અમદાવાદ હિંસા : એ મુસ્લિમ મહિલા જેમણે પથ્થરમારાથી પોલીસને બચાવી

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી

અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા એકઠી થયેલી ભીડે પોલીસે પર પથ્થરમારો કર્યો હતો.

વિરોધ-પ્રદર્શનમાં રક્ષણ માટે આવેલી પોલીસે પોતાના જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.

હજારોની સંખ્યામાં આવેલા લોકોની ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી અને ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પથ્થર વરસાવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે પોલીસ પર પથ્થર વરસી રહ્યા છે અને તેમને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.

પોલીસે બચવા માટે દુકાનો અને લારીઓની પાછળ સંતાવવું પડ્યું હતું.

જ્યારે સેંકડો લોકો પોલીસ પર પથ્થર વરસાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમને બચાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે શાહેઆલમ વિસ્તારમાં કેટલાક પોલીસકર્મીઓને આ હિંસક ભીડથી બચાવવા માટે અમુક લોકોએ ઢાલનું કામ કર્યું હતું.

આ વિસ્તારમાં રહેતાં અમુક મહિલાઓએ પોલીસનો જીવ બચાવ્યો હતો.

જીવ બચાવનાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

પોલીસને પથ્થરમારાથી બચાવવાનો પ્રયત્ન કરી રહેલા લોકો

આ વિસ્તારમાં રહેનારાં સ્થાનિક ફરીનબાનોએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સામેથી પોલીસ પર પથ્થરમારો થઈ રહ્યો હતો, પોલીસકર્મીઓ દુકાનમાં છુપાઈ ગયા હતા. અમારા ઘરની નજીક ઊભા અમુક છોકરાઓએ તેમનો બચાવ કરીને અમારી ઘરની અંદર લઈને આવ્યા હતા.

તેઓ આગળ કહે છે કે અમે તેમને સારવાર આપી હતી. તેમના માથે બરફ ઘસ્યો અને તેમને થોડી રાહત આપી હતી.

ફરીનબાનોએ જણાવ્યું કે ઈજા પામેલાં મહિલા કૉન્સ્ટેબલ પણ તેમનાં ઘરે આવ્યાં હતાં.

તેઓ આગળ કહે છે, મહિલા કૉન્સ્ટેબલ બહુ ડરેલાં હતાં. તેમના માથા પર પથ્થર વાગ્યો હતો અને તેઓ રડવાં લાગ્યાં હતાં. બીજા પોલીસ અધિકારી હતા, તેમને હાથ પર પથ્થર વાગેલો હતો અને એ પણ બહુ જ ગભરાયેલા હતા. અમે લોકોએ તેમને શાંત કર્યા હતા.

ફરીનાબાનોનું કહેવું છે કે બે-ત્રણ પોલીસ અધિકારીમાંથી એકને માથામાં મોટો ઘા થયો હતો. તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું, અમે રૂ લગાવીને તેમનો રૂમાલ તેમના માથે બાંધ્યો હતો.

તેમનું કહેવું છે કે બે પોલીસકર્મી અને એક મહિલા કૉન્સ્ટેબલને અમે અમારા ઘરે આશરો આપ્યો અને બાકી ત્રણ લોકોને અમે અમારા ઘરની પાછળના ઓરડામાં આરામ કરવા માટે મોકલ્યા હતા, કારણ કે તેઓ બહુ ગભરાયેલા હતા.

જ્યારે પરિસ્થિતિ થોડી શાંત થઈ ત્યારે તેઓ ઈજાગ્રસ્ત લોકોને તેમના ઘરે લઈને ગયા હતા.

ફરીનાબાનો કહે છે કે સામે કોઈ પણ હોય પણ વ્યક્તિ હોય, માનવતાને પ્રથમ સ્થાને રાખીને તેમની મદદ કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો