અમદાવાદ હિંસામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ કહ્યું, 'અમને લાગ્યું આજે નહીં બચીએ'

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
પોલીસકર્મી

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં ગુરુવારે અમદાવાદના શાહેઆલમ વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો.

આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા અને પછી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ અને ટિયરગેસની મદદ લીધી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉગ્ર ટોળાએ પોલીસની ગાડીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો.

જ્યારે પોલીસ પર ટોળું ઉગ્ર થઈને હાવી થઈ ગયું હતું ત્યારે શાહેઆલમ વિસ્તારમાં કેટલાક લોકો પોલીસની મદદ કરવા આગળ આવ્યા હતા.

જોકે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, આ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. ઘાયલ થયેલા પોલીસકર્મીઓમાં ડીસીપી, એસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર રૅન્કના અધિકારી પણ સામેલ છે.

અખબારના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા 30 પ્રદર્શનકારીઓની અટકાયત કરાતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસવાહનોને ઘેરી લીધાં હતાં અને એ બાદ ઘર્ષણની શરૂઆત થઈ હતી.

બીબીસી ગુજરાતીએ અમદાવાદ પોલીસના ઈજાગ્રસ્ત કર્મીઓની મુલાકાત લીધી હતી.

પથ્થરમારો અને હિંસા

બીબીસી સંવાદદાતા સાગર પટેલે અમદાવાદ પોલીસના અધિકારી જે. એમ. સોલંકી સાથે વાત કરી હતી.

જે. એમ. સોલંકીને ગુરુવારે શાહેઆલમ વિસ્તારમાં થયેલી હિંસામાં માથાના ભાગે ઈજા થઈ હતી.

તેમણે જણાવ્યું, "ગુરુવારે અમદાવાદ બંધની જાહેરાત કરવામાં આવી હતી એટલે સવારે આઠ વાગ્યાથી પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા."

"એક સભાની પરવાનગી માગવામાં આવી હતી જેની મંજૂરી નહોતી અપાઈ. પરંતુ ગેરકાયદેસર સભા યોજવામાં આવશે તેવી દહેશતને જોતાં પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલો હતો."

તેમણે કહ્યું , "ગુરુવારે સાંજે સાડા પાંચે આ ટોળું શાહેઆલમ દરગાહમાંથી નીકળ્યું અને સડક પર તોફાનો ચાલુ કરી દીધાં. અમે એમને શાંતિથી વિખેરાઈ જવા સૂચના કરી હતી."

"જે લોકોની અકટાયત કરી હતી તેમને પણ તે લોકો લઈ જઈ રહ્યા હતા."

"મહામુશ્કેલીએ જેમની અટકાયત કરાઈ હતી એ લોકોને પોલીસ-સ્ટેશને પહોંચાડ્યા હતા. ટોળાએ પોલીસ પર બેફામ પથરાવ કર્યો હતો."

માથા પરની ઈજા વિશે તેઓ કહે છે, "હું ટોળાને વિખેરાઈ જવા સમજાવતો હતો અને પોલીસની ગાડીની આગળ બેસી ગયેલી મહિલાઓને ખસેડવામાં મહિલા પોલીસની મદદ કરતો હતો."

"અચાનક સામેથી પથ્થરમારો થતાં મને માથામાં પથ્થર વાગી ગયો હતો."

તેમણે જણાવ્યું કે ગુરુવારે શાહેઆલમ વિસ્તારમાં વિરોધપ્રદર્શનમાં થયેલા પથ્થરમારામાં એસીપી, ડીસીપી સહિત પોલીસ કાફલામાંથી 26 લોકોને ઈજા થઈ હતી.

શુક્રવારે જુમાની નમાજ વખતે કોઈ હિંસા ન થાય કે પછી કોઈ અફવાહ ન ફેલાવે તે માટે શુક્રવારે પણ પોલીસ તહેનાત હતી.

જ્યાં પથ્થરમારો થયો એજ વિસ્તારમાં જે. એમ. સોલંકી શુક્રવારે ફરી ડ્યૂટી પર આવ્યા હતા અને તેમણે કહ્યું કે "અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે આવારા લોકોના કહેવાથી કાયદો હાથમાં ન લો અને પોલીસને સહકાર કરો."

CCTVફુટેજમાંથી આરોપી ઓળખાશે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech/BBC

ઇમેજ કૅપ્શન,

રાજેન્દ્ર સિંહ રાણા

બીજી તરફ એક અન્ય પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે "તેઓ શાહેઆલમમાં ડીસીપી બિપિન સાથે આવ્યા હતા અને ત્યાં પથ્થરમારો થવા લાગ્યો હતો. જેમાં પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી."

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક સ્થાનિક લોકો પથ્થરમારો કરી રહેલા લોકોને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. રાજેન્દ્ર સિંહે કહ્યું કે વીડિયોમાંથી લોકોની ઓળખ કરવાનું કામ પોલીસ કરી રહી છે.

તેમણે કહ્યું કે પોલીસે આ બાબતે કહ્યું છે કે સીસીટીવી ફુટેજમાંથી આરોપીઓની ઓળખનું કામ ચાલુ છે.

અમને લાગ્યું કે નહીં બચી શકીએ

એક અન્ય પોલીસકર્મી ખુમાણસિંહ વાઘેલા હૉસ્પિટલમાં દાખલ હતા, તેમને હાથમાં અને પીઠમાં પથ્થર વાગવાથી ઈજાઓ થઈ હતી.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "શાહેઆલમ દરગાહના ગેટ પાસે હું તહેનાત હતો. સાંજે પાંચ વાગીને પાંચ મિનિટ સુધી શાંતિ હતી અને પછી દરગાહમાં જે લોકો ભેગા થયા હતા તેઓ પોસ્ટર લઈને અચાનક બહાર ધસી આવ્યા."

"બધા અધિકારીઓ પણ ત્યાં હતા. અમે લોકોને પકડી-પકડીને પોલીસનાં વાહનોમાં બેસાડ્યા હતા."

ખુમાણસિંહનું કહેવું છે કે "ભીડ પૂર્વતૈયારી સાથે આવી હતી. કારણકે જો એ લોકોએ તૈયારી ન રાખી હોય તો પછી આટલા બધા પથ્થર અચાનક ક્યાંથી આવી શકે. આ લોકોએ પોલીસને મારવા માટે પહેલાંથી તૈયારી રાખી હતી."

"એટલો જોરદાર પથ્થરમારો થતો હતો કે મેં બાજુમાં પડેલી એક ખુરશીની આડ લીધી અને પથ્થર એટલો જોરથી આવ્યો કે ખુરશી ભાંગી ગઈ અને ભાગદોડ થઈ ગઈ."

"વાતાવરણ એટલું ઉગ્ર થઈ ગયું હતું કે અમારી પાસે લાઠી, હેલ્મેટ હતાં પરંતુ અમને મોકો જ ન આપ્યો, અમને લાગ્યું કે અમે બચી નહી શકીએ."

'શાંતિપૂર્ણ પ્રદર્શનની યોજના હતી'

ઇમેજ કૅપ્શન,

ખુમાણસિંહ

ખુમાણસિંહે કહ્યું, "પોલીસ ન પરિવાર, કુટુંબ, કોઈ વાર-તહેવાર જુએ છે અને ખડે પગે જનતાની સેવા કરે છે અને જો આવી રીતે પોલીસ પર હુમલો કરવામાં આવે તો ધિક્કાર છે આવા લોકો પર."

બીબીસી ગુજરાતીને સાથે આ બાબતે વાત કરતા શાહેઆલમના સ્થાનિક શકીલ કુરેશી જણાવ્યું, "દિવસ દરમિયાન અમે શાંતિથી વિરોધ કરતા હતા. લગભગ 5.30-6 વાગે અમે લોકો દરગાહમાં ભેગા થયા હતા."

તેઓ આગળ કહે છે, "અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે અમને આગળ વધવા ન દીધા. અમારા આગેવાનને પોલીસ પકડીને લઈ ગઈ. પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો."

"લાઠીચાર્જ થયો અને અનેક લોકો ઘાયલ થયા. આ ધર્મને નામે નથી, આ કાયદાની વાત છે. અહીં પહેલાંથી શાંતિપૂર્ણ વિરોધની માહિતી હતી."

"અમે એક જગ્યા નક્કી કરી હતી, જ્યારે અમે ભેગા થયા ત્યારે અમારા નેતા સની બાબાને પકડી લેવામાં આવ્યા. અમે તેનો વિરોધ કર્યો અને પછી પોલીસે લાઠીચાર્જ કર્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો