વિજય રૂપાણી સરકારના પ્રધાને કહ્યું: 'ગુજરાતમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો', સત્ય શું?

વિજય રૂપાણી Image copyright Getty Images

ગુજરાત સરકારના ઊર્જામંત્રી સૌરભ પટેલે ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલના એક સર્વેને ટાંકતાં કહ્યું કે દેશના બીજાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે.

ગુજરાતના મુખ્ય મંત્રીએ પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો હોવાની વાતને લઈને રાજીપો વ્યક્ત કર્યો હતો.

ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એક ગેરસરકારી અને બિનરાજકીય, સ્વતંત્ર એજન્સી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું આ સ્વતંત્ર એજન્સીએ 20 રાજ્યમાં બે લાખથી વધારે લોકોને આવરી લેતો આ સર્વે કર્યો છે. સર્વેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાને સામેલ કરવામાં આવ્યાં હતાં.

એ સિવાય રાજસ્થાનમાં 78 ટકા લોકોએ લાંચ આપી છે. જ્યારે ગોવા, ઓડિશા, કેરળ અને હરિયાણામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થયો હતો.

તેમણે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટને ટાંકતાં ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારની કામગીરીનાં વખાણ કર્યાં અને કહ્યું કે તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થયો છે.

જોકે જે રિપોર્ટને સૌરભ પટેલ ટાંકતાં ગુજરાત સરકારની કામગીરીનાં વખાણ કર્યાં તેમાં ગુજરાતમાં સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી 48 ટકાએ લાંચ આપવાની વાત સ્વીકારી હતી.

સૌરભ પટેલે કહ્યું છે કે સરકારી વિભાગનાં કામકાજમાં માણસોનો હસ્તક્ષેપ ઓછાંમાં ઓછો થાય તે માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઑનલાઈન સિસ્ટમ વિકસાવી છે.

આના પરિણામ સ્વરૂપે ગુજરાત સર્વેમાં 'સૌથી ઓછાં ભ્રષ્ટ રાજ્ય'માં સામેલ છે.

તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે મહત્ત્વની મહેસૂલી સેવાઓ, ખાણની ઑનલાઇન હરાજી, ગેરકાયદેસર માઇનિંગ પર નજર રાખવા કૅમેરા, સીએમ ડૅશ બોર્ડ મારફતે ગુજરાત સરકારના 3,400 માપદંડો પર નજર રાખવા જેવાં પગલાં લીધાં છે.


ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો?

સૌરભ પટેલે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોને ભ્રષ્ટાચાર નાથવા બટન કૅમેરા, પેન કૅમેરા, સ્પૅક્ટ્રોગ્રાફી અને વૉઇસ રેકર્ડર જેવાં આધુનિક ઉપકરણો આપ્યાં છે, જેથી તેમની દક્ષતા વધી છે.

પરંતુ જેને આધારે સૌરભ પટેલે રૂપાણી સરકારની પીઠ થાબડી, તેમાં જેનો તેમણે ઉલ્લેખ નહોતો કર્યો તેના પર નજર કરીએ તો ગુજરાતમાં લાંચ આપવાની વાત સ્વીકારનાર લોકોની સંખ્યા વધી છે.

ટ્રાન્સપરૅન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના 2019ના સર્વે પ્રમાણે ગુજરાતમાં 48 ટકા લોકોએ કહ્યું કે તેમને સરકારી કામ માટે લાંચ આપવી પડી હતી.

જ્યારે 2018 વર્ષમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, ગુજરાતમાં સર્વેમાં સામેલ થયેલા 31 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને સરકારી વિભાગોમાં કામ કરાવવા માટે લાંચ આપી હતી.

અહીં જુઓ કે 2019 અને 2018માં ગુજરાતમાં સર્વેમાં ભાગ લેનારા લોકોએ કેટલી વખત લાંચ આપી.


ગુજરાતમાં લોકોએ કેટલી વખત લાંચ આપી?

કેટલી વખત લાંચ આપવાની વાત સ્વીકારી? 2019 (સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી %) 2018 (સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી %)
અનેક વખત લાંચ આપી 26 % 6 %
એક કે બે વખત 22 % 25%
લાંચ આપ્યા વગર કામ થયું 22 % 31%
લાગુ પડતું નથી 30 % 38 %

ઉપરોક્ત વિગતો ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલના અહેવાલમાં બહાર આવી છે.


ગુજરાતમાં ક્યાં આપવી પડી સૌથી વધુ લાંચ

Image copyright Getty Images

મીડિયા અહેવાલો મુજબ ડિસેમ્બર 2018માં ખુદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું હતું:

"ગુજરાતમાં મહેસૂલવિભાગ ભ્રષ્ટાચાર માટે સૌથી વધારે બદનામ છે અને પોલીસ વિભાગ બીજા નંબર પર છે."

"આ વિભાગોમાં ભ્રષ્ટાચારને નાથવા માટે રસ્તો શોધવો પડકારજનક છે."

તેમણે કહ્યું હતું, "સત્તા ભ્રષ્ટ બનાવે છે અને પૂર્ણ સત્તા પૂર્ણ રીતે ભ્રષ્ટ બનાવે છે."

"સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે પરવાનગી અને સર્ટિફિકેટ ઑનલાઇન મળી રહે તે માટે તંત્ર વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે."

ગુજરાતના કયા વિભાગોમાં સૌથી વધારે લાંચ આપવી પડી?

વિભાગ વર્ષ 2019(સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી% ) વર્ષ 2018 (સર્વેમાં ભાગ લેનાર લોકોમાંથી% )
પોલીસ વિભાગ 41 % 44 %
જમીન અને મિલકતના દસ્તાવેજની નોંધણી બાબત 18 % 22 %
નગરપાલિકા 29 % 6 %
વીજળીવિભાગ, ટ્રાન્સપોર્ટકાર્યાલય, કરવેરાવિભાગ વગેરે 12 % 28 %

ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલ સર્વેમાં લોકોને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે 'છેલ્લા એક વર્ષમાં કઈ સ્થાનિક કચેરીઓમાં સૌથી વધુ લાંચ આપવી પડી?'

જેમાં ઉપરોક્ત કૉષ્ટક મુજબની વિગતો બહાર આવી હતી.

ગુજરાતામં પોલીસ વિભાગને સૌથી વધુ લાંચ આપવી પડી તેવું આ સર્વેમાં બહાર આવ્યું છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું:

"આ રિપોર્ટ જ કહે છે કે પોલીસ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવામાં આવી છે."

"આ તો લાજવાની બદલે ગાજી રહ્યા છે. મુખ્ય મંત્રી પોતે કહી ચૂક્યા છે કે કયા વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે."

"સૌરભ પટેલ જો પોતાના વીજળીવિભાગમા ભ્રષ્ટાચાર ઘટાડે તો ગુજરાતના ખેડૂતોને રાહત થાય."

ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના સર્વે મુજબ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના વર્ષ 2017નો અહેવાલ મુજબ ગુજરાતમાં 'પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ' હેઠળ ગુજરાતમાં ભ્રષ્ટાચારના જે કેસ નોંધાયા તેમાં ઘટાડો થયો છે.

ભારતમાં અપરાધ અંગે આ અહેવાલ હાલ બહાર પાડવામાં આવ્યો છે, 2015-305, 2016- 258 અને 2017- 148.


ગુજરાતમાં લાંચ આપનારા વધ્યા?

Image copyright Getty Images

મોદી સરકારે ડિજિટલ ઇન્ડિયા સ્કીમથી ભ્રષ્ટાચારને નાથવાની વાત જોર-શોરથી કરી છે અને રાજ્યમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ સેવાઓ ઑનલાઇન કરવાની વાત કરી હતી.

આ રિપોર્ટ પર નજર કરીએ તો ખબર પડે કે ભારતમાં આ સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી 44 ટકા લોકોએ એવી સરકારી ઑફસોમાં લાંચ આપી જ્યાં કમ્પ્યુટરિકરણ થઈ ચૂક્યું છે.

ત્યારે 16 ટકા લોકોએ માન્યું કે તેમણે જ્યારે ઑફિસમાં લાંચ આપી, ત્યારે ત્યાં સીસીટીવી લગાવેલા છે.

જોકે 48 ટકા લોકોએ કહ્યું કે તેમના રાજ્યની સરકાર અથવા સ્થાનિક પ્રશાસને છેલ્લા 12 મહિનામાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કોઈ પગલાં નથી લીધાં.


ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સર્વે પ્રમાણે ભારતમાં છેલ્લા એક વર્ષમાં લાંચ આપવાની બાબતમાં 10 ટકાનો ઘટાડો થયો છે.

2019માં 51 ટકા લોકોએ ત્યારે ગત વર્ષે 56 ટકા લોકોએ સ્વીકાર કર્યું હતું. જોકે 2017માં આ આંકડો 45 ટકા હતો.

ત્યારે આ સ્વતંત્ર એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સ 2018 પ્રમાણે ભારતની રૅન્કિંગ સુધર્યું હતું.

180 દેશોની આ સૂચિમાં ભારત 78માં સ્થાને રહ્યું હતું.

ચીન અને પાકિસ્તાન ભ્રષ્ટાચારની બાબતમાં ભારતથી પાછળ રહી ગયાં હતાં, ચીન 87માં ત્યારે પાકિસ્તાન 117માં સ્થાને રહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ