જ્યારે મોઘલ સમ્રાટ ઔરંગઝેબ સંસ્કૃત ભાષાથી પ્રભાવિત થયા

ડૉ.ફિરોઝ Image copyright Firoz Khan

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના અધ્યાપકની નિમણૂક સામે વિરોધ-પ્રદર્શનના સમાચાર આવ્યા છે. એવું કહેવાય છે કે પ્રોફેસર મુસ્લિમ છે એટલે તેમનો વિરોધ થઈ રહ્યો છે.

ડૉ. ફિરોઝ નામના સંસ્કૃતના આ વિદ્વાને નાનપણથી જ પોતાના દાદા ગફૂર ખાન અને પિતા રમઝાન ખાનની પરંપરાને આગળ વધારીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.

ફિરોઝે કોઈ અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના દાદા સંસ્કૃતમાં ભજનો ગાતા હતા અને તેમને સાંભળવા એકઠા થયેલા સેંકડો લોકો ભાવવિભોર થઈ જતા હતા.

ફિરોઝના પિતા ઘણી વાર જયપુરના બાગરુ ગામની ગૌશાળામાં પ્રવચનો આપતા હતા. જયપુરની રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાં પ્રવેશ લેતા પહેલાં ફિરોઝે બાગરુ ગામમાં જ સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો.

આ વિદ્યાલય મસ્જિદની સાવ બાજુમાં આવેલી છે અને તેમાં આજેય ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણે છે. ભારતની સમન્વયી સંસ્કૃતિ આવાં ઉદાહરણોથી જ ઝળકતી રહે છે.

ભાષા આમ પણ કોઈ ધાર્મિક પંથ કે સંપ્રદાયની સ્થાપના પહેલાંથી અસ્તિત્વમાં આવેલી હોય છે. જોકે એ પણ કડવી વાસ્તવિકતા છે કે સમયની સાથે કેટલીક ભાષા અમુક ચોક્કસ સમુદાયની ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ જતી હોય છે.

તેનું કારણ એ પણ હોઈ શકે છે કે જુદા-જુદા સંપ્રદાયોનો વિકાસ જે પ્રદેશમાં થયો હોય અથવા તે ધર્મ પ્રવર્તકો કે ગુરુઓ જે ભાષાનો ઉપયોગ કરતા હોય તે ભાષામાં જ ધર્મગ્રંથની રચના થતી હોય છે. તે રીતે જે તે ભાષા તે સમુદાયની સાંસ્કૃતિક ઓળખ બની જાય છે.


સમુદાયની ભાષા

Image copyright Firoz Khan

તેના કારણે જ અરબી-ફારસી ભાષાને ઇસ્લામ સાથે જોડી દેવામાં આવે છે. એ જ રીતે પાલિ અને પ્રાકૃત ભાષાને બૌદ્ધ અને જૈન ધર્મની ભાષા તરીકે જોવામાં આવે છે, જ્યારે ગુરુમુખીમાં લખાયેલી પંજાબીને શીખ સમુદાયની ભાષા માની લેવામાં આવે છે.

આ માટે ભાષાઓનો દોષ નથી કે આપણા વડવાઓનો પણ દોષ નથી.

પંથને આગળ ચલાવનારા અને બાદમાં આવેલી પેઢી એક જ ભાષાને પરંપરા સાથે જોડી દે છે તેના કારણે આવી ભૂલ થાય છે એમ કહી શકાય.

ભારતમાં ભાષાઓના વિકાસની વાત કરીએ તો સામાન્ય જનતા હિન્દીમાં વાત કરે છે. હિન્દી ખડી બોલીમાંથી વિકસિત થઈ છે.

સંસ્કૃત સાથે અરબી-ફારસીના યોગદાનથી હિન્દી બની છે. મુસ્લિમ શાસકોથી માંડીને અમીર ખુસરો, સૂફી કવિઓ અને ભક્તિયુગના સંતો-કવિઓએ પણ ધાર્મિક આધારે ક્યારેય ભાષાભેદને સ્વીકાર્યો નથી.

Image copyright www.pmindia.gov.in

તેમાં થોડા અપવાદો આવી જતા હોય છે. પરંતુ મોટા ભાગે સૌ મુક્તમને બધી ભાષાઓને શીખતા હોય છે અને અપનાવતા હોય છે. ધર્મગ્રંથોના અનુવાદો પણ એક ભાષામાંથી બીજા ભાષામાં થયા છે.

રામધારી સિંહ 'દિનકરે' પોતાના પ્રસિદ્ધ પુસ્તક 'સંસ્કૃતિ કે ચાર અધ્યાય'માં અરબી ભાષામાં તાજક શાસ્ત્રોમાં રહેલા શ્લોકોના કેટલાક રસપ્રદ ઉદાહરણો આપ્યાં છે. અરબી અને સંસ્કૃત બંનેને મેળવીને તે લખાયાં છે. આ દાખલા જુઓ - 'स्यादिक्कबालः इशराफयोगः, ...खल्लासरम् रद्दमुथोदुफालिः कुत्थम् तदुत्थोथदिवीरनामा.'

ભારતના મહાન ભાષાવૈજ્ઞાનિક ડૉ. સુનીતિ કુમાર ચેટરજીએ લખ્યું છે કે '16મી સદીના અંત સુધીમાં બધા જ ભારતીય મુસ્લિમો (વિદેશી, દેશી અને બંનેના સંયોગથી જન્મેલા બધા) જ ફારસીને એક વિદેશી ભાષા સમજવા લાગ્યા હતા. મુસ્લિમોએ સ્થાનિક ભાષાને પૂર્ણપણે સ્વીકારી લીધી હતી.'


ઔરંગઝેબનો સંસ્કૃતપ્રેમ

Image copyright Penguin India

દિનકર લખે છે કે બોલચાલમાં વપરાતા સંસ્કૃત શબ્દો પણ મુસ્લિમ બાદશાહોને ગમતા હતા, કેમ કે આદેશમાં સંસ્કૃત શબ્દો જલદી સમજાઈ જતા હતા.

તેનો એક રસપ્રદ કિસ્સો એવો છે કે ઔરંગઝેબના પુત્ર મુહમ્મદ આઝમશાહે કેરીઓ મોકલી હતી અને તેનું નામકરણ કરવાનો અનુરોધ કર્યો હતો. ઔરંગઝેબે તેનાં નામો પાડ્યાં હતાં - 'સુધારસ' અને 'રસનાવિલાસ'.

કદાચ અમીર ખુસરોના (1253 - 1325) સમયથી જ બે ભાષાઓને જોડીને ખીચડી જેવા છંદો તૈયાર કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. તેમણે ઘણી વાર પોતાનો એક છંદ ફારસીમાં તો બીજો વ્રજભાષામાં લખ્યો હતો. તેનો નમૂનો નીચે પ્રમાણે છેઃ

'ज़े-हाल-ए-मिस्कीं मकुन तग़ाफ़ुल दुराय नैनांबनाए बतियां

कि ताब-ए-हिज्रां नदारम ऐ जांन लेहू काहे लगाए छतियां '

બાદમાં રહીમે (અબ્દુલ રહીમ ખાન-એ-ખાના, 1556 - 1627) આવી ખીચડી ભાષામાં રચનાઓ કરી ત્યારે તેમણે ખડી બોલી અને સંસ્કૃતને એકબીજા સાથે જોડી હતી. તેનું એક ઉદાહરણ બહુ લોકપ્રિય છે :

दृष्‍टा तत्र विचित्रिता तरुलता, मैं था गया बाग में।

काचितत्र कुरंगशावनयना, गुल तोड़ती थी खड़ी।।

उन्‍मद्भ्रूधनुषा कटाक्षविशि;, घायल किया था मुझे।

तत्‍सीदामि सदैव मोहजलधौ, हे दिल गुजारो शुकर।।

एकस्मिन्दिवसावसानसमये, मैं था गया बाग में ।

काचितत्र कुरंगबालनयना, गुल तोड़ती थी खड़ी ।।

तां दृष्‍ट्वा नवयौवनांशशिमुखीं, मैं मोह में जा पड़ा ।

नो जीवामि त्‍वया विना श्रृणु प्रिये, तू यार कैसे मिले ।।

રહીમ પોતે સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે કૃષ્ણભક્તિ માટે શુદ્ધ સંસ્કૃતમાં શ્લોકની રચનાઓ કરી હતી. આ ઉપરાંત તેમણે વૈદિક જ્યોતિષ વિશે સંસ્કૃતમાં બે ગ્રંથ લખ્યા હતા, પ્રથમ ગ્રંથનું નામ 'खेटकौतुकम्' અને બીજા ગ્રંથનું નામ છે 'द्वात्रिंशद्योगावली'.

આ યુગમાં કવિઓ આ રીતે ભાષાઓની ખીચડી કરીને રચનાઓ કરતા રહ્યા હતા. તે વિશે કાવ્ય મર્મજ્ઞ ભિખારીદાસે 18મી સદીમાં લખ્યું હતું :

ब्रजभाषा भाषा रुचिर, कहै सुमति सब कोय।

मिलै संस्कृत-पारस्यो, पै अति सुगम जो होय।।

જોકે સંસ્કૃતના વિદ્વાનોને તેની શુદ્ધતા અને શ્રેષ્ઠતા જાળવી રાખવાની ચિંતા રહી હતી. એટલું જ નહીં, તેને એક ખાસ વર્ગના લોકો પૂરતી જ સીમિત રાખવાના પ્રયાસો પણ થતા રહ્યા હતા.

પહેલાં દલિતોને (તેમને ત્યારે પંચમ અથવા અંત્યજ કહેવામાં આવતા હતા) અને બાદમાં મુસ્લિમોને સંસ્કૃતથી દૂર રાખવાની કોશિશ થઈ હતી. તેના કારણે ભાષા લોકસમાજથી કપાઈ ગઈ અને બદલતા સમય સાથે તેનો વિકાસ પણ ના થયો.

તેથી જ કબીર જેવા સંતે કહેવું પડ્યું હતું કે — 'संसकिरत है कूप जल, भाखा बहता नीर।'

ભક્તિ આંદોલન વખતે એક બીજા સંત રજબે પણ લખ્યું હતું કે — 'पराकरित मधि ऊपजै, संसकिरत सब बेद, अब समझावै कौन करि पाया भाषा भेद।'

મલિક મુહમ્મદ જાયસીએ કહ્યું હતું — 'अरबी तुरकी हिन्दुई, भाषा जेती आहि। जेहि मह मारग प्रेम का, सबै सराहे ताहि।'


સંસ્કૃત વિશે કબીરના વિચારો

તુલસીદાસ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા, પણ તેમણેય અરબી-ફારસી શબ્દો વાપરવામાં કોઈ છોછ રાખ્યો નહોતો.

તેથી જ ભિખારીદાસ તેમની અને કવિ ગંગની પ્રશંસા કરતા લખે છે — 'तुलसी गंग दोऊ भये सुकविन को सरदार, जिनके काव्यन में मिली भाषा विविध प्रकार।'

ભિખારીદાસે જે કવિ ગંગના વખાણ કર્યા છે, તેમણે સંસ્કૃત અને ફારસી મિશ્રિત ભાષામાં કવિતાઓ કરી હતી. તેમનો એક નમૂનો જુઓ — 'कौन घरी करिहैं विधना जब रू-ए-अयां दिलदार मुवीनम्। आनंद होय तबै सजनी, दर वस्ल्ये चार निगार नशीनम्।'

બીજા એક પ્રસિદ્ધ કવિ રસખાન (મૂળ નામ - સૈયદ ઇબ્રાહિમ ખાન) પઠાણ હતા. રસખાન પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથના શિષ્ય હતા.

રસખાનની કૃષ્ણભક્તિ પ્રસિદ્ધ છે. તેમણે પોતાના જીવનનો લાંબો સમય મથુરા અને વૃંદાવનમાં વિતાવ્યો હતો. એવું કહેવાય છે કે રસખાન સંસ્કૃતના વિદ્વાન હતા અને તેમણે ભાગવતનો અનુવાદ ફારસીમાં કર્યો હતો.

રસખાન જેવા મુસ્લિમ ભક્તોને ધ્યાનમાં રાખીને જ ભારતેન્દુ હરિશ્ચંદ્રે કહ્યું હતું કે 'इन मुसलमान हरिजनन पर कोटिन हिन्दू वारिए'.


નઝરુલ ઇસ્લામ અને હિન્દુ દેવતા

Image copyright Getty Images

આજે આપણે બંગાળના કવિ રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા કોઈ નામથી સૌથી વધુ પરિચિત હોઈએ તો તે છે કાઝી નઝરુલ ઇસ્લામ.

જાણીતા વિવેચક રામવિલાસ શર્મા લખે છે કે નઝરુલ ઇસ્લામે પોતાની સાહિત્યિક કૃતિઓમાં ક્યાંય પણ પોતાના મુસ્લિમપણા સાથે સમાધાન કર્યા વિના લખ્યું છે. તેમણે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના બધા ધર્મોની કથાઓ અને પ્રતીકોનો ઉપયોગ કર્યો છે અને હિન્દુગાથાઓનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે.

મહાત્મા ગાંધીએ પણ દલિતો અને મુસ્લિમોને સંસ્કૃત ભણાવવા માટેનો આગ્રહ કર્યો હતો.

20 માર્ચ 1927ના રોજ હરિદ્વારમાં આવેલા ગુરુકુલ કાંગડીમાં રાષ્ટ્રીય શિક્ષા પરિષદમાં ભાષણ આપતા ગાંધીજીએ ખાસ કહ્યું હતું કે સંસ્કૃત ભણવું એ માત્ર હિન્દુઓનું નહીં પણ મુસ્લિમોનું પણ કર્તવ્ય છે. ગાંધીજીએ 7 સપ્ટેમ્બર 1927માં ચેન્નઈની પચૈયપ્પા કૉલેજમાં સંબોધન વખતે આ જ વાત દોહરાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો