TOP NEWS : Jio મોબાઇલ સેવા દરમાં વધારો કરશે, અન્ય કંપનીને પગલે જાહેરાત

જિયો Image copyright Getty Images

Airtel, Vodafone-આઇડિયા બાદ હવે રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ સેવાના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

જિયો કંપનીએ કહ્યું કે તે એવી રીતે દરમાં વૃદ્ધિ કરશે જેની ડેટા વપરાશ કે ગ્રાહકો પર પ્રતિકૂળ અસર ન થાય.

રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું કે તે આગામી કેટલાંક અઠવાડિયાંમાં મોબાઇલ સેવાનો દર વધારવાની છે.

કંપનીએ કહ્યું કે અન્ય કંપનીઓની જેમ અમે પણ સરકારની સાથે મળીને કામ કરીશું. અમે ઉદ્યોગજગતને મજબૂત કરીને ગ્રાહકોને લાભ આપવાના નિયમનું પાલન કરીશું.

કંપનીના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકો પર બોજ વધી શકે છે.

તો ભારતી એરટેલ અને વોડાફાન-આઇડિયાએ પણ કહ્યું હતું કે તેઓ ડિસેમ્બરથી મોબાઇલ સેવાના દરમાં વધારો કરશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયન સિંહો દેખાયા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી 50 કિલોમિટર દૂરના ગામમાં એક સિંહણ અને સિંહબાળ જોવાં મળ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે વનવિભાગ અને ગામલોકોએ પણ ચોટીલાથી અંદાજે 20 કિમી દૂર આવેલા ઢેઢૂકી ગામમાં સિંહ આવ્યાં હોવાની પુષ્ટિ કરી છે.

સિંહે અંબારડી ગામમાં એક ગાયનું મારણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

વનવિભાગની ટીમે તપાસ કરતાં વીંછિયા, જસદણ અને ચોટીલાનાં ગામોમાં સિંહણ અને સિંહબાળના પગનાં નિશાન જોવાં મળ્યાં હતાં.

એક શક્યતા એ પણ છે કે આ સિંહ અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાંથી છૂટાં પડી ગયાં છે.

તો ચોટીલા તાલુકાના ચોબારા-રામપુરા પાસે સિંહનું રહેઠાણ હોઈ શકે એવું અધિકારીઓનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે 2015ની ગણતરી મુજબ ગીરમાં 523 સિંહ હતા, જેમાંથી 168 સિંહ અભયારણ્યની બહાર જોવા મળ્યા હતા.

જુલિયન અસાંજે સામેના બળાત્કાર કેસની તપાસ બંધ

Image copyright AFP

સ્વિડનમાં પ્રૉસિક્યૂટરે વિકિલીક્સના સહસંસ્થાપક જુલિયન અસાંજે પર 2010માં લગાવેલા બળાત્કારના આરોપોની તપાસ બંધ કરી દીધી છે.

અસાંજે યૌનશોષણ અને બળાત્કારના આરોપોનો સતત ઇન્કાર કરતાં આવ્યા છે.

અસાંજે પર સ્વિડનમાં બળાત્કારના આરોપ લાગ્યા બાદ તેઓએ ધરપકડ અને પ્રત્યર્પણથી બચવા માટે 2012માં ઇક્વાડોરના દૂતાવાસમાં શરણ લીધી હતી.

48 વર્ષીય ઑસ્ટ્રેલિયન નાગરિક અસાંજે એપ્રિલમાં ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને જામીનના શરતનું ઉલ્લઘંન કરવાના આરોપમાં તેઓને 50 અઠવાડિયાંની સજા સંભળાવવામાં આવી હતી.

અસાંજે હાલ બ્રિટનની બેલમર્શ જેલમાં બંધ છે. 2017માં પણ સ્વિડને તેમની સામેની તપાસ રોકી દીધી હતી.

'બળાત્કારી' પુત્રની હત્યા બદલ દંપતીની ધરપકડ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં એક દંપતીની તેમના પુત્રની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

મૃતક પર આરોપ છે કે તેઓએ તેમની બહેન, ભાભી અને ભત્રીજી પર બળાત્કાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, "આરોપીઓએ તેમને જણાવ્યું કે મૃતકને દારૂની લત હતી અને તે પરિવારની મહિલાઓ સાથે દૂર્વ્યવહાર કરતો હતો.

"એટલે સુધી કે તેણે પોતાની માતાની પણ છેડતી કરવાની કોશિશ કરી હતી. તેની પત્નીએ તેને છ મહિના પહેલાં જ છોડી દીધો હતો."

"11 નવેમ્બરની રાતે તેણે પોતાની ભાભી પર ફરીથી બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. આથી તેને મારી નાખ્યો."

પોલીસે કહ્યું કે દંપતીના નાના પુત્રની પણ ગુનામાં સંડોવણી હોવાથી ધરપકડ કરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો