નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અર્બન નકસલીઓ CAA અને NRC મુદ્દે જૂઠાણાં ફેલાવે છે'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Twitter/BJP

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી સંબોધી હતી.

વડા પ્રધાને શરૂઆતમાં દિલ્હીની કૉલોનીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બાદમાં પોતે કરેલાં વિકાસકાર્યોની વાત કરી હતી.

તેમણે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને પણ સરકારનો પક્ષ મૂક્યો હતો.

વડા પ્રધાનની આ રેલીને દિલ્હીમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારના રૂપમાં જોવામાં આવે છે.

CAA-NRC પર શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

સભાનું દૃશ્ય

 • કેટલીક પાર્ટીઓ ખોટું બોલીને મુસ્લિમોને ભ્રમિત કેમ કરી રહી છે. આ પાર્ટીઓએ દેશનાં ઘણાં શહેરોમાં લોકોને અરાજકતા અને ડરના માહોલમાં મોકલવાનો પ્રયાસ કર્યો છે.
 • જે પોલીસવાળા પર પથ્થર વરસાવે છે એ લોકોને પૂછવા માગું છું કે એનાથી તમને શું મળશે? એ ટીખળી તત્ત્વો સમજી લે કે પહેલાં તમારી સરકાર હતી તો પોલીસ પણ તમારી હતી. 35000 પોલીસો શહીદ થયા છે અને તમે બેરહમીથી એમને મારો છો? જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે તમારી મદદે આવે છે.
 • 100 વર્ષ જૂની પાર્ટીના નેતા ઉપદેશ આપે છે પણ શાંતિની વાત નથી કરતાં. મતલબ પોલીસ પર થઈ રહેલા હુમલામાં, હિંસામાં એમની મૌન સંમતિ છે એ દેશ જોઈ રહ્યો છે.
 • નરેન્દ્ર મોદીએ 35,000 પોલીસોને યાદ કરીને લોકો પાસે શહીદો અમર રહોની નારેબાજી પણ કરાવી.
 • નાગરિકતા સંશોધન કાયદો ભારતના હિંદુ કે મુસ્લિમ માટે નથી. દેશના 130 કરોડ લોકોનો #CAA સાથે કોઈ સંબંધ નથી. મારી સરકારમાં એનઆરસી પર કોઈ વાત જ નથી.
 • શહેરોમાં રહેનારા અર્બન નકસલ અફવા ફેલાવે છે કે તમામ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. આ અફવામાં ભણેલા લોકો પણ આવી ગયા છે. જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે.
 • હું દેશના યુવાનોને આગ્રહ કે વાંચો. કૉંગ્રેસ અને અર્બન નકસલીઓએ ફેલાવેલી ડિટેન્શન સેન્ટરની અફવાઓ ખોટી છે, ખોટી છે, ખોટી છે.
 • જે ભારતની માટીના સંતાન છે, મુસલમાન છે એમને નાગરિકતા કાયદા સાથે કે એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી.
 • આ કાયદો એ લોકો પર લાગુ થશે જેઓ વર્ષોથી ભારતમાં રહે છે. કોઈ નવા શરણાર્થીઓને આનો ફાયદો નહીં મળે.
 • કેટલાક દલિત નેતાઓ પણ વગર વિચાર્યે આમાં કૂદી પડ્યા છે. એ લોકોએ મારી વાત સાંભળીને સમજશે કે જેમને નાગરિકત્વ આપવાની વાત ચાલે છે તેમાં દલિતો વધારે છે.

દિલ્હીની કૉલોનીનો મુદ્દો ઉઠાવ્યો

 • સભાની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ વિવિધતામાં એકતાના સ્લોગન અને 'ભારત માતાની જય'ના નારા લગાવડાવ્યા હતા.
 • ઘર પર અધિકાર મળવાની ખુશી શું હોય છે તે આજે રામલીલા મેદાનમાં જોઈ શકાય છે.
 • ધન્યવાદ રેલી'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ચૂંટણી આવતા વાયદા થાય છે, પણ સમસ્યા ત્યાં ને ત્યાં રહી જાય છે. મારા માટે દેશના સામાન્ય નાગરિક મારા VIP છે.
 • કેટલીક પાર્ટીઓ અફવાઓ ફેલાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી તેમની ઉશ્કેરણી કરી રહી છે. હું તેમને પૂછવા માગું છું કે જ્યારે અમે કૉલોનીઓને અધિકૃત અથવા અનાધિકૃત કરી હતી ત્યારે કોઈને તેમનો ધર્મ પૂછ્યો હતો? શું અમે પૂછ્યું હતું કે તેઓ કઈ પાર્ટીને સમર્થન આપે છે? શું અમે 1970, 1980ના દસ્તાવેજો માગ્યા હતા?
 • દિલ્હીની ગેરકાયદે કૉલોનીઓને કાયદેસર કરવાનું શ્રેય લેતા મોદીએ કહ્યું કે, થોડી પણ ભગવાને બુદ્ધિ આપી હોય તો તેનો ઉપયોગ કરો. એક જ સત્રમાં બે બિલ પાસ થયાં. દિલ્હીના 40 લાખ લોકોને અધિકાર આપ્યો.
 • શહેરમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે અમે સતત પ્રયાસ કર્યો. દિલ્હીમાં સેંકડો નવા સીએનજી સ્ટેશન લગાવવામાં આવ્યાં.
 • હજારો ઇંટ ભઠ્ઠાઓને નવી ટૅકનિક આપવામાં આવી. પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે.
 • દિલ્હીની રાજ્ય સરકારે સૌથી મોટા પ્રદૂષણ સામે આંખો બંધ કરી દીધી છે.
 • આમ આદમી પાટીર્ની સરકારનું નામ લીધા વગર પાણીની વાત કરી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યો.

'દેશની સંસદનું સન્માન કરો'

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસદે, લોકસભા અને રાજ્યસભાએ આ નાગરિકતા કાયદો પાસ કર્યો છે.

નરેન્દ્ર મોદીએ સભાને સંસદનું, લોકસભાનું અને રાજ્યસભાનું સન્માન કરવા માટે ઊભા થવાનો આગ્રહ કર્યો હતો. લોકોએ ઊભા થઈને મોદી મોદીના નારા લગાવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું પણ તમારી સાથે ઊભો રહીને સંસદનું અને જનપ્રતિનિધિઓનું સન્માન કરું છું.

એમણે કહ્યું કે, મારા કોઈ કામમાં ભેદભાવ હોય તો મને દેશની આગળ ખડો કરી દો.

વડા પ્રધાને કહ્યું કે અમે એ બધું કરી રહ્યા છીએ જેનો તેમણે (કૉંગ્રેસ) વાયદો કર્યો હતો, પરંતુ વોટબૅન્કના રાજકારણના લીધે તેઓ કંઈ કરી શક્યા ન હતા.

2014 બાદ જોર્ડન હોય કે સાઉદી અરેબિયા, યુએઈ હોય કે માલદીવ- ભારતના સંબંધ દરેક દેશ સાથે ઊંચાઈએ પહોંચી ગયા છે.

છેલ્લાં પાંચ વર્ષમાં મુસ્લિમ દેશોએ જેટલી સંખ્યામાં ભારતીય કેદીઓને છોડ્યા છે, તે અભૂતપૂર્વ છે.

વડા પ્રધાનની રેલીને લઈને રામલીલા મેદાન સહિત આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ રામલીલા મેદાન અને નજીકના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો