JNU : વિદ્યાર્થીઓનું આંદોલન કેટલું યોગ્ય અને કેવી છે યુનિવર્સિટીની આર્થિક હાલત?

છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધ છે, વધેલી ફી મુદ્દે.
જેએનયુએ ફી અંગે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં એક સીટર રૂમનું માસિક ભાડું 20 રૂપિયાથી વધીને 600 રૂપિયા કરવામાં આવ્યું છે અને બે લોકો માટેના રૂમનું ભાડું 10 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું.
સાથે જ દર મહિને 1700 રૂપિયાના સર્વિસ ચાર્જની પણ જાહેરાત થઈ.
આનો અર્થ એ થયો કે મેસ ફી, વીજળી, પાણી અને અન્ય ખર્ચ ઉપરાંત આ નિયમો મુજબ વિદ્યાર્થીએ મહિને ઓછામાં ઓછા 3350 રૂપિયા સંસ્થાને આપવા પડશે.
એક વિદ્યાર્થીનો ખર્ચ કેટલો વધ્યો?
બીબીસીએ જેએનયુમાં એમ.ફિલ કરી રહેલાં એક વિદ્યાર્થી સાથે વાત કરી. જેમના પરિવારની આવક 12 હજારથી ઓછી હોવાને કારણે તેમને 5 હજાર રૂપિયા સ્કૉલરશિપ મળે છે.
તેમની સરેરાશ મેસ ફી લગભગ 3 હજાર રૂપિયા છે. હવે તેમાં 3350 વધારાના ઉમેરો અને સાથે વીજળી-પાણી અને અન્ય ખર્ચા.
તો એ કુલ ખર્ચ તેમની સ્કૉલરશિપની રકમથી વધી જાય છે. એક વિદ્યાર્થીને આ ઉપરાંત પુસ્તકો અને જરૂરી ચીજ વસ્તુઓ પણ જોઈએ છે. દરેક સેમેસ્ટરમાં એસ્ટાબ્લિશમૅન્ટ ચાર્જ હોય છે અને દર વર્ષે વાર્ષિક ફી અલગ.
વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો અને 12000થી ઓછી પારિવારિક આવક ધરાવતા વિદ્યાર્થીની હૉસ્ટેલનો ખર્ચ અડધો એટલે કે 300 અને 150 રૂપિયા કરી નાંખવામાં આવ્યો.
સરકારે તેને 'મેજર રોલબૅક' એટલે કે 'ભારે કાપ' તરીકે રજૂ કર્યું છે. જોકે, વિદ્યાર્થીઓને આ ફી વધારો તેમજ કેટલાક નિયમો મંજૂર નથી.
વિદ્યાર્થીઓને કેવી અને કેટલી અસર?
જો જેએનયુની વેબસાઇટ પર 2017-18નો અધિકૃત વાર્ષિક અહેવાલ જોઈએ તો તેમાં 1556 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાંથી 623 વિદ્યાર્થીઓ એવાં હતાં, જેમની વાર્ષિક પારિવારિક આવક 12000થી ઓછી હોય.
12001 રૂપિયાથી વધુ આવક ધરાવતા પરિવારમાંથી 904 વિદ્યાર્થીઓ આવે છે. મતલબ કે એ આવક મહિને 20000 રૂપિયા પણ હોઈ શકે છે અને મહિને બે લાખ પણ. તેમાંથી 570 બાળકો સરકારી શાળામાંથી ભણીને આવ્યા હતા એટલે કે 36 ટકા.
ફી વધારાના વિરોધમાં જેએનયુનું એબીવીપી વિદ્યાર્થી સંગઠન પણ સામેલ છે. જો કે તેઓ બાકીના વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શન સાથે સહમત નથી.
જેએનયુ પર કેટલો આર્થિક બોજો?
જેએનયુનું વહીવટીતંત્ર કહે છે કે રૂમના ભાડાં ત્રણ દાયકાથી વધ્યા નહોતાં, બાકીના ખર્ચ એક દાયકાથી નહોતાં વધ્યાં. તેથી આ જરૂરી હતું.
જોકે ગયા વર્ષે પીટીઆઈમાં છપાયેલો અહેવાલ જણાવે છે કે હૉસ્ટેલ રૂમ ઉપરાંત બાકીની ફી વધી છે.
પરંતુ પ્રશ્ન એ છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓ ફંડની અછતનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીઓની ફીથી જે આવક થાય છે તે કુલ ખર્ચની માત્ર બે-ત્રણ ટકા જ હોય છે.
જેમકે જેએનયુના 2017-2018નો અહેવાલ જોઈએ તો વિદ્યાર્થીઓની ફીમાંથી માત્ર 10 કરોડની આવક થઈ હતી.
એ વર્ષે યુનિવર્સિટીની કુલ આવક 383 કરોડ હતી અને ખર્ચ થયો 556 કરોડનો. એટલે કે 172 કરોડનું અંતર છે તેને પૂરું કરવા માટેના કોઈ સફળ વિકલ્પો યુનિવર્સિટી શોધી શકી નથી.
જોકે, કેટલાંક અન્ય ખર્ચ પર નજર નાંખીએ તો ખ્યાલ આવશે કે જેએનયુમાં લાઇબ્રેરીનો ખર્ચ ઘટાડવામાં આવ્યો છે. પરંતુ સિક્યૉરિટી ખર્ચ 2017-18માં 17.38 કરોડ રૂપિયા રહ્યો જે તેના આગલના વર્ષે 9.52 કરોડ રૂપિયા હતો.
આ વર્ષે કેન્દ્રના બજેટમાંથી પણ જીડીપીના 4.6 ટકા શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા જ્યારે જાણકારો કહે છે કે તે ઓછામાં ઓછો 6 ટકા હોવા જોઈએ.
વર્ષ 2019-20નું યુજીસી બજેટ ઘટ્યું છે. ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટેકનિકલ ઍજ્યુકેશનનું પણ બજેટ ઘટ્યું છે. આઈઆઈટી અને આઈઆઈએમનું બજેટ પણ ઘણું ઘટ્યું છે.
પરંતુ એ હકીકત છે કે કેન્દ્રીય બજેટનો મોટો હિસ્સો એન્જિનિયરિંગ અને ટેક્નિકલ સંસ્થાઓમાં જઈ રહ્યો છે અને બાકીની સંસ્થાઓને ઓછો ભાગ મળી રહ્યો છે.
શું જેએનયુ આનો હલ શોધી શકશે?
ઘણી આઈઆઈટી સંસ્થાઓ પોતાની આવક વધારવા માટે પોતાને ત્યાં પ્રયોગ કરી રહી છે.
તેઓ પોતાની સંસ્થામાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી ફંડ એકઠું કરી રહી છે. જેમકે આઈઆઈટી બૉમ્બેએ 1993ની બૅચ પાસેથી 25 કરોડ મેળવ્યા. આઈઆઈટી મદ્રાસે 220 કરોડ આ જ રીતે એકઠાં કર્યાં.
તેમણે અન્ય દેશોમાં પણ કચેરીઓ ખોલી છે જેથી જૂનાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી શકાય.
શું આવું જ જેએનયૂ અને અન્ય સંસ્થાઓ માટે શક્ય છે, આ સંશોધનનો વિષય છે.
પરંતુ જેએનયુ સહીત અન્ય યુનિવર્સિટીઓમાં ખર્ચ અને આવક વચ્ચેનું અંતર ઘટાડવા ઝડપથી કોઈ પગલાં નહી લેવામાં આવે તો ફી વધતી જ રહેશે.
આખરે સવાલ એ છે કે માત્ર ફી વધારવાથી આ અંતર ઘટી શકશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો