ષણમુગ સુબ્રમણ્યન : એ ભારતીય ઇજનેર જેમણે ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર શોધી કાઢ્યું

ષણમુગ સુબ્રમણ્યમ Image copyright FACEBOOK

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમને શોધવાનો શ્રેય ચેન્નાઇમાં રહેલાં ઇજનેર ષણમુગ સુબ્રમણ્યનને આપ્યો છે.

નાસાએ વિક્રમના મળવાની પુષ્ટિ કરીને એક નિવેદન જાહેર કર્યું હતું કે: "ષણમુગ સુબ્રમણ્યને નાસાના એલઆરઓ પ્રોજેક્ટ(લુનર રિકૉનાએસંસ ઑરબિટર)ના કાટમાળ મળવા અંગે સંપર્ક કર્યો હતો."

"આ જાણકારી મળ્યા પછી એલઆરઓ ટીમે પહેલાં અને પછીની તસવીરોની તુલના કરીને વિક્રમના કાટમાળની પુષ્ટિ કરી."

નાસાએ પોતાના નિવેદનમાં લખ્યું છે,

"આ કાટમાળને સૌથી પહેલાં ષણમુગે શોધી કાઢયો કેમ કે તે જગ્યાથી લગભગ 750 મિટર દૂર લૅન્ડર વિક્રમ પડ્યું હતું અને આ તેની એકમાત્ર સ્પષ્ટ તસવીર હતી."

નાસાની જાહેરાત પછી ષણમુગે પણ ટ્વિટર પર લખ્યું:

"નાસાએ ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરને શોધવા માટે મને શ્રેય આપ્યું છે."

બીબીસી સંવાદદાતા પ્રમિલા કૃષ્ણને નાસાની પુષ્ટિ પછી ષણમુગ સાથે વાતચીત કરી જેમાં તેમણે કહ્યું:

"મેં વિક્રમના કાટમાળના એક નાના ભાગને શોધ્યો છે."

"નાસાએ તેની આસપાસના વિસ્તારમાંથી વધારે કાટમાળને શોધી કાઢ્યો અને આ જગ્યાની પણ ખબર પડી જ્યાં તે પડ્યું હતું."

પોતાના ફેસબુક એકાઉન્ટ પર 33 વર્ષના ષણગુમે પોતાનો પરિચય રસપ્રદ લખ્યો છે:

'મારા વિશે કોઈ જાણતું નથી. No one knows about me ;)'

ફેસબુક પર ષણમુગના એકાઉન્ટ પરથી માહિતી મળી રહી છે તે મુજબ તે મૂળે મદુરાઇ શહેરના રહેવાસી છે અને હાલ ચેન્નાઇમાં રહે છે.

અહીં લખ્યું છે કે તે હાલ લિનક્સ ઇન્ડિયા ટેકનૉલૉજી સેન્ટરમાં ટેક્નિકલ આર્કિટેક્ટ છે અને આ પહેલાં અમેરિકાની મલ્ટિનેશનલ આઈટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપની 'કૉગ્નિજૈંટ' સાથે કામ કરી ચૂક્યા છે.

તેમણે બીબીસીને કહ્યું, "મેં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ હું એક આઈટી પ્રોફેશનલ છું."

"આ કામ સિવાય વેબસાઇટ અને ઍપ ડિઝાઇન કરું છું."

"જેમાંથી કેટલાંકનો ન્યૂ યૉર્ક ટાઇમ્સે પણ રિવ્યૂ કર્યો છે. આમાં એક ટૅક્સ્ટ ઑનલી રીડર ઍપ પણ છે."


કેવી રીતે શોધ્યું વિક્રમ?

Image copyright FACEBOOK
ફોટો લાઈન ષણમુગનું ફેસબુક પેજ

ચંદ્રયાન-2 મિશન હેઠળ વિક્રમ લૅન્ડર સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર ઉતરવા જઈ રહ્યું હતું.

47 દિવસોની લાંબી યાત્રા પછી લૅન્ડિંગના થોડા સમય પહેલાં 2.1 કિલોમિટર દૂર તેનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો.

ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ બીજા દિવસે કહ્યું કે તેણે લૅન્ડરને શોધી લીધું છે પરંતુ તેની કોઈપણ તસવીર જાહેર કરવામાં આવી ન હતી.

નાસાનું એક યાન - એલઆરઓ પ્રોજેક્ટ (લુનર રિકૉનાએસંસ ઑર્બિટર) સપ્ટેમ્બરથી જ ઘણીવખત એ જગ્યા પરથી પસાર થયું હતું પરંતુ કોઈ સ્વચ્છ તસવીર મળી રહી ન હતી.

આ વચ્ચે કેટલાંક બીજા લોકોને વિક્રમ ક્યાં ગયું તે શોધવામાં રસ હતો. આમાં ભારતના કોમ્પ્યુટર પ્રોગ્રામર અને મિકેનિકલ ઇજનેર ષણમુગ સુબ્રમણ્યને પણ રસ હતો.

ષણમુગે અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું, "વિક્રમ ક્રેશ થવાથી ન મને પરંતુ મારા જેવાં અનેક લોકોને ચંદ્રમાં રસ પડ્યો."

"મને લાગે છે કે વિક્રમ જો યોગ્ય રીતે લૅન્ડ કરતું તો આટલો રસના પડતો. આ પછી હું તસવીરોને સ્કૅન કરવા લાગ્યો."

ષણમુગે વિક્રમની ગતિ અને સ્થિતિની છેલ્લી જાણકારીના આધારે એક જગ્યાએ કેટલાંક સફેદ ધબ્બાં જોયાં જે પહેલાંની તસવીરોમાં જોવા મળતાં ન હતાં.

આ પછી તેમણે નાસાનો સંપર્ક કર્યો અને 27 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર, 3 ઑક્ટોબર અને 17 નવૅમ્બરે ટ્વિટ કર્યા.

3 ઑક્ટોબરે તેમણે તે જગ્યાની પહેલાંની અને પછીની તસવીરોની સાથે ટ્વિટ કરી, શું આ વિક્રમ લૅન્ડર છે? (લૅન્ડિંગની જગ્યા એક કિલોમિટરથી દૂર) લૅન્ડર કદાચ ચંદ્રની સપાટીની નીચે દબાયેલો હોય?

છેવટે ષણમુગના પ્રયત્નોને કારણે 3 ડિસેમ્બરે નાસાએ આ વાતની પુષ્ટિ કરી કે ષણમુગે જે શોધ કરી તે સાચી છે અને તેણે જે તસવીર દેખાડી તે વિક્રમના કાટમાળની તસવીર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ