'ગાંધીજીના મોઢે ખોટી વાત મૂકી ભાજપે CAAનો બચાવ કર્યો'

સીએએના સમર્થનમાં રેલી Image copyright ANI

સિટિઝન ઍમેન્ડમૅન્ડ એક્ટ (CAA) સામેનો દેશવ્યાપી વિરોધ શમવાનું નામ લેતો નથી, એટલે સરકારને મોડે મોડેથી તેની ગંભીરતા સમજાઈ છે.

સામાન્યપણે પોતાના મનની વાત કરવાના અને બીજાના મનની વાત ધરાર નહીં સાંભળવાના મૂડમાં રહેતા વડા પ્રધાને દેખીતું જૂઠાણું બોલીને પોતાની સરકારને CAA-NRC વિવાદથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો.

ત્યાર પછી તો જાહેરમાં આ મામલાના મુખ્ય સૂત્રધાર અમિત શાહે પણ પોતાની અગાઉની વાતમાંથી હાથ ઊંચા કરી દીધા છે.

પરંતુ અસરો ફક્ત ટોચની નેતાગીરીના શરમજનક 'યૂ ટર્ન' પૂરતી મર્યાદિત નથી. જમીની સ્તરે, સડકો પર, વિરોધપ્રદર્શનકારીઓને જવાબ તરીકે CAAનું સમર્થન કરતી રેલીને પ્રદર્શનો યોજવામાં આવ્યાં છે.

એવો એક કાર્યક્રમ મંગળવારની સાંજે ગાંધી આશ્રમ, સાબરમતીની બહાર પણ હતો.

આખા રસ્તે 'નાગરિક સમિતિ, અમદાવાદ'ના નેજા હેઠળ CAAને ટેકાની જાહેરાત કરતાં કામચલાઉ હોર્ડિંગ ઊભાં થઈ ગયાં હતાં.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારનો આ રિવાજ પ્રચલિત છે.

દેખીતી રીતે સરકારની સંડોવણી ન લાગે, એટલા પૂરતું 'નાગરિક સમિતિ' જેવું કોઈ નામ આયોજક તરીકે રાખી દેવાનું. એટલે ટેકનિકલ દૃષ્ટિએ તે રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત ન લાગે.

ગાંધી આશ્રમની બહાર લાગેલાં કેટલાંક હોર્ડિંગમાં ગાંધીજીની મોટી તસવીર સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે 'નાગરિક (સંશોધન) અધિનિયમ, 2019 (CAA) કાયદો અમલમાં લાવી ગાંધીજીના વચનને સાકાર કરી તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.'


ભાજપે ગાંધીજીના મોઢે વાત મૂકી

Image copyright Getty Images

વાસ્તવમાં, વડાપ્રધાને અને ભાજપે પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા ખાતર ગાંધીજીના મોઢે એવી વાત મૂકી, જે તેમણે કદી કહી જ નથી.

ગાંધીજી બધાને આવકારવાની વાત જરૂર કરે,પણ તે કદી એવું કહે કે 'ગેરકાયદે વસતા લોકોમાંથી હિંદુ-શીખોને નાગરિક બનાવી દેજો ને મુસલમાનોને બાકાત રાખજો?' તેમણે એવું નથી જ કહ્યું.

છતાં આવા કોમવાદી અર્થ ધરાવતા નિર્ણયને ગાંધીજીનું સ્વપ્ન ગણાવવો અને એ સાકાર કરીને ગાંધીજીને અંજલિ આપવાનો દાવો કરવો, એ ગાંધીજીની પ્રતિમાને ગોડસેનાં કપડાં પહેરાવવા જેવી કે ગાંધીજીના ચહેરા પર સાવરકરનો મેકઅપ કરવા જેવી વાત છે.

પરંતુ આંદોલનની ગરમી અને સરકારની જૂઠાણાંગ્રસ્ત પ્રતિક્રિયાથી ઉપર ઊઠીને વિચારવાનો મુદ્દો એ છે કે સત્તાધારી પક્ષ ભાજપને, ગુજરાતમાં કદાચ પહેલી વાર કે બહુ વખત પછી, કશાકના વિરોધમાં નહીં, પણ પોતાના બચાવમાં સડક પર ઊતરવું પડ્યું.

વિરોધપ્રદર્શન કરનારને બદનામ કરવાના, તેમની હિંસાને એકમાત્ર સચ્ચાઈ ગણાવીને, વિરોધને નકરા તોફાનમાં ખતવી કાઢવાના બધા પ્રયાસ પણ પૂરતા ન નીવડ્યા.


ભાજપના પગ તળે રેલો

Image copyright Getty Images

રાજ્ય અને કેન્દ્ર એમ બંનેમાં સત્તા ધરાવતા ભાજપના પગ તળે વિરોધપ્રદર્શનોથી એવો રેલો આવ્યો કે તે ક્યાંક ધસમસતી રેલ બનીને લાંબા ગાળે ક્યાંક સરકારને તાણી ન જાય, એવી સંભાવના તેમને લાગી હશે.

જૂના વખતમાં સરઘસો કાઢીને, નાનીમોટી-સાચીખોટી લડતો લડીને સત્તા સુધી પહોંચેલા ભાજપને લાંબા સમયથી સત્તાની સુંવાળપ કોઠે પડી ગઈ હતી.

મુખ્ય નેતા નરેન્દ્ર મોદીના વિભાજનપ્રેરક કરિશ્માને લીધે અને તેમણે કરેલા સત્તાના કેન્દ્રીકરણને લીધે બીજી નેતાગીરીને મુખ્ય નેતાના ઝભ્ભાની ચાળ પકડીને ચાલ્યા સિવાય ખાસ કશું કરવાનું રહેતું ન હતું.

'લોકો તમને નહીં, મોદીને મત આપે છે'—એવું ભાજપના નેતાઓને ઠસાવી દેવામાં આવ્યું. તેમાં સચ્ચાઈનો અંશ જરૂર હતો પણ એ સંપૂર્ણ સાચું હોત, તો ભાજપે 2014ના તેમજ 2019ના લોકસભા-વિજય પછી રાજ્યો ગુમાવ્યાં ન હોત.

નોટબંધીથી માંડીને 370મી કલમ દૂર કરતી વખતે કાશ્મીરને જે પ્રકારે કેદખાનામાં ફેરવી નાખવામાં આવ્યું, ત્યાં સુધીના અનેક મુદ્દા, બધા નહીં તો પણ ઠીક-ઠીક લોકોનાં મનમાં જુદાં જુદાં કારણોસર ઘૂમરાતાં હશે.

નાગરિકોને ઠેબે ચડાવવાની ને દેશપ્રેમના નામે-ક્રાંતિકારી પગલાંના નામે તેમને લાઇનમાં ઊભા રાખી દેવાની નફ્ફટાઈ જેમ વિના વિરોધે ચાલવા લાગી, તેમ મોદી-શાહ જુગલબંદીના આત્મવિશ્વાસમાં તોતિંગ વધારો થતો ગયો.

સરકારી માધ્યમો થકી મનની સુફિયાણી, એકતરફી વાતો ને બીજી તરફ ઉત્તરદાયિત્વના નામે મીંડું - આ છાપ પણ લોકોનાં મનમાં ધીમે-ધીમે ઊતરી હોવી જોઈએ.

Image copyright Getty Images

તેમ છતાં, નરેન્દ્ર મોદી જે કરે તેનું આંખ મીંચીને સમર્થન કરનારા, તે બોલીને ફરી જાય, તો તેને પણ મહાન વ્યૂહરચના ગણાવનારા, દાંડાઈને બહાદુરી ને જૂઠાણાને સ્માર્ટનેસ ગણતા લોકો ઘણા છે.

એટલે, CAA વિરુદ્ધ પ્રદર્શનોમાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હોય ને માત્ર સંખ્યા જોઈને સરકારની ઉંઘ ઊડી જાય એવું સીધેસીધું શક્ય નથી. પ્રદર્શનો દેશભરમાં થયાં એ ખરું.

છતાં, સરકારને ચમકી જવું પડ્યું અને પ્રદર્શનોને મુસ્લિમ, બૌદ્ધિક, સાંપ્રદાયિક, હિંસક જેવું કોઈ લેબલ લગાડીને નિરાંત અનુભવવાને બદલે, રક્ષણાત્મક બનવું પડ્યું તેનું મુખ્ય કારણ હતું : વિરોધપ્રદર્શનોમાં મોટી સંખ્યામાં નવી પેઢીની સામેલગીરી.

ભાજપની ચૂંટણી-સફળતામાં નવી પેઢીનો હિસ્સો બહુ મોટો રહ્યો છે.

તાજા ઇતિહાસથી ઘણુંખરું અજાણ અને ઉત્સાહી નવી પેઢીને ટેકનૉલૉજીના માધ્યમથી પ્રચારકાર્યમાં સાંકળીને ભાજપે-નરેન્દ્ર મોદીએ ઘણો ફાયદો મેળવ્યો છે.

એ પેઢીનાં ટોળાં CAA ના વિરોધમાં,ઉત્તરનાં અને દક્ષિણનાં અનેક ઠેકાણે, કોઈ સંગઠનના નેજા વિના, આટલાં વધી ગયાં, એ જોઈને વડાપ્રધાનના મનમાં રહી રહીને ખતરાની ઘંટડી વાગી હશે અને નુકસાન-નિવારણના ભાગરૂપે રેલીઓનાં આયોજન થયાં હશે.

આ ધારણા છે, પણ તે તર્કનાં મોં-માથા વગરની નથી.

લાંબા ગાળાના ઇતિહાસમાં CAA-વિરોધી ચળવળ અને દેખાવો કેવી રીતે નોંધાશે, એ કોઈ જાણતું નથી.


Image copyright ANI

પણ એક વાત નક્કી છે : રામમંદિર અને કાશ્મીરમાંથી 370મી કલમની નાબૂદી - આ બંને ભાજપના રાજકીય વજૂદના પાયામાં રહેલી બાબતો હતી.

આ બંને બાબતોમાં ભાજપનો દાવો એક યા બીજી રીતે સંતોષાઈ ગયો છે, ત્યારે તેનાં ઉજવણાં કે તેના પગલે પેદા થતું તેજવર્તુળ ગાયબ છે.

આવા મોટા નિર્ણય પછી રાજકારણમાં કશો વાંધો ન આવવો જોઈએ.

પણ એને બદલે એ બંને મુદ્દા અને તેમાં 'ભાજપની સિદ્ધિ' ચર્ચામાંથી સ્થાન પામ્યાં નથી. અને હવે સમાચાર આવે છે ભાજપવિરોધી વ્યાપક દેખાવોના. આ સમાચાર, આગળ કહ્યું તેમ, જરા જુદા છે.

કારણ કે તેમાં ભાજપને પોતાના જ રાજમાં, પોતાનો એકદંડિયો મહેલ છોડીને, પોતાની જાહેર કરેલી નીતિ વિશે લોકોને સાચુંખોટું સમજાવવા રસ્તા પર આવવું પડ્યું છે અને અત્યાર સુધી સવાલ પૂછવા માટે નહીં જાણીતા લોકો હવે જવાબ માગતા થયા છે.

વર્તમાન સરકાર માટે તે કદાચ અનિચ્છનીય હશે, પણ મુક્ત અને ન્યાયી લોકશાહી માટે તે બહુ આવકાર્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો