પાકિસ્તાનના હિંદુઓ ભારતના નાગરિકતા સંશોધન કાયદા અંગે શું વિચારે છે?

પાકિસ્તાની હિંદુ સમુદાય Image copyright Getty Images

જે દિવસે ભારતની સંસદે નાગરિકતા સંશોધન વિધેયક પસાર કર્યું ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનનું ધ્યાન અન્ય એક મુદ્દા પર હતું.

આ મુદ્દો હતો લાહોરમાં થયેલી વકીલો અને ડૉક્ટરો વચ્ચે થયેલી ઝડપનો.

આ ઝઘડા દરમિયાન લાહોરના સૌથી મોટા હૃદયરોગના હૉસ્પિટલ પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજીમાં સેંકડો વકીલોએ ડૉક્ટરો પર હુમલો કરી દીધો હતો.

જે કારણે 3 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

એક દિવસ બાદ પાકિસ્તાનની સરકારે ભારતના નાગરિકતા સંશોધન વિધેયક મામલે ટિપ્પણી કરી.

પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન ટ્વિટર પર લખ્યું કે વિધેયક આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ માપદંડોનું ઉલ્લંઘન કરે છે.


પાકિસ્તાનની પ્રતિક્રિયા

ઇમરાન ખાને આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયા બાદ ટ્વિટર પર લખ્યું :

"અમે ભારતના આ બિલની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ."

"આ બિલ આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ માપદંડો અને પાકિસ્તાન સરકાર સાથેની દ્વિપક્ષીય સમજૂતીઓનું ઉલ્લંઘન કરે છે."

"આ બિલ આરએસએસના હિંદુ રાષ્ટ્રની યોજનાનો ભાગ છે જેને ફાસીવાદી મોદી સરકાર આગળ વધારી રહી છે."

ત્યારે કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં રહી રહેલા લઘુમતી સમુદાયોની પરિસ્થિતિ પર ધ્યાન દોરતાં કહ્યું હતું કે ભારતે આ વિધેયકના કાર્યક્ષેત્રમાંથી મુસ્લિમોને બહાર કેમ રાખ્યા એ પ્રશ્ન પૂછતાં પહેલાં પાકિસ્તાન પોતાના ઘરમાં રહી રહેલા લઘુમતીઓના દમન પર કંઈક કરે.

ઇમરાન ખાનના આ ટ્વીટ અંગે રાજકીય વિશ્લેષક રાજા અતા-ઉલ મન્નાને લખ્યું :

"...અને પાકિસ્તાન તમારા નેતૃત્વમાં કઈ તરફ જઈ રહ્યું છે?"

"તમારી સરકારમાં તો અટકમાં એક મહિલા સરકારી કર્મચારી સાથે શાળામાં ભીડ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે."

"પોલીસ કમિશનર માણસોથી ખીચોખીચ ભરેલા એ રૂમમાં ઊભાં-ઊભાં બધું જ જોતા રહે છે."

"એ મહિલાનો માત્ર એક જ અપરાધ હતો કે તેમણે અહમદિઓને અહમદી અને પાકિસ્તાની કહી દીધા હતા!"

"કોઈને આ વિશે કોઈ ચિંતા છે ખરી."

રાજા અતા-ઉલ મન્નાન એ વીડિયો વિશે વાત કરી રહ્યા હતા જેમાં થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

વીડિયોમાં એક મહિલા ભીડમાં એક વિદ્યાર્થીથી કંટાળી ગયા બાદ પોતાની ધાર્મિક આસ્થા વિશે સમજાવવાનો પ્રયત્ન કરતાં દેખાય છે.

તેમજ સરકારી કર્મચારીઓની માફી માગતાં પણ દેખાય છે.

આ વીડિયોમાં આ મહિલા પાકિસ્તાનમાં અહમદીઓ સહિત અન્ય સમુદાયોના સમાવેશીકરણ અને એકતા અંગે વાત કરતાં દેખાય છે.

લગભગ ચાર દાયકા પહેલાં અહમદિઓને પાકિસ્તાનમાં એક બંધારણીય સંશોધન બાદ ગેર-મુસ્લિમ જાહેર કરી દીધા હતા.

ત્યારથી જ તેઓ પોતાની ધાર્મિક આસ્થાને લઈને ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે.


'હિંદુરાષ્ટ્ર બનાવવાની દિશામાં લઈ જનાર વિધેયક'

Image copyright Getty Images

આ ઘટનાના થોડા કલાક બાદ જ પાકિસ્તાનના વિદેશ-કાર્યાલયમાંથી પ્રતિક્રિયા આવી.

જેમાં મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે પોતાની સાપ્તાહિક બ્રીફિંગમાં કહ્યું કે નાગરિકતા સંશોધન વિધેયક એક કટ્ટરવાદી હિંદુત્વ વિચારધારનું વિષાક્ત મિશ્રણ છે.

તેમણે કહ્યું કે, "આ વિધેયક ભારતને 'હિંદુ રાષ્ટ્ર' બનાવવાની દિશામાં વધુ એક પગલું છે."

"જેને જમણેરી હિંદુનેતાઓ ઘણા દાયકાઓથી અનુસરવા માટે તલપાપડ હતા."

પાકિસ્તાની મીડિયામાં આ વિધેયક ભારતની સંસદમાં પસાર થયું ત્યાં સુધી ઘણું કવરેજ મળ્યું.

પાકિસ્તાની મીડિયાના મુખ્ય પ્રવાહના ટીવી એન્કરોએ ભાજપના શાસનની સખત ટીકા કરી.

તેમજ આ વિધેયકને ભારતીય લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ ગણાવી પક્ષપાત કરનારું ગણાવ્યું હતું.

તેમજ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો, સરકાર અને મીડિયા તમામ આ બાબતે એકમત દેખાયા.

વર્કીંગ મધર તમન્ના જાફરીએ કહ્યું કે, "આ અત્યંત દુ:ખદ બાબત છે."

"આ પગલાના કારણે ભારતની ધર્મનિરપેક્ષ છબિ પર અસર પડશે."

"મોદીના ભારતને જોતાં તો અત્યારે સાબિત થઈ ગયું છે કે અંગ્રેજોની વિભાજનકારી ટૂ નેશન થિયરી બરાબર હતી."

તેઓ આગળ લખે છે કે ભારતીય સંસદમાં આ વિધેયક પસાર થઈ જવું એ પાકિસ્તાન માટે એક મોટો પાઠ પણ છે.

"દરેક દેશે પોતાના તમામ સમુદાયોની કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર રક્ષા કરવી જોઈએ."

"કારણ કે, જ્યારે પણ દેશ ભેદભાવ દ્વારા કોઈ પણ એક સમુદાય પર નિશાન સાધવા લાગે છે ત્યારે આ વાતથી તેની આંતરરાષ્ટ્રીય છબિ ખરડાઈ જાય છે."

"ઇસ્લામાબાદમાં રહેતા એક કારોબારી સરમદ રાજા જણાવે છે કે :

"ભારતે ફરી એક વાર એ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ હવે એક લોકશાહી દેશ નથી રહ્યા."

"તેઓ હવે એક ધર્મતંત્ર બનાવીને વિખેરાવા તરફ આગળ વધી રહ્યા છે."

પાકિસ્તાનના હિંદુઓની પ્રતિક્રિયા

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનના કરાચીમાં દિવાળીનો તહેવાર ઊજવી રહેલાં મહિલા

પાકિસ્તાનમાં મોટા ભાગના લોકોની પ્રતિક્રિયા મુસલમાનોને આ વિધેયકના કાર્યક્ષેત્રમાં ન સમાવવાની વાતને લઈને આવી રહી છે.

પરંતુ પાકિસ્તાનના હિંદુ આ વિધેયક પર શું કહે છે?

પાકિસ્તાનના હિંદુ પરિવારોની ભારત આવવાના સમાચારો પહેલાંથી જ આવતા રહ્યા છે.

જેનાં જુદાં-જુદાં કારણો છે.

લગભગ એક દાયકા પૂર્વે હિંદુ પરિવારોએ પૈસા માટે વેપારીઓનાં અપહરણના કિસ્સાઓમાં થઈ રહેલા વધારાના કારણે ભારતમાં આવવાનો નિર્ણય લીધો હતો.

તો કેટલાકે મીડિયામાં હિંદુ છોકરીઓના પરાણે ધર્માતરણ કરાવી નાખવાની ઘટનાઓના સમાચાર જોઈને પાકિસ્તાન છોડી દીધું.

હિંદુ પંચાયતના અધ્યક્ષ પ્રીતમ દાસ જણાવે છે :

"પાકિસ્તાનના હિંદુ સમુદાયના લોકો ભારતના આ વિધેયકની ટીકા કરી રહ્યા છે."

"તેમ છતાં આ વિધેયકને કારણે પાકિસ્તાની હિન્દુઓ માટે ભારત જવાનાં દ્વાર પણ ખુલી ગયાં છે."

પ્રીતમ દાસ આગળ વાત કરતા કહે છે કે, "જે લોકો પાકિસ્તાનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેમના માટે તો આ હકારાત્મક પગલું છે."

અમર ગુરીરો એક પાકિસ્તાની પત્રકાર છે જેઓ સિંધના થારપારકર જિલ્લા સાથે સંબંધ ધરાવે છે.

સિંધ પાકિસ્તાનનો એ પ્રાંત છે જ્યાં દેશના 50 લાખ કરતાં વધારે હિંદુઓ રહે છે.

ગુરીરો હિન્દુ સમુદાયને કવર કરતા રહ્યા છે.

અમર જણાવે છે કે, "પાકિસ્તાની હિંદુઓને પોતાની સિંધી તરીકેની ઓળખાણ પર ખૂબ ગર્વ અનુભવે છે."

"તેમજ લોકોની એ ધારણા કે તેઓ ભારત જવા માગે છે તે ખૂબ જ ખોટી છે."

"પાકિસ્તાની હિંદુ, અમેરિકા, કૅનેડા, બ્રિટન કે પશ્ચિમ તરફ સારી તકો માટે પલાયન કરી રહ્યા છે અને ભારત તેમનો લક્ષ્ય-દેશ છે."

અમર જણાવે છે કે, "મોટા ભાગના પાકિસ્તાની હિંદુઓ કથિતપણે નીચલી જ્ઞાતિના છે."

"જેમની ભારત આવવાની કોઈ ઇચ્છા નથી."

"જે થોડાક પરિવારો ભારત ગયા હતા, તેઓ પણ નોકરી, મર્યાદિત તકો અને મુશ્કેલોને કારણે પાછા આવી ગયા."

"માત્ર કથિતપણે ઉચ્ચ વર્ણના કેટલાક હિંદુ લોકો જ પોતાના પરિવારોથી મળવા માટે તેમજ કોઈ કામ અર્થે ભારત જાય છે."

"મને નથી લાગતું કે આ વિધેયક બાદ મોટી સંખ્યામાં સ્થળાંતર જોવા મળશે."

અમર જણાવે છે કે પાકિસ્તાનના સિંધી લોકો એટલા માટે પણ પાછા ફરે છે, કારણ કે બને દેશોનાં સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં ઘણો ફરક છે.

"આ લોકો સિંધ અને તેની પરંપરાઓ સાથે જોડાયેલા છે."

"તેથી તેઓ હિંદુ પહેલાં તેઓ પોતાની જાતને સિંધી માને છે."

"તેથી તેઓ ભારતમાં નહીં રહી શકે."

અમર જણાવે છે કે ભૂતકાળમાં કેટલા હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત ગયા છે, તેના પ્રમાણિત આંકડા છે, પરંતુ તેમના મત પ્રમાણે ભારતીય સરકાર આ આંકડા વધારીને બતાવતી આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ