મળી આવેલા પહેલી સદીના કુષાણ યુગના સિક્કાનું પણ પેઇન્ટિંગ બનાવ્યું છે.

સાથે જ તેમણે મોગલ કાળના સિસ્કાઓને પણ દોર્યા છે, જેથી કાશ્મીર પર બધા જ બાદશાહોની જીતના પ્રસંગો બતાવી શકાય.

મસૂદ હુસૈને કરેલા ચિત્રોમાં છેલ્લા પાના પર એક ડૂબેલી હોડી છે, જે નારંગી રંગના પડદાની પાછળ છુપાયેલી બતાવી છે.

મસૂદ હુસૈને શ્રીનગરથી ફોન પર વાત કરતાં કહ્યું કે "પહેલા મારું પેઇન્ટિંગ આશા જગાવનારું રહેતું હતું. આ વખતે પહેલીવાર એવું થયું છે કે મેં આશાભરી કૃત્તિથી અંત લાવવાના બદલે બરબાદી ચીતરી છે."

"દરેક યુગમાં કલાકારોની ખાસ ભૂમિકા હોય છે. તેમણે સમાજમાં એક પાત્ર ભજવવાનું હોય છે.

"ભારતની આર્ટ ગેલેરીઝમાં અમારી કલાનું પ્રદર્શન નથી થતું. છેલ્લા ત્રીસ વર્ષથી મેં સંઘર્ષને પીછીથી આંક્યો છે."


કલાનો આશરો

કાશ્મીરમાં પાંચ ઑગસ્ટે પ્રતિબંધો લાગ્યા તે પહેલાંથી જ મસૂદ હુસૈન વિસ્તસ્તા નામની સિરીઝથી પેઈન્ટિંગ્ઝ કરી રહ્યા હતા.

કાશ્મીરની ઝેલમ નદીનું સંસ્કૃત નામ વિસ્તસ્તા છે. હુસૈન કહે છે કે આ નદી કાશ્મીરની પીડાની સાક્ષી રહી છે.

હુસૈન એક બીજા મિશન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ શ્રીનગરથી 20 કિલોમિટર દૂર એક એવી જગ્યા તૈયાર કરી રહ્યા છે, જે આગળ જતા કલાનું આશ્રયસ્થાન બની રહે.

તેઓ કહે છે, "હું ઇચ્છું છું કે બધી જગ્યાએથી કલાકારો અહીં આવે અને કામ કરે. મેં આ જગ્યાની ફરતે દિવાલ બનાવી છે."

"તે બનાવવામાં મેં મારી જિંદગીભરની કમાણી લગાવી દીધી છે. હવે આગળ શું થશે તેની મને ખબર નથી."

મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભણ્યા પછી મસૂદ 1980ના દાયકામાં કાશ્મીર પરત ફર્યા હતા. તેઓ શ્રીનગરના જૂના વિસ્તારોમાં રહેતા હતા.

તેઓ કહે છે કે તે દિવસોમાં પિકનિક થતી હતી. કલાકારોના કેમ્પ લાગતા હતા. તેઓ કુદરતની ખૂબસુરતીને કેનવાસ પર ઉતારતા રહેતા હતા.

હુસૈન કહે છે કે તે જમાનામાં શ્રીનગરમાં રિવર વ્યૂ નામની એક હોટેલ હતી. તેમાં કલાકારો માટે હૉબી ક્લાસીઝ ચાલતા હતા. 1960ના દાયકામાં તે હોટેલ આગમાં રાખ થઈ ગઈ.

હુસૈન જૂના દિવસો યાદ કરતા કહે છે કે 1980ના દાયકાના અંતમાં કાશ્મીર ખીણમાં સ્થિતિ બદલવા લાગી હતી. મહિનાઓ સુધી કાર્યવાહી ચાલતી હતી અને તેના કારણે હિંસાનો ભય સતત રહેતો હતો.

જોકે હિંસા વચ્ચે પણ કલાકારોની પીંછી કંઈ અટકતી નથી એમ હુસૈન કહે છે. તેઓ પણ ચિત્રો દોરતા રહ્યા હતા. તેમને આશા હતી કે કોઈ ને કોઈ તેને જોશે અને સમજશે કે કાશ્મીરમાં રહેવું એટલે શું.

એક એવો પણ સમય હતો કે સૈયદ રિઝવી શ્રીનગરમાં પોતાના જ ઘરમાં બનેલા સ્ટુડિયોમાં રાતદિવસ કામ કરતા રહેતા હતા.

આ વખતે ચુસ્ત બંદોબસ્ત રહેશે તેવી તેમને આશંકા હતી, તેથી તેમણે પોતાની કલાકૃત્તિ માટે કેટલાક સામાન મગાવી લીધો હતો. રંગો, કેનવાસ વગેરે તેમણે મગાવીને રાખ્યા હતા.

જોકે પાંચ ઑગસ્ટ પછી એવી સ્થિતે પેદા થઈ છે કે તેઓ પોતાના સ્ટુડિયોમાં જાય છે, પણ એક પ્રકારનો અજબ ખાલીપો અનુભવે છે.


કાશ્મીરની સ્થિતિ

રિઝવી કહે છે, "કાશ્મીરમાં પ્રતિબંધો મૂકાયા, તેના પ્રથમ 30 દિવસ સુધી તો મેં કશું કર્યું નહોતું. તે પછી સ્ટુડિયોમાં જઈને કામ કરવા માટે મારે ખુદને મજબૂર કરવો પડ્યો હતો."

"મારું માનસિક સંતુલન જળવાઈ રહે તે માટે મારે આમ કરવું પડ્યું હતું. આખરે મેં કેનવાસ પર બે નાના ચિત્રો બનાવ્યા ને બે ડ્રોઇંગ્ઝ કાગળ પર બનાવ્યા છે. તેના કારણે મારામાં ઉલટાનો રોષ વધી ગયો."

રિઝવીએ પોતાના એક પેઇન્ટિંગને 'એક મસ્જિદ મેં અમન-ચૈન' એવું શિર્ષક આપ્યું છે.

તેમનો ઇરાદો ભારતીય મીડિયામાં ચાલી રહેલા દુષ્પ્રચાર તરફ ઇશારો કરવાનો હતો. આ મીડિયા કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તેવો દાવો કરતા રહે છે.

તેમણે હકીકતમાં શ્રીનગરની જામિયા મસ્જિદની એક મિનાર દોરી છે. ત્યાં છેલ્લા ત્રણ મહિનાથી નમાઝ પઢવાની મનાઈ કરવામાં આવી છે.

જોકે, પાંચ ઑગસ્ટ પહેલાં પણ અહીં ઘણી વાર લોકોને નમાઝ પઢતા રોકવામાં આવતા હતા.

રિઝવી કહે છે, "મેં આ ચિત્ર બનાવવા માટે એક્રેલિક પેઇન્ટનો વધારે ઉપયોગ કર્યો છે. પહેલાં કેનવાસ પર એક પર એક લેયર બનાવ્યા. પછી સર્જરી માટે ઉપયોગમાં લેવાતા સાધનથી રંગો સૂકાઈ જાય તે પહેલાં તેને કાપતો રહ્યો."

"તે રીતે જાતજાતના ટેક્સ્ચર, ઘા અને બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવું દૃશ્ય ઉપસ્યું છે. તેના માધ્યમથી મેં કાશ્મીરના શરીર પર સતત વહી રહેલા લોહીને સાંકેતિક રીતે વ્યક્ત કરવાની કોશિશ કરી છે."

રિઝવીના બીજા એક ચિત્રમાં એક મહિલા પોતાની ગોદમાં બાળકનું શબ લઈને બેઠેલી છે.

તેમણે રિડન્ડન્ટ કન્વર્ઝેશન્સ એટલે કે નકામી વાતચીત એવા નામે સિરીઝ બનાવી હતી, તેમાંનું આ ચિત્ર છે. તેમણે ગયા વર્ષે આ સિરીઝ પર કામ શરૂ કર્યું હતું.

રિઝવી માને છે કે જે પ્રદેશમાં સંઘર્ષ જાગતો હોય છે, ત્યાં કલા પણ ફૂલતીફાલતી હોય છે.

તેઓ કહે છે, "પરંતુ કલાને લોકો સુધી પહોંચાડવાની વાત કરીએ તો તે સંદર્ભમાં કલા મરી જાય છે. 2019નું વર્ષ લગભગ પૂરું થવામાં છે. આ વર્ષે અમે કન્ટેમ્પરરી આર્ટનો દસમો વાર્ષિક શૉ કરવાના હતા."

"2010થી અમે આ આર્ટ શૉ શરૂ કર્યો છે, પણ પહેલીવાર અમે પ્રદર્શન કરી શકીશું નહિ. આજે કોઈ પણ કાશ્મીર કલાકારોની કૃત્તિઓનું પ્રદર્શન કરવા નથી માગતું. શ્રીનગર દ્વિવાર્ષિક પ્રદર્શન પણ હાલમાં અટકી પડ્યું છે."


કાશ્મીરની કુદરતી ખૂબસુરતી

એક સમય એવો પણ હતો કે કાશ્મીરના કલાકાર પંડિત વીર મુંશી, ડાલ સરોવર અને કાશ્મીરની કુદરતી ખૂબસુરતીના લેન્ડસ્કેપ બનાવતા હતા.

જોકે 1990માં પંડિત વીર મુંશીએ કાશ્મીર છોડી દેવું પડ્યું. તેઓ હવે દિલ્હીમાં રહે છે, પણ કાશ્મીર આવતા-જતા રહે છે.

પાંચ ઑગસ્ટે કલમ 370 નાબુદીની જાહેરાત થઈ ત્યારે વીર મુંશી શ્રીનગરથી દિલ્હી વિમાનમાં આવવા રવાના થયા હતા.

મુંશી હાલમાં પોતાના છુટ્ટી ગયેલા વતન એટલે કે કાશ્મીર પર એક લઘુ ચિત્ર બનાવી રહ્યા છે. તેમાં કાચના એક મેદાનમાં બહુમાળી ઇમારતોના નાના નાના મૉડેલ બનાવવામાં આવ્યા છે.

આ ઇમારતો વચ્ચે શાકભાજી ભરેલી હોડીઓને તરતી બતાવાઇ છે. શહેરીજનો નગરના અજબ એવા આતંકના કાલ્પનિક રહસ્ય સાથે જાણે કાશ્મીરના ગૂમ થયેલા લોકો હોય તેવી રીતે ફરી રહ્યા છે.

આવી રીતે વીર મુંશીએ પોતાની માતૃભૂમિની સ્થિતિની કલ્પના કરી છે. જોકે કાશ્મીરમાં વસાહતી તરીકે ઓળખ માટેની કલમ 35એ યોગ્ય હતી કે અયોગ્ય તે વિશે તેઓ કશું કહેવા તૈયાર નથી.

મુંશી કહે છે, "હું રાજકીય વિશ્લેષક નથી કે રાજકીય કાર્યકર પણ નથી. હું ગુરુગ્રામમાં મારા ઘરની બારીની બહાર જોઉં છું તો મને સાયબર હબ દેખાય છે. મારા માટે કદાચ આ જ વિકાસ છે."

"હું મારા ડાલ સરોવરમાં હલેસાથી ચાલતી હોડીઓની જગ્યાએ મોટરબોટ તરતી જોવા માગતો નથી."

તેઓ કહે છે, "કલા હકીકતમાં તમારા વ્યક્તિત્વનો જ વિસ્તાર છે. મારા કિસ્સામાં આ સંઘર્ષ મારા પાત્રની જ એક બાજુ છે. તકલીફ ત્યાં જ છે."

"જોકે મને મારા બાપદાદાની ભૂમિ પર પરત ફરવાની તક મળશે, ત્યારે જ હું માનીશ કે વચન પૂરું થયું. હું ત્યાં જમીન ખરીદીને એક સ્ટુડિયો બનાવવા માગું છું."


રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન

કાશ્મીરમાં પાંચ ઑગસ્ટથી પ્રતિબંધો લાગ્યા તેના થોડા દિવસ પહેલાં ખૈતુલ અબાયદે પોતાના ચિત્રો અને સામયિકોને લોખંડની પેટીમાં બંધ કરીને તેના પર ધાબળો વીંટાળી દીધો હતો.

ખૈતુલ અબાયદ અનંતનાગની વતની છે અને તેના ભાઈ કાઝી શિબલીને જુલાઈના અંતમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ પકડી લેવામાં આવ્યો હતો. કાઝી શિબલી ઑનલાઈન મેગેઝીન કાશ્મીરિયતના તંત્રી છે.

ભાઈને જેલમાં પૂરી દેવાયો ત્યારથી જ ખૈતુલ પણ પોતાની સલામતીની ચિંતામાં પડી ગઈ હતી. તેમને ડર હતો કે પોતાનું ઘર સળગાવી દેવાશે.

કમ સે કમ લોખંડની પેટીમાં તેમના ચિત્રો સલામત રહી જશે એમ તેમને લાગ્યું હતું.

પેટીના કોઈને હાથ લાગશે તો સમજશે કે આ કોઈ કલાકારના ચિત્રો છે. તેને ખ્યાલ આવશે કે ખૈતુલે કલમ 370ની નાબુદી પછી કલાકારની દૃષ્ટિએ તેનું નિરુપણ કર્યું હતું.

ખૈતુલ કાશ્મીર યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે અને લાહોરની બીકૉનહાઉસ નેશનલ યુનિવર્સિટીમાં પણ ભણી છે. તે ડ્રોઇંગ કરવા ઉપરાંત ગ્રાફિક નવલકથા પણ લખે છે.

ખૈતુલ માને છે કે ચિત્રોના માધ્યમથી સંઘર્ષનું નિરુપણ કરવું તે સૌથી શક્તિશાળી અને સંતુલિત માધ્યમ છે.

તેમની ગ્રાફિક નવલકથામાં વેરાન પડેલા ખંઢેરોના માધ્યમથી તબાહી અને સંઘર્ષની કથા કહેવામાં આવી છે.

હાલમાં ખૈતુલ એક નાની બાળકીની કથા પર ડ્રોઇંગ બનાવી રહી છે. આ સંઘર્ષ વચ્ચે બાળકોની જન્મ થયો અને ઉછરી છે, જેની કથાનું નામ ખૈતુને ઉલ્ફત એવું આપ્યું છે.


પ્રતિબંધો પછી

ખૈતુલ અબાયદ કહે છે, "આપણે જ્યારે હિંસક સંઘર્ષની વાત કરીએ છીએ, ત્યારે તેમાં આંકડાં પર ભાર મૂકવામાં આવે છે."

"હું મારી નવી સિરિઝમાં આ આંકડાં પર વિસ્તારથી વાત કરવાની સાથે, માનવીય લાગણીઓ પર હિંસાની અસર કેવી થાય છે તેના પર વધુ ભાર મૂકી રહી છું."

ખૈતુલ ઉમેરે છે, "મારી કૃતિમાં માર્યા ગયેલા લોકોનો આંકડો દર્શાવવાની સાથે, મરનાર વ્યક્તિ પહેલાં શું હતી અને પોતાની પાછળ કેવી દુનિયા છોડી ગઈ છે તેના પર ભાર મૂકી રહી છું."

"હું એક કોયડા તરીકે આ વાતોને વિસ્તારથી જણાવવાની કોશિશ કરી રહી છું."

ખૈતુલ હાલમાં ન્યૂ યોર્કમાં એક ફેલોશીપ પર કામ કરી રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં જેમના મોત થયા હોય તેવી પોતાના કુટુંબની મહિલાઓના સ્કેચ સાથેના ચિત્રો તેઓ બનાવી રહ્યા છે.

ખૈતુલ કહે છે, "મને નથી લાગતું કે મારી કલાને કારણે ખાસ કોઈ પરિવર્તન આવે.

ખાસ કરીને હાલમાં આપણે જે દુનિયામાં છીએ તેમાં પરિવર્તન આવે તેવું લાગું નથી. જોકે કલાનો જન્મ કોઈ અપેક્ષાથી નથી થતો, તે તો માત્ર આશા જગાવતી હોય છે."

પ્રતિબંધો લાગ્યા પછી ખૈતુલે તેનો હિસાબકિતાબ પોતાની કલામાં રાખવાનું નક્કી કર્યું છે.

તે કહે છે, "આ ખૂનખરાબામાં પણ આપણે બચી ગયા છીએ. તેના કારણે જ અમારા દિલમાં એક ઇચ્છા જાગી છે. તેણે મને મજબૂર કરી કે હું ફરી કલા તરફ પાછી વળું."

"ઑગસ્ટથી અત્યાર સુધીમાં બનાવેલી ઘણી કૃત્તિઓમાં મેં કાશ્મીરના લોકોની લાગણીઓને વ્યક્ત કરવાની કોશિશ કરી છે. તેને કદાચ કાશ્મીરમાં રહેતા લોકો જ સમજી શકશે."

કાશ્મીરી કલાકારોની આ કૃત્તિઓ કદાચ ગુમનામ જ રહી જશે, કેમ કે ભૂતકાળમાં એવું જ થયું છે.

તેનું કારણ એ પણ છે કે કાશ્મીરમાં સ્થિતિ 'સામાન્ય' છે તેવો દાવો કરવામાં આવે છે, તેનાથી વિપરિત સ્થિતિ આ કૃત્તિઓ વ્યક્ત થઈ રહી છે.

કદાચ ઇન્ટરનેટ સેવા શરૂ થશે ત્યારે તેને સોશ્યલ મીડિયામાં મૂકી શકાશે. હાલમાં તો આ કલાકૃત્તિઓ કલાકારોના પોતાના સંગ્રહમાં જ છે.

તમે તેને તબાહીની વાત કરનારા લોકોનો સામૂહિક કલાસંગ્રહ તરીકે અથવા તો વર્તમાન સ્થિતિમાં કલાકારોની સામૂહિક પ્રતિક્રિયા તરીકે પણ જોઈ શકો છો. અથવા તો પછી સલીમ કહે છે તે પ્રમાણે તમે તેને 'કલાકારોની સાધના' પણ કહી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ