TOP NEWS : તીડ મામલે આજથી ઑપરેશન હાથ ધરાશે - વિજય રૂપાણી

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ પરનાં ગામોમાં તીડના ત્રાસ મામલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 11 તાલુકાનાં 55 ગામોમાં તીડનો આતંક છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાનથી રાજસ્થાન થઈને તીડ ગુજરાતમાં આવ્યાં છે. આ કુદરતી આફત અને પ્રજાનો પ્રશ્ન છે, એ રીતે જ ધ્યાને લેવામાં આવશે."

"આજથી દિલ્હીથી ગુજરાત આવેલી વિશેષ ટીમ તીડ મામલે કામગીરી કરશે અને કેન્દ્રની 27 ટીમોની મદદ લેવામાં આવી રહી છે."

"દવાનો છંટકાવ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. સરકાર દ્વારા જેમને નુકસાન થયું છે એવા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે."

ખેડૂતે પોતાના ખેતરમાં નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

તામિલનાડુના ત્રિચીમાં ભાજપ કાર્યકર્તા અને ખેડૂત પી. શંકરે પોતાની ખેતીની જમીન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે નમો મંદિર બનાવી નાખ્યું છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ત્રિચી જિલ્લાના ઇરાકુડી ગામમાં રહેતા 50 વર્ષીય ભાજપ કાર્યકર્તાએ કહ્યું છે કે આ મંદિર વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટેનો તેમનો પ્રેમ છે.

પી. શંકરે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત ઘણી કેન્દ્રીય યોજનાઓનું અમલીકરણ થતાં તેમણે વડા પ્રધાન મોદીના મંદિરનું નિર્માણ કર્યું છે.

ત્રિચીના નમો મંદિરની મુલાકાત લેવા આસપાસનાં ગામોના લોકો પણ આવે છે. પી. શંકર પોતાના ગામ ઇરાકુડીમાં કિસાન સંઘના અધ્યક્ષ પણ છે.

પી. શંકર કહે છે કે તેઓ વર્ષ 2014થી મંદિર નિર્માણ અંગે વિચાર રહ્યા હતા. પરંતુ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાદ નફો થતાં તેમણે પોતાના ખેતરના એક ભાગમાં 1.20 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ કર્યું.

'નામ સરનામું પૂછે તો ખોટી માહિતી આપો'

ઇમેજ સ્રોત, Getty Images

CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શન કરતાં લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતી રૉયે એક વિવાદિત નિવેદન આપ્યું છે.

NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દિલ્હી યુનિવર્સિટીમાં CAA, NRC અને NPR વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું હતું.

પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલાં અરુંધતી રૉયે કહ્યું કે NPRના માધ્યમથી NRCનો ડેટાબેઝ તૈયાર કરાશે એટલે જ્યારે લોકો પાસે જાણકારી માગવામાં આવે તો તેઓ ખોટી જાણકારી આપે.

તેમણે કહ્યું, "આપણે NPRની વિરુદ્ધ લડવાની જરૂર છે. જ્યારે તેઓ NPR માટે તમારા ઘરે આવે અને તમારું નામ પૂછે તો તેમને ખોટું નામ જણાવો. તમારું સરનામું 7 રેસકોર્સ રોડ (વડા પ્રધાનનું નિવાસસ્થાન) જણાવો."

આ મામલે ભાજપના નેતા રવિ કિશને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અરુંધતી દેશની હત્યા કરવા માગે છે.

ધ રિપબ્લિક સાથે વાતચીત દરમિયાન રવિ કિશને કહ્યું, "ડાબેરી વિચારધારા ધરાવતા લોકો માનવતા અને દેશની વિરુદ્ધ છે. તેઓ જે દેશમાં ખાય છે તેની જ હત્યા કરવા માગે છે."

"આવી વિચારધારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે અને પેઢીનો વિનાશ કરે છે. આ રસ્તો ખોટો છે અને તે દેશ પણ જાણે છે."

RSS દેશની 130 કરોડ વસતીને હિંદુ માને છે : મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં નાગરિકતા કાયદાના લાગુ થયા બાદ સતત પ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુત્વ મામલે એક નિવેદન આપ્યું છે.

મોહન ભાગવતે કહ્યું છે કે ભારતની 130 કરોડ વસતીનો ગમે તે ધર્મ કે સંસ્કૃતિ હોય, પણ સંઘ તેને હિંદુ સમાજના રૂપે માને છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે સંપૂર્ણ સમાજ આપણો છે અને સંઘનો ઉદ્દેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે.

ભાગવતે રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનો હવાલો આપીને પણ એક વાત કહી.

ભાગવતે કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરે 'સ્વદેશી સમાજ'માં લખ્યું હતું કે હિંદુ- મુસ્લિમો વચ્ચે કેટલાક વિરોધાભાસ હોવા છતાં હિંદુ સમાજ દેશને એકજૂથ કરવાના રસ્તા શોધવા માટે સક્ષમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો