શું એનપીઆર દેશભરમાં એનઆરસી લાવવાનું પહેલું પગલું છે? ફૅક્ટ ચેક

  • કીર્તિ દુબે
  • ફૅક્ટ ચેક ટીમ, બીબીસી
અમિત શાહ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે મંગળવારે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટાર એટલે એનપીઆરને અપડેટ કરવાની અને વસતિગણતરી 2021ને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે જ આના પર ફરીથી વિવાદ શરૂ થઈ ગયો છે અને કેટલાક લોકોનું કહેવું છે કે દેશભરમાં એનઆરસી લાવવાનું આ પહેલું પગથિયું છે. પરંતુ સરકાર આ દાવાને ખારિજ કરી રહી છે.

કૅબિનેટના આ નિર્ણય પછી ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "એનપીઆરને નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન(એનઆરઆઈસી) સાથે કોઈ સંબંધ નથી."

"બંનેના નિયમ અલગ છે. એનપીઆરના ડૅટાનો ઉપયોગ એનઆરસી માટે થઈ જ શકે નહીં. તે વસતિગણતરી 2021 સાથે જોડાયેલો છે."

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે પત્રકારપરિષદમાં કહ્યું કે વર્ષ 2010માં યુપીએ સરકારે પહેલીવાર એનપીઆર બનાવ્યું હતું.

તે સમયે આ પગલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પહેલાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલીને સંબોધતાં કહ્યું કે વર્ષ 2014થી હાલ સુધી અમારી સરકારમાં એક વખત પણ એનઆરસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

"સરકાર વારંવાર ચોખવટ એટલે આપી રહી છે કે નાગરિક્તા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે"

"કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે સીએએ પછી એનઆરસી લાવીને દેશના મુસ્લિમોને નાગરિક્તાથી વંચિત કરવા માગે છે."

બીબીસીએ એનપીઆર-એનઆરસીને લઈને સરકારના તમામ દાવોઓને તપાસવાની શરૂઆત કરી.

31 જુલાઈ, 2019એ ગૃહમંત્રાલય તરફથી એક ગૅઝેટ જાહેર કરવામાં આવ્યું.

જેમાં લખવામાં આવ્યું કે તમામ રાજ્યોમાં એક એપ્રિલ, વર્ષ 2020થી લઈને 30 સપ્ટેમ્બર, વર્ષ 2020 સુધી આ પ્રક્રિયા કરવામાં આવશે.

અમને તપાસમાં મળ્યું કે વર્ષ 2010માં પહેલીવાર એનપીઆર બનાવવામાં આવ્યું. આને 2015માં અપડેટ કરવામાં આવ્યું.

પરંતુ એનપીઆર વર્ષ 2003માં અટલ બિહારી વાજપેયી સરકારમાં અસ્તિત્વમાં આવ્યું.

નાગરિક્તા કાયદો, 1955માં સુધારો કરીને તે સમયની વાજપેયી સરકારે આમાં "બિનપ્રવાસી"ની એક નવી કૅટેગરી ઉમેરી.

10 ડિસેમ્બર, 2003માં ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલાં નોટિફિકેશનમાં ચોખ્ખું દર્શાવવામાં આવ્યું છે કે એનઆરઆઈસી એનપીઆરના ડેટા પર આધારિત રહેશે.

આ કાયદાના ચોથા નિયમમાં લખ્યું છે, "કેન્દ્ર સરકાર નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન(એનઆરઆઈસી) માટે દેશભરમાં ઘરે-ઘરે જઈને ડેટા એકઠો કરવાનીની પ્રક્રિયા કરી શકે છે."

"એવું કરવા માટે રજિસ્ટાર જનરલ ઑફ સિટીઝન રજિસ્ટ્રેશન તરફથી આની સમયમર્યાદા સાથે જોડાયેલું એક અધિકૃત ગૅઝેટ જાહેર કરવામાં આવશે."

"પૉપ્યુલેશન રજિસ્ટરમાં એકઠી કરવામાં આવેલી દરેક પરિવાર, વ્યક્તિની વિગતની ખરાઈ લોકલ રજિસ્ટાર કરશે."

"આ પ્રક્રિયામાં એક અથવા તેનાથી વધારે લોકોનો સહયોગ લેવામાં આવી શકે છે. આ વૅરિફિકેશનમાં જો કોઈની નાગરિક્તા પર સંદેહ હોય તો તેની માહિતીને રજિસ્ટાર પૉપ્યુલેશન રજિસ્ટરમાં ચિહ્નિત કરશે."

"આગળ તપાસ અને ખરાઈ પ્રક્રિયા પૂર્ણ થયા પછી શંકાસ્પદ વિશે જાણ કરવામાં આવશે."

આ સિવાય પીઆઈબીના એક ટ્વીટ મુજબ 18 જૂન, 2014ના દિવસે ત્યારના ગૃહમંત્રી રાજનાથ સિંહે નિર્દેશ આપ્યો કે "એનપીઆર પ્રોજેક્ટને તાર્કિક નિષ્કર્ષ પર લાવવામાં આવે જે એનઆરઆઈસીની શરૂઆત છે."

ઇમેજ સ્રોત, PIB/ TWITTER

26 નવેમ્બર, 2014એ ત્યારના ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું, "નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર) એક એવું રજિસ્ટર છે જેમાં ભારતમાં રહેનારા તમામ લોકોની વિગતો હોય તે ભારતનો નાગરિક હોય અથવા ન હોય. એનપીઆર નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન(એનઆઈઆરસી) તરફનું પગલું હશે, જેમાં દરેક વ્યક્તિની નાગરિક્તાની ખરાઈ કરવામાં આવશે."

એટલું જ નહીં મોદી સરકારે તેમનાં પહેલા કાર્યકાળમાં સંસદમાં ઓછામાં ઓછું નવ વખત એ કહ્યું કે દેશભરમાં એનઆરસી, એનપીઆરના ડેટાના આધારે કરવામાં આવશે.

આ તમામ નિવેદન સરકારના વર્તમાન નિવેદનથી બિલકુલ અલગ છે.

આજથી પહેલાં જ્યારે એનપીઆરનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તેનો સંદર્ભ નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન સાથે જોડાઈ રહ્યો છે.

નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર માટે નામ, જન્મતારીખ, લિંગ, માતાનું નામ, પિતાનું નામ, જન્મસ્થળ જેવી જાણકારીઓ માંગવામાં આવી રહી છે.

આ તમામ જાણકારી વસતિગણતરી સમયે પણ માંગવામાં આવે છે, પરંતુ બીબીસીને પશ્વિમ બંગાળમાં એનપીઆરની 'પ્રશ્નાવલી' મળી છે જેમાં 'માતાનું જન્મસ્થળ' પૂછવામાં આવી રહ્યું છે. વસતિગણતરીના જાણકાર આ પ્રકારની માહિતી અને તેમના નિવેદનની વચ્ચેના વિરોધાભાસ પર સવાલ ઉઠાવે છે.

આ મામલાને સમજવા માટે અમે પશ્વિમ બંગાળના માનવઅધિકાર સંગઠન ઍસોસિયેશન ફૉર પ્રૉટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટ્સના સભ્ય રંજીત સૂર સાથે વાત કરી, તેમણે કહ્યું, "ગૃહમંત્રી દેશને બવકૂફ બનાવી રહ્યા છે. આ તો ચોખ્ખે-ચોખ્ખું 2003ના નગરિક્તા (સંશોધન) કાયદામાં લખ્યું હતું કે એનપીઆર એનઆરસીનું પહેલું પગલું છે.

"ખરેખર વસતિગણતરીનો ડેટા માત્ર પબ્લિક પૉલીસી માટે જ ઉપયોગ કરવામાં નહીં આવે."

"એનપીઆર બે તબક્કામાં હશે. હાલ સરકાર કહી રહી છે કે પોતાની જાણકારી આપવામાં આવે અમને કાગળ આપવામાં નહીં આવે પરંતુ આ પછી તે તમારી આ જાણકારીની ખરાઈ કરવા માટે તમારી પાસેથી દસ્તાવેજ માંગશે."

વર્ષ 2010માં જ્યારે યુપીએએ આનો પ્રથમ વખત અમલ કર્યો ત્યારે તમને કેમ વિરોધ ન હોતો નોંધાવ્યો? આ સવાલના જવાબમાં રંજીત સૂર કહે છે, "આ વાત સાચી છે કે 2010માં તે પ્રતિક્રિયા નહીં આપી જે હવે અમે આપી રહ્યા છે."

"આનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોને એનઆરસીની પૂર્ણ જાણકારી ન હતી. હવે જ્યારે દેશે આસામમાં એનઆરસી જોયું તો અમને અને બીજા લોકોને આ મામલો સમજવામાં આવી રહ્યો છે. વર્ષ 2015માં મોદી સરકારે આને ડિઝિટાઈઝ કર્યું હતું."

"વર્તમાન સમયમાં હવે આસામમાં એનઆરસી લિસ્ટમાંથી 19 લાખ લોકો બહાર છે, નાગરિક્તા સંશોધન કાયદા 2019થી દેશમાં એક અલગ માહોલ બન્યો છે એવામાં એનપીઆર પર લોકો જાગરુક થઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે."

કૉંગ્રેસ નેતા અજય માકન વર્ષ 2010માં ગૃહ રાજ્યમંત્રી હતા, તેમણે કહ્યું કે મોદી સરકારના એનપીઆરનું સ્વરૂપ અમારાં એનપીઆર કરતાં તદ્દન જૂદું છે.

પશ્વિમ બંગાળ અને કેરળ સરકારે કેન્દ્ર સરકારની મંશા પર સવાલ ઊઠાવતા રાજ્યમાં એનપીઆરની પ્રક્રિયા રોકી દીધી છે.

ગૃહમંત્રી શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

અમિત શાહે કહ્યું કે, "બંને (કેરળ, પ.બંગાળ) મુખ્ય મંત્રીઓને વિનમ્ર નિવેદન છે કે આ રીતે પગલું ન ભરે. આની પર તે પુનર્વિચાર કરે. આ બંગાળ અને કેરળના ગરીબ લોકોના કલ્યાણ માટે બનાવવામાં આવનાર કાર્યક્રમનો આધાર છે."

"રાજકારણ માટે ગરીબ લોકોને વિકાસના કાર્યક્રમોથી બહાર ન રાખશો. તેમને જોડી દો. "

"એનપીઆર વસતિગણતરીનું રજિસ્ટાર છે, પૉપ્યુલેશન રજિસ્ટાર છે. આમાં જે પણ રહે છે તેમનું નામ રજિસ્ટર કરવામાં આવે છે

"તેના આધારે દેશની અલગ-અલગ યોજનાઓને બનાવવામાં આવે છે. એનઆરસીમાં દસ્તાવેજ માંગવામાં આવે છે કે તમે ક્યાં આધારે આ દેશના નાગરિક છો. આ બંને પ્રક્રિયાને કોઈ લેવા દેવા નથી. ન કે બંને પ્રક્રિયાનો એક બીજાના સર્વેમાં કોઈ ઉપયોગ કરી શકાય છે. "

"આ પ્રક્રિયા વર્ષ 2015માં પાયલટ લેવલ પર અપડેટ કરવામાં આવી હતી. આ દસ વર્ષમાં કરવામાં આવતી પ્રક્રિયા છે. આ વચ્ચે દેશમાં રહેનારી વસતિગણતરીમાં મોટી હલચલ થઈ છે."

"વસતિગણતરી પણ દસ વર્ષમાં થાય છે. વર્ષ 2010માં યૂપીએએ આ (એનપીઆર) એક્સરસાઇઝ કરી ત્યારે કોઈએ સવાલ નહોતો કર્યો.

સરકાર એક ફ્રી ઍપ લાવવાની છે, જેમાં ખુદ લોકો પોતાની જાણકારી ભરી શકશે અને આ સ્વપ્રમાણિત થશે. અમારે કોઈ કાગળ નથી જોઈતા."

બીબીસીએ પોતાની તપાસમાં તારવ્યું કે સરકારે હાલ દેશમાં એનઆરસીની ઘોષણા નથી કરી પરંતુ હાલના નિયમો પ્રમાણે જ્યારે પણ દેશમાં એનઆરસી બનશે તેના માટે એનપીઆરના ડેટાનો ઉપયોગ કરાશે.

સરકાર નિયમોમાં ફેરફાર કરીને એનપીઆરને એનઆરસીમાંથી અલગ ના કરી દે ત્યાં સુધી એનઆસીનો આની સાથેના સંબંધને રદ્દ કરવો ખોટું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો