મોબાઈલ સેવા મોંઘી : શું અનલિમિટેડ કૉલનો જમાનો વીતી ગયો?

ત્રણ-ચાર વર્ષ પહેલાં ભારતમાં મોબાઇલ સેવા પૂરી પાડતી લગભગ 10 મોબાઇલ કંપનીઓ હતી. તેમની વચ્ચે સ્પર્ધા હતી, જેનાં કારણે ગ્રાહકોને સસ્તા દરના અનેક વિકલ્પ મળી રહેતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે જિયોના નેજા હેઠળ આ બજારમાં ઝંપલાવ્યું અને આક્રમક રીતે તેનો પ્રચાર કર્યો. આ સાથે જ અન્ય તમામ કંપનીઓની સરખામણીએ ખૂબ જ નીચા દરે કૉલ અને ડેટા આપવાનું પણ શરૂ કર્યું.
આથી, ગ્રાહકો જિયો તરફ આકર્ષાયા અને બાકી કંપનીઓએ ગ્રાહકો ગુમાવવાનો સમય આવ્યો. ત્રણ-ચાર વર્ષમાં બજારમાંથી ટેલિકૉમ કંપનીઓ અદ્રશ્ય થવા લાગી. હવે બજારમાં માત્ર ચાર કંપનીઓ જ વધી છે.
કંપનીઓની સ્થિતિ
આ ચાર કંપનીઓમાંથી એક બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ) છે, જેની સ્થિતિ જગજાહેર છે. તે બજારમાં છે કે નહીં, તે કહેવું પણ મુશ્કેલ છે.
આ સિવાય બે કંપનીઓ છે વોડાફોન-આઇડિયા અને ભારતી છે. બજારની આ સ્થિતિ ચિંતાજનક દૃશ્ય ઊભું કરે છે.
વોડાફોન-આઇડિયાને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રેકર્ડ રૂપિયા 74 હજાર કરોડનું નુકસાન થયું છે.
એક અબજ કરતાં વધુ મોબાઇલ કનેક્શન હોવા છતાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને નુકસાન થવું ચિંતાજનક બાબત છે. આ અંગે કંપનીઓએ કેટલાંક પગલાં પણ લીધાં છે.
ભારતના ટેલિકૉમ બજાર અને તેના ભવિષ્યને સમજવા માટે બીબીસી સંવાદદાતા નવીન નેગીએ ટેકનૉલૉજીના નિષ્ણાત પ્રશાંતો રૉય સાથે વાત કરી.
ચાર્જિસ વધારવા જરૂરી
ઍરટેલ અને વોડાફોનની સ્થિતિ જોતાં તેમના માટે મોબાઇલસેવાના દર વધારવા જરૂરી બની ગયા છે. કંપનીઓને સ્પૅક્ટ્રમનો ખર્ચ વધી ગયો છે.
ઉત્તરોત્તર આ કંપનીઓની ખોટ વધી રહી છે. જો કંપનીઓ સેવાશુલ્ક વધાર્યાં વગર વર્તમાન દરે જ સેવા આપવાનું ચાલુ રાખે તો તેમના માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની જશે.
જો આ કંપનીઓ પણ બજારમાંથી ખસી જાય તો માત્ર જિયો વધી હોત, આ સ્થિતિ જોતાં ટેરિફ-પ્લાનમાં વધારો બરાબર માની શકાય.
બજારમાં સ્પર્ધા ઉત્તરોત્તર ઘટી રહી છે એટલે આ કંપનીઓએ મળીને જ નિર્ણય લેવાનો હતો.
જિયો વિરુદ્ધ અન્ય
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે જિયો મોબાઇલ સેવા લૉન્ચ કરી હતી. કંપની પાસે અઢળક નાણાં હતાં. આથી, ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંપની નજીવા દરે આકર્ષક ઑફર્સ આપી શકી.
ભારતમાં ટેલિકૉમનો ધંધો જંગી મૂડી માગી લે તેવો વેપાર છે. સ્પૅક્ટ્રમ ખરીદવાનો ખર્ચ, સ્પૅક્ટ્રમ વાપરવાનો ખર્ચ, અને આ સિવાય વ્યાપક નેટવર્ક પણ સ્થાપિત કરવું પડે.
આ સિવાય ભારતમાં વપરાશકર્તાદીઠ આવક ખૂબ જ ઓછી છે. ભારતમાં લોકો મોબાઇલસેવા માટે ખૂબ જ ઓછો ખર્ચ કરે છે.
ભારતમાં સરેરાશ માસિક મોબાઇલ બિલ રૂપિયા 100-150 આવે છે, જે દુનિયામાં સૌથી ઓછું છે. આટલી ઓછી આવકમાં ટેલિકૉમ કંપની ચલાવવી મુશ્કેલ બની રહે છે.
જિયોએ બજાર સમજ્યું?
ઍરટેલ તથા વોડાફોન જેવી કંપનીઓ વર્ષોથી ભારતીય બજારમાં કાર્યરત છે, એટલે તેઓ સ્થાનિક ગ્રાહકોની પસંદ-નાપસંદથી અજાણ હોય, એમ કહી ન શકાય.
પરંતુ જિયો જેવા કદાવર સ્પર્ધકના આગમનથી આ કંપનીઓને મોટી અસર થઈ, તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ કંપનીઓને કદાચ અણસાર નહીં હોય કે આટલા મોટા પ્રમાણમાં ગ્રાહકો જિયો તરફ વળી જશે.
અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર 2જી અને 3જી મોબાઇલ સેવાઓ આપી રહ્યા હતા, ત્યારે જિયોએ 4જી ટેકનૉલૉજીને બજારમાં ઉતારી.
આ ખૂબ જ આધુનિક ટેકનૉલૉજી હતી, જેણે જૂની કંપનીઓને પછાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
અનલિમિટેડ કૉલનું શું?
ગ્રાહકોનો મોબાઇલના માસિક ખર્ચ વધારવા માટે વૉઇસકૉલનાં દરોમાં વૃદ્ધિ કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
આથી જ અનલિમિટેડ કૉલના કલાકોમાં પણ ટોચમર્યાદા લાગુ કરી દેવામાં આવી છે. ઉપરાંત ડેટાપ્લાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
જિયોએ અન્ય નેટવર્ક ઉપર કૉલ કરવા માટે ચાર્જ વસૂલવાનો શરૂ કર્યો, જોકે, બદલામાં તે ગ્રાહકોને ડેટા આપે છે. અન્ય કંપનીઓએ પણ આ પ્રકારના પ્લાન ઉપર વિચારણા હાથ ધરવી પડશે.
કંપનીઓ અનલિમિટેડ કૉલ ખતમ કરવા માગતી નથી, તેઓ ગ્રાહકદીઠ ખર્ચને રૂ. 100-150થી વધારીને રૂ. 200-250 સુધી લઈ જવા માગે છે.
- Vodafone Idea : મોબાઇલમાં આવી મોંઘવારી, પ્લાન 50 ટકા મોંઘા થશે
- ભારતીય મૂળના સુંદર પિચાઈના હાથમાં આવશે આલ્ફાબૅટનો કંટ્રોલ
જિયોની મૉનોપૉલી
એવું કહી શકાય કે હાલમાં એક જ કંપની મહદંશે બજારને નિયંત્રિત કરી રહી છે. અન્ય બે કંપનીઓની સ્થિતિ ખાસ સારી નથી.
જિયો પોતાની મરજી મુજબ બજારને ચલાવી રહી છે. સરકારની નીતિઓ મુજબ ખુદને ઢાળવાની નીતિનો જિયોને લાભ થયો છે.
સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે સરકારે સક્રિય બનવું પડશે.
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ તથા ટ્રાઈ (ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા)એ જરૂરી પગલાં લેવાં પડશે.
સરકારે જોવું રહ્યું કે બજારમાં એક જ કંપનીનો એકાધિકાર ન રહે. જો આવી સ્થિતિ ઊભી થશે તો બજારની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.
કદાચ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇંડિયાએ દરમિયાનગીરી કરવી પડે તેવા પણ સંજોગ ઊભા થઈ શકે છે.
ગ્રાહકોએ શું કરવું?
દુનિયાભરમાં મોબાઇલના સૌથી સસ્તા દર ભારતમાં છે. નવા ટેરિફમાં વધુ ખર્ચ ન થઈ જાય તે માટે ગ્રાહકોએ ડેટાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે.
મોબાઇલ વપરાશકર્તા સૌથી વધુ રકમ ડેટા ઉપર ખર્ચે છે. આથી મફતમાં વાઈ-ફાઈની સવલત વધે તે જોવું રહ્યું.
કદાચ આવનારા સમયમાં ટેલિકૉમ કંપનીઓ પણ આ દિશામાં આગળ વધશે અને મફતમાં વાઈ-ફાઈ આપવાનું શરૂ કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો