મહારાષ્ટ્રમાં ભાજપે કરેલી આ 6 ભૂલોએ ઉદ્ધવ ઠાકરેનો રસ્તો આસાન કર્યો

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ Image copyright Getty Images
ફોટો લાઈન અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ

લાંબી રાજકીય ઉથલપાથલ પછી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદે બન્યા અને શિવસેના-એનસીપી-કૉંગ્રેસની મહાવિકાસ અધાડીએ બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી પદ મળ્યું અને ભાજપની સરકાર ન બની એમાં ભાજપની ભૂલોનો ફાળો વધારે છે.

મંગળવાર સવાર સુધી અટકળો ચાલી રહી હતી કે બુધવારે ભાજપ વિધાનસભામાં બહુમતી જાહેર કરશે. પરંતુ અમુક જ કલાકોમાં રમત સાવ બદલાઈ અને ભાજપનો સાથ આપનારા એનસીપી નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રીપદથી રાજીનામું આપી દીધું.

મહારાષ્ટ્રની રાજનીતિમાં પળે પળે બદલતા ઘટનાક્રમથી એ તો સાબિત થઈ ગયું હતું કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.

પરંતુ સવાલ એ થાય છે કે ગોવા, મણિપુર અને હરિયાણામાં સરકાર બનાવવામાં સફળ રહેનારો ભાજપ આખરે આ વખતે કઈ જગ્યાએ ચૂકી ગયો.

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહેબીબીસી સંવાદદાતા માનસી દાશને જણાવ્યું હતું કે વ્યૂહાત્મક રીતે આ ભાજપની સૌથી મોટી ભૂલ છે.

વાંચો તેમનો દૃષ્ટિકોણ -

ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ બધાને ખ્યાલ હતો કે જનાદેશ ભાજપ અને શિવસેનાને મળ્યો હતો.

પરંતુ જ્યારે શિવસેનાએ પીછેહઠ કરી ત્યારે ભાજપે કોઈ પગલું ન ભર્યું અને સીધાં જ રાજ્યપાલ પાસે જઈને કહીં દીધું કે તે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.

ત્યારબાદ ભાજપને લઈને દેશમાં અને મહારાષ્ટ્રમાં એક સહાનુભૂતિ હતી કે પાર્ટીનો વ્યવહાર સન્માનજનક રહ્યો છે.

પરંતુ ભાજપે અજિત પવાર સાથે મળીને જે કર્યું એનાથી તેમણે એ પ્રતિષ્ઠા અને સહાનુભૂતિ ગુમાવી દીધાં.

સાથે જ અમિત શાહની જે છબિ બની ગઈ હતી કે તેઓ ચાણક્ય છે, રણનીતિકાર છે, ક્યારેય ફેલ થતા નથી, એ છબિ પણ તૂટી ગઈ.

ભાજપની સ્થિતિ કંઈક એવી છે કે 'ના ખુદા મળ્યા ના વિસાલ-એ-સનમ' એટલે કે તેઓ ના અહીંના રહ્યા, ના ત્યાંના.

એનાથી હાંસલ કંઈ જ ન થયું પણ નુકસાન ઘણું થયું છે. આની ભરપાઈ જલદી થશે નહીં.


પહેલી ભૂલ - NCP સાથે અંતર રાખ્યું

Image copyright Getty Images
ફોટો લાઈન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનું પોસ્ટર

ચૂંટણી પછીની હલચલને જોતાં સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો ભાજપની પહેલી ભૂલ ત્યારે થઈ, જ્યારે વિધાનસભા ચૂંટણી વખતે એનસીપી પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયની નોટિસ આવી.

આ કેસમાં એ વખતના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સમક્ષ કહ્યું કે રાજ્ય સરકાર બદલાની ભાવના સાથે કામ કરતી નથી અને આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી.

શરદ પવારની એનસીપી મહારાષ્ટ્રમાં બફરપાર્ટી તરીકે કામ કરી રહી હતી. જ્યારે શિવસેનાનું દબાણ હોય ત્યારે ભાજપની મદદ કરવા માટે એનસીપી આવી જતી હતી.

2014માં જ્યારે ભાજપ માટે બહુમત સાબિત કરવાની તક હતી ત્યારે એનસીપીએ તેમને બહારથી સમર્થન આપ્યું હતું.

ચૂંટણી વખતે એ સેતુ ભાજપે સળગાવી દીધો, એનું પરિણામ એવું આવ્યું કે શિવસેનાએ સાથ છોડ્યો ત્યારે ભાજપ સાથે કોઈ નહોતું.


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ

  • મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો : 288
  • સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો : 145
  • ભારતીય જનતા પાર્ટી : 105
  • શિવસેના : 56
  • રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) : 54
  • કૉંગ્રેસ : 44
  • અપક્ષ : 12
  • અન્ય : 17
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ચીનમાં મુસ્લિમોના બ્રેઇનવૉશના પુરાવા

બીજી ભૂલ - અજિત પવાર પર વિશ્વાસ

Image copyright NCP @FACEBOOK
ફોટો લાઈન અજિત પવાર

ભાજપે અજિત પવારના સ્વરૂપમાં એક એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો કે જેમને તેઓ પાંચ વર્ષથી ભ્રષ્ટાચારી કહેતા આવ્યા છે, તેમની પર તપાસો શરૂ કરીને કહેતા રહ્યા કે આમનાથી મોટા ભ્રષ્ટાચારી કોઈ નહીં હોય.

તેમણે એક એવા પત્ર પર વિશ્વાસ કર્યો કે જે ચોરી કરીને લાવ્યા હતા.

શરૂથી જ અજિત પવારની સ્થિતિ ઘણી શંકાસ્પદ રહી હતી અને તેમની પાસે કેટલી બેઠકો છે એ બાબતે પણ શંકા હતી.

ભાજપ એ અંદાજ કાઢવામાં નિષ્ફળ રહ્યો કે તેમની પાસે કેટલા ધારાસભ્યો હશે.

હવે એવું લાગે છે કે ભાજપે માત્ર તેમની વાતો પર ભરોસો કરી લીધો હતો.

પાર્ટી પાસે કોઈ જ પ્લાન બી નહોતો. અજિત પવાર જેટલા ધારાસભ્યોને લઈ આવવાનો દાવો કરી રહ્યા છે, તેટલાને ન લાવી શકે તો એ સ્થિતિમાં શું કરવું એની પણ તૈયારી નહોતી.


ત્રીજી ભૂલ - પવાર પરિવારને સમજી ન શક્યા

Image copyright Getty Images
ફોટો લાઈન અજિત પવાર અને શરદ પવાર

એક મોટી ભૂલ શરદ પવાર અને અજિત પવારના સંબંધને સમજવા પણ થઈ. આ બંને એક પરિવારના લોકો છે.

ભાજપે આકલન કરી લીધું હતું કે સત્તામાં આવવાની કોશિશમાં આ પરિવાર તૂટી જશે.

ભાજપે એ આકલન ન લગાવ્યું કે પરિવારમાં એક ભાવનાત્મક જોડાણ હોય છે જે પરિવારથી અલગ થનાર વ્યક્તિ પર માનસિંક દબાણ ઊભું કરે છે.

અજિત પવારને સમજાવવું પરિવારના લોકો માટે સરળ એટલે હતું કેમ કે ઉપમુખ્ય મંત્રીપદ તો તેમને એનસીપી-શિવસેના-કૉંગ્રેસના ગઠબંધનમાં પણ મળી રહ્યું હતું અને ભાજપ સાથે જવા પર પણ એ જ પદ મળ્યું હતું. આથી વધુ કંઈ મળતું નહોતું.

અજિત પવાર માટે આ ફાયદાનો સોદો નહોતો, કદાચ આ વાત તેમનો પરિવાર તેમને સમજાવવામાં સફળ રહ્યો.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ધર્મ અને જાતિને ત્યજી દેનારા ભારતના પ્રથમ મહિલા

ચોથી ભૂલ - શરદ પવારની તાકાતને ઓછી આંકવી

Image copyright Reuters
ફોટો લાઈન શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારની તાકાતને ભાજપે ઓછી ગણી, એ તેમની મોટી ભૂલ હતી.

વિધાનસભા ચૂંટણી પહેલાં શરદ પવાર વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલયની નોટિસ આવી એ પછી જે રીતે તેમને પલટવાર કર્યો એ પછી ભાજપને ઓછામાં ઓછી બેઠકોનું નુકસાન થયું.

મહારાષ્ટ્રમાં ખાસ કરીને મરાઠા રાજનીતિમાં શરદ પવાર હજી પણ મોટા નેતા છે. એમાં કોઈ વિવાદ નથી અને આ શરદ પવારે સાબિત પણ કરી દીધું. જોકે ભાજપ આ વાત સમજી ન શક્યો.

શરદ પવાર સાથે ભાજપનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લાંબો સંબંધ રહ્યો છે.

મોદી પોતે માની ચૂકયા છે કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ વચ્ચેવચ્ચે શરદ પવારને ફોન કરતા હતા અને પ્રશાસનિક તથા રાજકીય મામલે તેમની સલાહ લેતા હતા.

આ મિત્રતા કેમ તૂટી, એનો આધાર શો હતો કે એનાથી શું મળ્યું હાલ તબક્કે સમજવું મુશ્કેલ છે.

શરદ પવાર એક અલગ પ્રકારની રાજનીતિ માટે જાણીતા છે. 1978માં તેઓ પોતાના રાજકીય ગુરુ વસંતદાદા પાટીલ સાથે બગાવત કરીને કૉંગ્રેસથી અલગ થયા અને મુખ્ય મંત્રી બની ગયા. એ વખતે તેઓ માત્ર 37 વર્ષના હતા.

એ પછી તેઓ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અલગ ધ્રુવ તરીકે સ્થાપિત થઈ ગયા. ક્યારેક કૉંગ્રેસમાં આવ્યા, ક્યારેક ગયા. ત્રણ વાર મુખ્ય મંત્રી પણ બન્યા.

જે પાર્ટી એમણે બનાવી તેને બે દસકાથી વધારે સમય થઈ ગયો છે. આજે એમની પાર્ટી મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. પોતાના જનાધારને જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યા છે.

તેમનો સમાવેશ એવા રાજકીય નેતાઓમાં થાય છે જેઓ સમજે છે કે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ.

વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 80 વર્ષના શરદ પવારે લડાયકવૃત્તિ દાખવી હતી. ચૂંટણી પ્રચારમાં વરસતાં વરસાદમાં ઊભા રહીને ભાષણ આપતી એમની એક તસવીરે ચૂંટણીનું વલણ બદલી દીધું.


પાંચમી ભૂલ - ધીરજ ગુમાવી

રાજ્યમાં સરકાર બનાવવા માટે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને સામેલ કરવા મોટી ભૂલ હતી.

જો આ કામ સામાન્ય રીતે કરવામાં આવ્યું હોત તો સ્થિતિ અલગ હોત. જેમ કે, કૅબિનેટની બેઠક બોલાવવામાં આવત, એમાં રાષ્ટ્રપતિશાસન હઠાવવાનો નિર્ણય લેવામાં આવત અને પછી શપથગ્રહણ સમારોહ થયો હોત તો ભાજપની આટલી બદનામી ન થઈ હોત.

હવે તો એ વાત થઈ રહી છે કે એવી તો શું ઉતાવળ હતી કે અર્ધી રાતે વડા પ્રધાને ઇમરજન્સીની જોગવાઈનો ઉપયોગ કરવો પડ્યો અને આ નિર્ણય લેવો પડ્યો.

જોકે, પાછળથી ખબરથી પડી કે પાર્ટીની કોઈ તૈયારી જ નહોતી.

જો બધું સામાન્ય રીતે કરવામાં આવ્યું હોત તો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ કદાચ ન ગયો હોત.

કોર્ટમાં પણ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે એ જ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારે ખોટી રીતે શપથ લીધી છે એટલે એને બરખાસ્ત કરવામાં આવે.

એમનો સવાલ હતો કે એવી તો શું ઇમરજન્સી આવી પડી હતી કે દેવેન્દ્ર ફડણવીસને સવારે 8 વાગે શપથ લેવડાવી.

જ્યારે તેઓ બહુમતનો દાવો કરી રહ્યા હતા તો તેને સાબિત કરવાથી કેમ બચી રહ્યા છે.


છઠ્ઠી ભૂલ - કૉંગ્રેસ-શિવસેના-એનસીપીને ભાજપ પોતે નજીક લઈ ગઈ

Image copyright Getty Images
ફોટો લાઈન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સોનિયા ગાંધી

ભાજપે ત્રણે પાર્ટીઓને ભરપૂર મોકો આપ્યો કે તેઓ તેમના આંતરિક મતભેદો ભૂલાવીને એક સાથે આવે કેમ કે તેનાથી એમના અસ્તિત્વ પર જ સવાલ ઊભો થઈ ગયો.

ભાજપ પાસે તક હતી કે જો એનસીપીનો સાથ જોઈતો હતો તો એણે સીધી શરદ પવાર સાથે વાત કરવાની જરૂર હતી.

શરદ પવારની શરતો માનીને ભાજપે ગઠબંધન કર્યું હોત તો સરકાર પણ ચાલત અને શિવસેનાને પણ તેનું સ્થાન દેખાડી શકાત.


ભૂલ ફડણવીસની કે પાર્ટીની?

Image copyright Reuters
ફોટો લાઈન દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થયું તેના માટે એકલા દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ન ઠેરવી શકાય. એના માટે રાષ્ટ્રીય નેતૃત્વ પણ જવાબદાર છે.

પહેલું તો એ કે મહારાષ્ટ્ર એ કંઈ નાનું રાજ્ય નથી અને બીજું કે કર્ણાટકમાં ભાજપે આ જ ભૂલ કરી હતી.

જો તમે શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સરકાર બનવા દેત તો આ સરકાર તેમના આંતરિક મતભેદોને કારણે તૂટી જાત અને એ સંજોગોમાં ભાજપ માટે બહેતર સ્થિતિ હોત.

જો ફરી ચૂંટણી થાય તો પણ તે ભાજપ માટે બહેતર હોત અને ચૂંટણી ન થાય તો પણ ભાજપને જ લાભ થાય.

પરંતુ અત્યારે જે કંઈ પણ થયું તેનાથી ભાજપને તો નુકસાન જ નુકસાન છે.

દેવેન્દ્ર ફડણવીસની છબીને ઘણું નુકસાન થયું છે કેમ કે તેઓ એક માત્ર એવા મુખ્ય મંત્રી તરીકે ઊભરી રહ્યા હતા જેમને ભવિષ્યમાં સંભવિત વડા પ્રધાન તરીકે જોવામાં આવતા હતા.

ભાજપના તમામ મુખ્ય મંત્રીઓમાં તેમને સૌથી બહેતર અને દિલ્હીના નજીકના ગણવામાં આવતા હતા.

પાર્ટી હાઇકમાન તરફથી પણ તેમને જેટલું સમર્થન મળી રહ્યું હતું એની સરખામણીમાં તો અન્ય મુખ્ય મંત્રીઓને તો ઓછું જ મળ્યું છે.

પરંતુ જે કંઈ પણ થયું તેનાથી એમની પ્રતિષ્ઠા અને રાજકીય સમજને મોટો ઝટકો લાગ્યો છે.

આ આખા ઘટનાક્રમમાં તેઓ કોઈ પણ કિંમતે અને કોઈની પણ સાથે ગઠબંધન કરી સત્તા હાંસલ કરવા માગતા નેતા તરીકે સાબિત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો