નાગરિકતા કાયદો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'બહેરા-મૂંગા પ્રધાનસેવક' - અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

નાગરિકતા કાયદા સામે દેશના વિભિન્ન ભાગોમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે ફિલ્મનિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે શુક્રવારે રાતે સતત ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

અનુરાગે શુક્રવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનાઓથી પર છે.

આકરી ભાષામાં લખાયેલા આ ટ્વીટમાં તેમણે કહ્યું, "આપણા પ્રધાનસેવક, આપણા વડા પ્રધાન, લોકોના મુખ્યસેવક @narendramodi બહેરા છે, મૂંગા છે અને ભાવનાઓથી પર છે."

"તેઓ માત્ર એક નોટંકી છે, જે ભાષણ આપી શકે છે, બાકી કશું એમના હાથની વાત નથી. તેમને ન કંઈ દેખાય છે, ન તો કંઈ સંભળાય છે, તેઓ હાલ પણ નવા નવા જૂઠ શીખવામાં વ્યસ્ત છે."

અગાઉ તેઓએ આરોપ લગાવ્યો હતો કે 'સરકાર સમર્થિત અસામાજિક તત્ત્વો તોફાન શરૂ કરે છે અને પછી પોલીસ લોકો પર તૂટી પડે છે.'

અન્ય એક ટ્વીટમાં આરોપ મૂક્યો કે આ બધી પરિસ્થિતિ પાછળ ભાજપ સરકારનો હાથ છે.

શુક્રવારે જ તેઓએ વડા પ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરાયેલા ટ્વીટને રી-ટ્વીટ કર્યું અને પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા

પીએમઓના ટ્વીટમાં વડા પ્રધાન મોદીના હવાલાથી કહેવાયું હતું, "ગત પાંચ વર્ષમાં દેશે પોતાને એટલો મજબૂત કર્યો છે કે આ રીતનું લક્ષ્ય રાખી શકાય છે અને તેને પ્રાપ્ત પણ કરી શકાય છે."

તેના પર અનુરાગે ટિપ્પણી કરી, "કેટલો મજબૂત કર્યો? કેવી રીતે પ્રાપ્ત કરશો? આપ પ્રખર વક્તા છો એમાં બે મત નથી. પણ વાતોથી જ દેશ નહીં ચાલે સાહેબ. આંકડા, તથ્ય અને ફિગર્સ કંઈક તો હોય."

CAA અને બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફિલ્મઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારોને દ્વારા સોશિયલ મીડિયામાં ઘણું બધું કહેવાઈ રહ્યું છે.

કેટલાક કલાકારો ખૂલીને તેનો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાકે તેને સમર્થન પણ આપ્યું છે. તો કેટલાક કલાકારોનાં મૌન પર સવાલો પણ ઉઠાવાઈ રહ્યા છે.

અનુરાગ કશ્યપ એ હસ્તીઓમાં સામેલ છે, જે નાગરિકતા સંશોધન કાયદાના સંબંધમાં સતત પોતાની વાત મૂકી રહ્યા છે.

તેમણે ગુરુવારે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'દેશ ફરી એક વાર કટોકટી જોઈ રહ્યો છે.'

તેઓએ આ વાત ઉત્તર પ્રદેશના જીડીપીના એ ટ્વીટને શૅર કરીને કહ્યું હતું, જેમાં કહેવાયું હતું કે પ્રદર્શનો પણ રોક લગાવી દેવાઈ છે.

જામિયા હિંસા બાદ અનુરાગ કશ્યપ, મનોજ બાજપયી, પરિણીતી ચોપડા, વિકી કૌશલ, રીચા ચડ્ડા, દિયા મિર્ઝા, વિશાલ ભારદ્વાજ, ફરહાન અખ્તર, રિતિક રોશન જેવા કલાકારોએ ખૂલીને પોલીસ અને સરકારની ટીકા કરતાં ટ્વીટ કર્યાં હતાં.

તો વિવેક અગ્નિહોત્રી જેવા કલાકારો સતત વિરોધ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

શનિવારે સવારે તેઓએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક સમાચારને ટ્વીટ કરીને લખ્યું, "ખોટા સમાચાર ફેલાવવા, ઉશ્કેરવા અને હિંસા ભડકાવવા (ખાસ કરીને અશિક્ષિત અલ્પસંખ્યકોને) ન માત્ર ગેરકાયદે પણ અનૈતિક અપરાધ પણ છે."

"જો લોકતંત્ર ધર્મ છે, તો આ પાપ છે. બંધારણ માત્ર એક પુસ્તક છે, તો આ ઈશનિંદા છે."

તો બીજી તરફ ફિલ્મકાર અશોક પંડિતે વિરોધપ્રદર્શન પર કટાક્ષ કરતાં શનિવારે ટ્વીટ કર્યું કે "આ કથાકથિત વિરોધપ્રદર્શનોથી એ ખબર પડે છે કે આપણા આ મહાન દેશમાં રાહુલ ગાંધી જેવા ઘણા લોકો રહે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો