Paytm, Zomato જેવી યુનિકોર્ન કંપનીઓ વધુ શક્તિશાળી થઈ ગઈ છે? - દૃષ્ટિકોણ

પ્રતિકાત્મક તસવીર Image copyright AFP

વિશ્વની લગભગ તમામ 'યુનિકોર્ન' કંપનીઓનો એક મોટો હિસ્સો ભારતમાં કારોબાર કરે છે.

જે કંપનીઓ કોઈ દેશના શૅરબજારમાં લિસ્ટેડ ન હોય એવી અને એક અબજ ડોલર કરતાં વધારે મૂલ્યની સ્ટાર્ટઅપ કંપનીઓને 'યુનિકોર્ન' કંપનીઓ કહેવામાં આવે છે.

એલીન લીએ 2013માં સૌપ્રથમવાર 'યુનિકોર્ન' શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો એક અબજ ડૉલરની કંપની સર્જવામાં આડે આવતી મુશ્કેલીઓ તરફ હતો.

એલીન લીએ મેળવેલી જાણકારી અનુસાર 2003થી 2013 દરમિયાન અમેરિકામાં માત્ર 39 કંપનીઓ યુનિકોર્નનો દરજ્જો મેળવી શકી હતી.

સીબી ઇનસાઇટ્સના આંકડા મુજબ આજે વિશ્વભરમાં 418 યુનિકોર્ન કંપનીઓ છે. તેમાંથી 18 ભારતની છે.

આમ અમેરિકા, ચીન, અને બ્રિટન પછી ભારત એવો ચોથો દેશ છે, જ્યાં સૌથી વધુ યુનિકોર્ન કંપનીઓનું સર્જન થયું છે.

વિશ્વની 418 પૈકીની એક ચતુર્થાંશ કંપનીઓએ આ વર્ષે જ યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો છે. તેમાં પણ પાંચ ભારતીય કંપનીઓ છે.


સફળતાની નવી શૈલી

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતમાં 18 યુનિકોર્ન કંપનીઓ છે.

પાછલી પેઢીના લોકોમાં કૉર્પોરેટ કૅરિયર પરત્વે અને એ પહેલાં લોકોમાં સરકારી નોકરી પરત્વે જે આકર્ષણ હતું એવું જ આકર્ષણ ભારતમાં આજકાલ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે જોવા મળી રહ્યું છે.

એક સફળ સ્ટાર્ટઅપ ચલાવવાથી સંપતિ ઉપરાંત આગવી ઓળખની સાથે શક્તિ મળે છે અને વ્યક્તિનો પ્રભાવ પણ વધે છે.

ભારતમાં યુનિકોર્ન કંપનીઓના ઝૂંડનું નેતૃત્વ 10 અબજ ડોલરથી વધારે મૂલ્યની બે ડેકાકોર્ન કંપનીઓ કરે છે.

એ બે પૈકીની વન97 કૉમ્યુનિકેશન્સ નામની કંપની પેટીએમ બ્રાન્ડનેમ સાથે ડિજિટલ વોલેટ ચલાવે છે, જ્યારે બીજી કંપની છે સસ્તી હોટલની એગ્રીગેટર ઓયો રૂમ્સ.

આ કંપની વિશ્વના 18 દેશોનાં 800થી વધુ શહેરોમાં કાર્યરત છે.

આવી અન્ય જાણીતી કંપનીઓમાં ટૅક્સી એગ્રીગેટર ઓલા કેબ્ઝ, ભોજનની ડિલિવરી તથા રેસ્ટોરાંનું રેટિંગ કરતી ઝોમેટો અને ઓનલાઇન લર્નિંગ ઍપ બાયજુઝનો સમાવેશ થાય છે.

ભારતની મોટાભાગની યુનિકોર્ન કંપનીઓ સીધી ગ્રાહકો સાથે જોડાયેલી છે અને ઇન્ટરનેટ પર આધારિત છે.

જોકે, તેમાં કેટલીક અપવાદરૂપ કંપનીઓ પણ છે, જેમ કે સોલર અને વિન્ડ ઍનર્જીના ક્ષેત્રમાં કાર્યરત રીન્યુ પાવર.

આ કંપનીમાં ગોલ્ડમૅન સેક્સ અને અબુધાબી ઇન્વેસ્ટમૅન્ટ ઑથૉરિટી જેવી કંપનીઓએ રોકાણ કર્યું છે.

ડિલિવરી (Delivery) 2019માં યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય કંપની છે. આ કંપની પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે.


શું છે બિઝનેસ મૉડલ?

Image copyright Getty Images

ભારતની ભૂતપૂર્વ અગ્રણી યુનિકોર્ન અને મુખ્ય ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટને વોલમાર્ટે 2018માં 16 અબજ ડૉલરમાં હસ્તગત કરી હતી, જે આ ક્ષેત્રનો સૌથી મોટો સોદો હતો.

આ સોદામાંથી મળેલાં નાણાંનો મહત્તમ હિસ્સો મુખ્ય રોકાણકારોને ફાળે ગયો હતો.

એ રોકાણકારોમાં જાપાનની સૉફ્ટ બૅન્ક અને અમેરિકન કંપનીઓ - ટાઇગર ગ્લોબલ મૅનેજમૅન્ટ તથા એક્સેલ પાર્ટનર્સનો સમાવેશ થાય છે.

આ કંપનીઓ ઉપરાંત ચીનના અલીબાબા જૂથ અને સક્વોયા કૅપિટલ જેવી અન્ય કંપનીઓએ પણ અનેક ભારતીય યુનિકોર્નમાં રોકાણ કર્યું છે.

કયા ભારતીય સ્ટાર્ટઅપમાં રોકાણ કરવું તેનો નિર્ણય આ મોટી કંપનીઓએ ક્યા આધારે કર્યો હતો.

તેનો ઉલ્લેખ અમે અજય શાહ અને અવિરુપ બોઝ સાથે મળીને લખેલા એક પેપરમાં કર્યો છે.

રોકાણકારો પાસેથી મળેલાં નાણાંને આધારે ડિસ્કાઉન્ટ આપતી અને પોતાનો ખર્ચ કાઢતી કંપનીઓનું બિઝનેસ મૉડલ ક્યાં સુધી વ્યવહારુ રહેશે એ બાબતે પણ પેપરમાં જણાવવામાં આવ્યું હતું.

રોચક વાત એ છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે ફન્ડિંગનો મોટો હિસ્સો ભલે વિદેશી સ્રોતો પાસેથી આવતો હોય પણ એ કારણે તેમને કંપનીના મામલાઓ તથા વ્યૂહરચના પર પોતાનું નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.

તેની પાછળનો આઇડિયા એવો છે કે જ્યાં સુધી કંપનીના સ્થાપકો ભારતીયો હોય છે, ત્યાં સુધી કંપની ભારતીય માલિકીની રહે છે અને એ રીતે તેઓ ભારતીય હિતને સારી રીતે મોખરે રાખી શકે છે.


વધતો પ્રભાવ

Image copyright GETTY IMAGES

આ વાત કંપનીઓના વધતા પ્રભાવ સાથે પણ બંધબેસતી છે. ખાસ કરીને નીતિ ઘડતરની બાબતમાં.

દાખલા તરીકે, સરકારે રાષ્ટ્રીય ઈ-કૉમર્સ નીતિના ઘડતર માટે ગયા વર્ષે એક થિંક-ટૅન્કની રચના કરી હતી.

તેમાં સામેલ થવાનું આમંત્રણ કુલ 16 ઈ-કૉમર્સ કંપનીઓને આપવામાં આવ્યું હતું.

એ કંપનીઓમાં મોટા વૈશ્વિક ફન્ડિંગવાળી ભારતીય યુનિકોર્ન અને અન્ય મોટી સ્થાનિક કંપનીઓનો સમાવેશ થતો હતો.

દેશના સ્પર્ધા સંબંધી કાયદામાં સુધારા સૂચવવા માટે સરકારે એક સમિતિની રચના કરી ત્યારે પણ કંપનીઓને આ જ રીતે સહભાગી બનાવવામાં આવી હતી.

એ સમિતિએ જે વિષયો પર કામ કરવાનું હતું તેમાં 'નવાં માર્કેટ્સ અને ડેટા'નું ક્ષેત્ર પણ સમાવિષ્ટ હતું.

તેમાં પાંચ ભારતીય યુનિકોર્ન કંપનીઓને સામેલ કરવામાં આવી હતી. નાની સ્ટાર્ટઅપ કંપનીઓ કે મોટી કંપનીઓની તેમાં કોઈ ભૂમિકા ન હતી.

જોકે પહેલાંથી જ જામી ગયેલી કંપનીઓના નાના જૂથ પાસેથી સમગ્ર સેક્ટરના હિતના પ્રતિનિધિત્વની આશા રાખવાથી ખોટું પરિણામ જોવા મળી શકે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

એવી જ રીતે ઈ-કૉમર્સ સેક્ટરમાં કાઉન્ટર લોબીઇંગ કરતાં જૂથોના દબાણ હેઠળ પ્રતિક્રિયાત્મક નિયમો અચાનક ઘડવામાં ન આવે એ પણ ધ્યાન રાખવું જોઈએ.

હજુ ગઈકાલે જ શરૂ થયેલી કંપની આજે અચાનક બજારમાં મોટી ખેલાડી બની જાય તો એ કંપની તેના વધતા પ્રભાવનો દુરુપયોગ કરે એવી આશંકા આપોઆપ સર્જાતી હોય છે.

ઓલા, સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ)ને અગાઉ જ કરવામાં આવી છે.

આ કિસ્સાઓમાં બિનસ્પર્ધાત્મક આચરણ કરવામાં આવ્યાનું સીસીઆઈના ધ્યાનમાં અત્યાર સુધી ભલે ન આવ્યું હોય, પણ તે સમગ્ર સેક્ટર તરફથી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે.

ઈ-કૉમર્સ સેક્ટર વિશેના પોતાના રિસર્ચનો વચગાળાનો અહેવાલ સીસીઆઈએ આ વર્ષે ઑગસ્ટમાં જાહેર કર્યો હતો.

તેમાં વેપારીઓ તથા વ્યવસાયિક ભાગીદારોએ ઓનલાઇન પ્લૅટફૉર્મ બાબતે વ્યક્ત કરેલી વ્યાપક ચિંતાનો ઉલ્લેખ પણ હતો.

એ ચિંતામાં પક્ષપાત, અત્યંત ઓછી કિંમત અને કૉન્ટ્રેક્ટ વગેરેની અન્યાયપૂર્ણ શરતોનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઈ-કૉમર્સ કંપનીઓ તેમના જ ક્ષેત્રમાં થનારી સ્પર્ધા અને ગ્રાહકોના ફાયદાની દલીલ કરીને પોતાનો બચાવ કરે છે.


સાવચેતી જરૂરી

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

ભારતીય યુનિકોર્ન કંપનીઓની સફળતાને કારણે નાણાકીય ભંડોળથી માંડીને રોજગારની તકો સુધીની બાબતોમાં વધારો થયો છે.

વિશ્વના બિઝનેસ નકશામાં ભારતનું સ્થાન મજબૂત થયું છે અને દેશમાં ઇનૉવેશન તથા ઉદ્યમશીલતાની સંસ્કૃતિને વેગ આપવામાં પણ તેનું યોગદાન છે.

એ યોગદાન બહુ જ મહત્ત્વનું છે પણ તેની આડમાં આપણે એવું ન સમજવું જોઈએ કે કેટલીક મોટી અને હવે પોતાનું સ્થાન જમાવી ચૂકેલી કંપનીઓ જ ભારતના આર્થિક હિત માટે મહત્ત્વની છે.

બધાને વિકાસની તક મળે એવો દૃષ્ટિકોણ હોવો જોઈએ. બિઝનેસ તથા રોકાણની તકો પણ આપવામાં આવે અને નીતિ ઘડતરની વાત આવે ત્યારે એ પ્રક્રિયામાં એ કંપનીઓની ભાગીદારી પણ સુનિશ્ચિત થવી જોઈએ.

(સ્મૃતિ પારશીરા દિલ્હીમાં ટેક્નૉલૉજી પૉલિસી રિસર્ચર છે. આ તેમનો અંગત દૃષ્ટિકોણ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો