દેશભરમાં NRC લાવવાની ચર્ચા વચ્ચે સરકારે જેને મંજૂરી આપી તે NPR શું છે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી યુનિયન કૅબિનેટે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવા માટે 8500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને NPRના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે.

પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકાર અને કેરળની ડાબેરી સરકારે NPRનો વિરોધ કર્યો છે.

આ બંને સરકારોએ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે.

NPR અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

મમતા સરકારે બધા જિલ્લાના અધિકારીઓને એનપીઆર અપડેટ ન કરવાના આદેશો મોકલી દીધો છે તો કેરળની સરકારે પણ આવો જ આદેશ બહાર પાડ્યો છે.

મમતા બેનરજી પોતાના રાજ્યમાં NRC અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ નહીં કરે તેવું કહેતા હતા. જોકે NPR અંગે તેઓ અવઢવમાં હતા.

NRCનો વિરોધ અને NPRનું સમર્થન કરવાના મામલે વિરોધ પક્ષોએ પણ મમતા બેનરજીની ટીકાઓ કરી હતી.

જોકે હવે મમતાની સરકારે NPRના ડેટાને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને કેરળની ડાબેરી સરકાર પણ કંઈક આવું જ કરી રહી છે.

મમતા બેનરજી વિરોધ કરી રહ્યા છે એની પાછળ લઘુમતીની મતબૅન્ક હોવાનું નિષ્ણાતો માને છે.

બંગાળમાં લઘુમતીની મતબૅન્ક બહુ મોટી છે અને નિર્ણાયક ગણાય છે.

તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે આ અંગે કહ્યું હતું કે રાજ્યમાં વિરોધપ્રદર્શન અને હિંસાના બનાવો પછી સરકારે કામચલાઉ નિર્ણય લીધો છે, જેથી લોકોનાં મનમાં વધુ ભય ફેલાય નહીં.

NPR ખરેખર છે શું?

ઇમેજ સ્રોત, Getty Images

NPR દેશના નાગરિકોની યાદી છે. 2010થી સરકારે દેશના નાગરિકોની ઓળખ કરવા માટેનો ડેટાબેઝ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય વસતિ રજિસ્ટર (નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર - NPR)ની શરૂઆત કરી હતી.

ગૃહ મંત્રાલય અનુસાર, નાગરિક એટલે દેશના કોઈ પણ હિસ્સામાં ઓછામાં ઓછા 6 મહિનાથી રહેતી કોઈ પણ વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જે છ મહિના રોકાવા માગતી હોય.

જાણવા મળે છે એ પ્રમાણે NPR બધા લોકો માટે ફરજિયાત કરવામાં આવશે. તેમાં પંચાયત, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ગણતરી કરવામાં આવી રહી છે.

વસતિગતણરીના આ ડેટામાં 15 કૅટેગરી છે, જેમાં નામથી માંડીને જન્મસ્થાન અને શૈક્ષણિક લાયકાતથી માંડીને વ્યવસાય સુધીની માહિતીનો સમાવેશ થાય છે.

આ માટે ડેમૉગ્રાફિક અને બાયૉમૅટ્રિક એમ બંને પ્રકારના ડેટા એકત્ર કરવામાં આવશે.

બાયૉમૅટ્રિક ડેટા માટે આધાર કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની તમામ માહિતી સરકારને મળશે.

ઇમેજ સ્રોત, Getty Images

તેના કારણે જ વિવાદ પણ થઈ રહ્યો છે કે આના કારણે આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રહેશે નહીં.

2011માં વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેમાં આધાર, મોબાઇલ નંબર અને રૅશનકાર્ડની માહિતી એકઠી કરવામાં આવી હતી.

2015માં તેને અપડેટ કરવામાં આવી હતી અને નાગરિકોએ હવે પોતાનું નામ દાખલ કરવા માટે પેન કાર્ડ, ડ્રાઇવિંગ-લાઇસન્સ, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટની માહિતી પણ આપવાની રહેશે.

નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 14(એ) હેઠળ કાયદેસરના નાગરિક બનવા માટે આમાં નામ દાખલ કરાવવું જરૂરી છે.

આ પ્રક્રિયામાં આસામને લેવામાં નહીં આવે, કેમ કે ત્યાં NRC લાગુ કરી દેવામાં આવ્યું છે.

NRC અને NPR વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકાર ભારતના નાગરિકોની બાયૉમૅટ્રિક અને વંશાવલી સાથેની માહિતી તૈયાર કરવા માગે છે. તેની આખરી યાદી તૈયાર કરવા માટેનો સમય સપ્ટેમ્બર 2020 નક્કી કરવામાં આવ્યો છે.

આ પ્રક્રિયા કોઈ પણ રીતે વસતિગણતરી (Census) કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) સાથે જોડાયેલી નથી.

NRC નાગરિકોની નોંધણી કરે છે તે રીતે NPR નાગરિકોની ગણતરી માટે નથી.

દેશના કોઈ પણ હિસ્સામાં છ મહિનાથી રહેતા વિદેશીઓની પણ નોંધણી કરવામાં આવશે.

NPR તૈયાર કરવાનો હેતુ દેશના દરેક નાગરિકની ઓળખ કરીને તેનો ડેટા તૈયાર કરવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો