અલ્તાફ હુસેન : જેના નામથી કરાચી ધ્રૂજતું એ હિંદુ રાષ્ટ્રને સમર્થન આપી નરેન્દ્ર મોદી પાસે શરણ કેમ માગે છે?

અલ્તાફ હુસેન Image copyright Getty Images

અલ્તાફ હુસેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરી છે કે તેમને અને તેમના મિત્રોને ભારતમાં આશરો આપવામાં આવે. તેઓ ભારતની ભૂમિ પર દફનાવાયેલા પોતાના પૂર્વજોની કબર પર જવા માગે છે. આ માટે તેઓ બધી શરતો માનવા તૈયાર છે - રાજકારણ નહીં કરે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું સમર્થન કરશે અને એવું પણ નિવેદન આપશે કે ભારતને હિંદુરાષ્ટ્ર બનવાનો પૂર્ણ અધિકાર છે.

કંટાળો દૂર કરવા માટે લોકો યૂટ્યૂબ પર સ્ટેન્ડ-અપ કૉમેડિયનોને સાંભળતા હોય છે અથવા સિંહોની લડાઈ, મગરના જડબામાં ફસાયેલા જિરાફ કે પછી રંગબેરંગી પક્ષીઓના વીડિયો જોઈને મનોરંજન મેળવતા હોય છે.

મનોરંજનનો આનાથી સહેલો અને સસ્તો રસ્તો બીજો કોઈ નથી.

ભારતમાં ઘણા લોકોને એ ખબર નહીં હોય કે પાકિસ્તાનના એક રાજકીય પક્ષ 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના (MQM) સૌથી મોટા નેતા અલ્તાફ હુસેનનાં ભાષણો પણ લોકો મનોરંજન માટે સાંભળે છે. બહુ કંટાળો આવે ત્યારે હું પણ યૂટ્યૂબ પર અલ્તાફભાઈનાં ભાષણો સાંભળું છું.

અલ્તાફ હુસેન ભાષણ આપતાં રડવા લાગે છે, ગીતો ગાય છે, હુંકાર ભરે છે, ધમકાવે છે, શરમાઈ જાય છે, ચીસો પાસે છે અને જોક પણ સંભળાવે છે.

એક જ વાક્યને વારંવાર જુદી-જુદી રીતે બોલીને લોકોને ખડખડાડ હસાવે છે. જોકે, અલ્તાફ હુસેનનાં આવાં ભાષણો સાંભળીને તેમના વિરોધીઓ સમસમી જાય છે.


કરાચી થરથર ધ્રૂજતું

Image copyright Getty Images

અલ્તાફ હુસેનને તમે કદાચ ગંભીરતા ન લો, પણ તેમના બંદૂકધારી સાગરિતોની વાત ટાળવાની હિંમત કરાચીમાં કોઈ કરી શકતું નથી.

કરાચી શહેરમાં લોકો તેમના નામથી થરથરવા લાગે છે. એક જમાનામાં તેમના એક આહ્વાન સાથે કરાચીમાં કર્ફ્યુ લાગી જતો હતો.

સ્ત્રીઓ પોતાનાં બાળકોને ઘરની અંદર ખેંચી લે અને અને પોલીસ અધિકારીઓ રજા લેવા માટે દોડવા લાગે. તેમનો હુકમ ઉથાપનારની 'બોરી તૈયાર' કરી દેવાતી.

કરાચીમાં 'બોરી તૈયાર કરવા'નો ખાસ અર્થ થાય છે. મુત્તહિદા કોમી મૂવમૅન્ટના લડાકુઓ અને ખુદ અલ્તાફ હુસેન લોકોને ધમકાવે છે કે "તમે તમારું માપ તૈયાર રાખો, બોરી અમે તૈયાર કરીશું."

આવી સીધી સરળ ઉર્દૂમાં લોકોને સમજાવવામાં આવે અને ન સમજે એનું આવી બને.

થોડા દિવસ પછી કરાચીના કોઈ નાળામાં બોરીની અંદર ભરાયેલો તેમનો મૃતદેહ મળી આવે.

એંસીના દાયકામાં કરાચીમાં બોરીમાં ભરાયેલા મૃતદેહો મળવાની વાત સામાન્ય થઈ ગઈ હતી.

સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે વર્ષ 1992માં અલ્તાફ હુસેને પાકિસ્તાન છોડીને બ્રિટનમાં આશરો લેવો પડ્યો હતો.

હવે લંડનમાં પોતાના ઘરમાં બેઠા-બેઠા તેઓ ફોન પર કરાચીમાં સભાઓને સંબોધન કરવાનું કામ કરે છે.

લંડનમાં બેઠા-બેઠા સંગીતમય રીતે પોતાના વિરોધીઓને ચેતવણી આપતા હોય છે કે 'સમજી જાવ, નહીંતર તમારું પણ કરી નાખીશું... દમાદમ મસ્ત કલંદર'.


પીએમ મોદીને અલ્તાફ હુસેનની અરજ

Image copyright Getty Images

પાકિસ્તાનમાં જેમને ઍસ્ટાબ્લિશ્મૅન્ટ કહેવામાં આવે છે, તે તંત્રના લોકોએ અલ્તાફ હુસેનને હંમેશાં ભારતના એજન્ટ ગણાવ્યા છે.

ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ (રૉ) માટે અલ્તાફ હુસેન કામ કરતા હોવાના આક્ષેપ થતા રહ્યા છે.

આવા આક્ષેપો થાય ત્યારે અલ્તાફ હુસેન લંડનમાં બેઠા-બેઠા 'સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા...' એવા ગીતો ગાય અને વીડિયો અપલૉડ કરે.

જોકે, હવે અલ્તાફ હુસેનની ઇચ્છા છે કે તેમને અને તેમના સાથીઓને ભારતમાં રાજકીય આશ્રય આપવામાં આવે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર અનુસાર તેમણે ગયા અઠવાડિયે જ સોશિયલ મીડિયાના માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશરો આપવા માટેની અપીલ કરી.

તેમણે એવી પણ અરજ કરી કે થોડી નાણાકીય સહાય કરી દો, જેથી પોતે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં પોતાનો કેસ રજૂ કરી શકે.

તેમણે અયોધ્યામાં રામજન્મભૂમીના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વખાણ પણ કર્યા છે.


આ અલ્તાફ હુસેન છે કોણ?

Image copyright Getty Images

આ સવાલનો જવાબ એકથી વધુ રીતે આપી શકાય છે પણ તમે જો પાકિસ્તાનની 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના અનુયાયી હો તો તમારા માટે અલ્તાફ હુસેનનો દરજ્જો પયગંબરથી જરા પણ કમ નથી.

ભારતના ભાગલા થયા ત્યારે કોમી રમખાણો વચ્ચે ઇસ્લામી જન્નતનું સપનું જોઈને યુપી-બિહારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો પાકિસ્તાન હિજરત કરી ગયા હતા.

તે લોકોને પાકિસ્તાનમાં 'મુહાજિર' કહેવામાં આવે છે અને 'મુહાજિરના વંશજો' માટે અલ્તાફ હુસેન માર્ક્સ, લેનિન, માઓ અથવા ચે ગુએરાથી જરા પણ કમ નથી.

પાકિસ્તાનની પોલીસની દૃષ્ટિએ તેઓ એક ગૅંગ્સ્ટર, માફિયા ડોન, ગુનેગાર, હત્યારા અને આતંકવાદી છે.

બ્રિટનની પોલીસે પણ તેમના વિરુદ્ધ ઘૃણા ફેલાવવાના અને આતંકવાદને ઉત્તેજન આપવાના કેસ દાખલ કર્યા છે. હાલમાં તેઓ જામીન પર છુટેલા છે.

હવે તેઓ ભારતના વડા પ્રધાન પાસે આશરો માગી રહ્યા છે. આમ એક આખું ચક્કર પૂરું થઈ રહ્યું છે.

Image copyright Getty Images

મૌલાના અબુલ કલામ આઝાદે વર્ષ 1948માં ભારત છોડીને પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોને દિલ્હીની જામા મસ્જિદમાં સંબોધન કરીને સાવધ કર્યા હતા.

આઝાદે કહ્યું હતું, "મુસલમાનો, મારા ભાઈઓ, તમે આજે વતન છોડીને જઈ રહ્યા છો, ત્યારે તેનું શું પરિણામ આવશે તેનો વિચાર કર્યો છે ખરો?"

તે વખતે ઘણા મુસ્લિમ લિગીઓએ મૌલાના આઝાદને ધુત્કાર્યા હતા, પણ આજે અલ્તાફ હુસેનનો વિલાપ સાંભળીને લાગે છે કે મૌલાનાએ 70 વર્ષ પહેલાં જ ભાવિ ભાખી દીધું હતું.

પાકિસ્તાનનું સપનું જોઈ રહેલા મુસ્લિમોને તેમણે એમ પણ કહ્યું હતું: "તમે બંગાળમાં જઈને વસી જશો તો પણ હિંદુસ્તાની ગણાશો, તમે પંજાબમાં જઈને વસી જશો તો પણ હિંદુસ્તાની કહેવાશો."

"તમે સરહદી પ્રાંત કે બલૂચિસ્તાનમાં જશો તો ત્યાં પણ હિંદુસ્તાની ગણાશો. અરે તમે સિંધમાં જઈને વસી જશો તો પણ તમને હિંદુસ્તાની જ કહેવામાં આવશે."

સિંધના સૌથી મોટા નગર કરાચીમાં જઈને વસેલા મુહાજિરો અને તેમનાં સંતાનોને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું કે તેમને પાકિસ્તાનીમાં હિંદુસ્તાની જ ગણવામાં આવે છે.

આ કારણોસર જ 1984માં અલ્તાફ હુસેને મુહાજિરોને એકઠા કરીને 'મુહાજિર કોમી મૂવમૅન્ટની' સ્થાપના કરી હતી. બાદમાં તે સંગઠનનું નામ 'મુત્તહિદા કોમી મૂવમેન્ટ' (એમક્યુએમ) કરી દેવામાં આવ્યું હતું.


નાઇન-ઝીરોનો આતંક

Image copyright Getty Images

કરાચીમાં એમક્યુએમનું મુખ્ય મથક આવેલું છે તે વિસ્તારનો પીનકોડ નાઇન-ઝીરો છે. શહેરમાં આ વિસ્તારની ધાક અંડરવર્લ્ડ જેવી છે.

ઘણાં વર્ષ પહેલાં હું પાકિસ્તાનની ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે કરાચી ગયો હતો, ત્યારે મેં એક રિક્ષાવાળાને પૂછ્યું હતું - 'ભાઈ, નાઇન-ઝીરો ચલોંગે.'

આ સાંભળીને તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. પછી મને ઉપરથી નીચે તાકી-તાકીને એવી રીતે જોઈ રહ્યો હતો કે ણે હું કોઈ કૂવામાં કૂદી પડવાનો હોઉં.

નાઇન-ઝીરોમાં કોઈ ડૉનના અડ્ડા જેવી ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રહે છે. પક્ષના કાર્યકરો દરેક ગલીના નાકે ચોકી પહેરો ભરતા હોય છે.

કોઈની મજાલ નથી કે અંદર જઈ શકે. એમક્યુએમ કરાચીમાં હડતાલ પાડવાની જાહેરાત કરે પછી લોકોને ડરાવવા માટે સરાજાહેર એકે-47માંથી ગોળીઓ છોડવામાં આવતી હતી.

બૉમ્બ ફેંકાતા અને આખું શહેર યુદ્ધનું મેદાન હોય તેવી હાલત થઈ જતી હતી. આ બહુ જૂની વાત નથી, થોડાં વર્ષો પહેલાં સુધી આવી સ્થિતિ હતી.

આ બધી જ કાર્યવાહી અલ્તાફ હુસેન હજારો માઈલ દૂર લંડનમાં બેઠા-બેઠા નિયંત્રિત કરતા હતા.

જો અલ્તાફ હુસેન રાજકીય આશ્રય લઈને ભારત આવી જાય તો ત્યાં આવીને શું કરી શકે?

જોકે, તેમની માગણીને કોઈએ ગંભીરતાથી લીધી નથી અને અલ્તાફ હુસેન પણ તે વાત જાણે છે.

ભારતીય નેતાઓને પણ ખબર છે કે આ પાછળ અલ્તાફ હુસેનની રાજકીય ચાલ છે. તેમણે એવું કહ્યું છે કે પોતે ભારતના રાજકારણમાં જરાય રસ નહીં લે.

પોતે માત્ર દાદા-પરદાદા અને વડવાઓની કબરો પર જવા માગે છે એવું જ તેમણે કહ્યું છે.

આ પણ વક્રતા છે કે ભારતમાં મુસ્લિમો મૂઝાયેલા છે તેવા સમાચારો વચ્ચે અલ્તાફ હુસૈન ભારતમાં રાજકીય આશ્રય માગી રહ્યા છે.

સરકાર એવો નાગરિક ધારો લાવી રહી છે, જે અનુસાર પડોશી દેશોમાંથી મુસ્લિમો સિવાય બાકી બધા ધર્મોના લોકો ભારતમાં આશરો માગી શકે છે.

તેના કારણે અલ્તાફ હુસેન માટે હવે ઘરવાપસીનો એક જ રસ્તો બચ્યો છેઃ તેઓ વડા પ્રધાનના બદલે 'વિશ્વ હિન્દુ પરિષદ'ના સંતોનાં નામે અરજી લખે. તો કદાચ તેમની 'ઘરવાપસી' થઈ શકે!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો