મહારાષ્ટ્ર : સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સત્તાનો ત્રિકોણ કેમ નથી બની રહ્યો?

ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અને શરદ પવારની તસવીર Image copyright Getty Images

સાંભળવામાં આ વાત ભલે વિરોધાભાસી લાગે પરંતુ વર્તમામ પરિસ્થિતિઓમાં કૉંગ્રેસનું નેતૃત્ત્વ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે એમ જ ચિંતિત નથી.

વળી એક રીતે તો એવું લાગી રહ્યું છે કે કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી ઇચ્છે છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધનની સરકાર બને પરંતુ જો આવી સરકાર નથી બની શકતી તો તેમને વધુ પરેશાની નહીં થાય.

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને હાલ સોનિયા ગાંધીના ત્રણ સલાહકાર છે. અહેમદ પટેલ, એકે એન્ટોની અને સુશીલ કુમાર શિંદે. પરંતુ આ ત્રણ સિવાય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સૌથી ખાસ સલાહકારો બન્યા છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની કોઈ પણ સલાહને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ તમામ સલાહકારોમાં એક વાત સામાન્ય છે તે એ કે તેઓ કૉંગ્રેસ પાર્ટી કોઈ વધુ પડતું સાહસિક પગલું ભરે તેના પક્ષમાં નથી.


સોનિયા ગાંધીની કશ્મકશ

Image copyright Getty Images

સોનિયા ગાંધી કૉંગ્રેસ પક્ષમાં વરિષ્ઠતાને ઘણું મહત્ત્વ આપે છે અને પોતાના રાજકીય વારસાને ધ્યાને લેતા તેઓ કૉંગ્રેસ પાર્ટીની મુખ્ય વિચારધારા 'ધર્મનિરપેક્ષતા' સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ નથી કરવા માગતા.

તેઓ નથી ઇચ્છતા કે ઇતિહાસમાં કોઈ તેમને કૉંગ્રેસના એક એવા નેતા તરીકે યાદ કરે જેમણે ધર્મનિરપેક્ષતા સાથે સમાધાન કરી લીધું હોય.

પરંતુ સાથે સાથે સોનિયા ગાંધીની અંદર રહેલ રાજનેતા વિરોધી ભાજપને મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા રોકવાની મળેલી તક હાથમાંથી સરી જાય એવું પણ નહીં ઇચ્છતો.

કૉંગ્રેસના વડાં હોવાના કારણે તેઓ જાણે છે કે મહારાષ્ટ્રના લગભગ દરેક કૉંગ્રેસી એમએલએ ઇચ્છે છે કે પ્રદેશમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસની ગઠબંધન સરકાર બને.

જો શિવસેનાના પ્રસ્તાવને કૉંગ્રેસે ધરાર નકારી દીધો હોત તો આ વાતની સંપૂર્ણ આશંકા હતી કે પાર્ટીના મહારાષ્ટ્ર યુનિટમાં બળવો થયો હોત.

આથી તેમની સામે સૌથી મોટો પડકાર ગઠબંધનની રાજનીતિ સાથે પોતાની સ્વાભાવિક અસહજતા અને મહારાષ્ટ્રમાં પાર્ટીની એકતા બન્ને વચ્ચે કઈ રીતે તાલમેલ સાધવો એ છે.

સોનિયા ગાંધી જો આ જ વિરોધાભાસને સંભાળવામાં લાગેલા છે તો બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવાર મજબૂત રાજકીય હિતોને ધ્યાને લઈને પોતાના નિર્ણયો લઈ રહ્યા છે.


પવારની રાજનીતિ

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં એક વૈકલ્પિક સરકારનું ગઠબંધન તૈયાર કરવામાં પવારને એક મુખ્ય પ્લૅયર તરીકે જોવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યારે જ તેમણે આ વિશે ફરીથી વિચારવાનું શરૂ કર્યું.

હજુ સુધી પવારે તેમના બધા જ પત્તા નથી ખોલ્યા પરંતુ શિવસેના-કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકાર બનવામાં થઈ રહેલો વિલંબ એ વાતનો ઈશારો કરે છે કે, કંઈક તો ગડબડ છે.

સોનિયા ગાંધી અને શરદ પવાર ઇચ્છે છે કે ભાજપ ઓછામાં ઓછું એક વાર તો સરકાર બનાવવાની કોશિશ કરે.

Image copyright Getty Images

એક રીતે જોઈએ તો ભાજપ પાસે શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો વિકલ્પ તો છે જ. અથવા તે શરદ પવાર સાથે પણ હાથ મિલાવી શકે છે.

ત્રીજા વિકલ્પ તરીકે ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્યોના સમર્થનની સંભાવનાનો પણ ઇન્કાર કરી શકાય એવું નથી.

પવાર આ મામલે માહેર છે. તેઓ બધાને ભ્રમમાં રાખવા માટે ક્યારેક વિચારધારાની વાત કરશે તો ક્યારેય કૉમન મિનિમમ પ્રોગ્રામની વાત કરશે.

રાજકારણમાં 'દૂસરા'(ક્રિકેટની રમતમાં સ્પિન-બૉલિંગની એક શૈલીના પ્રકાર)ના ઉપયોગની પવારની કળાને કારણે જ તો તેમને રાજનીતિમાં દિગ્ગ્જ કહેવામાં આવે છે.

બીજી શબ્દોમાં કહીએ તો સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય ન હોવું પવારની લાંબી રાજકીય કારકિર્દીનું એક પ્રમુખ કારણ છે.


જ્યારે યુવા પવાર મુખ્ય મંત્રી બન્યા

Image copyright Getty Images

જ્યારે તેઓ 1978માં માત્ર 38 વર્ષની ઉંમરે પહેલી વાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા ત્યારે આ માટે તેમણે દગાબાજીથી કૉંગ્રેસના વસંતદાદા પાટિલની સરકારને પાડી દીધી હતી.

પવારે પહેલા તો ગૃહમાં વસંતદાદા પાટિલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવને કચડવા માટે તેમની મદદ કરી પરંતુ પછી રાજ્યપાલ સાદિક અલી પાસે પહોંચીને તેઓ ખુદ જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા ઇચ્છે છે.

79 વર્ષના પવાર આજના સમયમાં ભારતીય રાજનીતિમાં સૌથી દિગ્ગજ નેતાઓમાં સ્થાન પામે છે. પરંતુ તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ છે.


વડા પ્રધાન બનવાનું સપનું અધૂરું રહી ગયું

Image copyright Getty Images

રાજીવ ગાંધીની હત્યા બાદ 1991માં થયેલી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ જ્યારે સત્તામાં આવી તો પવાર એક સમયે વડા પ્રધાન બનવાથી માત્ર થોડાં પગલાં જ દૂર હતા.

સોનિયા ગાંધીએ વડાં પ્રધાન બનવાનો ઇન્કાર કરી દીધો હતો અને રાજનીતિમાં કોઈ પણ પ્રકારના સીધા હસ્તક્ષેપનો પણ ઇન્કાર કરી દીધો હતો.

પવાર યુનિટના લોકો સક્રિય થઈ ગયા હતા અને સુરેશ કલમાડી જેવા લોકો સાથે ડિનર પર બેઠકોનો સિલસિલો પણ શરૂ થઈ ગયો હતો.

કૉંગ્રેસ પાર્ટી માટે આ દુખનો સમય હતો કેમ કે તેમના નેતાની હત્યા થઈ ગઈ હતી અને આથી પવારનું વલણ તેમના માટે નુકસાનકારક પુરવાર થયું. તેમને કુલ મળીને માત્ર 54 સાંસદોનું જ સમર્થન મળ્યું.

પવારે અર્જુન સિંહ જેવા નેતાઓ સાથે પણ કોશિશ કરી પરંતુ આ લડાઈમાં કૉંગ્રેસના મોટાભાગના નેતાઓએ પીવી નરસિમ્હા રાવને વડા પ્રધાન બનાવવાને વધુ યોગ્ય સમજ્યું હતું.

પવારે ચુપચાપ રાવ કૅબિનેટમાં રક્ષા મંત્રીની જવાબદારી સંભાળી લીધી, પરંતુ એવી આશા સાથે કે રાવની ખરાબ તબિયત કે રાજકીય મજબૂરીને કારણે તે જલ્દી જ કૉંગ્રેસ અધ્યક્ષ બની શકે છે અથવા વડા પ્રધાનની ખુરશી તેમને મળી શકે છે.

પરંતુ તેમને કંઈ ન મળ્યું. ઉપરથી રાવે તેમને 1993માં થયેલા બૉમ્બવિસ્ફોટ પછીના રમખાણો બાદ તેમને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનાવી પરત મોકલી દીધા.

પવાર 1995ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા જેથી પહેલી વાર મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની ગઠબંધનવાળી સરકાર બની.


રાજકીય દાવપેચ કે દગાખોરી

Image copyright Getty Images
ફોટો લાઈન 1998-99માં સોનિયા ગાંધી અને શરદ પવાર

વળી જ્યારે જૈન હવાલાકાંડ સામો આવ્યો ત્યારે એ સમયે એ સમયે કોઈએ શંકરરાવ ચૌહાણને પૂછ્યું કે જૈન હવાલાકાંડમાં પવારનું નામ કેમ ન આવ્યું, તો ગૃહ મંત્રીનો જવાબ હતો, "શું તમને નથી ખબર કે હવાલાનું બધું જ કામકાજ વિશ્વાસ પર ચાલે છે?"

15 મે-1999ના રોજ દિલ્હીના રકાબજંગ સ્થિત પોતાના સરકારી આવાસ પર પવારે એક દાવત રાખી હતી.

બધાને હતું કે સોનિયા ગાંધી મારફતે તેમને જયલલિતા અને અન્ય સહયોગીઓ સાથે વાતચીતની જવાબદારી આપવાની ખુશીમાં પવારે દાવત રાખી છે.

તેમણે તેમાં ખાસ શરાબ મહેમાનોને પીરસી હતી. એ સમયે પવારે કહ્યું હતું."મેં મારી નેતા (સોનિયા ગાંધી)ને કહ્યું કે હું એક દૂરંદેશી વ્યક્તિ છું કેમ કે મેં 20 વર્ષો પહેલાં એક ઇટાલિયન કંપની સાથે આ ખાસ શરાબ બનાવવાનો વેપારી સોદો કર્યો હતો."

તેમણે કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના ક્ષેત્ર બારામતીમાં શરદ સીડલેસ નામથી એક ખાસ પ્રકારના ઘઉંનો પાક લઈ રહ્યા છે તેનાથી આ શરાબ બને છે.

તેના માત્ર બે દિવસ બાદ જ્યારે કૉંગ્રેસ કાર્યકારી બેઠકમાં દરેક વ્યક્તિ ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવાના કામમાં લાગી હતી. એ સમયે શરદ પવારે સ્મિત કર્યું અને પીએ સંગમાએ કહેવાનું શરૂ કર્યું કે ભાજપે સોનિયા ગાંધીના વિદેશી મુદ્દાને જે રીતે ઉછાળ્યો છે તેની અસર દૂર દૂર સુધીના ગામો સુધી જોવી મળી રહી છે.

પવારને કૉંગ્રેસમાંથી કાઢી મૂકાયા પણ માત્ર છ મહિનાની અંદર તેમની પાર્ટી એનસીપીએ સોનિયા ગાંધીની કૉંગ્રેસ પાર્ટી સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનાવી.

કેટલાય વર્ષો પહેલાં ઉર્દૂના કવિ મિર્ઝા ગાલિબે કહ્યું હતું,

હઝારો ખ્વાહિશ એસી કિ, હર ખ્વાહિશ પે દમ નિકલે,

બહુત નિકલે મેરે અરમાં, લેકિન ફિર ભી કમ નિકલે.

79 વર્ષના પવાર પાસે યોગ્યતા પણ છે અને ઇચ્છા પણ છે કે તેઓ ફરી એક વાર કિંગમૅકર બને.

તેઓ કઈ દિશામાં જશે એ તો સમય જ બતાવશે. આ તાકતવર મરાઠા પાસે તક છે કે તે પોતાના કેટલાક વિરોધીઓ સાથે હિસાબ ચૂકતે કરે અને પોતાની પાર્ટી એનસીપીમાં નવા પ્રાણ ફૂંકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ