સૂર્યગ્રહણ : 2019નું છેલ્લું ગ્રહણ, હવે આવો નજારો દસ વર્ષ પછી જોવા મળશે
- શ્રીકાંત બક્ષી
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
આ સૂર્યગ્રહણ આગામી દાયકામાં થનારાં ચારથી પાંચ સૂર્યગ્રહણની અને 2019માં થયેલાં સૂર્યગ્રહણોની સરખામણીએ વધારે દૃશ્યમાન હશે, એવું પ્લૅનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર રઘુનંદને કહ્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારનું સૂર્યગ્રહણ હવે છેક 2031માં જોવા મળશે.
સૂર્ય અને ચંદ્રગ્રહણ દર વર્ષે થતાં હોય છે, પરંતુ એ પૃથ્વીના મર્યાદિત વિસ્તારમાં જ જોવા મળતાં હોય છે.
જોકે, વિઝિબિલિટીના સંદર્ભમાં 26 ડિસેમ્બરનું સૂર્યગ્રહણ વધારે મહત્ત્વનું છે, એમ રઘુનંદને જણાવ્યું હતું.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો(પીઆઈબી)ની યાદીમાં જણાવ્યા મુજબ, આ સૂર્યગ્રહણ સવારના ભાગમાં ભારતના દક્ષિણી ભાગોમાં સારી રીતે જોવા મળશે, જ્યારે દેશના બાકીના હિસ્સામાં એ આંશિક રીતે જોઈ શકાશે.
આ સૂર્યગ્રહણ ગુજરાતમાં ગુરુવારે સવારે આઠ વાગ્યાથી 11.30 વાગ્યા દરમિયાન જોઈ શકાશે. સવારે 9.21 વાગ્યે અંદાજે 67 ટકા જેટલો સૂર્ય ઢંકાઈ જશે.
શું હોય છે સૂર્યગ્રહણ?
ઇમેજ સ્રોત, Getty Images
સૂર્યગ્રહણ વારંવાર બનતી ખગોળશાસ્ત્રની અજાયબીભરી ઘટના છે. સૌરપરિવારમાં ગ્રહો સૂર્યની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે અને ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે.
પૃથ્વી સૂર્યને ફરતે ચક્કર લગાવે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે.
આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય ત્યારે ગ્રહણ સર્જાય છે.
આ ગ્રહણ અમાસના દિવસે થાય તો એ સૂર્યગ્રહણ બને છે અને તે પૂનમના દિવસે થાય તો ચંદ્રગ્રહણ બને છે.
પૃથ્વીના ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકો સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને આંશિક રીતે નિહાળી શકે છે અથવા પૂર્ણતઃ નિહાળી શકતા નથી.
રઘુનંદને કહ્યું હતું, "સૂર્યની આડે ચંદ્ર આવવાનું શરૂ થશે એટલે 26 ડિસેમ્બરના સૂર્યગ્રહણનો સવારે આઠ વાગ્યાથી પ્રારંભ થશે."
"ભારતમાં એ વિવિધ સ્થળોએથી જોઈ શકાશે. સાડા નવ વાગ્યા સુધીમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. તેથી સવારના સમયે સાંજ સર્જાશે."
તેમણે ઉમેર્યું હતું કે આ સમયગાળામાં સૂર્ય અર્ધચંદ્રાકાર સ્વરૂપમાં જોવા મળશે.
દેશના કેટલા ભાગોમાં જોવા મળશે?
ઇમેજ સ્રોત, Getty Images
પીઆઈબીની યાદીમાં જણાવ્યા મુજબ, ગ્રહણનો આંશિક તબક્કો સવારે આઠ વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.36 વાગ્યે તેનો અંત આવશે.
કંકણાકાર તબક્કો સવારે 9.06 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12.29 વાગ્યે તેનો અંત આવશે.
આ સૂર્યગ્રહણ કોઇમ્બતૂર, કોળીકોડ, મદુરાઈ, મેંગલોર અને તિરુચુરાપલ્લી સહિતના દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં જોવા મળશે, એમ જણાવતાં રઘુનંદને ઉમેર્યું હતું કે દક્ષિણ ભારતના ઉટીમાં આ સૂર્યગ્રહણ સૌથી લાંબો સમય એટલે કે 3 મિનિટ અને 18 સેકન્ડ સુધી જોઈ શકાશે.
એ તબક્કે સૂર્યના 92.9 ટકા હિસ્સા પર ચંદ્ર છવાયેલો હશે.
ક્યા-ક્યા દેશોમાં જોવા મળશે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતર, ઓમાન, સંયુક્ત આરબ અમિરાત, શ્રીલંકાના ઉત્તરીય પ્રદેશ, મલેશિયા, સિંગાપુર, સુમાત્રા અને બોર્નિયોમાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે, એમ પીઆઈબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભારતીય સમય અનુસાર, આ ગ્રહણ સૌથી પહેલાં વહેલી સવારે સાઉદી અરેબિયામાં અને છેલ્લે પેસિફિક સમુદ્રમાંના ગુઆમ આઈલૅન્ડમાંના હેગ્ટેનામાં જોવા મળશે.
દર વર્ષે પાંચથી સાત ગ્રહણ થતાં હોય છે. 2019માં બે સૂર્ય અને બે ચંદ્રગ્રહણ થયાં હતાં. ગ્રહણોની શ્રેણીનું દર દસ વર્ષે પુનરાવર્તન થતું હોય છે.
પીઆઈબીની યાદીમાં જણાવ્યા મુજબ, ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2020ની 21 જૂને જોવા મળશે અને એ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે.
વિજ્ઞાનીઓ કહે છે કે "ગ્રહણ ટૂંકા સમય માટેનું હોય તો પણ તેને નરી આંખે જોવું ન જોઈએ."
"તેને કાળાં ચશ્માં, બ્લેક પોલીમર કે વેલ્ડિંગ ગ્લાસ વગેરે જેવાં યોગ્ય ફિલ્ટર મારફતે અથવા ટેલિસ્કોપ દ્વારા સૂર્યની ઇમેજને શ્વેત બોર્ડ પર પ્રોજેક્ટ કરીને જ નિહાળવું જોઈએ, એવી ચેતવણી પીઆઈબીની યાદીમાં આપવામાં આવી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો