રામપુર હિંસા : શું પોલીસ મુસ્લિમોને નિશાન બનાવી રહી છે?

  • દિલનવાઝ પાશા,
  • બીબીસી સંવાદદાતા
ઈસ્લામની પત્ની ઝુલેખાનું કહેવું છે કે તેમના પતિ નિર્દોષ છે અને પોલીસ તેમને ફસાવી રહી છે.

ઇમેજ સ્રોત, OBAID KHAN

ઇમેજ કૅપ્શન,

ઇસ્લામનાં પત્ની ઝુલેખાનું કહેવું છે કે તેમના પતિ નિર્દોષ છે અને પોલીસ તેમને ફસાવી રહી છે.

ઉત્તર પ્રદેશના રામપુરમાં ગયા શુક્રવારે થયેલાં તોફાનો પછી સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ માટે, હિંસામાં સામેલ હોવાની શંકા ધરાવતા લોકોને વસૂલી માટે તંત્ર દ્વારા નોટિસો મોકલવામાં આવી છે.

પોલીસે શહેરના ચાર રસ્તાઓ પર હિંસામાં સામેલ હોય તેવા લોકોના પોસ્ટર પણ લગાવ્યા છે. ઉત્તર પ્રદેશના અન્ય કેટલાંક શહેરોમાં પણ પોલીસે આવી કાર્યવાહી કરી છે.

પોલીસ વાહનોને થયેલાં નુકસાન ઉપરાંત પોલીસનાં હેલ્મેટ તથા લાકડીઓ તૂટી ગયાં તેને પણ નુકસાની ગણીને તેની ભરપાઈ કરવા માટે નોટિસો મોકલવામાં આવી છે.

નોટિસ મોકલવામાં આવી હોય તેવા લોકોમાં મજૂરોનો પણ સમાવેશ થાય છે.

રામપુરના જિલ્લાઅધિકારી આંજનેયકુમાર સિંહે બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધીમાં 28 લોકોને રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી છે. આ સંખ્યામાં વધારો પણ થઈ શકે છે.

તેઓ કહે છે, "પોલીસે વીડિયો અને તસવીરોના આધારે 21 ડિસેમ્બરે જાહેર સંપત્તિને નુકસાન કરનારા લોકોની ઓળખ કરી છે.

પોલીસે જાહેર સંપત્તિને થયેલી નુકસાનીનો અંદાજ પણ માંડ્યો છે. વીડિયો અને તસવીરોમાં દેખાઈ રહેલા 28 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

બીજા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે. જિલ્લાના અધિકારીનું કહેવું છે કે "જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે, તેમને જવાબ આપવાની તક આપવામાં આવી છે. ત્યારબાદ જ રિકવરી માટેની કાર્યવાહી કરવામાં આવશે."

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 20-25 લાખ રૂપિયાની રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી છે.

જોકે તપાસ કર્યા બાદ જ શંકાસ્પદો પાસેથી વસૂલી કરવામાં આવશે. નોટિસ મોકલવામાં આવી છે, તેમાં કુલ નુકસાન 14,86,500 રૂપિયા થયાનું જણાવાયું છે.

'નુકસાની વસૂલ કરવામાં આવશે'

અધિકારીએ એ જણાવ્યું નથી કે કેવી રીતે નુકસાની વસૂલ કરવામાં આવશે.

ગયા શુક્રવારે દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં. તે દરમિયાન ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિંસા ફેલાઈ હતી.

રામપુરમાં શનિવારે વિરોધપ્રદર્શનો યોજાયાં હતાં અને તે વખતે ઘણી બધી જગ્યાએ આંગ ચાપવાની ઘટનાઓ બની હતી.

સ્થાનિક પત્રકારોએ અધિકારીને પૂછ્યું હતું કે શું શંકાસ્પદોમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા કોઈ કાર્યકરો છે ખરા?

તેના જવાબમાં અધિકારી આંજનેય કુમાર સિંહે જણાવ્યું કે "પોલીસ હજી પણ વીડિયો અને તસવીરો જોઈ રહી છે. બીજા લોકોની ઓળખ પણ થઈ રહી છે."

"શંકાસ્પદોમાં ઘણા લોકો એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પણ છે, પણ હજી ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે."

"તંત્ર કોઈ પણ કાર્યવાહી કરશે તે પૂરતા પુરાવા સાથે કરશે. હજી અમારી તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈ રાજકીય માણસોનાં નામો સામે આવશે તો તેમની પર પણ કાર્યવાહી કરવામાં આવશે."

રામપુરમાં તોફાનો થયાં તેમાં ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. જોકે અધિકારીએ જણાવ્યું કે પોલીસે ગોળીબાર કર્યો નહોતો.

તેઓ કહે છે, "સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો નહોતો. જેનું મોત થયું છે તેની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે."

રામપુર પોલીસે જાહેર કરી છે તસવીરો

ઇમેજ સ્રોત, OBAID KHAN

રામપુર પોલીસે શુક્રવારે થયેલી હિંસામાં સામેલ લોકોની તસવીરો પણ જાહેર કરી છે. રામપુરના પોલીસ-અધિક્ષક અજયપાલ સિંહે જણાવ્યું, "બનાવના સ્થળે પોલીસ તરફથી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી."

"કેટલીક તસવીરો અમને લોકો પાસેથી તથા સીસીટીવી ફૂટેજમાંથી પણ મળી છે. આ તસવીરો અમે જાહેર કરી છે અને તોફાનીઓની ઓળખ કરવા માટે જનતાનો સહકાર માગ્યો છે."

"તોફાનો અંગે કેસ દાખલ થયો છે, તેમાં આ લોકોની ધરપકડની પણ તૈયારીઓ થઈ રહી છે."

નાગરિકતા કાનૂનના વિરોધપ્રદર્શન વખતે થયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તોફાનીઓ સામે બદલો લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશના ઘણા બધા જિલ્લાઓમાં તોફાનો થયાં હતાં અને તેમાં ઓછામાં ઓછા 16 માર્યા ગયા હોવાનું જણાવાયું છે.

એવા પણ ઘણા વીડિયો બહાર આવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશની પોલીસ દેખાવકારો પણ ગોળીબાર કરી રહી હોય. જોકે ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે તેમના તરફથી ગોળીબાર થયો નહોતો.

બુધવારે રામપુર તંત્રે હિંસામાં સામેલ હોવાની શંકાના આધારે લોકોનાં ઘરે નોટિસો મોકલી આપી છે.

થાના ગંજ ક્ષેત્રમાં નઈ બસ્તીમાં રહેતા પપ્પૂના ઘરે પણ આવી એક નોટિસ પહોંચી છે.

પપ્પૂ હાલમાં હિંસાના આરોપ સાથે જેલમાં છે. પપ્પૂના ભાઈ નદીમે બીબીસીને જણાવ્યું કે તેમનો ભાઈ પ્રદર્શનમાં કે તોફાનોમાં ક્યાંય સામેલ થયો નહોતો.

તેમણે કહ્યું કે, "મારો ભાઈ ઘરે સૂતો હતો, ત્યારે પોલીસ આવી અને પથારીમાંથી તેમને ખેંચીને લઈ ગઈ. અમને તો એ પણ ખબર નહોતી કે તેમની ધરપકડ શા માટે કરવામાં આવી."

પાંચ બાળકોના પિતા પપ્પૂ ડેન્ટિંગ અને પેઇન્ટિંગનું મજૂરી કામ કરે છે.

નદીમ કહે છે કે તેમના વિસ્તારની મસ્જિદમાંથી એલાન કરવામાં આવ્યું હતું કે કોઈએ પણ પ્રદર્શનમાં ભાગ લેવા જવું નહીં. તેથી તેમના ઘરમાંથી કોઈ તેમાં સામેલ થયા નહોતા.

તેઓ કહે છે, "પોલીસ પાસે પાવર છે, તે મનફાવે તે કરી શકે છે. ગરીબ માણસ દબાઈને રહે છે. અમારી પાસે તો વકીલ કરવાના પણ પૈસા નથી."

"અમારી સાથે જુલમ થઈ રહ્યો છે. આગળ શું કરવું તે અમને ખબર નથી."

નદીમ વધુમાં કહે છે, "સવારે પોલીસ આવી, ઘરનો દરવાજો તોડી નાખ્યો અને મારા ભાઈને ઉપાડીને લઈ ગઈ. તેમનું ઘર ગલીની શરૂઆતમાં જ છે."

"અમને લાગે છે કે પોલીસ જે હાથમાં આવે તેને ઉપાડીને લઈ જઈ રહી છે, ભલે પછી તે બેગુનાહ કેમ ના હોય."

'પોલીસે બધાનાં નામ પૂછ્યાં, ત્રણ હિન્દુને છોડી દીધા'

ઇમેજ સ્રોત, OBAID KHAN

રામપુરના થાના ગંજ ક્ષેત્રમાં જ રહેતા ઇસ્લામના નામે પણ પોલીસે વસૂલી માટેની નોટિસ મોકલી છે.

36 વર્ષના ઇસ્લામ ભેંસોના લે-વેચનું કામ કરે છે. તેમના એક ભાઈ આશુએ આરોપ લગાવ્યો કે શનિવારે સવારે તેઓ ઘરની બહાર તાપણું કરીને બેઠા હતા ત્યારે પોલીસ તેમને ઉઠાવીને લઈ ગઈ હતી.

આશુ કહે છે, "તાપણું કરીને બેઠેલા છ લોકોને પોલીસે પકડી લીધા હતા."

"બધાનાં નામો પૂછ્યાં અને તેમાંથી ત્રણ હિન્દુ હતા તેમને છોડી દીધા. મુસલમાન હતા તેમને પોલીસસ્ટેશન લઈ ગયા."

"અમને જણાવ્યું પણ નથી કે અમારા ભાઈને શા માટે પકડવામાં આવ્યો છે."

"અમે ભાઈને મળવા માટે પોલીસ થાણે ગયા હતા, પણ અમને મળવા પણ ના દેવાયા. અમારી પાસે પૈસા પણ નથી કે પોલીસને આપીને ભાઈને છોડાવી શકીએ"

"શહેરમાં તોફાનો થયાં, પોલીસ હવે જેને મન થાય તેને ઉઠાવીને લઈ જઈ રહી છે. મારા ભાઈની સામે કોઈ પુરાવા હોય તો અમને બતાવો."

"મારો ભાઈ તોફાનોમાં સામેલ હોય તો ભલે જેલમાં સડે, પણ તે નિર્દોષ હોય તો તેમને છોડી દો."

"પોલીસ બસ અમને પરેશાન કરી રહી છે."

બુધવારે સાંજે નોટિસ લઈને આવેલા પોલીસોએ ઇસ્લામના પરિવારને કહ્યું હતું કે "ઇસ્લામે જે તોડફોડ કરી છે તેનો દંડ કરવામાં આવ્યો છે. તમારે દંડ ભરવો પડશે."

ઇસ્લામના પરિવારે નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ઇસ્લામનાં પત્ની જુલેખાએ બીબીસીને જણાવ્યું કે, "મારા પતિ ભેંસને દોહીને બહાર નીકળ્યા કે પોલીસ ઉઠાવીને લઈ ગઈ."

"હવે પોલીસ નોટિસ લઈને આવી છે. અમને ડરાવે-ધમકાવે છે."

"કહે છે કે પૈસા ભરી દો. અમે કઈ વાતનો પૈસા ભરીએ? મારાં બાળકો નાનાં છે, તેનું હું શું કરીશ, તેમને ક્યાંથી ખવરાવીશ? બાળકોને આપવા માટે પણ અમારી પાસે ખાવાનું નથી. કેવી રીતે દંડ ભરીએ, કઈ વાતનો દંડ ભરીએ?"

ઇસ્લામ પોતાના ઘરે ભેંસો રાખે છે અને તેનું દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ જેલમાં જતા રહ્યા તેના કારણે પરિવાર માટે પેટ ભરવાનું મુશ્કેલ બની ગયું છે.

ઇમેજ સ્રોત, OBAID KHAN

ઇમેજ કૅપ્શન,

રામપુર એસએસપી અજય પાલ શર્માને હિંસામાં શામેલ સંદિગ્ધ લોકોની તસવીર જાહેર કરી છે.

રામપુરના સામાજિક કાર્યકર ફૈસલ લાલા કહે છે, "પપ્પુ નામના જે માણસને રિકવરી માટે નોટિસ અપાઈ છે તેને હું જાણું છું. તે તો મજૂર માણસ છે. તંત્ર માત્ર ગરીબ મુસલમાનોને નિશાન બનાવી રહી છે."

ફૈંસલ લાલા કહે છે, "તંત્રએ એ પણ જણાવવું જોઈએ કે આ પહેલાં જ્યાં પણ તોફાનો થયાં છે ત્યાં કોને રિકવરી માટે નોટિસો મોકલાઈ છે. મુઝફ્ફરનગરમાં તોફાનો થયાં ત્યારે શું તોફાનીઓ પાસેથી રિકવરી કરવામાં આવી હતી?"

બીજી બાજુ તંત્રનું કહેવું છે કે વીડિયો અને તસવીરોમાં જે લોકો જોવા મળ્યા છે તેના આધારે જ નોટિસ મોકલવામાં આવી રહી છે.

અધિકારી આંજનેય કુમાર સિંહ કહે છે, "આરોપી અને તેમના પરિવારના લોકો પોતે નિર્દોષ છે તેના પુરાવા આપી શકે છે. પૂરી તપાસ કર્યા બાદ જ રિકવરી કરવામાં આવશે."

(આ અહેવાલ માટે રામપુરના ઓબેદ ખાનનો સહયોગ મળ્યો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો