ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, 107 દિવસ પછી જેલમાંથી બહાર આવશે

ચિદમ્બરમ Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને કથિત આઈએનએક્સ મીડિયા ગોટાળામાં જામીન આપ્યા છે.

હવે 107 દિવસ સુધી જેલમાં રહ્યા પછી ચિદમ્બરમ બહાર આવી શકશે. ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5મી સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ્દ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજીને નામંજૂર કરી હતી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

બુધવારે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હ્રુષિકેષ રૉયની ખંડપીઠે જામીન અરજી મંજૂર રાખતાં નિર્દેશ આપ્યો કે: 'ચિદમ્બરમ ના તો પ્રેસ સાથે વાત કરી શકશે ના તો આ મામલે કોઈ નિવેદન આપી શકશે.'

'કોર્ટે કહ્યું કે ચિદમ્બરમે ઈ.ડી.ના બોલાવા પર તપાસ માટે આવું પડશે અને તે અદાલતની મંજૂરી પછી જ દેશ છોડીને બહાર જઈ શકશે.' 'તેઓ કોઈ સાક્ષીને પ્રભાવિત કરશે અને ના તો તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકશે.'


શું છે આઈએનએક્સ કેસ?

Image copyright Getty Images

સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.

કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.

આઈએનએક્સ મીડિયામાં રૂ. 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા.

કાર્તી ચિદમ્બરમ ઉપર આરોપ છે કે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડૉલરની માગણી કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.

ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.


ઍરસેલ-મૅક્સિસ સોદાનો કેસ શું છે?

Image copyright FACEBOOK/KARTI P CHIDAMBARAM

3500 કરોડ રૂપિયાના ઍરસેલ-મૅક્સિસ સોદામાં પણ ચિદમ્બરમની ભૂમિકાની તપાસ કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે.

2006માં મલેશિયાની કંપની મૅક્સિસે ઍરસેલમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

આ સોદા માટે મંજૂરી આપવામાં પણ ચિદમ્બરમે ગોટાળા કર્યા હોવાનો આરોપ છે. તે વખતે પણ તેઓ નાણામંત્રી હતા.

2જી સાથે જોડાયેલા આ કેસમાં ચિદમ્બરમ અને તેમના પરિવાર પર હવાલાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.

નાણા પ્રધાન તરીકે 600 કરોડ રૂપિયા સુધીના વિદેશી મૂડીરોકાણની જ મંજૂરી આપવાની સત્તા હતી.

જોકે, તેમણે આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીની મંજૂરી વિના જ 3500 કરોડ રૂપિયાના ઍરસેલ-મૅક્સિસ સોદાની મંજૂરી આપી દીધી હતી.

જોકે ચિદમ્બરમે પોતાની સામે તથા પોતાના પુત્ર સામે લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

ચિદમ્બરમના પરિવારનો આક્ષેપ છે કે તેમની સામે રાજકીય વેરભાવનાથી આરોપો મુકાઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો