રશિયાની મુખ્ય સુરક્ષા એજન્સી એફએસબીના વડા કાર્યાલય પર ફાયરિંગ - TOP NEWS

રશિયા

ઇમેજ સ્રોત, REUTERS

રશિયાની ફેડરલ સિક્યૉરિટી સર્વિસના મુખ્ય મથક પર ગોળીબાર કરાયો છે. રશિયન મીડિયા અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.

સમાચાર સંસ્થા 'ઇન્ટરફૅક્સ'ના મતે આ ઇમારતની અંદર ઑટોમૅટિક હથિયારથી ફાયરિંગ કરનારા બંદુકધારીનું વળતા ગોળીબારમાં મૃત્યુ નીપજપ્યું છે.

સુરક્ષાદળોએ આ વિસ્તારનો ઘેરાવ કરી લીધો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આયોજિત વાર્ષિક પત્રકારપરિષદના અમુક કલાકો બાદ જ આ ઘટના ઘટી હતી.

એફએસબી રશિયાની મુખ્ય સુરક્ષાસંસ્થા છે. હજુ સુધી આ ઘટનાને લઈ કોઈ વિસ્તૃત જાણકારી મળી શકી નથી.

'હેલ્મેટમાં છૂટ હંગામી'

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષાસમિતિ દ્વારા ટીકા બાદ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવામાં અપાયેલી છૂટ 'હંગામી' હતી.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં જણાવ્યું કે, રાજ્યના સચિવ આ મામલે જવાબ આપશે.

સુપ્રીમ કોર્ટની માર્ગ સુરક્ષાસમિતિએ હેલ્મેટને 'વૈકલ્પિક' બનાવવા બદલ ગુજરાત સરકાર સમક્ષ જવાબ માગ્યો હતો.

મુખ્ય સચિવને આ મામલે લખાયેલા પત્રમાં રાજ્યમાં દ્વિ-ચક્રી વાહનો ચલાવતી વખતે હેલ્મેટને ફરજિયાત કરવાના નિર્દેશ અપાયા હતા.

આ અંગે વાત કરતાં રૂપાણીએ જણાવ્યું, "કાઉન્સિલ દ્વારા લખાયેલો પત્ર મુખ્ય સચિવને મળ્યો છે.""સરકારે કોઈ કાયદો ખતમ કર્યો જ નથી. હેલ્મેટનો કાયદો માત્ર હંગામી ધોરણે મોકૂફ રખાયો હતો."

મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં 4 ડિસેમ્બરે, ગુજરાત કૅબિનેટ દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરની અંદર હેલ્મેટ પહેરવી મરજિયાત કરી દેવાઈ હતી.

CAA: મનમોહન સિંહે પણ સમર્થન કર્યું હતું, ભાજપનો દાવો

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં થઈ રહેલાં પ્રદર્શનો દરમિયાન ભારતીય જનતા પક્ષે દાવો કર્યો છે કે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે પણ શર્ણાર્થીઓને નાગરિકતા આપવા માટે હિમાયત કરી હતી.

ભાજપે પોતાના ટ્વિટર હૅન્ડલ પર વર્ષ 2003માં રાજ્યસભાની એક ચર્ચા દરમિયાન મનમોહન સિંહ દ્વારા અપાયેલા ભાષણનો એક હિસ્સો ટ્વીટ કર્યો છે. એ વખતે ડૉ. સિંહ વિપક્ષના નેતા હતા.

એ વખતે અટલ બિહારી વાજપેયીની આગેવાનીવાલી સરકારે નાગરિક સંશોધન વિધેયક રજૂ કર્યું હતું.

ભાજપ અનુસાર આ વિધેયક પર ચર્ચા દરમિયાન મનમોહન સિંહે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા પડોશી રાષ્ટ્રોમાં અત્યાચાર સહન કરી રહેલા લઘુમતીઓને નાગરિકત્વ આપવાની વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો