જ્યારે કોર્ટમાં પટાવાળાની નોકરી કરનારનાં દીકરી જજ બન્યાં

અર્ચના કુમારી Image copyright ROUSHAN/BBC
ફોટો લાઈન અર્ચના કુમારીએ 2018માં યોજાયેલી 30મી બિહાર ન્યાયીક સેવક પરીક્ષામાં સફળતા મેળવી છે.

"અમારો પરિવાર એક રૂમના સર્વન્ટ ક્વાટરમાં રહેતો હતો. અમારા ક્વાટરની આગળ જ જજસાહેબનો બંગલો હતો. પપ્પા આખો દિવસ જજસાહેબ આગળ ઊભા રહેતા. બસ એ જજસાહેબનો એ બંગલો, એમને મળતું સન્માન અને સર્વન્ટ ક્વાર્ટર્સની એક રૂમની ઓરડી મારી પ્રેરણા બની."

34 વર્ષીય અર્ચનાનાં પિતા સોનપુર રેલવે કોર્ટમાં પટાવાળા હતા અને હવે એમની દીકરી અર્ચના કુમારીએ 2018માં થયેલી બિહારની ન્યાયિક સેવકની પરીક્ષામાં સફળતા મેળવી છે અને તેઓ જજ બન્યાં છે.

નવેમ્બરમાં જાહેર થયેલાં પરિણામમાં અર્ચનાને સામાન્ય શ્રેણીમાં 227મો અને ઓબીસી શ્રેણીમાં 10મો રૅન્ક મળ્યો છે.

બીબીસી સાથે ફોન પર વાત કરતાં અર્ચનાના અવાજમાં ખૂબ આનંદ છે. અને એની સાથે જ ખૂબ સાધારણ પરિવારમાંથી આવતા હોવાનો ગર્વ અને વિનમ્રતા પણ અવાજમાં વર્તાય છે.

ઘરમાં ગરીબી

Image copyright ROUSHAN/BBC
ફોટો લાઈન પીળા ફ્રોકમાં અર્ચના કુમારી

મૂળરૂપે પટનાના ધનરુઆ પોલીસ સ્ટેશનમાં આવતાં માનિક બિગહા ગામમાં અર્ચના 'જજ દીકરી' તરીકે પ્રખ્યાત થઈ રહ્યાં છે.

ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટાં એવાં અર્ચના માટે જજ બનવા સુધીની સફર અને વળાંકો પરથી પસાર થાય છે.

બાળપણમાં તેઓ અસ્થમાનો શિકાર બન્યાં અને ખૂબ બીમાર રહેતાં હતાં અને ઘરમાં ખૂબ ગરીબી હતી.

પટનામાં રાજકીય કન્યા ઉચ્ચ વિદ્યાલયમાંથી તેમણે સાઇકૉલૉજીમાં બીએ કર્યું છે.

પરંતુ આ ગ્રેજ્યુએશન દરમિયાન 2005માં એમનાં પિતા ગૌરીનંદન પ્રસાદનું કસમયે મૃત્યુ થયું.

અર્ચના કહે છે, મારા માટે ખૂબ મુશ્કેલ હતું, કેમ કે પરિવારમાં હું મોટી હતી. મેં કમ્પ્યૂટર શીખ્યું હતું એટલે મારી જ શાળામાં જ મેં કમ્પ્યૂટર શીખવવાનું શરૂ કર્યું, જેથી ઘરખર્ચમાં મદદ મળે."

"ત્રણ બહેનો હતી એટલે પરિવાર તરફથી લગ્ન માટે દબાણ હતું. 21 વર્ષે મારાં લગ્ન થઈ ગયાં અને એ વખતે મેં માની લીધું કે હવે મારું ભણતર પૂર્ણ થયું."

પતિ, ઘર, બાળકો અને કૅરિયર

Image copyright ROUSHAN/BBC
ફોટો લાઈન પતિ સાથે અર્ચના કુમારી

પરંતુ 6 વર્ષની વયથી જ જજ બનવાનું સપનું જોઈ રહેલાં અર્ચના નસીબદાર નીકળ્યાં.

એમના પતિ રાજીવ રંજને એમને સપનું સાકાર કરવામાં મદદ કરી.

રાજીવે એમની ભણવાની ધગશ જોઈ અને સહયોગ કર્યો. 2008માં અર્ચનાએ પૂણે વિશ્વવિદ્યાલયમાં એલએલબી માટે એડમિશન લીધું.

અર્ચના કહે છે મારો અભ્યાસ હિંદી માધ્યમમાં થયો હતો. સગાંવહાલાંઓ કહેતા હતા કે હું પૂણે યુનિવર્સિટીનાં અંગ્રેજી માહોલથી ભાગી આવીશ. મારી સામે અંગ્રેજીમાં ભણવાનો પડકાર હતો અને હું પહેલી વાર બિહારથી બહાર નીકળી હતી.

2011માં તેઓ અભ્યાસ પૂર્ણ કરીને પટના આવ્યાં અને ગર્ભવતી થયાં.

2012માં તેઓ માતા બન્યાં. બાળકના જન્મ પછી એમની જવાબદારી વધી, પરંતુ અર્ચનાએ બાળકના ઉછેર સાથે પોતાનું સપનું સાકાર કરવાની સફર ચાલુ રાખી.

તેઓ 5 માસના બાળક સાથે આગળ અભ્યાસ કરવા અને પરીક્ષાની તૈયારી માટે દિલ્હી આવી ગયાં.

દિલ્હીમાં તેમણે એલએલએમનો અભ્યાસ શરૂ કર્યો. એની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી. આજીવિકા ચલાવવા માટે એમણે કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ શરૂ કર્યું.

સારું શિક્ષણ અને પરિવારનો સહયોગ

Image copyright ROUSHAN/BBC
ફોટો લાઈન બહેનો અને માતા સાથે અર્ચના કુમારી

અર્ચનાની સફળતામાં એમના પરિવારનો ખૂબ સહયોગ રહ્યો.

અર્ચનાનાં માતા પ્રતિમા દેવી સાતમું ધોરણ ભણેલાં છે. એમણે બીબીસીને કહ્યું કે ''દીકરીનું પરિણામ આવ્યું એ પછી ન તો ઊંઘ આવી, ન તો ભૂખ લાગી. આનંદનો કોઈ પાર નહોતો. આજે એના પિતા હયાત હોત તો એમની ખુશીનું તો ઠેકાણું જ ન હોત.''

પ્રતિમા દેવીને પોતે અભ્યાસ ન કરી શક્યાં તેનો રંજ છે, પરંતુ તેમણે એમની ત્રણેય દીકરીઓને સરસ શિક્ષણ આપ્યું છે.

અર્ચનાના પતિ રાજીવ પટનાની મેડિકલ કૉલેજમાં ઍનૉટોમી વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.

એમણે બીબીસીને કહ્યું કે અર્ચનામાં ભણવાની ખૂબ હોંશ હતી અને મેં એને સહયોગ કર્યો જેનું પરિણામ તમારી સામે છે. મારી કાયમ કોશિશ રહેશે કે તે ખૂબ આગળ વધે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો