'બેબીફેકટરી' નામે પ્રખ્યાત ગુજરાતના આ શહેરની નજર સરોગસી બિલની ચર્ચા પર

"સરોગસી વિરુદ્ધ ગમે કે વાતો કરવામાં આવે પણ હકીકત એ છે કે જો સરોગસી ન હોત તો મારો ઘરવાળો જીવતો ન હોત."
"સરોગેટ માતા બન્યાં બાદ હું મારા કૅન્સરપીડિત પતિની સારવાર કરાવી શકી છું. કોઈ સામે હાથ લાંબો કરવો એના કરતાં તો આ કામ લાખ દરજ્જે સારું છે."
"આર્થિક સ્થિતિ બહુ ખરાબ હોય, ત્યારે લોકો આ રસ્તો અપનાવતા હોય છે. આ તો પુણ્યનું કામ છે."
આ શબ્દો નડિયાદમાં રહેતાં મેરી પરમાર (બદલાવેલું નામ)ના છે. મેરી બીજી વખત સરોગેટ માતા બનવાનાં છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઘરની આર્થિક સ્થિતિ અને પતિની બીમારી સામે બાથ ભીડવામાં સરોગસી સિવાયનો બીજો કોઈ પણ રસ્તો તેમને કામ આવ્યો ન હોત.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યસભામાં સરોગસી(રેગ્યુલેશન) બિલ પર ચર્ચા ચાલી રહી છે.
લોકસભામાં પસાર થઈ ચૂકેલા આ બિલનો ઉદ્દેશ દેશમાં સરોગસીની પ્રક્રિયા પર નિયમન કરવાનો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં સરોગસીનું બિલ રજૂ કર્યું, ત્યારે તેને 'ગૅમ-ચેન્જર' ગણાવ્યું હતું.
ગુજરાતની 'બેબીફેક્ટરી' તરીકે ઓળખાતા આણંદ શહેરમાં સરોગસી માટેનું ક્લિનિક ચલાવતાં ડૉ. નયના પટેલનું માનવું છે કે નબળી આર્થિક સ્થિતિ દૂર કરવા માટે સરોગસીનો રસ્તો પસંદ કરનારી મહિલાઓને આ બિલ નુકસાન કરશે.
ડૉ. નયના પટેલ સરોગસી થકી 1400થી વધુ બાળકનો જન્મ કરાવી ચૂક્યાં છે.
સરોગસી : વરદાન અને વ્યાધિ
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ. નયના પટેલ આ સરોગસી (રેગ્યુલેશન) બિલ અંગે વાત કરતાં જણાવે છે:
"સરોગેટ માતાઓ પાસેથી આ તક જતી રહેશે. કેટલીય સરોગેટ માતાઓએ મારી પાસે સ્વીકાર્યું છે કે તેઓ ગમે તેટલી મહેનત-મજૂરી કરી લે, તો પણ સરોગસી થકી મળનારા જેટલા નાણાં બીજા કોઈ કામમાં ક્યારેય કમાઈ શકે એમ નથી."
ડૉ. પટેલ ઉમેરે છે, "પોતાનું ઘર બનાવવાનું કે સંતાનોને ભણાવવાંનાં તેમનાં સપનાં આ બિલથી તૂટી જશે."
"કેટલીય બહેનો સરોગસી થકી આર્થિક સંકડામણમાંથી બહાર આવી શકી છે."
"માત્ર મજૂરી કરનારી કે બેરોજગાર બહેનો જ સરોગેટ માતા બનતી હોય એવું નથી."
"મારી પાસે એક વકીલ બહેન પણ સરોગેટ માતા બની હતી."
સરોગસી વિરુદ્ધ કાયદો બની ગયા બાદ આવી બધી બહેનો પાસે કયો રસ્તો બચશે?"
એક વાત એવી પણ છે આ બિલ થકી સરોગસી કરાવતા તબીબોને પણ આર્થિક ફટકો પડશે. આ અંગે વાત કરતાં ડૉ. પટેલ ઉમેરે છે:
"હાં, તબીબોને પણ આર્થિક અસર પડશે જ પણ આઈવીએફ (ઇન-વિટ્રૉ ફર્ટિલાઇઝેશન) તો છે જ."
"એટલે આઈવીએફની પ્રૅક્ટિસ કરનારા તબીબોને ખાસ આર્થિક ફટકો નહીં પડે."
જોકે, કુદરતી રીતે સંતાન મેળવવામાં નિષ્ફળ જતાં દપંતીઓ પર આ બિલની ઘણી અસર પડશે એવું ડૉ. પટેલનું માનવું છે.
ડૉ. પટેલ જણાવે છે, "આ બિલની સૌથી વધુ અસર નિઃસંતાન દંપતીઓ પર પડશે."
"આવાં દંપતીમાં તણાવ, હતાશા, આંતરિક વિખવાદ, છૂટાછેડાના કિસ્સા વધવાની શક્યતા ઊભી થશે."
"આવાં દંપતીઓ માટે આ સરોગસી એક વરદાનસમી પદ્ધતિ હતી."
'મારું પોતાનું સંતાન'
સરોગસી થકી સંતાન મેળવનારાં વિભા (બદલાવેલું નામ) જણાવે છે કે સરોગસી એ નિઃસંતાન દંપતીઓ માટે માતાપિતા બનવાનો ઉત્તમ રસ્તો છે.
15 નવેમ્બરે વિભા સરોગસી થકી માતા બન્યાં છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વિભા જણાવે છે: "મને કેટલીય વખત કસુવાવડ થઈ હતી."
"આ ઉપરાંત મને પ્રિમૅચ્યૉર ડિલિવરી પણ થઈ હતી. મારું એ સંતાન જીવી ન શક્યું."
"અમે ટ્યૂબ-બેબીનો પણ પ્રયાસ કર્યો પણ એ શક્ય ન બન્યું. હું ગર્ભધારણ તો કરી શકતી હતી પણ મા બની નહોતી શકતી."
"એટલે આખરે અમારી પાસે કોઈ જ રસ્તો નહોતો બચ્યો અને અમારે સરોગસીનો સહારો લેવો પડ્યો."
"અમારો આ નિર્ણય સાચો ઠર્યો અને હું માતા બની શકી. આજે મારા અને મારા પતિના કોષ થકી જન્મેલું સંતાન મારા ખોળામાં છે."
"આ અમારું સંતાન છે અને એટલે સરોગસી એ નિઃસતાન દંપતીઓ માટે માતાપિતા બનવાનો શ્રેષ્ઠ ઉપાય છે."
સરોસગી થકી નિઃસંતાન દંપતીઓને સંતાન સુખ તો મળે છે અને આર્થિક રીતે જરૂરીયાતમંદ મહિલાઓને પૈસા પણ મળે છે.
ડૉ. પટેલના જણાવ્યા અનુસાર, સરોગસી પાછળ પંદરથી સોળ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જેમાંથી તેઓ ચાર લાખ રૂપિયા સરોગેટ માતાને ચૂકવે છે.
આર્થિક સહારો?
ત્રીજી વખત સરોગેટ માતા બનનારાં અને કરસમદમાં રહેતાં શારદા (બદલાવેલું નામ) જણાવે છે કે તેમના બે પુત્ર છે અને બન્ને સરોગસીને કારણે શાળા જોઈ શક્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "મારા પતિ ખૂબ દારૂ પીવે છે અને અગિયાર વર્ષથી અમારી સાથે નથી રહેતા. બે પુત્રો છે એમને કઈ રીતે ઉછેરવા?"
"હું વિદ્યાનગર જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)માં એક ફેકટરીમાં કામ કરતી હતી અને મને રોજના 60 રૂપિયા મળતા હતા."
"પતિ તરફથી કોઈ મદદ નહોતી મળતી અને બાળકોના ભવિષ્યની ચિંતા હતી એટલે સરોગેટ માતા બનવાનું નક્કી કર્યું."
"આજે મારો મોટો પુત્ર અગિયારમાં ભણે છે અને મારો નાનો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે. સરોગસી થકી મેં ખુદનું ઘર બનાવ્યું છે. દીકરાઓને સારું ભણતર અપાવ્યું છે."
"સરોગસી એક બહુ જ સારું કામ છે. બધા કહે કે આ બંધ થવું જોઈએ પણ મારે કહેવું છે કે સરોગસી જેવો સહારો તમે અમારા જેવા આર્થિક રીતે નબળા લોકો પાસેથી કેમ છીનવી લો છો?
સરોગેટ માતાઓ અને સરોગસીની પ્રૅક્ટિસ કરનારા તબીબોનો સૂર સરોગસની તરફેણમાં છે. જોકે, સરકારનો આ મામલે અલગ જ મત છે.
સરોગસી (રેગ્યુલેશન) બિલ-2019
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષ વર્ધને મંગળવારે (19મી નવેમ્બર) રાજ્યસભામાં સરોગસી (રેગ્યુલેશન) બિલ રજૂ કર્યું હતું.
આ પહેલાં ચોમાસું સત્રમાં બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું.
આ બિલમાં એક 'સરોગસી બોર્ડ'ના નિર્માણ અને સંલગ્ન ઑથૉરિટીના ગઠનની જોગવાઈ છે. આ વ્યવસ્થા સરોગસીની પ્રૅક્ટિસ અને પક્રિયા પર નજર રાખશે.
આ બિલ કૉમર્શિયલ (ધંધાકીય) સરોગસી પર પ્રતિબંધ લાદે છે. જોકે, તે પરમાર્થ (ઍલ્ટ્રૂઇસ્ટિક) સરોગસીને મંજૂર રાખે છે.
પરમાર્થ સરોગસીમાં સરોગેટ માતાને આર્થિક વળતર મળતું નથી, માત્ર ગર્ભાવસ્થા દરમિયાન વીમાની રકમ તથા અન્ય દવાનો ખર્ચ ચૂકવવામાં આવે છે.
આ બિલની જોગવાઈ અનુસાર, સરોગસીની સેવા લેનારા દપંતીનું લગ્ન ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં થયું હોવું જોઈએ.
અહીં નોંધનીય છે કે કૉમર્શિયલ સરોગસીની પ્રક્રિયામાં આર્થિક પાસું મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વળી, સરોગસી (રેગ્યુલેશન) બિલમાં સરોગેટ માતાઓ માટે પણ જોગવાઈ રખાઈ છે, જે અનુસાર માત્ર નજીકનાં સંબંધી મહિલા જ સરોગેટ માતા બની શકે છે.
આ મહિલાની ઉંમર 25થી 35 વર્ષની હોવી જોઈએ અને તેને પોતાનું એક સંતાન પણ હોવું જોઈએ.
આ બિલ અનુસાર કોઈ મહિલા જીવનમાં માત્ર એક જ વખત સરોગેટ માતા બની શકે. ટૂંકમાં સરોગસી (રેગ્યુલેશન) બિલમાંથી આર્થિક બાબત હઠાવી દેવાઈ છે. આ બિલમાં દોષિતોને દસ વર્ષની સજા અને દસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ કરાઈ છે.
આ બિલ લાવવા પાછળ એવું કારણ રજૂ કરાયું છે કે સરોગસીને કારણે દેશમાં મોટા પાયે વેપારીકરણ, અનૈતિક પ્રૅક્ટિસ, સરોગેટ માતાનું શોષણ, બાળકોને ત્યજી દેવાની ઘટનાઓને પ્રોત્સાહન આપ્યું છે.
આથી તેનું નિયમન કરવું જરૂરી છે.
જોકે, ડૉ. નયના પટેલ આ બાબતે સહમત નથી થતા. તેઓ જણાવે છે, "લગ્નના પાંચ વર્ષનો મુદ્દો ખોટો છે."
"જો કોઈને લગ્નની શરૂઆતમાં જ ખબર છે કે તેમને સરોગસીની જરૂર પડશે તો તેણે પાંચ વર્ષ સુધી રાહ કેમ જોવી પડે?"
"આ બિલ સિંગલ-મધરને સરોગસીની સેવા ઉપલબ્ધ કરવા માટે તૈયાર છે, પણ સિંગલ ફાધરને નહીં. આ વાત નથી સમજાતી."
ડૉ. પટેલ ઉમેરે છે, "લોકસભામાં જે બિલ પસાર થયું એ બિલ એ જ રીતે રાજ્યસભામાં પણ પસાર થશે, તો ભારતમાં સરોગસીની 99 ટકા પ્રૅક્ટિસ પર પ્રતિબંધ લાદી દેવાશે."
અહીં એ વાત પણ નોંધવી રહી કે ઇન્ડિયન સોસાયટી ઑફ આસિસ્ટન્ટ રિપ્રૉડક્શનના રિપોર્ટ અનુસાર, દર દસ ભારતીય દિઠ એક ભારતીય વંધ્યત્વથી પીડાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો