સ્વામી નિત્યાનંદે સૂરજને 40 મિનિટ સુધી ઊગવા ન દેવાનો દાવો કર્યો હતો

સ્વામી નિત્યાનંદ Image copyright YOUTUBE
ફોટો લાઈન સ્વામી નિત્યાનંદ

દક્ષિણ ભારતના વિવાદિત ધર્મગુરુ અને સેક્સ સીડીને કારણે એક સમયે વિવાદમાં આવેલા સ્વામી નિત્યાનંદની સંસ્થા ફરી વિવાદમાં આવી છે.

સ્વયંભૂ બાબા નિત્યાનંદ સામે બે છોકરીઓને ગુજરાતમાં આવેલી તેમની સંસ્થામાં અપહરણ કરીને બંધક બનાવવા મામલે ગુનો નોંધાયો છે.

જોકે, સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાનાં અને યુવતી લાપતા હોવાના વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી છે.

છોકરીઓનાં માતાપિતાએ આ મામલે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટમાં 'હેબિયસ કૉર્પસ'ની અરજી કરવામાં આવી છે.

માતાપિતાનું કહેવું છે કે 2013માં બેંગલુરુમાં સ્વામી નિત્યાનંદ દ્વારા ચલાવવામાં આવતી એક શૈક્ષણિક સંસ્થામાં તેમની ચાર પુત્રીઓને અભ્યાસ માટે મોકલી હતી. જેમની ઉંમર 7થી 15 વર્ષની વચ્ચે હતી.

આ દરમિયાન ગુરુવારે અમદાવાદ પૂર્વમાં આવેલી કૅલોરેક્સ ગ્રુપની 'દિલ્હી પબ્લિક સ્કૂલ'ના આચાર્ય વિરુદ્ધ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ તેમના પર પોલીસને જાણ કર્યા વિના પાંચ વર્ષ માટે નિત્યાનંદને જમીન આપવાનો આક્ષેપ છે.

અસારીએ કહ્યું કે ડીપીએસ(ઇસ્ટ)ના આચાર્ય હિતેશ પૂરીએ નિત્યાનંદના આશ્રમ સાથેના કરાર પર સહી કરી હતી. જે મુજબ આશ્રમને પાંચ વર્ષ માટે દર વર્ષે એક રૂપિયાના ભાડે હીરાપુર ગામની જમીન આપવામાં આવી હતી.

અસારીના જણાવ્યા અનુસાર પૂરી પર આઈપીસીની કલમ 188 મુજબ ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત આશ્રમને હીરાપુરના 'પુષ્પક સિટી'માં ત્રણ બંગલો ભાડે આપવા માટે બકુલ ઠક્કર નામની વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.

Image copyright BHARGAV PARIKH

દંપતીનો આરોપ છે કે બાદમાં તેમની પુત્રીઓને સ્વામી નિત્યાનંદની સંસ્થાની અમદાવાદમાં આવેલી શાખામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ શાખા અમદાવાદની દિલ્હી પબ્લીક સ્કૂલના પરિસરમાં આવેલી છે.

દંપતી પોલીસની મદદથી સંસ્થામાં ગયું હતું પરંતુ ચારમાંથી તેમની બે પુત્રીઓએ તેમની સાથે આવવાનો ઇનકાર કરી દીધો હતો. દંપતીનો આરોપ છે કે તેમની પુત્રીઓનું અપહરણ કરવામાં આવ્યું છે અને ગેરકાયદે બંધક બનાવીને રાખવામાં આવી છે.

સ્વામી નિત્યાનંદ આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે.


કથિત સેક્સ સીડીનો વિવાદ

Image copyright Getty Images

આ પહેલાં વર્ષ 2010માં સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ છેતરપીંડી અને અશ્લીલતા મામલે ગુનો નોંધાયો હતો. તેમની કથિત સેક્સ સીડી સામે આવી હતી. આ કથિત સીડીમાં તેમને અભિનેત્રી સાથે શારીરિક સંબંધ બનાવતા દર્શાવવામાં આવ્યા હતા.

જે બાદ ફૉરેન્સિક લેબમાં થયેલી તપાસમાં આ સીડીને સાચી ગણાવવામાં આવી, પરંતુ નિત્યાનંદના આશ્રમે આ સીડીનો અમેરિકન લૅબનો રિપોર્ટ રજૂ કર્યો. જેમાં સીડી સાથે ચેડા થયા હોવાનું કહેવામાં આવ્યું હતું.

જે બાદ નિત્યાનંદની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, કેટલાક દિવસો બાદ તેમને જામીન મળી ગયા હતા.

આ સિવાય બેંગલુરુમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં દરોડા દરમિયાન કૉન્ડોમ અને ગાંજો પણ મળી આવ્યા હતા.

વર્ષ 2012માં સ્વામી નિત્યાનંદ સામે બળાત્કારના આરોપ લાગતા તેમણે જેલમાં જવું પડ્યું હતું.

Image copyright BHARGAV PARIKH
ફોટો લાઈન આશ્રમની તસવીર (પ્રતીકાત્મતક)

મીડિયા અહેવાલો અનુસાર તેઓ આ વિવાદને પગલે પાંચ દિવસો સુધી ફરાર રહ્યા હતા. જોકે બાદમાં તેઓ સ્થાનિક કોર્ટમાં હાજર થઈ જતાં તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

આ સમયે નિત્યાનંદ જ્યારે હાજર નહોતા થઈ રહ્યા ત્યારે કર્ણાટક પોલીસે તેમની શોધખોળ માટે મોટું સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ ઑપરેશન દરમિયાન પોલીસે બેંગલુરુમાં બિદરીમાં આવેલા તેમના આશ્રમમાં પણ શોધખોળ કરી હતી. વળી બાબાને શોધવા માટે તેમણે આશ્રમ ખાલી કરાવી દીધો હતો.

જેમાં તેમને કમ્પાઉન્ડના એક ખૂણામાં નિરોધ અને મોટા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો હતા. જેથી પોલીસે આશ્રમને સીલ કરી દીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

એ સમયે નિત્યાનંદનાં જ અનુયાયીએ તેની સાથે નિત્યાનંદે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત દુષ્કર્મ અને વ્યભિચારના કેસોના વિવાદ ઉપરાંત તેઓ ઘણી વાર તેમનાં નિવેદનોના કારણે પણ વિવાદમાં આવ્યા છે.


પ્રાણીઓને તમિલ-સંસ્કૃત બોલતા કરવાનો દાવો

Image copyright BHARGAV PARIKH
ફોટો લાઈન આશ્રમની તસવીર (પ્રતીકાત્મતક)

તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ વાંદરા અને અન્ય પ્રાણીઓને તામિલ અને સંસ્કૃત બોલતા શીખવી શકે છે.

તેમણે કહ્યું હતું કે તેઓ આ જાહેરાત એક સૉફ્ટવૅરના ટેસ્ટિંગ બાદ કરી રહ્યા છે. જેના દ્વારા આ પ્રાણીઓને બોલતા કરી શકાય.

તેમણે એક નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી ખોટી છે.

વિશ્વના પ્રખ્યાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરીને પણ ખોટી ગણાવતા સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા.

એક વાઇરલ વીડિયામાં સ્વામી નિત્યાનંદે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે બેંગલુરુમાં સૂરજને 40 મિનિટ સુધી ઊગતો રોકી રાખ્યો હતો.

અહેવાલો અનુસાર તેમણે કેટલાંક વર્ષ પહેલાં તેમના પ્રવચનમાં એવું પણ કહ્યું હતું કે તમામે ત્રણ વર્ષ સુધી મરવાનું નથી કેમ કે એ દરમિયાન તેઓ કંઈક ખાસ કરવા જઈ રહ્યા છે.


ઊગતો સૂરજ રોકવાનું નિવેદન

એટલું જ નહીં તેમણે પ્રવચનમાં એક વખત એવું પણ કહ્યું હતું, 'ભૂતો તમને નુકસાન નથી કરી શકતા. તેને તમે માત્ર જોઈ શકો છે. તે તમારી પાસે મદદ માંગી શકે છે.'

તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે અન્ય ઘણા ગ્રહો પર જીવસૃષ્ટિ છે અને ત્યાંના લોકો પૃથ્વી પર શૈક્ષણિક પ્રવાસ અર્થે વારંવાર આવતા હોય છે.

નિત્યાનંદે આપેલા નિવેદનનોની યાદી ઘણી લાંબી છે. તેમનાં અન્ય નિવેદનોમાં તેમણે વિજ્ઞાનના સિદ્ધાંતોને પડકારતી વાતો પણ કરી હતી.

નિત્યાનંદે દાવો કર્યો હતો કે તેમણે સૂર્યને કહ્યું હતું કે "જ્યાં સુધી હું ધ્વજ ફરકાવી ના લઉં ત્યાં સુધી તે ઊગે નહીં."

બીજા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ વ્યક્તિની ત્રીજી આંખ ખોલવાનું હુન્નર ધરાવે છે. આ ત્રીજી આંખ દ્વારા તે વ્યક્તિ દીવાલની પાર અને ધુમ્મસમાં પણ જોઈ શકશે.

સ્વામી નિત્યાનંદ દક્ષિણ ભારતના જાણીતા ધર્મગુરુ છે અને વિશ્વભરમાં તેમના અનુયાયીઓ આવેલા છે. તેમની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે તેમણે 500થી વધુ પુસ્તકો લખ્યાં છે.

તેમની સામે થયેલા કેસોને પગલે તેમણે સુપ્રીમ કોર્ટના ચક્કર પણ લગાવવા પડ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ