TOP NEWS : બિનસચિવાલયની પરીક્ષા મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિરોધપ્રદર્શન

બિનસચિવાલયની પરીક્ષા મામલે ગાંધીનગર પોલીસે 'અજ્ઞાત વ્યક્તિઓ' સામે કથિત રીતે ષડયંત્ર કર્યાના આરોપસર ફરિયાદ નોંધી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે, ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ સેક્ટર 21ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે બિનસચિવાલયની પરીક્ષા લેવાયા બાદ ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરી હતી.

ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ ધરણાં પણ કર્યાં હતાં અને કૉંગ્રેસે પણ ગાંધીનગરમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

પરીક્ષાર્થીઓએ આદોલન કરતાં પગલે સરકારે આ મામલે સીટની રચના કરી હતી.

બાદમાં પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું જણાતા સરકારે પરીક્ષાને રદ કરી હતી.


બ્રેક્ઝિટ પર બૉરિસ જૉન્સનની યોજનાને સંસદમાં સમર્થન

Image copyright Reuters

બ્રિટિશ સાંસદોએ બ્રિટનને 31 જાન્યુઆરી સુધી યુરોપીય સંઘથી અલગ કરવાની વડા પ્રધાન બૉરિસ જૉન્સનની યોજનાનું સમર્થન કર્યું છે.

તેઓએ યુરોપીય સંઘમાંથી બહાર નીકળવાના કરારવાળા બિલના પક્ષમાં મતદાન કર્યું હતું.

બિલના સમર્થનમાં 358 અને વિરોધમાં 234 મત પડ્યા હતા. હવે આ બિલની સંસદમાં ચર્ચા થશે.

સાંસદોએ આ બિલ પર આગળની ચર્ચા માટે ત્રણ દિવસનો સમય નક્કી કરવાના પક્ષમાં પણ મતદાન કર્યું હતું.

ક્રિસમસ બાદ જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થશે ત્યારે સાત, આઠ અને નવ જાન્યુઆરીએ આ બિલ પર ચર્ચા થશે.

વડા પ્રધાને કહ્યું કે હવે દેશ બ્રેક્ઝિટને અંજામ આપવાની દિશમાં એક ડગલું આગળ વધ્યો છે.


બંગાળ બાદ કેરળમાં પણ એનપીઆરની કામગીરી રોકાઈ

Image copyright ANI

કેરળની ડાબેરી સરકારે શુક્રવારે રાજ્યમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) સંબંધિત કામગીરી રોકી દીધી છે.

આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકારે એનપીઆરનું કામ અટકાવતા કહ્યુ હતું કે આ નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનસીઆર)ની દિશામાં પહેલું પગલું છે.

કેરળ સરકારે પણ એવી આશંકા વ્યક્ત કરી છે.

મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર જનગણનાના કામમાં પોતાનો સહયોગ આપી રહી છે, પરંતુ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ અને એનસીઆરને લઈને હાલના સમયની ચિંતિત સ્થિતિ જોતાં એનપીઆરનું કામ રોકવાનો નિર્ણય લેવો પડ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો