અર્થતંત્રમાં મંદી : 'આગામી સમયમાં અનેક કારણસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે'

ડુંગળી Image copyright Getty Images

છેલ્લા ત્રણ મહિનામાં ખાદ્યચીજોમાં થયેલા ભાવવધારાએ મધ્યમ વર્ગના ઘરના બજેટ ઉપર ભારે અસર કરી છે.

ડુંગળીનો ભાવવધારો રડાવી રહ્યો છે, સાથેસાથે શાકભાજી અને અન્ય ખાદ્યચીજોમાં થયેલા ભાવવધારાને કારણે સામાન્ય લોકો ભારે બોજો વેઠી રહ્યા છે.

મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ અને ઇન્ડસ્ટ્રીએ બહાર પાડેલા આંકડા અનુસાર ખાવાપીવાની ચીજોમાં 11.08 ટકાનો વધારો નોંધાયો હતો જે ઑક્ટોબરમાં 9.80 ટકા રહેવા પામ્યો હતો.

ડુંગળી, શાકભાજી અને અન્ય ખાદ્યચીજોમાં હૉલસેલ ભાવોમાં નવેમ્બર મહિનામાં ઊછળીને 0.58 ટકા થયો હતો. જ્યારે ઑક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં 0.16 ટકા, સપ્ટેમ્બરમાં 0.33 ટકા જ્યારે ઓગસ્ટમાં 1.17 રહ્યો હતો.


આગામી સમયમાં ફુગાવો વધવાનાં એંધાણ

Image copyright Getty Images

શાકભાજીના દરોમાં ઑક્ટોબરમાં 38.91 ટકા જ્યારે નવેમ્બર મહિનામાં 45.32 ટકાનો વધારો થયો છે. જેમાં ડુંગળીના ભાવમાં 172.30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જે ઑક્ટોબરમાં 119.84 રહેવા પામ્યો હતો.

રિટેલ પ્રાઇસ ઇન્ડેકસની વાત કરીએ તો ઑક્ટોબરમાં 4.62 ટકા રહ્યો હતો જે નવેમ્બર માસમાં વધીને 5.54 ટકા રહ્યો હતો જે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑર્ગેનાઇઝેશન (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર નવેમ્બરમાં ફુગાવાનો દર 10.01 ટકા રહ્યો હતો જ્યારે આ આંકડો 7.98 ટકા હતો. જે એક વરસ પહેલાં 2018ના નવેમ્બર મહિનામાં ફુગાવો 2.61 ટકા હતો, જ્યારે 2016માં રિટેલ ફુગાવો 6.07 ટકા રહ્યો હતો.

રિઝર્વ બૅન્કની પૉલિસી બેઠક દરમિયાન 5મી ડિસેમ્બરે જે વાત સપાટી પર આવી તે મુજબ આગામી સમયમાં અનેક કારણસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે.

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધારનારું મુખ્ય પરિબળ ખાદ્યચીજોના ફુગાવાનો દર છે. ખાદ્યચીજોના ફુગાવાનો દર નવેમ્બર મહિનામાં 11.08 ટકા રહ્યો હતો જે છેલ્લા 71 મહિનામાં વધુમાં વધુ છે.


વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો

Image copyright Getty Images
ફોટો લાઈન ડુંગળીનો બગાડ

માત્ર ગુજરાતમાં જ નહીં પણ અનેક રાજ્યોમાં ચાલુ સાલે ચોમાસાએ વિલનનો રોલ કર્યો છે.

શરૂઆતમાં તો વરસાદ ખેંચાયો અથવા કેટલીક જગ્યાએ વહેલો શરૂ થયો અને ત્યારબાદ કાયદેસરનું ચોમાસું લગભગ સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થાય તેના બદલે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર આવવાને કારણે માત્ર અનાજને જ નુકશાન થયું છે એવું નથી, પણ શાકભાજીના ઉત્પાદન પર પર અસર થઈ છે, જેથી શાકભાજીના ભાવોમાં પણ અસહ્ય વધારો થયો.

આ દેશમાં ડુંગળીના ભાવ ઉપર ક્યારેક ચૂંટણીઓમાં હારજીત પણ થાય તેવું બન્યું છે ત્યારે અત્યારના સંજોગમાં નાસિક બજાર (લાસનગાવ)માં ડુંગળીની આવક વધતાં ડુંગળીનો ભાવ 120થી ઘટી સરેરાશ 70 રૂપિયા થયો છે.

ભારત સરકારે ડુંગળીના ભાવમાં નિયંત્રણ લાવવા એક લાખ ટન ડુંગળીની આયાત કરી છે જે બજારમાં આવતા હજુ અઠવાડિયું લાગશે.

વરસાદમાં ડુંગળીનો પાક લેવાય છે તેને ઘવારિયું કહેવાય છે. આમાં ચાલુ વરસે કમોસમી વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં ડુંગળીના ઉત્પાદનનો 70થી 80 ટકા માલ ડેમેજ થયો છે.

ખાસ કરીને આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ થતાં ડુંગળીના પાક પર અસર થઈ છે.

મહારાષ્ટ્રના સોલાપુર અને માવલ જેવા વિસ્તારોમાં પણ વરસાદને કારણે ડુંગળીના પાક પર અસર થઈ છે.

લગ્નસરામાં ભાવવધારો નડ્યો

Image copyright Getty Images

આ બધી ડુંગળી બજારમાં એક મહિનો મોડી એટલે કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં પહોંચશે.

આને પરિણામે ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં જે માલ બજારમાં આવવો જોઈએ અને પરિણામે સ્ટૉક પણ થવો જોઈએ એવું થયું નથી.

વળી જે જૂનો સ્ટોક હતો તે પણ ચોમાસા દરમિયાન ડુંગળી પલળવાને કારણે બગડી ગયો હોવાના સમાચાર મધ્યમોમાં ચગ્યા હતા.

આમ થવાને કારણે જુલાઈ મહિનામાં છૂટક ડુંગળીના એક કિલોના ભાવ જે 20થી 30 રૂપિયા વચ્ચે હતા તેમાં પાંચ ગણો વધારો થઈને ડિસેમ્બરમાં છૂટક ડુંગળીના ભાવ 100 રૂપિયા જેટલા થયા છે.

બરાબર લગ્નસરા ટાણે આ ભાવવધારો નડી રહ્યો છે. ચોમાસા બાદ પણ ચાલુ રહેલો વરસાદ તેમજ વાદળિયા હવામાનને કારણે ડુંગળી ઉપરાંત અન્ય લીલાં શાકભાજીની આવક પર પણ અસર પડી છે.

આ ઉપરાંત ઘાસચારો પણ મોંઘો બનવાને કારણે દૂધના ભાવ વધ્યા છે. કઠોળનું ઉત્પાદન ઘટ્યું છે સાથે વાવેતર પણ ઘટ્યું છે.


અનાજના ભાવ વધ્યા, સિંગતેલમાં પણ તેજી

Image copyright Getty Images

અનાજના ભાવ પણ વધ્યા છે જેને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો છે.

આ વરસે સિંગતેલમાં પણ તેજીનો માહોલ છે. ગુજરાતમાં મગફળીનો પાક ગયા વર્ષની સરખામણીમાં બમણો થઈને અંદાજે 30 લાખ ટન થવાની ધારણા છે. આમ છતાંય ભાવ ઘટવાના બદલે વધ્યા છે.

આમ ચારેબાજુથી ખાદ્યપદાર્થોમાં ભાવવધારાનું વાતાવરણ છે ત્યારે રિઝર્વ બૅન્કે ચાલુ વર્ષના પ્રથમ છ માસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ વધારીને 5.1-4.7 કર્યો છે.

આ બધાં પરિબળોને ધ્યાનમાં લઈએ તો હજુ 2020ના પ્રથમ છ માસિક ગાળામાં પણ ઝાઝી રાહત મળે એવું લાગતું નથી.

જો ફુગાવો ઘટે નહીં અને શિયાળુ પાકમાં પણ ભલીવાર ન આવે તો રિઝર્વ બૅન્ક 2020ના વર્ષમાં ફરી એક વાર રૅપોરેટ ઘટાડશે એ બાબત અત્યારે તો કોઈ અટકળ કરવી હિતાવહ લાગતી નથી.

મંદી અને ફુગાવો 2020ના વરસની શરૂઆતમાં કેવું રૂપ પકડે છે અને અનાજ, દૂધ, કઠોળ તેમજ શાકભાજી સસ્તાં થશે કે કેમ એના ઉપર બધો દારોમદાર છે.

ધીમી ગતિએ વધી રહેલો ફુગાવો દેશના મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે ચિંતાનું કારણ બન્યો છે અને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો