CAA-NRC: શું હાલના સમયની સરખામણી કટોકટી સાથે થઈ શકે?

વિરોધ કરતાં મહિલા Image copyright Getty Images

એ ચોક્કસ જ એક રસપ્રદ અને સવિશેષ તો સંસ્કારક (કરેક્ટિવ) હોઈ શકતો તપાસમુદ્દો છે. સંજય ગાંધીએ ત્યારે મુસ્લિમોને ખાસ નિશાન બનાવ્યા હતા એ જાણીતું છે.

ભર સેન્સરશિપે એની વીગત (અને વાયકા પણ) બરાબરની ફરી વળી હતી.

એટલે માર્ચ 1977માં આખા ઉત્તર ભારતમાં કૉંગ્રેસને એક પણ બેઠક ન મળી એનું એક રહસ્ય મુસ્લિમ મતદાન કૉંગ્રેસની સામે અને જનતા પક્ષની સાથે રહ્યું એ હકીકતમાં હતું.

આજે કંઈક વિલક્ષણ લાગે એવી વીગત આ મુદ્દામાં એ છે કે સાગમટે મુસ્લિમ મત લાભાર્થી ત્યારે જનતા પક્ષના એક છટક રૂપે જનસંઘ પણ હતો. મેનકા ગાંધી અને વરુણ ગાંધી જો સંઘ પરિવારના ચહેતા હોઈ શકતાં હોઈ તો તે અલબત્ત એમના સંજયસંબંધને આભારી છે.

જોકે, અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે મુસ્લિમો સાથેના વ્યવહારના સંબંધે કૉંગ્રેસનું સંજયપર્વ એક સ્ખલન (ઍબેરેશન) હતું, નીતિગત અભિગમ નહોતો.

ઊલટ પક્ષે, જનસંઘ-ભાજપ માટે એ નીતિગત તો શું એથી પણ વધુ ગળથૂથીગત મુદ્દો છે.

Image copyright Getty Images

એનઆરસીની આરંભિક કવાયત પછી એ હમણાં નહીં પણ પહેલાં સીએએ એવી જે તંગદોર પરની નટચાલ આ દિવસોમાં ખેલાઈ એમાં પણ તમે મુસ્લિમ બાદબાકીનું એનું મજ્જાગત વલણ જોઈ શકો છો.

ધારો કે, બેશક આ 'ધારો કે'ની જ વાત છે, ભાજપ હાલ કાર્પેટ બૉમ્બિંગની શૈલીએ પ્રચારમારો કરી સૌને એમ સમજાવવાની કોશિશ કરે કે સીએએ મૂળભૂત રીતે મુસ્લિમ બાદબાકીકરણનો પેચ નથી અને એમાં પણ સફળ પણ થાય તો એના આ ગળથૂથીગત વલણને આપણે કેવી રીતે જોઈશું. એ વિચારવાની વાત છે.

ભોગજોગે (કહો કે આપણે સદભાગ્યે) એનો પણ એક ઉત્તર દક્ષિણદેશમાં કર્ણાટકથી મળી આવ્યો છે.

ભાજપી મંત્રી સી. ટી. રવિએ કહ્યું કે નાગરિકતા (સુધાર) કાનૂન સામેનો વિરોધબખેડો આમ જ ચાલુ રહ્યો તો અત્યાર લગી ધીરજ જાળવી રહેલી બહુમતી ઝાલી નહીં રહે અને "તમારે ગોધરા જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે."

પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના આ મંત્રીએ પોતાની એકપંક્તિકા (વનલાઇનર) બાબતે ચાલતાં અસંદિગ્ધ સમજૂત પણ આપી છેઃ

"આ જ તો (તમારી) માનસકિતા હતી જેણે ગોધરામાં ટ્રેન બાળી કારસેવકોને જીવતાં ભૂંજી નાખ્યા હતા... કેમ કે અહીં બહુમતી કોમ ધૈર્યવાન છે, તમે ચોમેર આગ લગાડવાની કોશિશમાં છો. હું તમને સલાહ આપું છું કે જરી પાછું વળીને જુઓ, અમારી ધીરજ ખૂટે ત્યારે શું બને છે."

"અમારી ધીરજ એ અમારી નિર્બળતા નથી... બહુમતી ધીરજ ગુમાવે ત્યારે શું થાય છે એ જો તમે ભૂલી ગયો હો તો પાછળ નજર કરો કે ગોધરા (અનુગોધરા)માં શું થયું હતું. અહીંની બહુમતી પણ એવું કરવાને સક્ષમ છે. અમારી ધીરજને કસો નહીં."

Image copyright Getty Images

રવિવારે (22 ડિસેમ્બર) રામલીલા મેદાનની વિશાળ રેલીમાં વડા પ્રધાને ગર્જનતર્જનની રીતે જે પણ સફાઈ પેશ કરી હોય, 'સબકા સાથ- સબકા વિકાસ'ના વરખ તળે જે માનસિકતા છે તે આ છે.

તમે જુઓ, એક ભાજપ સાંસદ જામિયા મિલિયાને આતંકવાદીઓ પેદા કરનાર તરીકે ઓળખાવે છે તો બીજા સાંસદ પણ એવું જ કાંઈક કહે છે.

આ ઇતરીકરણ (અધરાઇઝેશન) પાછું રાષ્ટ્રવાદના રૂપાળા નામ નીચે ચલાવાય છે, પણ એની વાત લગરીક રહીને.

કટોકટીકાળે 'ઇંદિરા ઈઝ ઇન્ડિયા' એ એક સૂત્ર ખાસ ગાજતું હતું. એમાં અધિનાયકવાદ સાફ ઝલકતો હતો.

અધિકારવાદ ખરું જોતાં વ્યક્તિગત સત્તાવાદના નાદર નમૂના જેવો એ કિસ્સો હતો.

ભય અથવા પ્રલોભનવશ જેઓ ત્યારે સત્તાપક્ષમાં જોડાઈ જાય એમને માટે સત્તાવાર યાદીમાં કહેવાતું કે તેઓ રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ ગયા છે.

હકીકતે, તે વખતે એક ગુજરાતી ભૂગર્ભ પત્રે લખ્યું તેમ આવું જોડાઈ જવું તે "મેંઢાના ટોળામાં મેંઢાનું ભળી જવું" હતું.

આ અધિકારવાદ કહો, સત્તાવાદ કહો, એને અત્યારે રાષ્ટ્રવાદનું રૂપાળું ઝભલું પહેરાવાય છે.

આ અધિકારવાદ પોતાને ઇષ્ટ ધ્રુવીકરણના ઇરાદાથી સીએએ પ્રકારનાં પાનાં ઊતરી 'અધરાઇઝેશન'ની બાજી રમે છે.

આ બાજી ક્યારેક જો તમારી નાગરિકતા કમી શકે તો ક્યારેક તે 'મૉબ લિન્ચિંગ' વાટે રાષ્ટ્રધર્મ પણ અદા કરી શકે.

કટોકટીકાળે પોલીસરાજનો એક વસમો અનુભવ દેશજનતાએ કર્યો હતો. હૅબિયસ કૉપર્સનો અધિકાર હવામાં લટકતો હતો.

સરકારી છેડેથી ગોળી ચાલે તો પણ તમે એને કાનૂનન પડકારી ન શકે એવી સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી.

વર્તમાન શાસન અને સત્તાપક્ષ હસ્તક પોલીસ, નાગરિક સમાજ કર્મશીલોને 'અર્બન નક્સલ'નો થપ્પો લગાવી, બેમુદત પૂરવાનો સિલસિલો બેરોકટોક માલૂમ પડે છે.

Image copyright Getty Images

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર એસઆઈટી મારફતે ફેરતપાસ કરાવશે એ એક આશાભર્યા સમાચાર છે.

પણ સરકારની આ એક સ્વતંત્ર એટલે કે બિનભાજપ સરકારની પહેલ છે.

નમોના 'કો-ઑપરેટિવ ફેડરલિઝમ' કહેતાં સહકારી કે સહયોગી સમવાયતંત્રમાં એ માટેની ગુંજાશ સ્વાભાવિક જ નથી, કેમ કે કલમ 356નો વપરાશ ઓછો થાય તો પણ ઇંદિરા ગાંધીના ખાલસા અભિગમનો હાલની કેન્દ્ર સરકારને મુદ્દલ બાધ નથી.

ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ કે આફસ્પા તો ખેર ચર્ચાની પહોંચમાં ધારો કે ન પણ લઈએ, પણ બાપડી અમથી 144મી કલમથી પણ પીછો છૂટતો નથી.

અઠવાડિયાંનાં અઠવાડિયાં, મહિનાના મહિના એ જ્યાંત્યાં એમ જ ચાલુ રહે છે. નિદર્શન કાર્યક્રમને રજા મળતાં ઘોર વિલંબ થાય છે, અને છેલ્લી ઘડીએ રજા કેન્સલ થાય તે હવે ન્યૂ નૉર્મલ છે.

જાહેર દેખાવો સારુ એકત્ર થવાની સ્પેસ ઉત્તરોઉત્તર સંકોચાતી જાય છે.

સ્માર્ટ સિટીના વ્યાખ્યામાં આ પ્રકારની સ્પેસરૂપી ફેફસાં અગરાજ એટલે કે અક્ષરશઃ અગરાજ છે.

કટોકટી કોઈ જુદી જોગવાઈની જરૂરત વગર 'ધ બિગ બ્રધર ઇઝ વૉચિંગ.' માત્ર, 1975માં કટોકટી વિધિસર હોઈ ખબર પડતી હતી એટલું જ.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો