ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું, 'નવી પેઢીને યુદ્ધ અને સાંસ્કૃતિક ભેદભાવોની વાતોથી ભરમાવવાની જરૂર નથી'

હર્ષા ભોગલે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હર્ષા ભોગલે

નાગરિકતા સંશોદન કાયદો, એનઆરસી અને એનપીઆરને લઈને ભારતમાં માહોલ ગરમ છે. કેટલાંક શહેરોમાં આ કાયદા વિરુદ્ધનાં પ્રદર્શનોમાં હિંસા જોવા મળી છે.

નવી દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયા તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે પોલીસદમનના વિરોધમાં પણ કેટલાંક શહેરોમાં વિરોધપ્રદર્શનો થયાં છે.

કેટલાંક શહેરોમાં કર્મશીલો સહિત સંખ્યાબંધ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

બોલિવૂડની કેટલીક સેલિબ્રિટીઝ પણ પ્રદર્શનકારીઓ પર પોલીસની કાર્યવાહી વિશે પ્રતિક્રિયા આપી ચૂકી છે.

અનેક શહેરોમાં થયેલાં વિરોધપ્રદર્શનોમાં એક વાત સામાન છે અને એ એવું છે કે મોટી સંખ્યામાં યુવાનો બહાર આવ્યા.

વચ્ચે ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલે એક ફૅસબુક પોસ્ટ લખી છે જેની ખાસ ચર્ચા થઈ રહી છે :

હર્ષા ભોગલેની પોસ્ટ

ભારતની ભાવી પેઢીને આપણી પેઢી શું આપી શકે?

મને લાગે છે કે યુવા ભારત આપણને કંઈક કહી રહ્યું છે. પોતે શું બનવા માગે છે તેની એષણા આપણને જણાવી રહ્યું છે; અને આપણે તેમને જેવા થવા કહીએ છીએ તેવા થવા નથી માગતા.

વર્ષોથી હું ભારત માટે આશાવાદી જ રહ્યો છું. તેનું કારણ પણ છે. અંગ્રેજ સામાજ્યે આ દેશને લૂંટીને બરબાદ કર્યો હતો અને તેના ઘસરકા હજીય જે દેશમાં રહી ગયા હતા તેવા ભારતમાં અમારી પેઢી ભારતમાં ઊછરી હતી.

મારાં માતાપિતાની પેઢી પાસે સ્રોતોનો અભાવ હતો અને તેમણે જે શોષણ અને દમનકારી વાતાવરણમાં ઊછરવું પડ્યું હતું તેમાં તેમનો આત્મવિશ્વાસ પણ શમી ગયો હતો.

તેમના કરતાં અમે નસીબદાર હતા કે મોકળાશ મળી હતી, પણ આપણે શું કરી શકવા શક્તિમાન છીએ તેનો હજી પણ અંદાજ નહોતો.

હું મારી ત્રીસીમાં હતો ત્યારે બે શાંત સ્વભાવના સજ્જનોએ ક્રાંતિ આણી હતી. કદાચ માથે આવી પડેલી આર્થિક આફતને કારણે ભારતનાં બજારોને ખોલવાની ફરજ નરસિંહ રાવને પડી હતી.

કદાચ મનમોહન સિંહે જે બજેટ આપ્યું હતું તે આપવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. બંને નેતાઓએ વાસ્તવિકતાને પીછાણી હતી અને તેમણે પોતાનું કર્મ કરવાનું નક્કી પણ કર્યું હતું.

તેમણે લીધેલાં ઉદારીકરણનાં પગલાંની અમારી પેઢી પર જે અસર થઈ હતી તેની અમે કલ્પના પણ કરી નહોતી.

એક વર્ષ પહેલાં 32 વર્ષની ઉંમરે મને ભારતની કલ્પના કરવાનું કોઈએ કહ્યું હોત તો હું અડધી જ કલ્પના કરી શક્યો હોત. અમારી કલ્પના કરતાંય બમણી તકો ભારતમાં અમે આગળ જતા જોવાના હતા.

ભયનું વાતાવરણ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છૂટછાટો પછી અમને એવું માનવાની છૂટ મળી હતી કે દુનિયામાં કોઈની પણ જેમ આપણે પણ બધું જ કરી શકીએ છીએ.

આપણે ખરેખર દુનિયામાં કોઈની પણ હરોળમાં ઊભા રહી શકીએ છે તેનો ખ્યાલ આવવા લાગ્યો અને અમે ખુશખુશાલ થઈ ગયા હતા. આ રીતે અમે ક્યારેય ખુદ વિશે વિચાર્યું નહોતું.

અમારી પેઢી નસીબદાર સાબિત થઈ અને તેનો લાભ અમારાં સંતાનોને પણ મળ્યો. તે લોકો અમારા કરતાંય મોટાં સપનાં જોતાં થઈ ગયાં હતાં.

30 વર્ષથી નાની ઉંમરના યુવા ભારતીયો અત્યારે તકોથી થનગની રહ્યા છે. તેમના દિમાગના દરવાજા ખૂલી ગયેલા છે. તેમને ભારતીય હોવાનું ગૌરવ છે, પણ તેઓ છે સિટીઝન ઑફ ધ વર્લ્ડ.

40થી નાની ઉંમરના ભારતીયો પણ એ દર્શાવી રહ્યા છે કે તેઓ દુનિયામાં આગેવાની લઈ શકે તેમ છે.

આજનું ભારત વધારે સજાગ અને વધારે આત્મવિશ્વાસથી ભરેલું છે. આ ભારત બહુ મજાનું છે અને તેને એવા લોકોએ તૈયાર કર્યું છે, જેઓ દિલથી ઉદાર અને સેક્યુલર છે. લિબરલ અને સેક્યુલર બહુ મજાના શબ્દો છે.

ઉદારીકરણ અને મોકળાશનાં ફળો પ્રાપ્ત કરીને ફૂલીફાલેલી આપણી પેઢીએ ભાવી પેઢી માટે શું કરવું જોઈએ?

સીધી વાત છે, નવી પેઢીના ખભે હાથ મૂકીને, તેમની પીઠ થપથપાવીને, તેમના માર્ગમાંથી આપણે હટી જવાનું છે.

માર્ગમાંથી હટીને નદીના કિનારા બની રહેવાનું છે, જેથી નવી પેઢી તેની વચ્ચે મુક્તપણે વહેતી રહે.

અત્યારે એવો ઉત્તમ સમયકાળ ચાલી રહ્યો છે કે સરકાર કલ્યાણકારી બની શકે. શિક્ષણનું વિચારે, માળખાકીય સુવિધાઓ ઊભી કરે, ટેક્નૉલૉજી લાવે, આડશો હોય તેને દૂર હટાવે, મોકળાશને અપનાવે, જેથી આ પ્યારી નવી પેઢી ભારતને ક્યાં પહોંચાડી શકે છે તેના આપણા વિચાર કરતાંય આગળ નીકળી શકાય.

તો શા માટે આપણે ભયનું વાતાવરણ સર્જી રહ્યા છીએ? શા માટે આપણે સમાજમાં વિભાજન ઊભું કરી રહ્યા છીએ?

નવી પેઢીને ઊડવા માટે પાંખો આપવાના બદલે, તેમની પીઠ પર આપણે બોજ લાદી રહ્યા છીએ? આપણે પાડોશી દેશોની જ પંચાત કર્યા કરીએ છીએ, જ્યારે વાસ્તવિકતા એ છે કે આર્થિક રીતે તેઓ આપણી સાથે એક પાને નહીં, હિસાબના એક ચોપડે પણ આવી શકે તેમ નથી.

પાડોશી દેશો સાથેના તફાવતોને દેખાડ્યા કરીને આપણે ખુદને નાના કરી રહ્યા છીએ અને યુવા ભારત કહી રહ્યું છે કે તેમને આવું જરાય ગમતું નથી.

ભારતીય હોવું નસીબની વાત

ઇમેજ સ્રોત, Getty Images

આવી લાંબી ઇમોશનલ પોસ્ટ લખી નાખવાનું સહેલું છે પણ તે સિવાય ખરેખર મારી પેઢીના લોકોએ શું કરવું જોઈએ? દુનિયાને બદલી નાખવાની વાત જવા દો, આપણે પાંચ કે બહુ-બહુ તો દસ લોકોને પ્રોત્સાહિત કરી શકીએ તો પણ હાઉં.

મેં મારી નજર સમક્ષ એવું થતા જોયું પણ છે. મારી કૅરિયર બરાબર ચાલી રહી નહોતી, ત્યારે મારે યુવાનો સાથે કામ કરવાનું થયું હતું.

તે લોકોની ઉર્જા આંખો ખોલી નાખનારી હતી. મારે ક્યારેક તેમને શાબાશી આપવી પડતી હતી, ક્યારેક નવી દુનિયા માટેની બારી ખોલી આપવી પડતી હતી. બસ એટલું જ.

ચૂંટણીઓ જીતી જવા માટે આપણે લોકો વચ્ચે શું-શું ભેદ છે તે જ દેખાડ્યા કરીએ એ કંઈ યોગ્ય કારણ નથી.

દુનિયાને જોવાની મારી નાદાન દૃષ્ટિ એવું દર્શાવે છે કે ઉદારીકરણ અને મુક્ત અર્થતંત્રથી તકો ઊભી કરવામાં આવે અને એકતાની વાત કરવામાં આવે તો વધારે ચૂંટણીઓ જીતી શકાય છે.

તેથી હું સત્તામાં બેઠેલા લોકોને અને મારી ઉંમરના અને મારીથી મોટી ઉંમરના લોકોને બસ એક સાદી વાત જ કરવા માગું છું.

આપણે બહુ સારી ઇનિંગ્ઝ રમ્યા. છેલ્લાં 25 વર્ષ દરમિયાન ભારતીય હોવાની વાત નસીબની વાત હતી. હવે આપણે નવી પેઢીને યુદ્ધ અને સાંસ્કૃતિક ભેદભાવોની વાતોથી ભરમાવાની જરૂર નથી.

આપણા કરતાં તે લોકો વધારે સારા સાબિત થવાના છે. તેમને થવા દો. ખુશહાલ, મુક્ત, સેક્યુલર, લિબરલ દુનિયામાં તેઓ દુનિયામાં બેસ્ટ સાબિત થઈને બતાવશે.

મારી આ પોસ્ટ સ્વૈહવિહાર જેવી લાગતી હોય તો માફ કરશો. આ ફક્ત મારા અંગત વિચારો છે અને તેથી મેં તેને મારા અંગત પ્લૅટફૉર્મ પર જ શૅર કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો