રતિલાલ બોરીસાગરઃ શિષ્ટ હાસ્યના 'મરક મરક' ગંભીર સર્જક

  • ઉર્વીશ કોઠારી
  • બીબીસી ગુજરાતી માટે
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરઃ

ઇમેજ સ્રોત, Urvish Kothari

ઇમેજ કૅપ્શન,

રતિલાલ બોરીસાગર

કોઈ ઍવૉર્ડના સમાચાર સાંભળીને ખડખડાટ હસવું આવે, એવું તો ઘણી વાર બને છે, પણ રતિલાલ બોરીસાગરને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષ 2013થી 2017નાં પાંચ વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો ઍવૉર્ડ જાહેર થયો એ જાણીને મારી જેમ ઘણા લોકોએ સાત્ત્વિક પ્રસન્નતા અનુભવી હશે- રતિલાલ બોરીસાગરના લેખ વાંચીને અનુભવાય એવી.

સમાચાર જાણ્યા પછી તેમની સાથે વાત થઈ, ત્યારે તેમણે કહ્યું કે 'કેન્દ્રીય અકાદમીનું ગુજરાતી ભાષાનું પારિતોષિક પહેલી વાર કોઈ હાસ્યપુસ્તકને મળે છે.'

આમ કહેતી વખતે તેમના અવાજમાં અત્યારના જમાનાને અનુરૂપ 'જોયું? બંદાએ કેવું તીર માર્યું' - એવો ભાવ ન હતો.

ઊલટું, તેમણે ફક્ત સિનિયર જ નહીં, ઉત્તમ સર્જનનો મોટો જથ્થો ને વધુ લાંબી કારકિર્દી ધરાવતા બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટને બહુ ભાવથી યાદ કર્યા.

આ સિવાય ગુજરાતી હાસ્યલેખનમાં ટોચના સ્થાને બિરાજતા જ્યોતીન્દ્ર દવે તો ખરા જ.

વિનોદભાઈની આત્મકથા 'એવા રે અમે એવા' આ સન્માનની સાવ નજીક પહોંચી ગઈ હોવા છતાં, કોઈ કારણસર તેને એ ન મળ્યું.

(ઘણી વાર ઍવૉર્ડ ન મળવાનાં કારણો જુદા હાસ્યલેખનો વિષય બની શકે છે.)

આ બધું યાદ કરતી વખતે બોરીસાગરસાહેબની લાગણી એવી હતી કે તેમના પુસ્તક નિમિત્તે ગુજરાતી હાસ્યસાહિત્યનો મહિમા થયો તેનો સંતોષ છે.

('આખરે ગુજરાતી હાસ્યલેખન ગંભીરતાથી લેવાયું'—એવું કોઈ મથાળું કલ્પી શકાય)

ગુજરાતી હાસ્ય સાહિત્યનો દરજ્જો રતિલાલ બોરીસાગરની કાયમી નિસબત અને કંઈક અંશે અસંતોષનો એક મુદ્દો રહ્યો છે.

આમ તો તેમની પ્રકૃતિ એવી છે કે તેમને કશાથી તીવ્ર અસંતોષ થાય નહીં ને કદાચ જૂજ પ્રસંગે થાય તો પણ તે એવી સૌમ્યતાથી વ્યક્ત કરે કે સામેવાળાને તે મીઠી ફરિયાદથી વિશેષ ન લાગે.

છતાં, સાહિત્યની જ્ઞાતિપ્રથામાં હાસ્યને શુદ્ર સ્થાને બેસાડવાની ગુજરાતી પરંપરા સામે તેમને પાકો અસંતોષ રહ્યો છે.

જ્યોતીન્દ્ર દવેથી માંડીને બીજા અનેક જાણીતા-ઓછા જાણીતા છતાં ઉત્તમ હાસ્યલેખકોના કામનું ગંભીરતાથી વિવેચન થયું નથી, એવી તેમની સાચી ફરિયાદ છે.

તેમણે અગાઉ ઘણી વાર કહ્યું છે કે હાસ્યલેખનમાં હાસ્યની, તેના પ્રકારો-પેટાપ્રકારોની ઘણી ચર્ચા થાય છે, પણ તેમાં આવતી સર્જકતાની વાત ભાગ્યે જ થઈ છે.

આપણે આશા રાખીએ કે કેન્દ્રીય અકાદમીના પુરસ્કાર પછી તેમની કૃતિઓને અને પછી બીજી હાસ્યકૃતિઓને અભ્યાસપૂર્ણ અને સહૃદય વિવેચનનો લાભ મળે.

ઇમેજ સ્રોત, URVISH KOTHARI

ઇમેજ કૅપ્શન,

રતિલાલ બોરીસાગર

બાકી,અત્યાર સુધી ઘણા વિવેચનપંડિતોનો અભિગમ એવો હોય એમ લાગે છે કે 'હાસ્ય લખવામાં શું ધાડ મારવાની?એ તો અમે પણ લખી કાઢીએ.'

અને પછી તેમણે કરેલાં હાસ્યલેખનનાં દુઃસાહસો વાંચતાં (તેમના સિવાયના લોકોને) વધુ એક વાર સમજાય છે કે સારું હાસ્ય લખવું સહેલું નથી.

ઘણા હાસ્યલેખકોનો પ્રશ્ન જુદો હોય છે. તે એવી ગેરસમજ પાળે-પોષે છે કે તેમનું કામ આખો વખત, કોઈ પણ ભોગે ને કોઈના પણ ભોગે લોકોને હસાવવાનું છે.

પરંતુ એ નોંધતાં આનંદ થાય છે કે રતિલાલ બોરીસાગર આ હાસ્યલેખકસહજ મર્યાદાથી, કદાચ પ્રકૃતિગત રીતે, બચી શક્યા છે.

કેમ કે, તેમની મૂળભૂત પ્રકૃતિ ગંભીર, સજ્જન અને (સાચી કે ખોટી) તકરારોથી દૂર રહેવાની છે.

હાસ્ય પેદા કરવા માટે વીર રસ, શૃંગાર રસ કે બીભત્સ રસ જેવા પ્રચલિત (અને ઘણી વાર ટૂંકા) રસ્તા તેમણે લીધા નથી.

તેમની સાથે સળંગ અડધો કલાક-કલાક કે તેથી પણ વધારે સમય સુધી જરા પણ હસ્યા વિના, પૂરેપૂરી ગંભીરતાથી, ગંભીર વિષય અંગે વાત કરી શકાય છે.

તેમણે મોટપણે પીએચ.ડી.નો અભ્યાસ કર્યો (અને 1989માં અભ્યાસ પૂરો કરીને ડિગ્રી મેળવી) ત્યારે તેમનો વિષય પણ લખાણો-કૃતિઓના પાઠસંપાદન (textual editing)નો હતો.

એટલે કે, નર્મદની કે એવા બીજા ઘણા સર્જકોની કૃતિઓ ને પુસ્તકોની જુદીજુદી આવૃત્તિઓ થઈ, ત્યારે તેમાં ભૂલથી કે ઇરાદાથી કેવા કેવા ફેરફાર થયા તેનો અભ્યાસ.

સાવરકુંડલામાં 31 ઑગસ્ટ, 1938ના રોજ જન્મેલા રતિલાલ બોરીસાગરે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી, પછી એમ.એ. થઈને લેકચરર બન્યા

અને સૌથી લાંબો સમયગાળો પાઠ્યપુસ્તક મંડળમાં કામ કર્યું.

આ એકેય કામગીરીમાં હાસ્યવૃત્તિની જરૂર ન હોય. બલ્કે, અમુક સરકારી કામમાં તો એ નડતરરૂપ પણ બની શકે.

છતાં, બોરીસાગર પ્રકૃતિગત રીતે ગંભીર હોવાથી તેમણે એવી માનસિક ખેંચતાણ નહીં અનુભવી હોય. ઉપરથી હાસ્યવૃત્તિ માટે થોડાં ખાતરપાણી તારવ્યાં હશે.

કેમ કે, તેમના હાસ્યલેખનની શરૂઆત યુવાન વયે જ, એ સમયના ઘણા લેખકોની જેમ, અશોક હર્ષના સંપાદન હેઠળ પ્રગટ થતા સામયિક 'ચાંદની'થી થઈ ચૂકી હતી..

તેમનાથી ઉંમરમાં થોડાં અઠવાડિયાં મોટા અને આગળ જતાં ઉત્તમ વાર્તાકાર-ચરિત્રકાર-નવલકથાકાર બનેલા રજનીકુમાર પંડ્યા રતિલાલ બોરીસાગરના આદિમિત્ર.

ઇમેજ સ્રોત, RAJNIKUMAR PANDYA

ઇમેજ કૅપ્શન,

રજનીકુમાર પંડ્યા સાથે રતિલાલ બોરીસાગર

તેમણે પણ રતિલાલ બોરીસાગરની ગંભીર પ્રકૃતિ એક હળવો કિસ્સો 'સાર્થક જલસો' સામયિકમાં આલેખેલાં સંભારણાંમાં નોંધ્યો છેઃ

રજનીકુમાર, તેમનાં સાથીદાર તરુલતા દવે, રતિલાલ બોરીસાગર અને બીજા થોડા મિત્રો રાત્રે રજનીકુમારને ત્યાં એમ.એ.નું વાંચવા માટે ભેગા થતાં હતાં.

એક તો દિવસભર કામ કરીને રાતે જાગવાનું ને એમાં માથાદુ:ખણ વાંચવાનું. એટલે દોઢ-બે કલાકે ચા જોઈએ. પણ દર વખતે ચા કોણ બનાવે? એટલે થોડા અખતરા પછી નિયમ થયો કે જે પહેલું મૌન તોડે તે ચા બનાવે.

રજનીકુમારે લખ્યું છે, 'અમારા બધામાં રતિલાલ બોરીસાગર બહુ પાક્કા સાબિત થયા ને પાછા ચાના સૌથી વધારે ચાહક પણ એ જ હતા.'

'એ બહુ સાવધાનીથી વર્તતા... નકરી છીંક પણ રખે ને શબ્દમાં ગણાઈ જશે, એવી દહેશતથી એ છીંક પણ નાસિકાદમન કરીને ખાતા.'

પછી કેવી રીતે કાવતરું કરીને, તેમના ભાણાને સાધીને તેની પાસે ખોટા સમાચાર અપાવીને રતિલાલ બોરીસાગરને ચમકાવ્યા ને તેમની પાસે ચા મુકાવ્યે પાર કર્યો,

તેનું રમૂજી ને દોસ્તીની આત્મીયતાથી ભરેલું આલેખન રજનીકુમારના એ લેખમાં છે.

એ વાતના પાંચેક દાયકા પછી, બંને વચ્ચેના પ્રકૃતિસહજ ભેદ અને ક્યારેક મતભેદ છતાં, આત્મીયતા અને દોસ્તીની હૂંફ જળવાઈ રહી છે.

એવી જ, પણ જુદા પ્રકારની મૈત્રી રતિલાલ બોરીસાગરને વિનોદ ભટ્ટ સાથે થઈ.

ઇમેજ સ્રોત, URVISH KOTHARI

ઇમેજ કૅપ્શન,

વિનોદ ભટ્ટ સાથે રતિલાલ બોરીસાગર

વિનોદભાઈ નવોદિતોને પ્રોત્સાહન આપવા, તેમનું પહેલું પુસ્તક થાય એ માટે સદા તત્પર.

એટલે, બંનેની ઉંમરમાં મહિનાઓના તફાવત છતાં, વિનોદભાઈના અવસાન સુધી અને હજુ પણ તેમના માટે બોરીસાગરસાહેબના મનમાં અલગ આદરભાવ રહ્યો.

વિનોદભાઈને રોજ સવારે સાડા દસ-અગિયારની આસપાસ ફોન કરવાનો તેમનો નિત્યક્રમ હતો. બંનેના મિજાજ જુદા—હાસ્યલેખનમાં પણ અને જીવનમાં પણ.

છતાં, વિનોદભાઈને તેમના 'સાગર' માટે હંમેશાં અનન્ય ભાવ રહ્યો.

રતિલાલ બોરીસાગરનો પહેલો હાસ્યલેખસંગ્રહ 'મરક મરક' વિનોદભાઈના પ્રયાસથી 'વોરા પ્રકાશન'માં પ્રકાશિત થયો.

ગુણવત્તાના આગ્રહી, પણ કડક અભિપ્રાયો સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરવા માટે જાણીતા 'વોરા'ના શિવજીભાઈ આશર પુસ્તક છાપે, તે બોરીસાગરને મન મોટી વાત હતી.

એટલે એક વાર તેમણે ધીમે રહીને શિવજીભાઈને પુસ્તક વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો. શિવજીભાઈનો જવાબ હતો, 'વિનોદે કહ્યું હોય, પછી મારે શું જોવાનું હોય?'

ઇમેજ સ્રોત, URVISH KOTHARI

ઇમેજ કૅપ્શન,

વિનોદ ભટ્ટ સાથે રતિલાલ બોરીસાગર

પરંતુ વિનોદભાઈના જીવનના છેલ્લા તબક્કામાં, ગુજરાતની સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ અને સરકારી નિમણૂકને બદલે ચૂંટણી થવી જોઈએ, એ મુદ્દે ગુજરાતી સાહિત્ય અકાદમીના અને ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારોને સામસામે આવવાનું થયું.

વિનોદભાઈ અકાદમી સાથે, બલ્કે અકાદમીના તત્કાલીન સરકારનીમ્યા અધ્યક્ષ ભાગ્યેશ જ્હા સાથે હતા, જ્યારે બોરીસાગર પરિષદમાં.

પરંતુ એક વાર વિનોદભાઈને અકાદમી તરફથી (મોટે ભાગે રમણભાઈ નીલકંઠ સન્માન મળ્યું ત્યારે) પરિષદ-અકાદમીની સંઘર્ષરેખાઓ ફગાવીને, 'વિનોદભાઈના સન્માનમાં તો મારે જવું જ પડે' એ રીતે તે ગયા હતા.

સાથોસાથ, નિયમમાં ચાલનારા અને આક્રમક લોકોને નિયમભીરુ લાગી શકે એ હદે સભ્યતા-શિષ્ટાચાર-નિયમોમાં માનતા હોવાથી તેમણે પોતાના આ પગલા અંગે પરિષદમાં બાકાયદા જાણ કરી હતી અને તેના માટે જે કંઈ થાય તે સ્વીકારવાની તૈયારી બતાવી હતી.

ગુજરાતી કટારલેખનના નજીકના ઇતિહાસમાં મારા ધ્યાનમાં બે જ કિસ્સા એવા છે, જેમાં ખ્યાતનામ લેખકોએ, તે જે મોકલે તે છપાઈ શકે અને તેના સારા રૂપિયા પણ મળે એમ હોવાં છતાં સામે ચાલીને કોલમ બંધ કરી હોય. યોગાનુયોગે એ બંને હાસ્યલેખકો છે : તારક મહેતા અને રતિલાલ બોરીસાગર.

તારકભાઈએ 'દિવ્ય ભાસ્કર'ની રવિવારની પૂર્તિમાં આવતી તેમની કોલમ 'બાવાનો બગીચો' થોડો સમય લખ્યા પછી બંધ કરી,

જ્યારે તેમનાથી પણ થોડાં વર્ષ પહેલાં રતિલાલ બોરીસાગરે 'સંદેશ'ની રવિવારની પૂર્તિમાં આવતી તેમની અઠવાડિક કોલમ બંધ કરી.

લગભગ 2000-2001ની આસપાસની વાત હશે.

ઇમેજ સ્રોત, URVISH KOTHARI

ઇમેજ કૅપ્શન,

રતિલાલ બોરીસાગર

ત્યારે 'સંદેશ'ની પૂર્તિ હું સંભાળતો હતો. બોરીસાગરસાહેબે જ્યારે કહ્યું કે તે કોલમ બંધ કરવા માગે છે, ત્યારે પહેલાં તો તેમની સાથે અંગત ધોરણે વાતચીત કરી હતી.

છાપાના માલિકનો પણ આગ્રહ હતો કે કોલમ ચાલુ રહે તો સારું.

રતિલાલ બોરીસાગર બીજા કોઈ છાપામાં જવાના હોય તો ત્યાંની શરતો જાણીને એ પ્રમાણે વાત કરવાનું પણ મને કહેવામાં આવ્યું.

છતાં, બોરીસાગરને દર અઠવાડિયે લખવાનું અનુકૂળ આવતું ન હોવાથી અને લેખનની ગુણવત્તા વિશે તેમનો ચોક્કસ ખ્યાલ હોવાથી, તેમણે કોલમ બંધ કરી જ.

બોરીસાગરસાહેબે આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં તે ફરી લખવા વિચારશે તો 'સંદેશ'માં જ લખશે.

ગુણવત્તા માટેની તેમની આવી ચીવટ અને આગ્રહોને કારણે 'મરક મરક' (1977)થી અત્યાર લગી, 42 વર્ષમાં તેમના હાસ્યલેખોનાં માંડ તેર પુસ્તક થયાં છે.

તેમાં ગુજરાતી હાસ્યસાહિત્યના અમર પાત્ર ભદ્રંભદ્રનો પુનરાવતાર કરાવતાં બે પુસ્તકો ખાસ ધ્યાન ખેંચે છે, તો તેમનું કદાચ સૌથી લોકપ્રિય બનેલું પુસ્તક 'એન્જોયગ્રાફી' પણ ખરું.

તેમનાં સંપાદનો લગભગ એટલાં જ છે. ઉપરાંત વિવેચન અને બાળસાહિત્ય, શિક્ષણ જેવા તેમના રસના વિષયોનાં પુસ્તકો પણ તેમની પુસ્તકસૂચિમાં બોલે છે.

વક્તા તરીકે કાઠિયાવાડી લઢણ અને લાક્ષણિક શૈલીને કારણે તેમનાં હાસ્યરસ પ્રસરાવતાં પ્રવચનોમાં લોકો મરક મરક નહીં, પણ ખડખડાટ હસતા જોવા મળે છે.

વર્ષ 2008માં મારી સામે ભરાયેલી હાસ્ય-અદાલતમાં (મૉક કોર્ટમાં) વિનોદ ભટ્ટની સાથે રતિલાલ બોરીસાગર જજ બન્યા હતા.

ત્યારે એક છેડેથી વિનોદભાઈની તોફાની બેટિંગ અને બીજા છેડેથી બોરીસાગરસાહેબની ઠાવકાઈભરી રમૂજોથી હાસ્યનું સ્કોરકાર્ડ સતત ફરતું રહ્યું હતું.

નમૂનાલેખે એક સંવાદઃ કોઈકે મારી પરના આરોપોમાં મારા બ્લૉગની વાત કરી.

બોરીસાગરસાહેબે પૂછ્યું, 'આ બ્લોગ શું છે?' એટલે આરોપી તરીકે મેં એ મતલબનું કહ્યું કે 'આટલી ખબર નથી એ શું મારો ન્યાય કરવાના?'

ત્યારે, હાસ્ય-અદાલતના ન્યાયાધીશ પદેથી રતિલાલ બોરીસાગરે ગંભીર ચહેરો રાખીને કહ્યું, 'અદાલતને નહીં જાણવાનો પણ અધિકાર છે.'

અને ઑડિયન્સમાં હસાહસ.

છેલ્લાં આઠેક વર્ષથી તેમના વિદ્યાર્થીઓએ આર્થિક રીતે સમૃદ્ધ એવું 'વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન' ઊભું કર્યું છે,

પ્રતિષ્ઠાનના આરંભે વર્ષ 2011માં ભીખેશ ભટ્ટ સંપાદિત 'અમારા બોરીસાગરસાહેબ' એ નામનો ગ્રંથ પણ તૈયાર થયો.

પરંતુ થોડા સમય પછી બોરીસાગરસાહેબે સંસ્થાના નામમાંથી પોતાનું નામ કઢાવીને ફક્ત 'વિદ્યાગુરુ સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન' રહેવા દીધું છે.

જ્યોતીન્દ્ર દવેને યાદ કરીને કહીએ તો, ઉંમરના હિસાબે બોરીસાગરસાહેબની તબિયત સારી છે. એકાદ અકસ્માત પછી સ્કૂટર પર ફરવાનું બંધ કર્યું છે.

પણ જાહેર કાર્યક્રમોમાં, એ પ્રમુખ કે વક્તા ન હોય તો પણ, હાજરી આપે છે.

ગુજરાતના શિષ્ટ હાસ્યલેખકોની આગલી પેઢીમાં, ખાસ કરીને પહેલાં બકુલ ત્રિપાઠી અને પછી વિનોદ ભટ્ટની વિદાય પછી, રતિલાલ બોરીસાગરને છેલ્લા ગણી શકાય.

પરંતુ હાસ્યલેખનની સાથોસાથ હાસ્ય વિશેની વિદ્વત્તાપૂર્ણ સમજ અને અભ્યાસ-વિવેચનના કારણે તેમનું સ્થાન વિશિષ્ટ છે અને તેમની પેઢીમાં કે તેમની હયાતી દરમિયાન જ નહીં, ગુજરાતી હાસ્યસાહિત્યની તવારીખમાં પણ એ વિશિષ્ટ જ ગણાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો