નાગરિકતા સંશોધન કાયદો : શું ભાજપે ઉતાવળમાં ભૂલ કરી?

વિરોધ કરતાં લોકો Image copyright PTI

12 ડિસેમ્બરે અડધી રાતે નાગરિકતા સંશોધન વિધેયક પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરીને આ ખરડાને કાયદો બનાવી દીધો.

પરંતુ રાષ્ટ્રપતિ સુધી આ વિધેયક પહોંચે એ પહલાં જ સમગ્ર પૂર્વોત્તરમાં તેનો જોરદાર વિરોધ થવા લાગ્યો હતો અને હજી વિરોધ થઈ રહ્યો છે.

10 ડિસેમ્બરના રોજ લોકસભામાં આ વિધેયક પર લાંબી ચર્ચા થઈ જે બાદ ગૃહમાં તે બહુમત સાથે પાસ થઈ ગયું.

તે જ દિવસથી આસામમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો રસ્તા પર ઊતરવા લાગ્યા હતા.

સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષાદળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં વિરોધને ડામી શકાયો નહીં.

11 ડિસેમ્બરના રોજ વિધેયક રાજ્યસભામાં પહોંચ્યું જ્યાં મોડી સાંજે ગૃહમાં તે પસાર થઈ ગયું.

ત્યાર સુધી તો ઉત્તર-પૂર્વનાં આસામ, મણિપુર, ત્રિપુરા રાજ્યોમાં વિરોધપ્રદર્શન અને હિંસાએ વેગ પકડી લીધો.

સાંજ સુધી તો ગુવાહાટીમાં કર્ફ્યુ પણ લાદી દેવાયો.


સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્નો અસફળ

ગૃહમંત્રી અમિત શાહે આ વિધેયકની તરફેણ કરતા કહ્યું હતું કે આ વિધેયકના કારણે ઉત્તરપૂર્વનાં રાજ્યોને કોઈ જ નુકસાન નહીં થાય, પરંતુ તેમની આ સમજાવટથી કોઈ ફરક ન પડ્યો.

નોંધનીય છે કે નાગરિકતા સંશોધન વિધેયકને રજૂ કરતી વખતે એટલે કે 9 ડિસેમ્બરના રોજ મણિપુરને પણ ઇનર લાઇન પરમિટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

પરંતુ હિંસા ભડક્યા બાદ જ આ મુદ્દા સાથે સંબંધિત દસ્તાવેજો બન્યા.

11 ડિસેમ્બરના રોજ અચાનક મણિપુરમાં પણ ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા લાગુ કરવા માટેના આદેશ પર રાષ્ટ્રપતિએ સહી કરી દીધી.

ઇનર લાઇન પરમિટ એક પ્રકારનો દસ્તાવેજ છે, જે ભારત સરકાર પોતાના નાગરિકો માટે જાહેર કરે છે, જેથી તેઓ અમુક સંરક્ષિત ક્ષેત્રમાં નિર્ધારિત સમય માટે યાત્રા કરી શકે છે.

હાલ તે અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મિઝોરમ અને મણિપુરમાં લાગુ છે.

કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ આ પગલાને ભાજપની વિભાજનકારી નીતિ ગણાવે છે અને જણાવે છે કે આ ઉત્તર-પૂર્વના વિભાજનની ભાજપની એક રીત છે.

પરંતુ આ મામલો માત્ર ઉત્તર-પૂર્વના વિરોધનો નથી. બલકે દિલ્હી, મુંબઈ, ઔરંગાબાદ, કેરળ, પંજાબ, ગોવા, મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો વધી રહ્યાં છે.

શું ભાજપને એ વાતની આશંકા નહોતી કે આસામમાં વિરોધપ્રદર્શન આટલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેશે?

આ પ્રશ્ન એટલા માટે પણ ઊઠી રહ્યો છે, કેમ કે જાપાનના વડા પ્રધાન સિંજો આબે ભારત આવવાના હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુવાહાટીમાં તેમની મુલાકાત યોજાવાની હતી.

આબેની યાત્રા 15-17 ડિસેમ્બર સુધી યોજાવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેને ટાળવાની ફરજ પડી.

એવી ચર્ચા થઈ રહી છે કે જો આ પ્રકારનાં પ્રદર્શનો યોજાશે એવી સરકારને શંકા હોત તો તેમણે કાં તો મુલાકાત માટે ગુવાહાટીની પસંદગી ન કરી હોત અથવા તો હાલ આ વિધેયકને રજૂ કરવાનું મોકૂફ રાખ્યું હોત.

શું નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની ભાજપની કોશિશ ઉત્તર-પૂર્વમાં બૅકફાયર થઈ?


ઉત્તર-પૂર્વમાં કામ ન લાગી ભાજપની ગણતરી

Image copyright EPA

રાજકીય વિશ્લેષક રાધિકા રામાસેશન જણાવે છે કે "મને લાગે છે કે દિલ્હીમાંથી ઘણા ઓછા લોકો જ ઉત્તર-પૂર્વને બરોબર સમજી શક્યા છે."

"ત્યાં ઘણા પ્રકારના સમુદાયો છે અને તે સમુદાયોને સમજવા માટે આખો એક જનમારો લાગશે."

"ભાજપ ઉત્તર-પૂર્વને આસામ જેવું સમજી રહ્યો હતો. કદાચ તેઓ તો આસામને પણ સંપૂર્ણપણે નથી સમજી શક્યા."

કોલકાતામાં હાજર વરિષ્ઠ પત્રકાર સુબીર ભૌમિક જણાવે છે કે "ઉત્તર-પૂર્વ વિશે ભાજપ ખૂબ જ ઓછું જાણે છે."

"તેનું કારણ એ છે કે ભાજપના નેતા દરેક મુદ્દાને ધર્મના ચશ્માં લગાવીને જુએ છે."

"તેમને લાગ્યું કે જો તેઓ આવું કરશે તો હિંદુ લોકો તેમના પક્ષમાં આવી જશે."

"તેમને એ વાતની જાણ નથી કે આસામ કે ઉત્તર-પૂર્વનાં અન્ય ક્ષેત્રો છે, જ્યાં રહેતા લોકો માટે બંગાળી હિંદુ અને બંગાળી મુસ્લિમો એકસમાન હોય છે."

"તે લોકો એવું માને છે કે જો આ લોકો ત્યાં આવીને વસી જશે તો ત્યાંની ડૅમોગ્રાફી બદલાઈ જશે."

"ભાજપનો મંત્ર, 'આસામી હિંદુ, બંગાળી હિંદુ ભાઈ-ભાઈ' આ ફૉર્મ્યુલા ત્યાં ન ચાલી શકી."

"તેમને લાગ્યું કે આસામમાં અમને બહુમતી હાંસલ થઈ હતી અને એ એક હિંદુ રાજ્ય છે અને ત્યાં કોઈ જ વિરોધ નહીં થાય."

"પરંતુ ત્યાર બાદ તેમણે ત્યાં કેટલીક જગ્યાઓએ ઇનર લાઇન પરમિટમાં વધારો કર્યો."

Image copyright EPA

"આવી પરિસ્થિતિમાં આસામ અને ત્રિપુરામાં લોકોને લાગવા માંડ્યું કે અન્ય જગ્યાઓના બંગાળી હિંદુ તેમની જગ્યાઓ પર આવીને વસી જશે."

સુબીર ભૌમિક જણાવે છે કે "ભાજપ ઉતાવળમાં પોતાનો કોઈ રાજકીય ઍજન્ડા સફળ બનાવવા માગતો હતો."

"તેમને ખ્યાલ છે કે અર્થતંત્ર મામલે તેઓ અગાઉથી જ બૅકફૂટ પર છે, તેથી તેઓ હિંદુ ઍજન્ડાને આગળ વધારવા માગે છે."

"તેમને લાગ્યું કે કાશ્મીર, એનઆરસી, રામમંદિર અન નાગરિકતા સંશોધન કાયદો લાઈ આવીશું તો હિંદુ મત અમારા પક્ષમાં આવી જશે. પક્ષ બહુ જલદીમાં છે."

રાધિકા રામાસેશન જણાવે છે કે, "આ માત્ર ઉત્તર ભારતનો પ્રશ્ન નથી. ભાજપ પશ્ચિમ બંગાળ સહિત ચૂંટણીઓ પર પણ ધ્યાન આપી રહ્યો છે."

"તેમને લાગે છે કે જો તેઓ નાગરિકતા સંશોધન કાયદો સારી રીતે લાગુ કરશે તો તેમને બંગાળી હિંદુઓની મતબૅન્ક (જેમને અત્યાર સુધી નાગરિકતા નથી મળી) મળી જશે."

"એક સમયે કૉંગ્રેસે પણ આસામમાં મુસ્લિમ મતબૅન્ક બનાવી હતી. તેમણે પૂર્વ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓની એક મજબૂત મતબૅન્ક હતી."


કાશ્મીર જેટલું સંવેદનશીલ છે ઉત્તર-પૂર્વ

Image copyright EPA

આ પહેલાં 5 ઑગસ્ટના રોજ ભારત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો હતો.

સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હઠાવી અને ત્યાંના લગભગ તમામ મોટા નેતાઓ અને કાર્યકર્તાઓને કાં તો જેલમાં નાખી દેવાયા છે કાં તો નજરબંધ કરી દીધા.

જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ અને સંચારનાં બધાં માધ્યમો પર મનાઈ ફરમાવી દેવાઈ. બાદમાં જમ્મુમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરાઈ, પરંતુ ચાર મહિના બાદ પણ કાશ્મીરમાં ઇન્ટરનેટ ચાલુ કરાયું નથી.

સુબીર ભૌમિક કહે છે, "કાશ્મીરને લઈને સરકાર પાસે એવી માહિતી છે કે અહીં જેહાદી હુમલો થઈ શકે છે. આથી ત્યાં પૂર્વતૈયારી કરી હતી, પરંતુ ઉત્તર-પૂર્વ પણ એટલો જ સંવેદનશીલ વિસ્તાર છે."

તો રાધિકા રામાસેશન કહે છે કે કાશ્મીરની નજરે આસામને જોવું યોગ્ય નથી, કેમ કે અહીંનો મામલો અલગ છે.


શું ભાજપથી ઉતાવળમાં ભૂલ થઈ ગઈ?

Image copyright Getty Images

રાધિકા રામાસેશન કહે છે કે નાગરિકતા સંશોધન કાયદાના તાર એનઆરસી સાથે જોડાયેલા છે. જે રીતે આસામમાં એનઆરસી લાગુ કરાયો તેને લઈને આસામ અને બંગાળમાં ઘણી પ્રતિક્રિયા આવી હતી.

તેઓ કહે છે, "મને નથી સમજાતું કે આટલી પ્રતિક્રિયા આવ્યા છતાં તેમણે આ કાયદો કેમ લાગુ કર્યો. ભાજપનું કહેવું છે કે એનઆરસીમાં જે થયું એને ઠીક કરવા માટે નાગરિકતા સંશોધન કાયદો લાવવામાં આવી રહ્યો છે."

"નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને તેને તમે અલગ રીતે જોઈ ન શકો. આખા ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો તો લાગુ થઈ ગયો, હવે આગળનું પગલું એનઆરસી હશે."

"ગૃહમંત્રી અમિત શાહ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેને એનઆરસી સાથે જોડાશે. હવે જ્યાંથી સમસ્યા શરૂ થઈ હતી આપણે ત્યાં જ પહોંચી જઈશું."

સુબીર ભૌમિક કહે છે, "હાલમાં આસામમાં એનઆરસી લાગુ થયો, જેમાં 20 લાખ લોકોને રાજ્યના નાગરિક ગણવામાં આવ્યા નથી. આ સૂચિમાં ચારથી પાંચ લાખ જ મુસલમાન છે, જ્યારે 11થી 12 લાખ મોટા ભાગે હિંદુ છે. એ કારણે પણ તેમની ફૉર્મ્યુલા ત્યાં ન ચાલી."

તેઓ કહે છે, "આસામ સહિત ઉત્તર-પૂર્વમાં અગાઉ પણ સરકારવિરોધી સંગઠનોએ કામ કર્યું હતું. જે સમય જતાં નબળાં પડી ગયાં હતાં, પરંતુ હવે તે સામે આવી રહ્યાં છે અને મજબૂત થઈ શકે છે. હાલમાં જ આ મામલે અલ્ફાનું નિવેદન આવ્યું છે."


હવે લૂક ઇસ્ટમાં નીતિ શું રહેશે?

Image copyright EPA

ભારતની 'લૂક ઇસ્ટ' નીતિની 1991માં તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે શરૂઆત કરી હતી. વડા પ્રધાન મોદીએ 2014માં 'લૂક ઇસ્ટ' નીતિને 'ઍક્ટ ઇસ્ટ' નીતિમાં ફેરવી નાખી.

ગુવાહાટીમાં ફ્રેબુઆરી 2018માં સંમેલન યોજાયું હતું, જેમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લૂક ઇસ્ટની જગ્યાએ તેમની સરકાર ઍક્ટ ઇસ્ટ નીતિમાં વિશ્વાસ રાખે છે અને તેના માટે પૂર્વોત્તરનાં રાજ્યો ઘણાં મહત્ત્વનાં છે. સરકારનો ઇરાદો પૂર્વોત્તરનાં રાજ્યોના માધ્યમથી પૂર્વ એશિયાઈ દેશોમાં વેપાર વધારવાનો હતો.

સુબીર ભૌમિક જણાવે છે કે ઉત્તર-પૂર્વની હાલત સરકારની ઍક્ટ ઇસ્ટ પૉલિસી માટે મોટો ઝટકો છે.

તેઓ કહે છે, "આવી સ્થિતિમાં કેવી રીતે ઇકૉનૉમિક કૉરિડૉર બનશે? ભારતના કયા વેપારી આવા વિસ્તારમાંથી પોતાનો સામાન દક્ષિણ-પૂર્વ એશિયામાં મોકલશે, જ્યાં હિંસા થઈ રહી છે. "

"તમારે સામાન મોકલવો હશે તો દરિયાઈ માર્ગથી મોકલવો પડશે, કેમ કે ત્યાં કોઈ ગરબડ નથી. લૂક ઇસ્ટ-ઍક્ટ ઇસ્ટ સફળ કરવા માટેની પૂર્વશરત એ છે કે ઉત્તર-પૂર્વમાં જે હાલત છે એ સામાન્ય કરાય અને કોઈ નવી ગરબડ પેદા ન થવી જોઈએ."

"જો આ વિસ્તાર ડિસ્ટર્બ થઈ જશે તો લૂક ઇસ્ટ-ઍક્ટ ઇસ્ટ માત્ર ભાષણ પૂરતું જ સીમિત રહી જશે."

"દરેક વાતને હિંદુત્વના ચશ્માંથી જોવી ભાજપની મોટી ભૂલ છે. તેમને લાગે છે કે પાકિસ્તાન મુસલમાન મુલ્ક છે અને બાંગ્લાદેશ પણ. તેઓએ સમજવું જોઈએ કે બાંગ્લાદેશ બંગાળી મુલ્ક છે, તેને ધર્મના ચશ્માંથી ન જોવા જોઈએ."

Image copyright PTI

રાધિકા રામાસેશન સમજાવે છે, "બાંગ્લાદેશની સાથે ભારતના સંબંધો હંમેશાંથી સારા રહ્યા છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં તેની સાથેના સંબંધો પર ખરાબ અસર થઈ રહી છે."

"બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વારંવાર કહી રહ્યાં છે કે કોઈ પણ નાગરિકને અહીંથી પાછા નહીં લઈએ."

"આ મામલો માત્ર ભારતનો નથી. પડોશીઓ સાથે પણ ભારતના સંબંધો ખરાબ થઈ શકે છે. શ્રીલંકાથી આવેલા તામિળ જે તામિલનાડુમાં વસ્યા છે, તેમના અંગે આ કાયદો કંઈ નથી કહેતો."

"જે દેશોનાં નામ ભારતના કાયદામાં છે એમાં અફઘાનિસ્તાન છે, જે ભારતનો વિશ્વાસુ મિત્ર છે. એટલે કે ભારત સીધેસીધું એમ કરી રહ્યું છે કે ત્યાંના શીખ કે હિંદુઓ પર એટલા અત્યાચાર થઈ રહ્યા છે કે અમે તેમને પાછા લેવા માટે તૈયાર છીએ."

રાધિકા રામાસેશન કહે છે, "ભાજપ બંગાળની ચૂંટણી માટે આસામનો ત્યાગ કરી રહી છે જે રાજનીતિ બહુ ઘાતક છે. ત્રિપુરા, મેઘાલયમાં ઇનર લાઇન પરમિટની માગ થઈ રહી છે. તો સવાલ એ થશે કે આસામને તેનાથી કેમ દૂર કરાઈ રહ્યું છે."

"સમય સમયની વાત છે, પરંતુ બની શકે કે આસામમાં પણ ઇનર લાઇન પરમિટ સિસ્ટમ આવી જાય. જોકે આસામ માટે તેનાં બહુ ગંભીર પરિણામો આવી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ