મોદી સરકાર સરકારી કંપનીઓ કેમ વેચી રહી છે?

ભારતની રાજકોષીય ખોટ રૂપિયા 6.45 લાખ કરોડની છે. તેનો અર્થ એ થયો કે ખર્ચ બહુ વધારે અને કમાણી બહુ ઓછી છે. ખર્ચ અને કમાણી વચ્ચે 6.45 લાખ કરોડનું અંતર છે.
આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પોતાની કંપનીઓનું ખાનગીકરણ અને વિનિવેશ કરીને પૈસા એકઠા કરે છે.
મોદી સરકારની કૅબિનેટે 5 કંપનીઓમાં વિનિવેશને મંજૂરી આપી દીધી છે.
આ પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ઑગસ્ટમાં બીબીસીને જણાવ્યું હતું કે વિનિવેશ કે વેચાણ માટે કેન્દ્ર સરકારને 46 કંપનીઓની યાદી આપવામાં આવી છે અને કૅબિનેટે તેમાંથી 24ના વિનિવેશને મંજૂરી આપી દીધી છે.
સરકારનું લક્ષ્ય છે કે ચાલુ વર્ષે આવું કરીને તે 1.05 લાખ કરોડની કમાણી કરશે.
વિનિવેશ અને ખાનગીકરણ શું છે?
ખાનગીકરણ અને વિનિવેશને ઘણી વખત એક સરખાં ગણી લેવામાં આવે છે. જોકે, ખાનગીકરણ અલગ છે. તેમાં સરકાર પોતાની કંપનીમાં 51 ટકા અથવા તેથી વધુ હિસ્સો કોઈ કંપનીને વેચી દે છે. તેના કારણે કંપનીનું સંચાલન સરકારના હાથમાંથી ખરીદનારના હાથમાં જતું રહે છે.
જ્યારે વિનિવેશમાં સરકાર પોતાની કંપનીમાંથી કેટલોક ભાગ ખાનગી કંપનીને અથવા અન્ય કોઈ સરકારી કંપનીને વેચી દે છે.
સરકાર ત્રણ રીતે પૈસા એકઠાં કરવાની કોશિશ કરી રહી છે- વિનિવેશ, ખાનગીકરણ અને સરકારી સંપત્તિઓનું વેંચાણ.
આ ખાનગીકરણ અને વિનિવેશ એવા માહોલમાં થઈ રહ્યાં છે કે જ્યારે દેશમાં બેરોજગારી એક મોટું સંકટ બની ગઈ છે.
દેશમાં મૂડીની ઘણી અછત છે. સ્વદેશી કંપનીઓ પાસે મૂડી નથી. તેમાંથી મોટા ભાગની કંપનીઓ પર દેવું છે. બૅંકોની સ્થિતી પણ સારી નથી.
વિનિવેશ બાબતે એવી દલીલ એવી પણ છે કે સરકારી કંપનીઓમાં કામકાજની રીતમાં પરિવર્તન આવશે અને ખાનગીકરણ થવાથી જે પૈસા આવશે તેને બહેતર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં વાપરી શકાશે.
પરંતુ શું એ ખરા અર્થમાં વિનિવેશ છે?
5 જુલાઈએ બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પબ્લિક સૅક્ટર અંડરટૅકિંગ(પીએસયૂ)માં સરકારનું રોકાણ 51 ટકાથી ઓછું કરવાની જાહેરાત કરી હતી.
તેનો સરળ શબ્દોમાં એ અર્થ થયો કે જો 51 ટકાથી ઓછા શૅર હશે તો સરકારની માલિકી ખતમ.
પરંતુ એ જ જાહેરાતમાં એ વાત પણ હતી કે સરકાર માત્ર હાલની સ્થિતિ બદલવા માગે છે, જે હાલ સરકારની 51 ટકા ડાયરેક્ટ હોલ્ડિંગની છે. તેને બદલીને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સરકારી હોલ્ડિંગ કરવા માગે છે.
એક ઉદાહરણ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડનું લઈએ. તેમાં સરકારનું 51.5% ડાયરેક્ટ હોલ્ડિંગ છે. તે ઉપરાંત જીવન વીમા નિગમ (એલઆઈસી)ના 6.5ટકા શૅર પણ તેમાં છે, જે સંપૂર્ણ રીતે સરકારી કંપની છે.
તેનો અર્થ એવો થાય કે આઈઓસીએલમાં સરકારનું ઇનડાયરેક્ટ હોલ્ડિંગ પણ છે.
તો જો સરકાર આઈઓસીએલમાંથી પોતાનું ડાયરેક્ટ સરકારી હોલ્ડિંગ ઓછું કરે તો ઇનડાયરેક્ટ સરકારી હોલ્ડિંગના કારણે નિર્ણયો લેવાની સત્તા તો સરકારના હાથમાં જ રહેશે. તો પછી આ પાછળનો હેતુ શો હોઈ શકે?
હેતુ તો એવો હતો કે કોઈ નવું રોકાણકાર મળે અને આ સંસ્થાને બદલીને વિકાસની વાટે લઈ જવાય. પણ આમાં ક્યાંકને ક્યાંક સરકારી હસ્ક્ષેપ તો રહેશે જ.
આર્થિક અને વ્યવસાયિક જગતના એક મોટા વર્ગનું માનવું છે કે છેલ્લાં ત્રીસેક વર્ષમાં જે રીતે સરકારી કંપનીઓ વેચવામાં આવી છે તે વિનિવેશ છે જ નહીં, પરંતુ એક સરકારી કંપનીના શૅર બીજી સરકારી કંપનીએ ખરીદ્યા છે.
તેનાથી સરકારનું બજેટનું નુકસાન તો ઓછું થશે પરંતુ તેનાથી કંપનીના શૅર-હોલ્ડિંગમાં બહુ ફરક નથી આવે કે કંપનીના કામ-કાજમાં પણ કોઈ ફરક નહીં પડે.
વિનિવેશનો ડર કેમ ?
વિનિવેશની આ પ્રક્રિયા પણ અર્થવ્યવસ્થાની જેમ ધીમે ચાલે છે. મોદી સરકારનું વિનિવેશનું લક્ષ્ય માત્ર 16% પૂરું થયું છે. લક્ષ્યના 1.05 લાખ કરોડમાંથી લગભગ 17,365 કરોડ રૂપિયા એકઠા થઈ ચૂક્યા છે.
ઍર ઇન્ડિયાને વેચવા માટે પણ રોકાણકારની શોધ ચાલી રહી છે. તેમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે પહેલાં સરકાર તેમાં 24% હોલ્ડિંગ રાખવા માગતી હતી પરંતુ હવે સરકાર તેને સંપૂર્ણ રીતે વેચવા તૈયાર છે.
વિનિવેશની ધીમી ગતિનું કારણ તેનો વિરોધ પણ છે કારણ કે તેનાથી નોકરીઓ જવાનો ખતરો છે.
આરએસએસ સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘે પણ સરકારી કંપનીઓને ખાનગી કંપનીઓ વેચવાનો વિરોધ કર્યો છે.
કારણ કે ખાનગી કંપની કોઈને પણ નોકરીમાંથી કાઢી શકે છે. જોકે અર્થશાસ્ત્રી વિવેક કૌલ કહે છે કે નોકરીમાંથી કાઢવાનો અર્થ એવો નથી કે કર્મચારીઓ રસ્તા પર આવી જશે.
સ્ટાફને વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ) આપવી પડશે. પ્રૉવિડન્ટ ફંડ પણ આપવું પડશે અવે તેમને ગ્રૅચ્યુઇટી પણ આપવી પડશે.
છેલ્લી વખતે એનડીએ સરકારે વર્ષ 1999થી 2004 વચ્ચે પણ રાજકોષીય ખોટ ઓછી કરવા માટે વિનિવેશની પદ્ધતિ અપનાવી હતી.
ત્યારે તેના માટે એક અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું હતું. આ કવાયત કૉંગ્રેસ સરકારની પણ રહી છે પરંતુ હાલ તે એનડીએ સરકારના આ પગલાની ટીકા કરી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો