TOP NEWS : 'વિરોધપ્રદર્શનથી ધ્યાન હઠાવવા ભારત પાકિસ્તાન સામે ઑપરેશન કરશે'- ઇમરાન ખાન

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારત પોતાના ઘરમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનથી ધ્યાન હઠાવવા માટે પાકિસ્તાન સામે કોઈ ઑપરેશન કરી શકે છે.

ઇમરાન ખાને કહ્યું કે ભારત આવા હિંદુ રાષ્ટ્રવાદને ગતિશીલ કરવા માટે યુદ્ધઉન્માદ ભડકાવવા માગે છે. જો એવું થાય તો પાકિસ્તાન પાસે જડબાતોડ જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું, "ભારતે જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ બધાને કેદ કરીને રાખ્યા છે. જો અહીં પ્રતિબંધ ખસે તો ખૂનામરકીની આશંકા છે. જો ભારતમાં આ પ્રકારનાં વિરોધપ્રદર્શન વધશે તો પાકિસ્તાન પર ભારતનો ખતરો વધશે. ભારતીય આર્મી પ્રમુખનું નિવેદન અમારી આ ચિંતાઓને વધુ ગાઢ બનાવે છે.''

ઇમરાને બીજા ટ્વીટમાં કહ્યું, "છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં ભારત હિંદુરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. એ હિંદુ શ્રેષ્ઠતા અને ફાસીવાદી વિચારધારાથી આગળ વધી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદા સામે જે ભારતીયો રસ્તા પર છે તેમની માગ છે કે ભારતની વિવિધતા અખંડ રહે. સીએએ સામેનું વિરોધપ્રદર્શન જનઆંદોલન બની ગયું છે.

દિલ્હીમાં રામલીલા મેદાનમાં મોદીની આજે રેલી

ઇમેજ સ્રોત, Getty Images

22 ડિસેમ્બરે એટલે કે આજે વડા પ્રધાન મોદીની દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજાવાની છે.

આ રેલીને દિલ્હીમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારના રૂપમાં જોવામાં આવે છે.

વડા પ્રધાનની રેલીને લઈને રામલીલા મેદાન સહિત આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ રામલીલા મેદાન અને નજીકના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે.

સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે કે કેટલાક લોકો પીએમની રેલીમાં વિઘ્ન નાખવાની કોશિશ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ રૂપિયાનું દેવું માફ થશે

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગપુરસ્થિત વિધાનસભામાં જાહેરાત કરી છે કે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરાશે.

આ યોજના આગામી વર્ષે માર્ચ 2020થી લાગુ થશે.

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેવામાફીની આ જાહેરાત કરતાં વિપક્ષે વિધાનસભામાં વૉકઆઉટ કર્યો હતો.

વિપક્ષની માગ છે કે ખેડૂતોનું પૂરું દેવું માફ કરવામાં આવે.

નાગપુર વિધાનસભા સત્રના બીજા દિવસે ખેડૂતોની દેવામાફી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.

કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર સામે ધરપકડ વૉરન્ટ

ઇમેજ સ્રોત, SHASHI THAROOR/FACEBOOK

કેરળની રાજધાની તિરુવનંતપુરમની સ્થાનિક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર સામે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું છે.

શશિ થરૂર પર પોતાના પુસ્તકમાં હિંદુ મહિલાઓને કથિત રૂપે બદનામ કરવાનો આરોપ છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે શશિ થરૂર પર પોતાના પુસ્તકમાં હિંદુ મહિલાઓનું ખરાબ લખવાનો અને તેમની માનહાનિ કર્યાનો આરોપ છે અને તેને આધારે કોર્ટે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું છે.

કોર્ટે શશિ થરૂરને નોટિસ પાઠવી હતી પણ તેઓ હાજર થયા નહોતા. તેમજ તેમના વકીલ પણ કોર્ટમાં હાજર રહ્યા નહોતા.

બાદમાં કોર્ટે થરૂર સામે ધરપકડ વૉરન્ટ જાહેર કર્યું હતું.

શશિ થરૂરની ઑફિસથી કહેવામાં આવ્યું કે અમને મીડિયાના માધ્યમથી ધરપકડ વૉરન્ટની ખબર પડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો