TOP NEWS : મુસ્લિમોને રહેવા માટે 150 દેશ, હિંદુઓ માટે ફક્ત એક ભારત- વિજય રૂપાણી

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, FB/@vijayrupanibjp

ગુજરાતમાં ભાજપ દ્વારા અલગઅલગ શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં 62 રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજર રહ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રેલીનું નેતૃત્વ કરતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધન કરતાં કહ્યું કે મુસ્લિમો માટે રહેવા માટે દુનિયાભરમાં 150 દેશ છે જ્યાં તેઓ જઈ શકે છે, જ્યારે હિંદુઓ માટે એકમાત્ર ભારત છે.

વધુમાં વિજય રૂપાણીએ કહ્યું કે દેશમાં મુસ્લિમો ખુશ છે અને તેમની વસ્તી 9 ટકાથી વધીને 14 ટકા થઈ છે. બિનસાંપ્રદાયિક બંધારણને કારણે તેઓ અહીં આત્મસન્માનથી જીવી શકે છે.

સીએએ વિરુદ્ધ થઈ રહેલાં વિરોધપ્રદર્શન માટે વિપક્ષને દોષ દેતાં તેમણે કહ્યું કે કૉંગ્રેસ અને તેના સહયોગીઓ દેશના લોકોને ગુમરાહ કરવા, તોફાન કરવા અને જાહેર સંપત્તિને નષ્ટ કરવા માટે અશાંતિ પેદા કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારતમાં એક પણ મુસ્લિમ નાગરિકતા નહીં ગુમાવે.

રૂપાણીએ કહ્યું કે અલગઅલગ દેશના 10 હજાર શરણાર્થીઓ ગુજરાતમાં રહે છે, મોટા ભાગે તેઓ કચ્છમાં રહે છે અને મોટા ભાગે દલિત છે. જે સીએએનો વિરોધ કરે છે એ દલિત નેતાઓનો અસલી ચહેરો સામે આવી ગયો છે.

CAA-NRC મામલે ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

હરિયાણામાં કૈથલના ધારાસભ્ય લીલા રામ ગુર્જરે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં પોતાના મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદી નિવેદન આપ્યું છે.

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે ભાજપના ધારાસભ્યે એક ચોક્કસ સમુદાય પર નિશાન સાધતાં કહ્યું કે જે લોકો સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસીનો વિરોધ કરે છે તેમનો એક કલાકમાં 'સફાયો' થઈ શકે છે.

સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે આજનું આ હિંદુસ્તાન જવાહરલાલ નહેરુનું નથી. આ ગાંધીવાળું પણ નથી. આજનું હિંદુસ્તાન નરેન્દ્ર મોદીનું છે. મિયાંજી, હવે આ હિંદુસ્તાન નરેન્દ્ર મોદીનું છે, જો ઈશારો થયો ને તો એક કલાકમાં સફાયો કરી દેશું.

ધારાસભ્યે વધુમાં કહ્યું કે જો મુસ્લિમ વિચારતા હોય કે તેમને દેશમાંથી હાંકી કાઢવાનું ષડયંત્ર છે, તો આ કાયદામાં એવું કંઈ નથી. પરંતુ જેણે ગેરકાયદે દેશમાં પ્રવેશ કર્યો છે તેને ચોક્કસ જવું પડશે.

જમ્મુ-કાશ્મીરમાંથી 7,000થી વધુ જવાનોને પરત લેવાનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષાને લઈને કરેલી સમીક્ષા બાદ કાશ્મીરમાંથી 7,000થી વધુ અર્ધસૈનિક જવાનોને પરત લેવાનો આદેશ આપ્યો છે.

આ અંગે અધિકારીઓએ મંગળવારે જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળ (સીએપીએફ)ની કુલ 72 કંપનીઓને દેશભરમાં પોતપોતાના સ્થાને પરત ફરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકારની કંપનીઓમાં અંદાજે 100 સુરક્ષાકર્મી હોય છે.

સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ અને એસએસબીની ટુકડીઓએ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ તેમને કાશ્મીર ઘાટીમાં મોકલાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો