મોદી સરકારના જ પૂર્વ આર્થિક સલાહકારે કહ્યું, 'ભારતમાં ઐતિહાસિક મંદી છે'

અરવિંદ સુબ્રમણ્યન

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં આર્થિક મંદી એ વર્ષ 2019નો સૌથી ચર્ચિત મુદ્દો રહી. આ મામલે નરેન્દ્ર મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યને ભારતીય અર્થવ્યવસ્થા મામલે ફરી ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે આ સામાન્ય નહીં પરંતુ ઐતિહાસિક મંદી છે.

બુધવારના રોજ NDTVના પ્રણય રૉયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ મામલે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

આ ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે દેશમાં આ સમસ્યા કેટલી મોટી છે. તેમણે એમ પણ કહ્યું કે અર્થવ્યવસ્થામાં આવેલી આ સુસ્તી સામાન્ય નથી.

અરવિંદ સુબ્રમણ્યનના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર નકારાત્મક છે અથવા તો નામ માત્રની વૃદ્ધિ થઈ છે.

તેમણે એવું પણ કહ્યું કે રોકાણથી માંડીને આયાત-નિકાસ સુધી દરેક જગ્યાએ મંદી જ છે જેને પગલે લોકોની આવકમાં ઘટાડો થયો છે અને સરકારને મળતો ટૅક્સ પણ ઘટ્યો છે.

'ભારતીય અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી છે'

ઇમેજ સ્રોત, Getty Images

IIM અમદાવાદ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીથી ગ્રૅજ્યુએટ અરવિંદ સુબ્રમણ્યનનું નામ દુનિયાના ચર્ચિત અર્થશાસ્ત્રીઓમાં સામેલ છે.

નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ ત્રણ વર્ષ સુધી મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા.

થોડા દિવસ પહેલાં તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

ભારત વ્યાજદર અને વૃદ્ધિના પ્રતિકૂળ ચક્રમાં ફસાયું

ઇમેજ સ્રોત, Getty Images

અરવિંદ સુબ્રમણ્યને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના ભારત કાર્યાલયના પૂર્વ પ્રમુખ જોશ ફેલમૅન સાથે લખેલા નવા શોધપત્રમાં કહ્યું હતું કે ભારત હાલ બૅન્ક, મૂળભૂત પાયા, એનબીએફસી, અને રિયલ ઍસ્ટેટ - આ ચાર ક્ષેત્રોની કંપનીઓ સંકટનો સામનો કરી રહી છે.

આ સિવાય ભારત વ્યાજદર અને વૃદ્ધિના પ્રતિકૂળ ચક્રમાં ફસાયેલું છે.

તેમણે આગળ લખ્યું કે નિશ્ચિત રૂપે આ સાધારણ સુસ્તી નથી. ભારતમાં ખૂબ ગંભીર સ્થિતિ છે અને અર્થવ્યવસ્થાને જોઈને એવું લાગી રહ્યું છે કે તે ICU તરફ જઈ રહી છે.

આ વર્ષની શરૂઆતમાં પણ સુબ્રમણ્યને દાવો કર્યો હતો કે 2011 અને 2016 વચ્ચે ભારતની જીડીપી વૃદ્ધિ 2.5 ટકા વધારે આંકવામાં આવ્યો હતો અને તેમણે ચેતવણી પણ આપી હતી કે જીડીપીના આંકડાને અર્થવ્યવસ્થાના વિકાસ તરીકે ન જોવા જોઈએ.

મહત્ત્વનું છે કે દુનિયાની અર્થવ્યવસ્થા મામલે હાલ જ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFએ એવું પણ કહ્યું હતું કે એક દાયકા પહેલાં આવેલા નાણાકીય સંકટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યાર સુધીની સૌથી ધીમી ગતિએ આગળ વધી રહી છે.

IMFનું અનુમાન હતું કે ભારતના વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસદર માત્ર 6.1% જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો