મહારાષ્ટ્રમાં સરકારના ગઠનની ગડમથલનો આજે નિવેડો આવી જશે?

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની સરકાર બનશે કે કેમ એ અંગેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ શકે છે.

આજે મુંબઈમાં 2 વાગ્યે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં સરકાર બનાવવા માટેની ફૉર્મ્યુલા પર સહમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.

તમામ મુદ્દાઓ પર સહમતી સધાયા બાદ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસનું સંભવિત ગઠબંધન આજે જ પોતાના ધારાસભ્યોનો સમર્થનપત્ર રાજ્યપાલને સોંપી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

આ દરમિયાન શિવસેનના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તો બીજી બાજુ કૉંગ્રેસ પણ પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે.

આ પહેલાં એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે દિલ્હીમાં સતત બીજા દિવસે શિવસેના સાથે ગઠબંધનની સરકાર બનાવવાના વિષય પર વાતચીત થઈ હતી.

જોકે, આ બધા વચ્ચે કૉંગ્રેસના નેતા સંજય નિરુપમે પક્ષની શિવસેના સાથે યોજાનારી બેઠક પહેલાં જ સંભવિત ગઠબંધન પર સવાલ સર્જી દીધા છે.

તેમણે ટ્વીટ કરીને આ 'સરકાર ક્યાં સુધી ચાલશે' એવો સવાલ કર્યો છે.


મુખ્ય મંત્રીપદનું શું?

Image copyright Getty Images

શિવસેના સાથે મળીને સરકાર રચવાના વિષય પર એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે દિલ્હીમાં બુધવારે અને ગુરુવારે વાતચીત થઈ.

બેઠકોનો ક્રમ પૂર્ણ થયા બાદ ગુરુવારે સાંજે બન્ને પક્ષોએ કહ્યું કે તેમના વચ્ચે તમામ મુદ્દાઓ પર સહમતી સધાઈ છે અને હવે તેઓ શિવસેના સાથે વાત કરશે.

જે બાદ સમગ્ર ધ્યાન મુંબઈમાં શિફ્ટ થઈ ગયું છે. અહીં એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ શિવસેના સાથે બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી અને મંત્રીમંડળ સહિત અન્ય મુદ્દાઓ પર વાતચીત થશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્ત્વની ભૂમિકા એનસીપીની રહી છે અને જાણવા મળી રહ્યું છે કે તે અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીનું પદ માગી શકે છે.

આ જ વિષય પર એનસીપીના સાંસદ સુનિલ તટકરેએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું, "એનસીપીના કાર્યકરોને લાગે છે કે અમારા ધારાસભ્યોની સંખ્યા ઓછી નથી. એટલે એમની ઇચ્છાનું સન્માન કરવું જોઈએ. જોકે, આ સંબંધે અંતિમ નિર્ણય પક્ષના પ્રમુખ શરદ પવાર કરશે."

એટલે હવે આ શરદ પવાર નક્કી કરશે કે શિવસેના સાથે ગઠબંધનની સરકાર બનાવતી વખતે અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીનું પદ લેવા અંગે શરતો રાખવી કે કેમ?

આ મામલે એનસીપી બહુ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે. કેમ કે કૉંગ્રેસને સાથે લાવવામાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની છે, જેમના વગર સરકારનું ગઠન શક્ય નથી.

જોકે, શિવસેનાના સાંસદ સંજય રાઉત કેટલીય વખત કહી ચૂક્યા છે કે મહારાષ્ટ્રને શિવસેનાના મુખ્ય મંત્રી મળશે અને તે પણ પાંચ વર્ષ માટે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો