ઝારખંડ : શું આદિવાસીઓને લલચાવીને ખ્રિસ્તી બનાવાય છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

  • રજનીશ કુમાર
  • બીબીસી સંવાદદાતા, રાંચીથી
ઝારખંડ આદિવાસી

રાંચીના કોર્નેલિયસ મિંઝને સૌ કરણ કહીને બોલાવે છે. તેમનો પરિવાર સરના આદિવાસી હતો, પરંતુ પછી ખ્રિસ્તી બની ગયો.

કોર્નેલિયસનાં ઘણાં સગાં હજીય સરના છે. તેમનાં કુટુંબોમાં સરહુલની સાથે નાતાલની પણ ઉજવણી થાય છે.

કુટુંબો વચ્ચે લગ્નસંબંધો પણ બંધાય છે. કરણ કહે છે કે સરના અને ખ્રિસ્તી પરિવારો વચ્ચે લગ્ન થાય ત્યારે લગ્નવિધિઓની બાબતમાં થોડી ગૂંચ ઊભી તો થાય છે.

પછી વચ્ચેનો રસ્તો કાઢી લેવામાં આવતો હોય છે. પરંતુ હવે ઝારખંડમાં કોઈ પણ આદિવાસી ખ્રિસ્તી બને કે બીજો કોઈ પણ ધર્મ સ્વીકારે તો તે માત્ર ધાર્મિક સ્વતંત્રતાનો મામલો રહેતો નથી.

હવે તે બાબત રાજકીય બાબત બની ગઈ છે અને તે મુદ્દે વિવાદ વધશે તેમ લાગે છે.

આદિવાસીમાંથી ખ્રિસ્તી બને તેને અનુસૂચિત જનજાતિના દરજ્જામાંથી દૂર કરવામાં આવે એવી માગણી થઈ રહી છે.

તેની પાછળની દલીલ એ છે કે કોઈ વ્યક્તિ લઘુમતી અને અનુસૂચિત જનજાતિ બંનેના ફાયદા એક સાથે ના લઈ શકે.

ભાજપે ઝારખંડમાં આદિવાસીઓ ખ્રિસ્તી બને છે તે મુદ્દો હંમેશાં ઉઠાવ્યો છે.

રઘુબર દાસની સરકારે રાજ્યમાં ધર્માંતરણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભાજપ સરકારે ઝારખંડ રિલિજીયસ ફ્રીડમ બિલ 2017 પસાર કર્યું હતું. આ કાયદો ધર્માંતરણવિરોધી કાયદો છે.

ઝારખંડમાં સરના આદિવાસી અને ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દેખાઈ આવે છે.

સરના આદિવાસીમાં એવી ધારણા છે કે ચર્ચ દ્વારા તેમના વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે અને તેમનાં ધર્મ અને સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું છે.

તેમની આગવી સંસ્કૃતિ ખતમ કરીને તેમને ખ્રિસ્તી બનાવી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે. સરના અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદભાવ સતત વધી રહ્યા છે.

આદિવાસીઓ ખ્રિસ્તી કેમ બની રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

અગપિત રાંચીની ઝેવિયર કૉલેજમાં બી.કોમ. કરી રહ્યા છે.

તેઓ જમશેદપુરના છે અને તેમનો પરિવાર પણ સરના આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યો હતો.

અગપિત કહે છે, "સરના ભાઈઓને એવું લાગે છે કે ખ્રિસ્તી બન્યા પછી અમે તેમનાથી જુદા થઈ ગયા છીએ."

"અમે અમારાં મૂળિયાં અને સંસ્કૃતિથી કપાઈ ગયા છીએ પરંતુ એવી કોઈ વાત નથી. કેટલીક બાબતો બદલાઈ જાય."

"અમે ચર્ચ જવા લાગીએ, ખ્રિસ્તી બન્યા પછી જીવનશૈલીમાં પણ થોડો ફેર પડે પરંતુ અમેય આ જ માટી અને પરિવેશમાં ઊછર્યા છીએ."

અગપિતને લાગે છે કે ખ્રિસ્તી બન્યા પછી લોકોમાં પોતાનાં અધિકારો પ્રત્યે શિક્ષણ, સ્વાસ્થ્ય અને આધુનિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ આવે છે.

તેઓ માને છે કે તેમનો પરિવાર ખ્રિસ્તી બન્યો તેના કારણે સરના આદિવાસી પરિવારની સરખામણીએ તેઓ વધારે જાગૃત અને શિક્ષિત બન્યા છે.

ભાજપ અને તેની સાથે જોડાયેલાં સંગઠનોનો આક્ષેપ છે કે ચર્ચ લાલચ આપીને ભલાભોળા આદિવાસીઓનું ધર્માંતરણ કરાવે છે.

ઝારખંડના મુખ્ય મંત્રી રઘુબર દાસે બીબીસી સાથેની મુલાકાતમાં કહ્યું કે "2017માં ધર્માંતરણવિરોધી કાયદો પસાર કર્યો, તે બહુ પહેલાંથી લાવવાની જરૂર હતી."

"લાલચ કે લોભમાં ફસાવીને આદિવાસીઓને ખ્રિસ્તી બનાવી દેવામાં આવે તેવું કોઈ પણ સરકાર ચલાવી લે નહીં."

જે. એન. એક્કાએ પોતાના પુસ્તક 'ક્રિશ્ચિયાનિટી ઍન્ડ ધ ટ્રાઇબલ રિલિજન ઇન ઝારખંડ'માં લખ્યું છે કે 1850માં પ્રથમ વાર ચાર ઓરાંવ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવાયા હતા.

તેમાંથી ત્રણ વિરોધ અને સામાજિક બહિષ્કારના ડરથી પરત આવી ગયા હતા અથવા ત્યાંથી નાસી ગયા હતા.

આગળ જતા સરના વિરુદ્ધ ખ્રિસ્તીની સ્થિતિ ઊભી થવા લાગી હતી.

મુદ્દાનો રાજકીય લાભ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપને ચૂંટણીના મુદ્દા તરીકે આ બહુ આકર્ષક લાગ્યો હતો. સરના આદિવાસીઓ પણ ખ્રિસ્તી વટાળપ્રવૃત્તિની સામે ખૂલીને બહાર આવ્યા.

ખ્રિસ્તી આદિવાસી નેતાઓને સરના આદિવાસીઓએ ક્યારેય સ્વીકાર્યા નથી.

તેમના પર હંમેશાં એવું દબાણ રહેતું હતું કે તેઓ એ સ્પષ્ટ કરે કે તેઓ સરના છે કે ખ્રિસ્તી છે.

70ના દાયકામાં આદિવાસીઓના જાણીતા નેતા કાર્તિક ઓરાંવે નિવેદન આપ્યું તે પછી સરના અને ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે કડવાશ વધી તે દેખાઈ આવી હતી.

ઓરાંવે સંસદમાં માગણી કરી હતી કે ખ્રિસ્તી આદિવાસીઓને એસટી અનામતમાં મળતી નોકરીઓનો લાભ મળવો જોઈએ નહીં.

સરના આદિવાસી સમિતિના મહામંત્રી સંતોષ તિર્કી આદિવાસીઓ ખ્રિસ્તી બને તેનો વિરોધ કરે છે.

તેઓ પણ માને છે કે કોઈ આદિવાસી ખ્રિસ્તી બને છે, ત્યારે તે પોતાની સંસ્કૃતિ અને મૂળિયાંથી કપાઈ જાય છે.

જોકે ખ્રિસ્તી બનનારા આદિવાસીને અનુસૂચિત જનજાતીના દરજ્જામાંથી હઠાવી દેવાની વાતનો તેઓ વિરોધ કરે છે.

જોકે સંતોષ માને છે કે આદિવાસીઓનું ધર્માંતરણ અટકવું જોઈએ.

અગપિત પણ માને છે કે શિક્ષણની બાબતમાં સરના આદિવાસીઓ કરતાં ખ્રિસ્તી આદિવાસીઓ આગળ હોય છે અને તેના કારણે અનામતનો ફાયદો તેમને વધારે મળે છે.

પોતપોતાના તર્ક

ઇમેજ સ્રોત, Getty Images

સરના આદિવાસીઓ પણ માને છે કે એસટી અનામતનો લાભ ખ્રિસ્તી આદિવાસીઓ જ વધારે લે છે અને નોકરીઓ પર તેમનો જ કબજો છે.

જોકે, ઘણા માને છે કે રાજકારણમાં સરના અને ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે મતભેદો વધ્યા છે, તેના કારણે તેઓ એકત્ર થઈને પોતાના હિત માટે કામ કરી શકતા નથી.

2011ની વસતિગણતરી અનુસાર ઝારખંડમાં 26.2 ટકા આદિવાસીઓ છે.

મુખ્ય મંત્રી રઘુબર દાસનું કહેવું છે કે 26.2 ટકામાંથી ત્રણેક ટકા ખ્રિસ્તી આદિવાસીઓ છે. આ આંકડા પ્રમાણે તેઓ લઘુમતી ગણાય. આ 26.2 ટકા આદિવાસીઓ પણ સરના અને ખ્રિસ્તીના વિવાદમાં ફસાયેલા છે.

ચૂંટણીપ્રચારમાં માગણી થઈ રહી છે કે ખ્રિસ્તી બનનારા આદિવાસીઓને અનામતના લાભથી વંચિત રાખવા જોઈએ. જો તેવું થશે તો ઝારખંડમાં આદિવાસીઓ જ નબળા પડશે.

શું રઘુબર દાસ ફરીથી સત્તામાં આવશે તો આવું કરશે ખરા?

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આવી માગણી થઈ રહી છે. અમે તેના માટે કાનૂની અભ્યાસના દસ્તાવેજો આપ્યા છે."

"એ વાત સાચી કે ખ્રિસ્તી બનનારા આદિવાસી પોતાની સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે. અમારી સરકાર ધર્માંતરણનો વિરોધ કરે છે."

"લઘુમતી અને અનુસૂચિત જનજાતિ બંનેના ફાયદા એકસાથે કોઈ ના લઈ શકે."

ભાજપના ઘણા લોકો માને છે કે ખ્રિસ્તી બનનારા આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાથી દૂર થઈ ગયા છે.

તેવા સંજોગોમાં શા માટે તેમને અનામતનો ફાયદો મળવો જોઈએ?

હજી સુધી એવું કોઈ ધોરણ તૈયાર નથી થયું, જેના આધારે કોણ આદિવાસી છે અને કોણ નથી તે નક્કી કરી શકાય.

કયા આધારે કોઈને આદિવાસી માનવા કે આદિવાસી ના માનવા તેનું કોઈ નિશ્ચિત ધોરણ નથી. જોકે, આ મામલે ચાલી રહેલી ચર્ચા કંઈ નવી પણ નથી.

'આદિવાસીની ઓળખ ધર્મ આધારિત નથી'

2 ફેબ્રુઆરી, 1972ના રોજ સુપ્રીમ કોર્ટે એનએફઈટી હોરો વિરુદ્ધ જહાં આરા જસપાલ સિંહના કેસમાં ટ્રાઇબ અને ટ્રાઇબલ કૉમ્યુનિટી બંનેના અર્થમાં શું ફરક છે તે વિશે ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ટ્રાઇબલ કૉમ્યુનિટી શબ્દની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે "જનજાતિ સમાજની કોઈ વ્યક્તિ બિન-જનજાતિની વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) સાથે લગ્ન કરે."

"તેમજ આ લગ્નને જનજાતિ પંચાયતની અનુમતી હોય અને સાથે જ તે જરૂરી રિવાજોને માનતી હોય તો તેને જનજાતિ સમાજને મળતા બંધારણીય અધિકારો મળી શકે છે."

સરના અને ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે આ મુદ્દે વ્યાપક મતભેદો છે.

ખ્રિસ્તી આદિવાસી અને તેમના ધાર્મિક નેતાઓનું માનવું છે કે આદિવાસીની ઓળખ ધર્મના આધારે નહીં પરંતુ જન્મના આધારે થતી હોય છે.

પૂર્વ કાર્ડિનલ ટેલિસ્ફોર પી. ટોપ્પોએ ત્રીસ વર્ષ પહેલાં કહ્યું હતું, "આદિવાસીની ઓળખ ધર્મ આધારિત નથી."

"જન્મથી જ વ્યક્તિ આદિવાસી હોય છે અને તેમના જનજાતીય અધિકારો કોઈ છીનવી શકે નહીં."

તેની સામે સરના આદિવાસીઓ અને તેમના નેતાઓની માગણી છે કે આદિવાસીઓના ધર્માંતરણ પર પ્રતિબંધ હોવો જોઈએ.

તેમનું કહેવું છે કે આદિવાસીઓ ખ્રિસ્તી બને તે પછી પોતાની પરંપરા અને સંસ્કૃતિથી દૂર થઈ જાય છે અને તેમને એસટી અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

ધર્માંતરણનો ઇતિહાસ અને તેની ધાર્મિકતા

એ. ગૌતમે પોતાના પુસ્તક 'ધ હિન્દુઆઈઝેશન ઑફ ટ્રાઇબલ્સ ઑફ ઝારખંડ : એન આઉટલાઇન સિન્સ બિગિનિંગ'માં લખ્યું છે :

"છોટાનાગપુર વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારથી 19મી સદીથી ધાર્મિક વિભાજનની શરૂઆત થઈ હતી."

"તેમણે પોતાનાં સંસ્થાનવાદ, સાંસ્કૃતિક અને ધાર્મિક હિત ખાતર ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું હતું."

"ખ્રિસ્તી બન્યા પહેલાં તેઓ પોતપોતાનાં કુળ અને પ્રાદેશિક ઓળખ અનુસાર અલગ-અલગ પરંપરા અને સંસ્કૃતિ સાથે જીવતા હતા."

"તેઓ મૂળભૂત રીતે સરના ધર્મનું પાલન કરતા હતા. તેઓ પ્રકૃતિની પૂજા કરતા હતા. તેથી એવા કોઈ પુરાવા નથી કે તેઓ ખ્રિસ્તી બન્યા તે પહેલાં ધર્મના આધારે અલગ-અલગ હતા."

"બિરસા મુંડાએ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. બાદમાં તે આંદોલનને બ્રિટિશ રાજ વિરુદ્ધના આંદોલન તરીકે દર્શાવવામાં આવ્યું."

"બિરસા મુંડાનું આંદોલન ખ્રિસ્તી ધર્મના પ્રચારની વિરુદ્ધ પણ એટલું જ હતું. તેમણે સરના ધર્મને ફરીથી આગળ કર્યો હતો."

"આઝાદી પહેલાં 1941 સુધી વસતિગણતરીમાં આદિવાસી સરના ધર્મને અલગ ધર્મ તરીકે જોવામાં આવતો હતો. આઝાદી પછી તે રીતે જોવાનું બંધ થઈ ગયું હતું."

ઘણા સરના નેતાઓનું માનવું છે કે આવું થવાના કારણે આઝાદી પછી તેમની ઓળખ નબળી પડી ગઈ છે.

હિન્દુવાદી સંગઠનોનો તર્ક છે કે સરના અને હિન્દુમાં કોઈ ફરક નથી કેમ કે બંનેમાં પ્રકૃતિ અને પૂર્વજોની પૂજા થાય છે.

તેની સામે એવો તર્ક આપવામાં આવે છે કે આદિવાસીઓમાં જ્ઞાતિવ્યવસ્થા હોતી નથી. તેઓ મૂર્તિ પૂજા પણ કરતા નથી.

1946માં બંધારણ સભામાં સ્પષ્ટ જણાવાયું હતું કે આદિવાસી સમાજમાં જ્ઞાતિનો કોઈ સવાલ ઊભો થતો નથી, તેઓ આદિવાસી તરીકે જ જીવે છે.

ખ્રિસ્તી બની ગયેલા આદિવાસીઓનાં જીવનમાં ઘણાં બધાં પરિવર્તનો સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

શિક્ષણ, સ્વાસ્થ્ય અને આજીવિકાની રીતે તેઓ સરના આદિવાસીઓથી આગળ છે. ચર્ચ તેમના માટે ઘણા પ્રકારના કાર્યક્રમો ચલાવે છે.

ખ્રિસ્તી મિશનરીની ઘણી બધી શાળાઓ, કૉલેજો અને હોસ્પિટલો છે.

સરના આદિવાસીઓ પણ માને છે કે ખ્રિસ્તી બનવાના કારણે તેમનાં જીવનમાં ઘણો સુધારો આવ્યો છે.

ઝારખંડના પ્રથમ મુખ્ય મંત્રી બાબુલાલ મરાન્ડી સરના આદિવાસી છે પણ તેઓ માને છે કે ચર્ચના કારણે આદિવાસીઓમાં જાગૃતિ આવી છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે "આદિવાસીઓ વચ્ચે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ચર્ચે ઘણું કામ કર્યું છે. તેનું પરિણામ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે."

"ઝારખંડમાં સરકારી અધિકારીઓમાં જેટલા આદિવાસીઓ છે, તેમાંના મોટા ભાગના ખ્રિસ્તી છે."

"ભાજપ આટલી બૂમાબૂમ કરે છે પણ તેમણે આદિવાસીઓની પ્રગતિ માટે શું કામ કર્યું?"

"બંધારણમાં લોકોને અધિકાર પણ મળ્યો છે કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કોઈ પણ ધર્મ સ્વીકારી શકે છે."

બાબુલાલ મરાન્ડી ભારપૂર્વક કહે છે કે જે આદિવાસી ખ્રિસ્તી નથી, તે સરના છે અને સરના એ હિન્દુ નથી.

તેઓ કહે છે, "સરના આદિવાસી હિન્દુ નથી. સરનાની ઓળખ હિન્દુથી બિલકુલ અલગ છે."

સરનાનેતા સંતોષ તિર્કી પણ કહે છે કે સરના બિલકુલ અલગ ધર્મ છે.

તેઓ કહે છે, "ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોય, તે ભલે સરના ના રહ્યા હોય, પરંતુ જેઓ સરના છે, તેમને હિન્દુ ના કહી શકાય."

આરોપો સામે મિશનરીઓનો જવાબ

રાંચીમાં આવેલું મનરેસા હાઉસ ખ્રિસ્તી મિશનરીઓનું છે.

અહીં ડૉક્ટર કામિલ બુલ્કે સંશોધન સંસ્થા ચલાવે છે. તેમાં હિન્દી સાહિત્ય વિશે પણ સંશોધન થાય છે.

કામિલ બુલ્કે બેલ્જિયમના પાદરી હતા અને તેઓ એવા પ્રથમ વિદ્વાન હતા, જેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી રામકથા પર પીએચડી કર્યું હતું.

આ મનરેસા હાઉસમાં અમારી મુલાકાત ફાધર મહેન્દ્ર પીટર સાથે થઈ. અમે તેમને સવાલ કર્યો કે શું આદિવાસીઓને લાલચ આપીને ચર્ચ ધર્મપરિવર્તન કરાવે છે?

જવાબમાં ફાધર મહેન્દ્ર પીટરે કહ્યું, "એવું હોત તો ઝારખંડના 27 ટકા આદિવાસીમાંથી માત્ર 3 ટકા જ ખ્રિસ્તી ના હોત."

"છેલ્લાં દોઢસો વર્ષમાં માત્ર 3 ટકા સરના આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે."

"તેમણે સ્વેચ્છાએ તે અપનાવ્યો છે. અમારું કામ માનવસેવાનું છે અને અમે તે જ કરી રહ્યા છીએ."

"તેમાં ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી."

"અમારી શાળા અને કૉલેજમાં બધા ધર્મના લોકો ભણે છે."

"કામિલ બુલ્કે લાઇબ્રેરીમાં જઈને જુઓ કે કયા ધર્મનાં કેટલાં બાળકો ભણી રહ્યાં છે."

"આદિવાસી જન્મના આધારે હોય છે, કોઈ ધર્મના આધારે નહીં."

"ભારતીય બંધારણમાં પણ સૌને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે."

નિષ્ણાતોનો મત

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટિશ શાસન વખતે બિરસાના આંદોલનને દબાવી દેવામાં આવ્યું ત્યારે છોટાનાગપુરના આદિવાસીઓને લાગ્યું હતું કે કોઈ એવું સંગઠન બનાવવું જોઈએ, જેનાથી પોતાનાં હિતોનું રક્ષણ થઈ શકે.

ઝારખંડ મૂવમેન્ટ ઇન બિહાર વિશે સંશોધન કરનારા કે. એલ. શર્માના જણાવ્યા અનુસાર :

"આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 1915માં આદિવાસી ઉન્નતિ સમાજ નામે સંગઠન બન્યું હતું. તે વખતે આદિવાસીઓના બધા અગ્રણી નેતાઓ આ સંગઠનમાં હતા."

"તે સંગઠન આદિવાસીઓના અવાજ તરીકે ઊપસી આવ્યું હતું. જોકે, તે સંગઠન લાંબો સમય સુધી ટકી શક્યું નહીં."

"કેમ કે ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી આદિવાસી નેતાઓ વચ્ચે મતભેદો ઊભા થયા હતા. તેના કારણે સંગઠનનું વિભાજન થઈ ગયું."

"તેમાંથી ખ્રિસ્તી આદિવાસીઓની કૅથલિક સભા બની, જ્યારે બિન-ખ્રિસ્તી આદિવાસીઓની કિસાનસભા બની."

"આ બંને વચ્ચે વિખવાદો વધી પડ્યા તે પછી 1938માં જયપાલ સિંહે આદિવાસી મહાસભાની રચના કરી."

"તેમાં બિન-આદિવાસીને પણ સભ્ય બનાવાતા હતા, જેથી ઝારખંડી એકતા વધુ વ્યાપક બની શકે."

આગળ જતા આદિવાસી મહાસભાનું નામ 1949માં ઝારખંડ પક્ષ કરી દેવામાં આવ્યું હતું.

જયપાલ સિંહે લોકસભા અને વિધાનસભામાં આદિવાસીઓ માટે અનામત બેઠકોની માગણી શરૂ કરી દીધી હતી.

જોકે, આ સંગઠનમાં પણ આગળ જતા ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે વિખવાદો થયા હતા.

ઝારખંડના રાજકારણમાં આદિવાસી સામે બિનઆદિવાસી, અલગતાની વિરુદ્ધ સમાવેશી અને આદિવાસી જીવનશૈલી વિરુદ્ધ બહારના આગંતુકોની જીવનશૈલી વચ્ચે ટક્કર ચાલી રહી છે.

સામાજિક સ્તરરચના અને રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

2014ની વિધાનસભાની ચૂંટણી પછી થયેલા સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે ભાજપને હિન્દુઓના સૌથી વધુ મત મળ્યા હતા.

સાથે જ આદિવાસીઓના પણ 30 ટકા મત મળ્યા હતા. જેએમએમ આદિવાસીઓનો પક્ષ કહેવાતો હોવા છતાં, તેના કરતાં વધુ મત ભાજપને મળ્યા હતા. ઝારખંડમાં આદિવાસીઓ માટે 28 બેઠકો અનામત છે.

2014ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે સરના આદિવાસીઓની વસતિ હોય ત્યાં ભાજપને વધારે બેઠકો મળી છે.

તેની સામે જે વિસ્તારમાં ખાણ અને જમીનના મામલે વિવાદ ચાલી રહ્યા છે, ત્યાં ઝારખંડના પ્રાદેશિક પક્ષોને વધારે બેઠકો મળી હતી.

2011ની મતગણતરી અનુસાર ઝારખંડમાં 85 લાખ જેટલા આદિવાસીઓ છે, જે કુલ વસતિના 26.2 ટકા જેટલા થાય છે.

આઝાદી વખતે આદિવાસીઓની વસતિ 36 ટકા હતી. ઝારખંડમાં આદિવાસીઓના જુદા-જુદા 30 સમૂહો છે.

તેમાં ચાર આદિવાસી સમૂહોનો દબદબો છે - સંથાલ, ઓરાંવ, મુંડા અને હોમ.

આદિવાસીઓની કુલ વસિતમાં આ ચાર સમુહોની વસતિ 70 ટકા જેટલી છે.

આદિવાસીઓ કયા મુદ્દા પર કયા રાજકીય પક્ષને ટેકો આપે છે, તે સમજવું મુશ્કેલ હોય છે.

2014ની વિધાનસભાની ચૂંટણી પછીના સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે હિન્દુ બની ગયેલા આદિવાસીઓમાંથી 50 ટકાથી વધુએ ભાજપને મત આપ્યા હતા.

ખ્રિસ્તી આદિવાસીઓમાંથી લગભગ 42 ટકાએ ઝારખંડ મુક્તિ મોરચાને મત આપ્યા હતા.

તેની સામે સરના આદિવાસીના મત ભાજપ અને જેએમએમમાં વહેંચાઈ ગયા હતા.

25 ટકા મત ભાજપને મળ્યા હતા, જ્યારે જેએમએમને 31 ટકા મળ્યા હતા.

ઓરાંવ આદિવાસીમાંથી 47 ટકાએ ભાજપને, જ્યારે 40 ટકાએ જેએમએમને ટેકો આપ્યો હતો.

મુંડા આદિવાસીમાંથી ત્રીજા ભાગના મત જેએમએમને મળ્યા હતા, જ્યારે માત્ર 7 ટકા મત ભાજપને મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો