CAAના વિરોધમાં અમદાવાદમાં હિંસા : 'શાહેઆલમ જેવી હિંસાથી કોને નુકસાન?'

  • શારિક લાલીવાલા
  • બીબીસી ગુજરાતી માટે
વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના કેટલાક ભાગોમાં સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ, 2019 વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

CAA અને દેશભરમાં એનઆરસી લાગુ કરવાની વાતને લઈને કેટલાક રાજ્યોમાં ભારે ગુસ્સો છે.

આમાંથી કેટલાંક પ્રદર્શનો એવાં છે જેનું કોઈ નેતૃત્વ નથી અને કેટલાંક પ્રદર્શનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યાં છે. કેટલાંક પ્રદર્શનોમાં રાજકીય અને નાગરિક સમૂહો પણ જોડાયા છે.

ભારતની સરકારે આડેધડ ધારા 144 લાગુ કરી, ઇન્ટરનેટ બંધ કર્યું અને લઘુમતી શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પર પોલીસદમન કરીને નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધનાં પ્રદર્શનોને કડક હાથે ડામ્યાં છે.

આ અંગેની માહિતી મીડિયામાં સર્વત્ર જોવા મળી છે પરંતુ હું વાત કરીશ ગુજરાતમાં થયેલા વિરોધપ્રદર્શનની.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અને સ્વયંસ્ફૂર્ત વિરોધપ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.

ગુજરાતમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH/BBC

એક-બે વખત તો પ્રદર્શનકારીઓએ સ્વેચ્છાએ પોલીસને સામેથી અટકાયત આપી હતી.

જેમકે ગુરુવારે અમદાવાદના નહેરુ નગરમાં 213 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમના પર પરવાનગી વગર પ્રદર્શન કરવાનો આરોપ હતો.

ગુજરાતના બીજા ભાગો જેમ કે પાલનપુર-છાપીમાં, પાંચ હજારથી વધારે લોકોએ પ્રસ્તાવિત કાયદા વિરુદ્ધ હાઈવે રોક્યો હતો.

કચ્છ જિલ્લામાં પણ હજારો લોકોએ આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો.

ત્યારે જ અમદાવાદના અમુક વિસ્તારોમાં પ્રદર્શને દુર્ભાગ્યપૂર્ણ રીતે હિંસક સ્વરૂપ લીધું હતું.

દાણી લીમડા અને શાહેઆલમ વિસ્તારમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

પોલીસ પોતાની ફરજ પ્રમાણે આ હિંસાના આરોપીઓ પર કાર્યવાહી કરશે અને કરવી જ જોઈએ, પરંતુ નિર્દોષ લોકોને હેરાન ન કરવા જોઈએ.

હિંસાનું પરિણામ શું?

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં થયેલી હિંસાનું પરિણામ સ્પષ્ટ છે.

તેને કારણે અત્યાર સુધી વાજબી અને સફળ જણાતાં વિરોધપ્રદર્શનો પર પ્રશ્નો ઊભા થશે તથા હિંદુત્વ તાકાતોના કોમી ઍજન્ડાને બળ મળશે.

અફવા ચાલી રહી છે કે શાહેઆલમના ચંડોળા તળાવ પાસે બંગાલી મુસ્લિમો રહે છે. જે જગ્યાએ પોલીસ પર પથ્થરમારો થયો, ચંડોળા તળાવ તેની નજીક જ આવેલું છે અને ત્યાં બંગાળી મુસ્લિમોની વાસ્તવિક અથવા કાલ્પનિક વસાહતની વાતથી આ કથિત "ઘૂસણખોરો" પ્રત્યે લોકોમાં નફરત પેદા થશે.

તેમને હિંસા કરનારા એવા મુસ્લિમોની જેમ જોવામાં આવશે જે લોકો ભારતીય (હિંદુઓ)ની નોકરીઓ છીનવી રહ્યા છે.

ભૂતકાળમાં, ગુજરાતમાં પ્રદર્શનો દરમિયાન સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો છે. જેમ કે 80ના દાયકાની શરૂઆત અને મધ્યમાં પટેલો અને દલિતો વચ્ચે આરક્ષણ અંગે ઝડપ થઈ હતી અને પછી તે મુસ્લિમવિરોધી તોફાનમાં બદલાઈ ગઈ હતી અને ત્યારથી હિંદુઓ માટે એક દુશ્મન તરીકે મુસ્લિમ સમુદાયને ચીતરવામાં આવ્યો.

હાલમાં પોલીસ વિરુદ્ધ થયેલી હિંસા ફરી એવી વિચારસરણીને આગળ વધારશે જેમાં મુસ્લિમોને સમાજના પાંચમા પાયા તરીકે જોવામાં આવે છે જેનો કોઈ ચહેરો કે નામ નથી.

મહત્ત્વપૂર્ણ છે કે આનાથી ધર્મનિરપેક્ષતા તથા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની એકતાને ઠેસ પહોંચશે.

આ એકતા યથાવત્ રહે તેના માટે જરૂરી છે કે પ્રદર્શન શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રહે, ભલે પછી ધારા 144નું ઉલ્લંઘન કરવામાં આવતું હોય.

આ સમયે એક સિદ્ધાંતને યાદ રાખવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતીયો બંધારણથી બંધાયેલા છે. એક લોકતાંત્રિક દેશમાં, ભલે તે કેટલી ત્રુટિપૂર્ણ કે વિક્ષિપ્ત લોકશાહી હોય, હિંસક બળવો ન થવો જોઈએ. સરકારના કોઈ નિર્ણયનો વિરોધ કરતી વખતે પ્રદર્શનકારીઓએ આ ભાવનાને હંમેશાં વળગી રહેવું જોઈએ.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના છે. બીબીસીના નથી)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો