એ ચાર બહેનોની કહાણી જેમનાં શરીર અલગ છે પણ જીવન એકસરખું

ચાર બહેનોની તસવીર Image copyright UTHARA

આ ચાર બહેનો એક જ દિવસે જન્મી, એક જ છત નીચે સાથે ઉછરી, તેમણે એકસમાન ભોજન કર્યું અને એકસમાન કપડાં પહેર્યાં. એટલું જ નહીં, 15 વર્ષની વય સુધી આ બહેનો સ્કૂલમાં પણ એકસાથે જ બેસતી હતી અને હવે એ ચારેય એક જ દિવસે લગ્ન કરવાની છે.

દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં આ ચાર બહેનો અને તેમનો ભાઈ એક જ દિવસે જન્મ્યાં હતાં. એ કારણસર તેમનો પરિવાર સ્થાનિક મીડિયામાં હંમેશાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.

ઉત્તરા, ઉત્તરજા, ઉત્તારા, ઉત્તામા અને તેમના ભાઈ ઉત્તરાજનનો જન્મ 18 નવેમ્બર, 1995ના રોજ થયો હતો.

હવે ચારેય બહેનો આગલા વર્ષની 26 એપ્રિલે એકસાથે પરણવાની યોજના બનાવી રહી છે.

ઉત્તરાએ બીબીસીને કહ્યું હતું, "અમારા ઘરે હવે થતી મોટા ભાગની વાતચીત અમારાં લગ્નની યોજના સંબંધી જ હોય છે. લગ્ન માટે અમારે સિલ્કની સાડીઓ ખરીદવાની છે. અમે એક જ રંગ અને સમાન ડિઝાઈનનાં વસ્ત્રો ખરીદશું."

ઉત્તરા પત્રકાર છે અને તેના ભાવિ પતિ પણ રિપોર્ટર છે.

લગ્નમાં બધું એકસરખું કરવાની ઇચ્છા

Image copyright UTHARA

તેમનાં લગ્ન સંપૂર્ણપણ રીતરિવાજ અને પરંપરાગત રીતે કરવામાં આવશે.

અહીં યુવા લોકો સામાન્ય રીતે પોતાના જીવનસાથીની પસંદગી કરતા નથી, પણ તેમના પરિવારજનો લગ્ન નક્કી કરતાં હોય છે. આ ચારેયનાં લગ્ન પણ અરેન્જન્ડ મૅરેજ છે.

માતા રેમાદેવીએ તેમની ચારેય પુત્રીઓ માટે યોગ્ય યુવકો પસંદ કરવા એક મેટ્રોમોનિયલ વેબસાઈટની મદદ લીધી હતી.

આ પ્રકારનાં લગ્નો સામાન્ય રીતે સમાન આર્થિક-શૈક્ષણિક પશ્ચાદભૂવાળા અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે થતાં હોય છે.

જ્યોતિષીઓ દ્વારા યુવક અને યુવતીઓની જન્મકુંડળી મેળવવામાં આવે છે અને યુવક-યુવતી એકમેકને લાયક છે કે નહીં એ તેઓ તેમના પરિવારજનોને જણાવે છે.

જોકે, તેનો અર્થ એ નથી કે લગ્ન બળજબરીથી કરાવવામાં આવે છે. યુવક અને યુવતીને તેમની ઈચ્છા અને પસંદગી વ્યક્ત કરવાની તક આપવામાં આવે છે.

ચારેય બહેનોની સગાઈ આ વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી, પણ ચારમાંથી ત્રણ બહેનોના ભાવિ ભરથાર, તેઓ મધ્ય-પૂર્વમાં નોકરી કરતા હોવાથી સગાઈમાં આવી શક્યા ન હતા.


જીવનસાથીની પસંદગી પણ જોડે

Image copyright UTHARA
ફોટો લાઈન પોતાની ચારેય બહેનો સાથે ઉત્તરાજન

ચારેય બહેનોએ જીવનના ચડાવ-ઉતારને એકસાથે જોયા છે. ક્યારેક તેમણે એકમેકની સાથે મુકાબલો પણ કર્યો હતો અને એ કારણે પોતપોતાનું વ્યક્તિત્વ નિખાર્યું હતું.

ઉત્તરજા ભણવામાં હંમેશાં અવ્વલ રહી છે અને ઉત્તમાને સંગીતમાં રસ પડતાં તેણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું હતું, જ્યારે તેમના ભાઈ ઉત્તરાજનને તબલાં શીખવામાં રસ પડ્યો હતો.

ઉત્તરાએ ફૅશન ડિઝાઈનિંગનો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાજા અને ઉત્તામા એનેસ્થેશિયા ટેકનિશિયન બની ગઈ છે.

ચારેય બહેનોએ એક વર્ષ પહેલાં પોતાના જીવનસાથીની પસંદગીની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં ઉત્તરજાએ તેનો જીવનસાથી શોધવાની શરૂઆત કરી હતી. આ મામલે ઉતાવળ નહીં કરવાનો નિર્ણય તેમણે એ વખતે જ કર્યો હતો.

ઉત્તરજાએ કહ્યું હતું, "અમારી માતાની ઇચ્છા છે કે અમે એક જ દિવસે લગ્ન કરીએ. તેથી અમે રાહ જોવાનો નિર્ણય કર્યો હતો."

ભારતમાં લગ્નોમાં મોટો ખર્ચ થતો હોય છે અને અનેક પરિવારો ઓછો ખર્ચ કરવા માટે કુટુંબના ભાઈ-બહેનોનાં લગ્ન એક જ દિવસે કરાવતાં હોય છે.

આ બહેનોનું કહેવું છે કે ચાર અલગઅલગ લગ્નમાં જે ખર્ચો થશે એ તેમની માતા માટે પણ વધારે જ હશે.

જોકે, એક દિવસે લગ્ન કરવાનું એક ભાવનાત્મક કારણ પણ છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
5 વર્ષની ઊંમરે આ બાળકીના યુટ્યુબ પર પાંચ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે

એક નવી શરૂઆત

Image copyright UTHARA
ફોટો લાઈન પાંચેય બહેન-ભાઈની બાળપણની તસવીર

ઉત્તરજા અને તેમના પતિએ લગ્ન જલદી કરવાની ઉતાવળ ક્યારેય કરી નથી. ઉત્તરજાનાં લગ્ન મધ્ય-પૂર્વમાં એનેસ્થેશિયા ટેકનિશિયન તરીકે કાર્યરત આકાશકુમાર સાથે થવાનાં છે.

ઉત્તરજાએ કહ્યું હતું, "આકાશ કુવૈત ગયા એ પહેલાં અમે એક જ હૉસ્પિટલમાં સાથે કામ કરતા હતા. એકમેકને જાણતા હતાં. મેં મારી મા સાથે વાત કરી એ પછી તેમનો પરિવાર પણ ખુશ હતો."

ઉત્તરજા દેશ છોડતાં પહેલાં તેની વર્તમાન નોકરીમાં બે વર્ષનો અનુભવ લેવા ઇચ્છે છે. તેનો અર્થ એ થયો કે તે તેનાં લગ્નના થોડા મહિના પછી તેના પતિ સાથે રહેવા જશે.

ઉત્તરજાએ કહ્યું હતું, "આ થોડું મુશ્કેલ છે અને હું થોડી દુઃખી છું. થોડો ડર પણ છે. હું ક્યારેય કોઈ બીજા દેશમાં ગઈ નથી, પણ લગ્ન માટે હું બહુ ઉત્સુક છું."

ઉત્તરજાને આશા છે કે તેને કુવૈતમાં આસાનીથી નોકરી મળી જશે. ઉત્તરા અને ઉત્તામા પણ મધ્ય-પૂર્વના દેશોમાં કામ કરતા યુવકો સાથે લગ્ન કરવાની છે.

ચારેય બહેનો નવી શરૂઆત માટે ઉત્સાહિત છે, પણ તેમના ભાઈ ઉત્તરાજનને લગ્નની કોઈ ઉતાવળ નથી. ઉત્તરજાન લગ્ન કરતાં પહેલાં થોડાં વર્ષો વિદેશ જઈને કામ કરવા ઇચ્છે છે.


ઘરનું નામ રાખ્યું - પંચરત્ન

Image copyright UTHARA
ફોટો લાઈન માતા રમાદેવી સાથે પાંચેય સંતાનો

ચાર બહેનો અને એક ભાઈના માતા-પિતા તેમનાં સંતાનોના જન્મથી બહુ ખુશ થયેલાં અને તેમણે તેમના ઘરનું નામ 'પંચરત્ન' રાખ્યું હતું. પંચરત્નનો અર્થ છે - પાંચ રત્નોથી બનેલું.

પાંચેય બાળકોએ અભ્યાસ તો સારી રીતે કર્યો હતો, પણ તેમનું સ્વાસ્થ્ય માતા-પિતા માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યું હતું.

એ દિવસોને યાદ કરતાં રમાદેવીએ કહ્યું હતું, "મારાં બાળકોનું વજન જન્મ સમયે એકદમ ઓછું હતું અને તેઓ વારંવાર બીમાર પડી જતાં હતાં."

પિતા પ્રેમકુમાર અને માતા રમાદેવીએ એકસાથે પાંચ બાળકોના ઉછેર માટે બહુ મહેનત કરી હતી અને તેની માઠી અસર રમાદેવીની તબિયત પર થઈ હતી.

તેમની પાસે બહુ ઓછા પૈસા હતા અને તેમણે તેમની તમામ તાકાત તથા પૈસા બાળકોના શિક્ષણ માટે ખર્ચ્યા હતા.

ભારતીય કુટુંબોમાં છોકરાનો જન્મ શુભ ગણવામાં આવે છે. અનેક પરિવારોમાં છોકરાઓને ઘણા પ્રકારે અગ્રતા આપવામાં આવે છે અને છોકરીઓની સરખામણીએ તેમની સાથે વધુ સારો વ્યવહાર કરવામાં આવે છે.

જોકે, આ બહેનોનું કહેવું છે કે તેમના માતા-પિતાએ બધાં સંતાનો સાથે એકસમાન વ્યવહાર કર્યો હતો. બધા માટે એકસરખાં વસ્ત્રો ખરીદ્યાં હતાં. એ કારણે બહેનોનાં વસ્ત્રોની ભેળસેળ થઈ જતી હતી.


મીડિયા અને પાડોશીઓએ મદદ કરી

Image copyright UTHARA
ફોટો લાઈન પતિ પ્રેમકુમાર સાથે રમાદેવી

બાળકો નવ વર્ષનાં હતાં ત્યારે પ્રેમકુમારના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પ્રેમકુમાર સ્ટેશનરીની એક દુકાન ચલાવતા હતા. એ દુકાન પરિવારની આવકનો સ્રોત હતી.

પ્રેમકુમારને ધંધામાં મોટું નુકસાન થયું હતું અને તેના આઘાતમાં તેમણે 2004માં આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારમાં કમાનારી એક જ વ્યક્તિ દુનિયામાંથી ચાલી ગઈ ત્યારે આ પરિવારની કહાણીને મીડિયાએ વ્યાપક પ્રસિદ્ધિ આપી હતી.

સરકારે આ કિસ્સામાં સહાય કરવા માટે રમાદેવીને સ્થાનિક બૅન્કમાં નોકરી આપી હતી.

રમાદેવીએ કહ્યું હતું, "મેં મારા બાળકોના પાલનપોષણ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. નોકરી કરીને તેમના ભોજન તથા શિક્ષણની વ્યવસ્થા કરી હતી."

રમાદેવીની મહેનતથી પ્રભાવિત થઈને પાડોશી ડૉક્ટરે તેમને રહેવા માટે પોતાનું ઘર આપી દીધું હતું.

રમાદેવીએ કહ્યું હતું, "મુસીબત આવે ત્યારે તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાનું પ્રદર્શન કરતા હો છો."

સ્કૂલમાં બધાં બાળકોએ સારી રીતે અભ્યાસ કર્યો હતો અને પોતપોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી.

ઉત્તરા કહે છેઃ "અમારી મા બહુ ખુશ છે. અમે આર્થિક રીતે આત્મનિર્ભર બનીએ તેવું તેઓ હંમેશાં ઇચ્છતાં હતાં."


'એકમેકનો સાથે ક્યારેય નહીં છોડીએ'

Image copyright UTHARA
ફોટો લાઈન માતા રમાદેવી સાથે પાંચેય સંતાનો

આ હિંદુ પરિવાર છે અને ચારેય બહેનોના લગ્ન એક પ્રસિદ્ધ મંદિરમાં કરાવવામાં આવશે. લગ્નમાં માત્ર નજીકનાં સગાં અને દોસ્તોને જ આમંત્રણ આપવામાં આવશે.

પત્રકારો અને ફોટોગ્રાફરો પણ આ લગ્નમાં આવશે એવી આશા છે.

ઉત્તરાએ કહ્યું હતું, "પ્રસિદ્ધિમાં રહેવું એક આશીર્વાદ જેવું હોય છે."

એકસાથે પાંચ બાળકો જન્મ્યા હોય એવી ઘટના દુર્લભ છે અને એ કારણે મીડિયાને આ પરિવારમાં વારંવાર રસ પડતો રહ્યો છે.

આ બાળકોનો જન્મ, તેમની સ્કૂલનો પહેલો દિવસ અને તેમની સ્કૂલનો છેલ્લો દિવસ... એ બધી ઘટનાઓને સ્થાનિક મીડિયાએ કવર કરી હતી.

ચારેય બહેનો હવે એ વિચારી રહી છે કે તેઓ તેમની માતાને મદદ કઈ રીતે કરી શકે.

ઉત્તરાએ કહ્યું હતું, "અમે અલગઅલગ જગ્યાએ રહીશું ત્યારે પણ ભાવનાત્મક રીતે એકમેકની સાથે જ રહીશું અને એકબીજા વિશે વિચારતા રહીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા