'હૈદરાબાદ ઍન્કાઉન્ટરથી સૌથી વધુ નુકસાન મહિલાઓને'

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

રાત્રે 3 વાગે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે હૈદરાબાદ પોલીસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા ગૅંગ રેપના 4 આરોપીઓને શહેરના શાદનગર વિસ્તારમાં લઈ જાય છે.

આની થોડી વાર પછી 6 ડિસેમ્બરે, આખા ભારતમાં લોકોની આંખ એક સનસનીખેજ પોલીસ ઍન્કાઉન્ટરના સમાચારથી ખુલે છે.

એક તરફ જ્યારે સંસદથી સોશિયલ મીડિયા સુધી આ મામલે કોલાહલ થઈ રહ્યો છે ત્યારે કેટલીક એવી મહિલાઓ પણ છે જેઓ કહે છે કે ઉત્સવ મનાવી રહેલા આ અવાજો ભારતમાં મહિલા અધિકારોની લડાઈને પાછળ લઈ જશે.

મહિલાઓના હકમાં નથી આ કથિત ઍન્કાઉન્ટર

Image copyright ANI

વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને મહિલા અધિકાર કાર્યકર્તા વૃંદા ગ્રોવર કહે છે , ''આનાથી ઉભરી રહેલા ધ્રુવીકરણમાં સૌથી મોટી હાર મહિલાઓની હશે.''

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એમણે કહ્યું ,''આ ઍન્કાઉન્ટર શંકાસ્પદ છે અને જે લોકો આને ન્યાય ગણાવીને ઉજવણી કરી રહ્યા છે તેઓ એ નથી જોઈ રહ્યા કે આ ચર્ચામાં સૌથી મોટું નુકસાન મહિલાઓનું છે.''

તેમણે કહ્યું કે ''આના બે કારણ છે. પહેલું એ કે બધી જવાબદારી નક્કી કરવાની વાત ખતમ થઈ જશે. મહિલાઓ જ્યારે શહેરમાં સારા મૂળભૂત ઢાંચાની માગ કરશે, સરકાર અને પોલીસ બંને રોજબરોજની કાયદા વ્યવસ્થા અને સામાન્ય પોલીસ કાર્યવાહીની જગ્યાએ આ રીતે અટકાયતમાં થયેલી ગેરકાયદે હત્યાઓને યોગ્ય ઠેરવવામાં લાગી જશે.''

વૃંદા ગ્રોવરે કહ્યું, ''બીજી વાત ચિંતાજનક વાત એ છે કે આ ઍન્કાઉન્ટરને મળી રહેલી સાર્વજનિક સ્વીકૃતિ પોલીસને કોર્ટ અને કાયદાની જગ્યાએ સ્થાપિત કરતી હોય એવું લાગે છે.''

''તેનો અર્થ એ છે કે પોલીસ જ આ રીતે ન્યાય કરવા લાગે તો પછી અદાલતની શું જરૂર છે?''

આ દરમિયાન માયાવતી અને ઉમા ભારતી જેવાં નેતાઓએ તેલંગણા પોલીસના વખાણ કરતાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસને તેમનાંથી કોઈ બોધ લેવાની સલાહ આપી હતી.

ત્યાં સંસદસભ્ય જયા બચ્ચને કહ્યું 'દેર આએ, બહુત દેર સે આએ લેકિન દુરુસ્ત આએ', તેમનો અર્થ હતો કે 'મોડેથી, બહુ મોડેથી પરંતુ હવે સાચા રસ્તે આવ્યા', આવું કહેતાં તેમણે તેલંગણા પોલીસના વખાણ કર્યાં હતાં. જયા બચ્ચને તો થોડા દિવસ પહેલાં સંસદમાં આવા અપરાધીઓના લિંચિંગની વાત કહી હતી.

સાઇના નેહવાલને લઈને ઋષિ કપૂર સુધી લોકપ્રિય સેલેબ્રિટીઓ સાર્વજનિક રીતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

વરિષ્ઠ અધિવક્તા ફ્લેવિયા એન્ગિસે આ ઍન્કાઉન્ટરને લોકશાહી માટે ભયાવહ જણાવ્યું અને કહ્યું, "રાતના અંધારામાં હથિયાર વિનાના વ્યક્તિને કોઈ સુનાવણી વગર કે અદાલતની કાર્યવાહી વગર મારી નાખવું ભયાનક છે.''

તેમણે કહ્યું કે, ''પોલીસ આ રીતે કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. આ રીતે ઍનકાઉન્ટરને મળી રહેલા સાર્વજનિક સમર્થનના કારણે પોલીસની હિંમત એટલી વધી જાય છે કે તે ચાર આરોપીઓને ખુલ્લેઆમ ગોળી મારવાથી નહીં અચકાય."

હૈદરાબાદ પોલીસ ઍન્કાઉન્ટરે સંસદની સાથે સાથે સોશિયલ મીડિયાને પણ વિભાજિત કરી નાખ્યું છે.

સોશિયલ મીડિયા પર લોકો ઉજવણી કરી રહ્યા છે.

હૈદરાબાદના સ્થાનિક લોકોએ ઍન્કાઉન્ટર બાદ પોલીસ પર ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું.

ત્યારે સામાજિક કાર્યકરો આ ઘટનાક્રમને ભારતમાં નારીવાદી આંદોલનને પાછળ ધકેલતો હોય, તે દૃષ્ટિથી જોઈ રહ્યાં છે.


લોકતંત્રથી ભીડતંત્ર સુધી

નવી દિલ્હીમાં મહિલાઓ અને બાળકોનાં અધિકાર માટે કામ કરતી સામાજિક સંસ્થા 'હક' સાથે જોડાયેલાં ભારતી અલી કહે છે કે ''આ ઍન્કાઉન્ટરના જે રીતે વખાણ થઈ રહ્યાં છે તેનાથી દેશમાં વધી રહેલી બ્લડ-લસ્ટ અથવા હિંસક રીતે બદલો લેવાની પ્રવૃત્તિને સામાન્ય બનાવાઈ રહ્યું હોય તેવું લાગે છે.''

તેમણે કહ્યું, "આ એક દુ:ખદ દિવસ છે. આજે એ સાબિત થઈ ગયું કે જનતા હોવાને નાતે આપણે કાયદા અને ન્યાય વ્યવસ્થા સાથે કોઈ નિસ્બત નથી.''

''મૉબ લિન્ચિંગ હોય કે પછી રાતના અંધારામાં એવા લોકોને મારવા જેમની પાસે હથિયાર પણ નથી, જેવી રીતે આપણે ગેરબંધારણીય અને ગેરકાયદેસર કાર્યવાહીનું સમર્થન કરીએ છીએ, તેનાથી લાગે છે કે આપણા સમાજમાં લોકોની અંદર લોહીની તરસ છે. આપણે લોકતંત્રથી ભીડતંત્ર બની રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો