નાગરિકતા સંશોધન કાયદો: CAA અને NCRથી કેવી રીતે અલગ પડે છે NPR?

  • ટીમ બીબીસી
  • નવી દિલ્હી
મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારે અને કેરળની ડાબેરી સરકારે NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે.

મમતા સરકારે બધા જિલ્લા અધિકારીઓને આ માટેના આદેશો મોકલી દીધો છે તો કેરળની સરકારે પણ તેનો આદેશ બહાર પાડ્યો છે.

પશ્ચિમ બંગાળમાં સોમવારે અને કેરળમાં શુક્રવારે જાહેર કરાયેલા આ આદેશને જનહિતમાં લેવાયેલો નિર્ણય ગણાવાય છે.

મમતા બેનરજી પહેલેથી જ કહેતાં આવ્યાં હતાં કે તેઓ પોતાના રાજ્યમાં NRC અને નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાનાં નથી. જોકે NPR માટે તેઓ અવઢવની સ્થિતિમાં હતા.

NRCનો વિરોધ અને NPRનું સમર્થન કરવાના મામલે વિરોધ પક્ષોએ પણ મમતા બેનરજીની ટીકાઓ કરી હતી.

પરંતુ હવે મમતાએ આ નિર્ણય લીધો તે પછી સીપીએમે તેનું સ્વાગત કર્યું છે એમ પશ્ચિમ બંગાળનાં રાજકારણ પર નજર રાખનારા સિનિયર પત્રકાર પ્રભાકર એમ.ના જણાવ્યા પ્રમાણે ભાજપનું કહેવું છે કે NPRનું કામ રાષ્ટ્રીય વસતિગણતરી અધિનિયમ હેઠળ થઈ રહ્યું છે, તેથી મમતા સરકારે લીધેલો નિર્ણય ગેરબંધારણીય છે.

NPR કામચલાઉ અટકાવી દેવા પાછળનું કારણ શું?

ઇમેજ સ્રોત, Reuters

મમતા બેનરજી NRC સામે વિરોધ કરી રહ્યાં છે. બંગાળમાં લઘુમતી વૉટબૅન્ક બહુ મોટી છે અને નિર્ણાયક ગણાવાય છે.

આ વોટબૅન્ક ત્રણ દાયકા સુધી ડાબેરી પક્ષો સાથે રહી હતી.

2011માં મમતાએ જમીન સંપાદન સામે આંદોલન ચલાવ્યું તે પછી લઘુમતી વોટબૅન્કનું સમર્થન પણ તેમને મળ્યું, જેની વસતિ બંગાળમાં લગભગ 30 ટકા જેટલી છે.

પ્રભાકર એમ. કહે છે, "આસામમાં NRC લિસ્ટ બહાર આવ્યું ત્યારે તેમાં 19 લાખ જેટલાં લોકોનાં નામ નહોતાં. તેની અસર બંગાળ પર પણ પડી. મમતા ત્યારથી NRC સામે જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે."

તેઓ કહે છે, "ઘૂસણખોરીની સમસ્યા આસામ કરતાંય વધારે બંગાળમાં છે. રાજ્યની લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે."

"વિભાજન પછી ત્યાંથી લોકો અહીં આવતા રહ્યાં છે. 1971માં બાંગ્લાદેશની રચના પછી પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા."

"સત્તામાં રહેલા પક્ષ ત્યારે તેમને મતદાર કાર્ડ, રેશન કાર્ડ આપતા રહ્યાં અને અહીં વસાવતા રહ્યાં. આ લઘુમતી લોકોનાં મનમાં NRC મામલે ભય રહેલો છે."

"NPR માટે કામ શરૂ થયું ત્યારે ભય વધી ગયો. તે આગમાં નાગરિકતા સંશોધન કાયદાએ ઘી હોમવાનું કામ કર્યું."

"તેના કારણે આ વર્ગના લોકોને લાગે છે કે તેમને તારવીને અલગ કરી દેવાશે અને અહીંથી કાઢી મૂકાશે."

"તેના કારણે જ મમતા બેનરજીએ હાલ પૂરતું NPR માટેનું કામકાજ અટકાવી દીધું છે."

સત્તામાં રહેલા તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે આ માટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને હિંસાના બનાવો પછી સરકારે કામચલાઉ આ નિર્ણય લીધો છે, જેથી લોકોનાં મનમાં ભય વધુ ફેલાય નહીં.

બીજી બાજુ સીપીએમના નેતા સુજન ચક્રવર્તિએ કહ્યું કે રાજ્ય સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે.

તેમણે આ નિર્ણયનું આમ સ્વાગત કર્યું, પરંતુ જણાવ્યું કે સરકાર જો NRC સામે વિરોધ જ કરી રહી હતી, તો પછી શા માટે NPR માટેનું કામ શરૂ કરાવ્યું હતું?

બંગાળ સરકારે લીધેલા આ નિર્ણય પછી ચાલો જોઈએ કે NRC અને NPR શું છે અને વસતિગણતરી કરતાં આ કામગીરી કઈ રીતે જુદી છે?

વસતિ ગણતરી શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

દેશના દરેક નાગરિકની સામાજિક, આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીને, કયા પ્રદેશમાં વિશેષ વિકાસ કાર્યોની જરૂર છે અને તેના માટે કેવી સરકારી નીતિઓ હોવી જોઈએ તેનો નિર્ણય કરવા માટે દર 10 વર્ષે વસતિગતણરી કરવામાં આવે છે.

ગામડાં અને શહેરોમાં રહેતા બધાની ગણતરી સાથે તેમનો રોજગાર, જીવનસ્તર, આર્થિક સ્થિતિ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, લિંગ, વ્યવસાય વગેરેની માહિતી પણ એકઠી કરવામાં આવે છે.

આ આંકડાંઓના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની નીતિઓ તૈયાર કરતી હોય છે.

વસતિગણતરી કરવાની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલયના હસ્તક આવે છે.

ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા રજિસ્ટ્રાર જનરલ અને વસતિગણતરી કમિશનરની કચેરી દ્વારા આ કાર્ય કરવામાં આવે છે.

આ કાર્યને કાયદાનો દરજ્જો આપવા માટે 1948માં વસતિગતણરી અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો.

કેવા સવાલો, શા માટે પૂછવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં પ્રથમવાર 1872માં વસતિગણતરી કરવામાં આવી હતી.

ત્યારથી શરૂ કરીને 1941 સુધી થયેલી વસતિગણતરીમાં નાગરિકોની જ્ઞાતિ પણ પૂછવામાં આવતી હતી, જે બાદમાં બંધ કરી દેવામાં આવ્યું હતું.

જોકે તમે અનુસૂચિત જાતિમાં આવો છો કે કેમ અને તેમાં કઈ જ્ઞાતિ છે તેનો સવાલ પૂછવામાં આવે છે.

તેના માટે એવો તર્ક આપવામાં આવે છે કે અનુસૂચિત જાતિની વસતિ કેટલી છે તે જાણીને તે પ્રમાણે તેમને પ્રતિનિધિત્વમાં અનામત આપી શકાય છે.

બંધારણ પ્રમાણે તે જરૂરી હોવાથી તેમની વસતિ કેટલી છે તે જાણવું જરૂરી છે.

આઝાદી પછી પ્રથમવાર 1951માં વસતિગણતરી થઈ હતી. ત્યારબાદ દર 10 વર્ષે થતી વસતિગણતરી કુલ સાત વાર થઈ છે.

છેલ્લે 2011માં વસતિગણતરી થઈ હતી તેના આંકડાં ઉપલબ્ધ છે અને હવે 2021ની વસતિગણતરી માટેની તૈયારીઓ ચાલી રહી છે.

વસતિગણતરી કરવામાં ત્રણ વર્ષ લાગી જતા હોય છે. સૌ પ્રથમ વસતિગણતરી કર્મચારીઓ નક્કી કરવામાં આવે છે, જેઓ ઘરે ઘરે જઈને લોકોને પ્રશ્નો પૂછી, માહિતી મેળવી ફોર્મ ભરતા હોય છે.

તેમાં ઉંમર, લિંગ, શૈક્ષણિક લાયકાત, આર્થિક સ્થિતિ, ધર્મ, વ્યવસાય વગેરે સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

2011માં આવા કુલ 29 સવાલો પૂછવામાં આવ્યા હતા.

આ આંકડાં પરથી જ ખ્યાલ આવે છે કે દેશની વસતિ કેટલી છે. તેમાં સ્ત્રી અને પુરુષો કેટલાં, કયા વયજૂથમાં કેટલા લોકો છે, કઈ ભાષા બોલે છે અને કયો ધર્મ પાળે છે.

શિક્ષણનું સ્તર શું છે, કેટલા પરિણિત છે, છેલ્લા 10 વર્ષમાં કેટલા સંતાનો થયાં, કેટલા રોજગારી મેળવી રહ્યા છે, છેલ્લા 10 વર્ષમાં કેટલાંએ પોતાનું રહેઠાણ બદલ્યું વગેરે માહિતી આમાંથી મળે છે.

નિયમ પ્રમાણે સરકારે લોકો વિશેની આ માહિતી ખાનગી રાખવાની હોય છે.

આ આંકડાં પરથી દેશના નાગરિકોની સ્થિતિ ખરેખર શું છે તેની જાણકારી સરકારને મળતી હોય છે. તેના આધારે સરકારો નીતિઓ નક્કી કરી શકતી હોય છે.

હવે સરકારે વસતિગણતરીને ડિજિટલ કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે 18 નવેમ્બરે જણાવ્યું હતું કે આ વખતે વસતિગણતરી માટે મોબાઇલ ઍપનો ઉપયોગ કરવામાં આવશે.

તેમાં ડિજિટલ રીતે માહિતી એકઠી કરવામાં આવશે. મતલબ કે કાગળની જગ્યાએ ડિજિટલ ફોર્મેટ તરફ આગળ વધવામાં આવશે.

NRC અને NPR વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકાર ભારતના નાગરિકોની બાયોમેટ્રિક અને વંશાવલી સાથેની માહિતી તૈયાર કરવા માગે છે. તેની આખરી યાદી તૈયાર કરવા માટેનો સમય સપ્ટેમ્બર 2020 નક્કી કરવામાં આવ્યો છે.

આ પ્રક્રિયા કોઈ પણ રીતે વસતિગણતરી (Census) કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) સાથે જોડાયેલી નથી.

NRC નાગરિકોની નોંધણી કરે છે તે રીતે NPR નાગરિકોની ગણતરી માટે નથી.

તેમાં દેશમાં કોઈ પણ હિસ્સામાં છ મહિનાથી રહેતા વિદેશીઓની પણ નોંધણી કરવામાં આવશે.

NPR તૈયાર કરવાનો હેતુ દેશના દરેક નાગરિકને ઓળખ કરીને તેનો ડેટા તૈયાર કરવાનો છે.

NPR ખરેખર છે શું?

NPR દેશના નાગરિકોની યાદી છે. 2010થી સરકારે દેશના નાગરિકોની ઓળખ કરવા માટેનો ડેટા બેઝ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય વસતિ રજિસ્ટર (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર - NPR)ની શરૂઆત કરી હતી.

ગૃહ મંત્રાલય અનુસાર આમ નાગરિક એટલે દેશના કોઈ પણ હિસ્સામાં ઓછામાં ઓછા 6 મહિનાથી રહેતો કોઈ પણ વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જે છ મહિના રોકાવા માગતી હોય.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર NPR બધા લોકો માટે ફરજિયાત કરવામાં આવશે. તેમાં પંચાયત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ગણતરી કરવામાં આવી રહી છે.

વસતિગતણરીના આ ડેટામાં 15 કેટેગરી છે, જેમાં નામથી માંડીને જન્મસ્થાન અને શૈક્ષણિક લાયકાતથી માંડીને વ્યવસાય સુધીની માહિતીનો સમાવેશ થાય છે.

આ માટે ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક બંને પ્રકારના ડેટા એકત્ર કરવામાં આવશે.

બાયોમેટ્રિક ડેટા માટે આધાર કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની તમામ માહિતી સરકારને મળશે.

તેના કારણે જ વિવાદ પણ થઈ રહ્યો છે કે આના કારણે આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રહેશે નહીં.

2011માં વ્યાપક ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેમાં આધાર, મોબાઈલ નંબર અને રેશન કાર્ડની માહિતી એકઠી કરવામાં આવી હતી.

2015માં તેને અપડેટ કરવામાં આવી હતી અને નાગરિકોએ હવે પોતાનું નામ દાખલ કરવા માટે પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટની માહિતી પણ આપવાની રહેશે.

નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 14(એ) હેઠળ કાયદેસરના નાગરિક બનવા માટે આમાં નામ દાખલ કરાવવું જરૂરી છે.

આ પ્રક્રિયામાં આસામને લેવામાં નહીં આવે, કેમ કે ત્યાં NRC લાગુ કરી દેવામાં આવ્યું છે.

NRC શું છે?

ઇમેજ સ્રોત, NPR-RGI.NIC.IN

NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશીપ જેનાં પરથી એ ખ્યાલ આવે કે કોણ ભારતનો નાગરિક છે અને કોણ નથી.

ઈશાન ભારતના રાજ્ય આસામમાં બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે લોકોનાં મામલે હિંસક આંદોલન થતા રહ્યા છે.

1985માં તત્કાલિન રાજીવ ગાંધી સરકાર અને આસામ ગણ પરિષદ વચ્ચે સમજૂતી થઈ હતી.

સમજૂતી પ્રમાણે નક્કી થયું હતું કે 25 માર્ચ 1971 પહેલાં જે બાંગ્લાદેશી આસામમાં આવી ગયા હોય માત્ર તેમને જ નાગરિકતા આપવામાં આવશે.

જોકે લાંબો સમય સુધી તેનો અમલ થયો નહોતો. છેક 2005માં તેના માટે કામ શરૂ થયું હતું.

2015માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ કામમાં ઝડપ આવી છે અને આસામમાં NRC તૈયાર કરી દેવામાં આવ્યું છે.

એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી જ આસામમાં NRC લાગુ કરવા માટે જણાવાયું હતું.

ઑગસ્ટ 2019માં NRC યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં લગભગ 19 લાખ લોકો પાસે પૂરતા દસ્તાવેજો ના હોવાથી તેમના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નહોતા.

જાહેર થયેલી આ યાદીમાં પોતાનું નામ ના હોય તેઓ યોગ્ય પ્રમાણપત્ર સાથે પોતાની નાગરિકતા સાબિત કરી શકે તે માટે સમય આપવામાં આવ્યો છે.

જોકે આ મામલે સડકથી લઈને સંસદ સુધી ભારે ઉહાપોહ મચી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો