FORBES LIST 2019: વિરાટ કોહલીએ ક્રિકેટરોને જ નહીં, ઍકટરોને પણ પાછળ છોડ્યા

વિરાટ કોહલી Image copyright Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી કમાણી અને લોકપ્રિયતાની બાબતમાં સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવાં ક્રિકેટરોથી જ આગળ નથી પરંતુ સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા ફિલ્મ સ્ટારોથી પણ આગળ છે.

ફૉર્બ્સ મૅગઝિને ભારતની સૌથી વધુ ટોપ 100 વ્યક્તિઓની યાદી જાહેર કરી છે, જેમાં વિરાટ કોહલી પહેલે સ્થાને છે.

ગત ત્રણ વર્ષથી સલમાન ખાન આ યાદીમાં પહેલે સ્થાને હતા.

એટલું જ નહીં પહેલીવાર કોઈ ખેલાડી ફૉર્બ્સની આ યાદીમાં પહેલાં ક્રમે પહોંચવામાં સફળ થયા છે.

મૅગઝિનનું કહેવું છે કે લિસ્ટ કામ અને જાહેરાતમાંથી થયેલી કમાણી અને તેમની લોકપ્રિયતાને આધારે તૈયાર કરવામાં આવે છે.

2019ની યાદી પહેલી ઑક્ટોબર, 2018થી 30 સપ્ટેમ્બર, 2019 વચ્ચે થયેલી કમાણી અને પ્રસિદ્ધિના આકલનને આધારે તૈયાર કરવામાં આવી છે.

31 વર્ષના વિરાટ કોહલીની કમાણી 252 કરોડ 72 લાખ રૂપિયા અહેવાલમાં કહેવામાં આવી છે. મૅગઝિનનું કહેવું છે કે કોહલી આ કમાણીમાં મૅચ ફી, બીસીસીઆઈનો સેન્ટ્રલ કૉન્ટ્રેક્ટ, બ્રાન્ડ ઍમ્બૅસૅડર તરીકેની કમાણીનો સમાવેશ છે.

આ સિવાય કહેવામાં આવ્યું છે કે કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત પોસ્ટ માટે કરોડ રૂપિયા સુધીની ફી લે છે.


અક્ષય કુમાર કમાણીમાં સૌથી આગળ

Image copyright Getty Images

બીજા નંબરે ઍક્ટર અક્ષય કુમાર છે. જેમની કમાણી 293.25 કરોડ રૂપિયા હતી. પરંતુ વધારે કમાણી સિવાય લોકપ્રિયતાની બાબતમાં વિરાટથી પાછળ રહેવાને કારણે તેઓ બીજા ક્રમે છે.

229.25 કરોડ રૂપિયાની કમાણી સાથે સલમાન ખાન આ વખતે ત્રીજા નંબરે છે. અમિતાભ બચ્ચન અને પૂર્વ ક્રિકેટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચોથા અને પાંચમાં ક્રમે છે.

અમિતાભની કમાણી 239.25 કરોડ રૂપિયા રહી, જ્યારે ધોનીની 135.93 કરોડ રૂપિયા રહી.

છઠ્ઠા અને સાતમા સ્થાને શાહરૂખ ખાન અને રણવીર સિંહ છે. શાહરૂખની કમાણી 124.38 કરોડ રૂપિયા દર્શાવામાં આવી છે, જ્યારે રણવીર સિંહની આવક 118.2 કરોડ રૂપિયા રહી.

ટોપની 10 હસ્તીઓમાં બે મહિલાઓ છે. જેમાં 59.21 કરોડ રૂપિયાની કમાણીની સાથે આલિયા ભટ્ટ આઠમા અને 48 કરોડ રૂપિયાની સાથે દીપિકા પદુકોણ 10મા ક્રમે છે.

સચીન તેંડુલકર 79.69 કરોડ રૂપિયાની કમાણીની સાથે નવમા ક્રમે છે.

અન્ય ક્રિકેટરોમાં રોહિત શર્મા આ વર્ષે 54.29 કરોડ રૂપિયાની કમાણી સાથે 11મા સ્થાને આવી ગયા છે.

રિષભ પંત 29.19 કરોડ રૂપિયાની કમાણીની સાથે 30મા ક્રમે છે. પંત ગત વર્ષે ટૉપ 100મા સામેલ ન હતા.

હાર્દિક પંડ્યા (24.87 કરોડ રૂપિયા)ની સાથે 31મા અને જસપ્રીત બુમરાહ 23.25 કરોડ રૂપિયાની સાથે 33મા ક્રમે છે.


પીવી સિંધુનું 43 સ્થાન નીચે આવ્યા

Image copyright Getty Images

વિશ્વ વિજેતા બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ આ લિસ્ટમાં નીચે આવી ગયા છે.

2018માં સિંધુ 20માં ક્રમે હતા પરંતુ આ વર્ષે તે 21.05 કરોડ રૂપિયાની સાથે 63મા ક્રમે ખસકી ગયાં છે.

આ જ રીતે સાઈના નેહવાલ ગત વર્ષે 58મા સ્થાન પર હતાં પરંતુ આ વર્ષે 81મા સ્થાન પર ખસી ગયાં છે.

સાઈનાની કમાણી ત્રણ કરોડ રૂપિયા જ રહી. ભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન સુનીલ છેત્રી આ વર્ષે 6.1 કરોડ રૂપિયાની સાથે 58મા ક્રમે છે.

છેત્રીનો ગત વર્ષે 100 વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.


મેરી કૉમ અને મિતાલી રાજ પણ

Image copyright Getty Images

આ પછી છ વખતના વિશ્વ ચૅમ્પિયન મહિલા બોક્સર એમસી મેરી કૉમ 3.9 કરોડ રૂપિયાની સાથે 87મા, ભારતીય મહિલા ટીમની કૅપ્ટન મિતાલી રાજ 2.63 કરોડ રૂપિયાની સાથે 88મા અને સ્મૃતિ મંધાના 2.85 કરોડ રૂપિયાની સાથે 90મા ક્રમે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના એક અન્ય સ્ટાર હરમનપ્રીત કૌર 2.12 કરોડ રૂપિયા કમાણીની સાથે 91મા ક્રમે છે.

આ યાદીમાં આ વર્ષે પહેલવાન બજરંગ પૂનિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજરંગ 2.4 કરોડ રૂપિયાની સાથે 97મા ક્રમે છે.

ગોલ્ફર અનિર્બાન લાહિરી 5.3 કરોડ રૂપિયાની સાથે 95મા ક્રમે છે. લાહિરી ગત વર્ષે 81મા ક્રમે હતા.

સૌથી વધારે કમાણી કરનાર ટૉપ-100 ભારતીય સ્પૉર્ટ્સ સેલિબ્રિટીઝની યાદીમાં સૌથી નીચે 98માં ક્રમે ટેનિસ સ્ટાર રોહન બોપન્ના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો