Global Gender Gap : શિક્ષણમાં ભારત ચીન અને શ્રીલંકા કરતાં પાછળ કેમ?

મહિલા Image copyright Getty Images

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ચાલુ વરસે ગ્લૉબલ જેન્ડરગૅપ (સ્ત્રી-પુરુષ સમાનતા) રિપોર્ટ 2020 બહાર પાડ્યો છે.

આ રિપોર્ટમાં વિશ્વના કુલ 153 દેશોને સ્ટડીમાં આવરી લેવાયા છે, જેમાં જેન્ડરગૅપ (સ્ત્રી પુરુષ સમાનતા)નો રૅન્ક (કમાંક) વિવિધ પરિમાણો થકી નક્કી કરવામાં આવ્યો છે.

તેમજ આર્થિક ભાગીદારી અને સમાન અવસર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રાજકારણમાં મહિલાઓની સ્થિતિ જેવાં વિવિધ પાસાંઓને આવરી લેવાયાં છે.

જેન્ડરગૅપ (સ્ત્રી-પુરુષ સમાનતા) રિપોર્ટમાં નક્કી કરેલાં ચાર પરિમાણોમાં મહિલાઓની સૌથી સારી સ્થિતિ ધરાવતા દેશોની સૂચિમાં આઇસલૅન્ડ પહેલા ક્રમે, નૉર્વે બીજા, ફિનલૅન્ડ ત્રીજા, સ્વિડન ચોથા, નિકારાગુઆ પાંચમા ક્રમે, ન્યૂઝીલૅન્ડ છઠ્ઠા, આયરલૅન્ડ સાતમા, સ્પેન આઠમા, રવાન્ડા નવમા અને જર્મની દસમા ક્રમે રહેવા પામ્યું છે.


આઇસલૅન્ડ સતત 11મા વરસે ટોચે

Image copyright Getty Images

આઇસલૅન્ડ સતત 11મા વરસે ટોચે રહેવા પામ્યું છે.

આમ આઇસલૅન્ડ વિશ્વનો સૌથી ઓછી જેન્ડરગૅપ ધરાવતો દેશ છે, જેમાં મહિલાઓને પુરુષ સમોવડી ગણી દરેક ક્ષેત્રમાં સમાન તક અને આવક, શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ રાજકારણમાં પણ જેન્ડરગૅપ જોવા મળતી નથી.

અત્રે એ નોંધવું યોગ્ય સમજું છું કે નિકારાગુઆ અને રવાન્ડા જેવા ગરીબ અને પછાત દેશો પણ પોતાના સંસાધનો અને તકોની સ્ત્રી-પુરુષોમાં સમાન રીતે વહેંચણી કરવામાં સફળ થયા છે.

આ રિપોર્ટમાં જે આઠ રિજિયનનો સમાવેશ થાય છે જેમનો જેન્ડરગૅપની ઍવરેજ મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા 60.5 ટકા, પશ્ચિમી યુરોપ 76.7 ટકા, ઉત્તર અમેરિકા 72.9 ટકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો 72.2 ટકા, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયા 71.3 ટકા, પૂર્વ એશિયા અને પૅસિફિક 68.5 ટકા, સબ સહરાન આફ્રિકા 38.2 ટકા અને દક્ષિણ એશિયા 66.1 ટકા જેન્ડરગૅપ ધરાવે છે.

આ રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં જેન્ડરગૅપ ઓછો થઈ રહ્યો છે તેમ છતાં સૌથી વધુ ગૅપ રાજકારણમાં જોવા મળ્યો છે.

રાજકારણમાં ફક્ત સરેરાશ 24.7 ટકા જેટલી મહિલા સહભાગિતા જોવા મળી છે.

બીજા નંબરે આર્થિક ભાગીદારી અને તકોમાં સ્ત્રીઓની ભાગીદારી હજુ 57.8 ટકા, જ્યારે શિક્ષણક્ષેત્રે 96.1 ટકા અને સ્વાસ્થ્યક્ષેત્રે 95.7 ટકા ગૅપ જોવા મળી છે.

એશિયન દેશોમાં ભારતને 112મું સ્થાન મળ્યું છે જે 2018ની સરખામણીમાં ચાર ક્રમ પાછળ રહેવા પામ્યું છે.

2006માં ભારતનો ક્રમ 98મો હતો. વિવિધ પરિમાણોને ધ્યાનમાં લેતાં એશિયન દેશોનો વિવિધ પરિમાણો જેવાં કે આર્થિક ભાગીદારી અને સમાન અવસર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રાજકારણમાં મહિલાઓની સ્થિતિ જેવાં વિવિધ પાસાંઓનો ક્રમાંક કેટલો રહેવા પામ્યો છે તે નીચેના કોષ્ટકમાં જોવા મળે છે.

એશિયન દેશોમાં જેન્ડરગૅપ
દેશ જેન્ડર ડૅવલપમૅન્ટ ઇન્ડેક્સ 2020 આર્થિક ભાગીદાર અને તક શિક્ષણપ્રાપ્તિ હેલ્થ અને અસ્તિત્વ રાજકીય સત્તા
ભારત 112 (0.668) 149 (0.354) 112 ( 0.962) 150 (0.944) 18 (0.411)
ચીન 106 (0.676) 91 (0.651) 100 (0.973) 153 (0.926) 95 (0.154)
બાંગ્લાદેશ 50 (0.726) 141 (0.438) 120 (0.951) 119 (0.969) 7 (0.545)
શ્રીલંકા 102 (0.680) 126 (0.558) 88 (0.988) 1 ( 0.980) 73 (0.193)
નેપાળ 101 (0.680) 101 (0.632) 133 (0.895) 131 (0.966) 59 (0.227)
ઇન્ડોનેશિયા 85 (0.700) 68 (0.685) 105 (0.970) 79 (0.974) 82 (0.172)
પાકિસ્તાન 151 (0.564) 150 (0.327) 143 (0.823) 149 (0.946) 93 (0.159)

Source: World Economic Forum report on Global Gender Gap Report 2020

આ રિપોર્ટમાં બાંગ્લાદેશ (50), ઇન્ડોનેશિયા (85), નેપાલ (101), શ્રીલંકા (102) અને ચીન (106), જ્યારે ભારત (112) અને પાકિસ્તાન (151) ક્રમે છે.

સ્વાસ્થ્યના મામલે ભારત 150મા ક્રમે, આર્થિક ભાગીદારી અને સમાન અવસર મામલે 149મા સ્થાને અને શિક્ષણક્ષેત્રે 112મા સ્થાને છે.

સ્વાસ્થ્ય અને આર્થિક ભાગીદારી એ બે ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીની દૃષ્ટિએ ભારતનું સ્થાન સૌથી નીચલા ક્રમના પાંચ દેશોમાં સામેલ છે. દેશમાં રાજકારણક્ષેત્રે મહિલાઓની પરિસ્થિતિ સુધરી છે પણ હજુ અસમાનતા દૂર કરતાં 95 વરસ લાગશે.

અન્ય એશિયાઈ દેશોની સરખામણીમાં ભારતમાં આર્થિક અસમાનતા વધુ જોવા મળે છે. એ જ રીતે શિક્ષણ અને મહિલાઓના સ્વાસ્થ્યક્ષેત્રે પણ ભારત ચીન, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા કરતાં પાછળ રહેવા પામ્યું છે.

આમ એશિયાઈ દેશોમાં પણ ભારત તેના પડોશી દેશ શ્રીલંકા, નેપાળ અને ચીન કરતાં પાછળ રહેવા પામ્યું છે.

આર્થિક વિકાસમાં સ્ત્રી-પુરુષની ભાગીદારી મહત્ત્વની બની રહે છે જે ચીન, જાપાન અને બીજા ઔદ્યોગિકક્ષેત્રે વિકસિત દેશોમાં જોવા મળે છે.

Image copyright Getty Images

ભારત આ ક્ષેત્રે સ્ત્રી સશક્તીકરણની દિશામાં આગળ વધી આપણા પાડોશી દેશો પાસેથી શીખ મેળવે તે જરૂરી છે.

આપણી સંસ્કૃતિ શું આ જ માપદંડોથી પોતાની પ્રગતિને માપશે? 'ઊંટ મરે તો પણ મારવાડ સામું જુએ' એમ આપણે આ કહેવાતા વિકસિત દેશોથી એવા અંજાઈ ગયા છીએ કે આ પ્રકારના રિપોર્ટ આધારિત આપણી પ્રગતિ અને સંસ્કૃતિને માપતા થઈ ગયા છીએ.

આપણે ત્યાં સ્ત્રી માટે ગૃહિણી શબ્દ વપરાય છે. પુરુષ તો મજૂર છે એ મકાન બાંધે પણ એનું ઘર તો સ્ત્રી જ વસાવે છે.

મા જે રીતે પોતાનું વાત્સલ્ય રેડીને બાળકને મોટું કરે છે, એને તાલીમ આપે છે અને એમાંથી જ કોઈક શિવાજી પાકે છે.

Image copyright Getty Images

એટલે જ કહ્યું છે "જે કર ઝૂલાવે પારણું જગત પર શાસન કરે". ચરિત્ર ઘડનાર અને સંસ્કારસિંચનનું કામ કરનાર જનેતાને શું આપણે ગ્લૉબલ જેન્ડર ઇન્ડેક્સના માપદંડથી માપીશું? સ્ત્રી અન્નપૂર્ણા છે અને દુર્ગા પણ છે. આ બધાં જ સ્વરૂપોને પોતાનામાં સમાવીને કામ કરતી રહે છે એટલે જ કહ્યું છે -

कार्येषु मन्त्री करणेषु दासी

भोज्येषु माता शयनेषु रम्भा ।

धर्मानुकूला क्षमया धरित्री

भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥

જો પુરુષ થાક્યો પાક્યો ઘેર આવે અને ઘરની ઊર્જામાં એને શાતા મળે તો એ સંજીવનીનું કામ કરે છે. પણ ઘરની ઊર્જામાં કંકાસ અને કલહ ભરેલો હોય તો એ ચિતાની જેમ બાળવાનું કામ કરે છે.

આનો અર્થ એવો નથી થતો કે બહેનોએ ઘર બહાર નહીં નીકળવું. જેમનામાં ક્ષમતા છે અને જેમની પાસે સમય તેમજ બહારના ક્ષેત્રમાં કામ કરવાનો મિજાજ છે તે ચોક્કસ બહાર આવે.

સ્ત્રીશિક્ષણ આ દિશામાં મોટું કામ કરી શકે. કુરિવાજો અને વ્યસનો જેવી જે જે બાબતો સ્ત્રીને પીડે છે એનો અંત આવવો જોઈએ અને આ પ્રકારનાં કામો કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.

Image copyright Getty Images

સમાજની વિચારસરણી બદલાવ માગે છે. દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ છોડીને દીકરીની માવજતથી માંડી શિક્ષણ સુધી અને સંસ્કારથી માંડી સ્વાસ્થ્ય સુધી દીકરાની સમકક્ષ જ ધ્યાન આપવું જોઈએ.

આજે આપણે ત્યાં દર 1000 પુરુષે 949 સ્ત્રીઓ છે. આનું કારણ હજુ પણ દીકરીની જન્મવા નથી દેવાતી અથવા પૂરતી સારવારના અભાવે એનું બાળમૃત્યુ થાય છે તે છે.

સમાજમાં આ સમજ આવે તેમજ દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ ભુલાય તે જરૂરી છે.

દેશની લગભગ 50 ટકા વસતી સ્ત્રીઓની છે. એમના સહકાર અને પ્રગતિ વગર કોઈ પણ સમાજ કે દેશ ક્યારેય આગળ ન વધી શકે.

ગ્લૉબલ જેન્ડર ઇન્ડેક્સને આ સંદર્ભમાં આપણે સમજીએ અને જેમ ઍપ્રોપ્રિએટ ટૅક્નૉલૉજીની વાત કરીએ છીએ તે જ રીતે ઍપ્રોપ્રિએટ જેન્ડર ડૅવલપમૅન્ટની આપણી પોતાની જ વ્યાખ્યા ઘડીએ.

આવી ઉછીની લીધેલી જેન્ડર ડૅવલપમૅન્ટ ઇન્ડેક્સનું માત્ર ને માત્ર અનુકરણ કે રટણ કરવાથી કાંઈ અર્થ નહીં સરે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો