મોદીનાં 'લાખ રૂપિયાનાં ચશ્માં' સોશિયલ મીડિયા પર કેમ છવાયાં?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, FB/NARENDRAMODI

26 ડિસેમ્બરે સૂર્યગ્રહણ દરમિયાન 'રિંગ ઑફ ફાયર' જોનારા લોકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા.

નરેન્દ્ર મોદીએ ફેસબુક પર પોતાની ત્રણ તસવીરો પણ અપલૉડ કરી.

તેમણે લખ્યું, "કેટલાય ભારતીયોની જેમ હું પણ સૂર્યગ્રહણ જોવા માટે ઉત્સુક હતો. બદનસીબે વાદળોને કારણે સૂર્યગ્રહણ ન જોઈ શકાયું."

"જોકે કોઝિકોડ અને દેશના અન્ય વિસ્તારોમાં દેખાયેલા સૂર્યગ્રહણની ઝલક મેં લાઇવ સ્ટ્રીમ થકી જોઈ. આ ઉપરાંત જાણકારો સાથે વાત કરીને મેં આ મામલે મારી જાણકારી પણ વધારી."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પોસ્ટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર શૅર થવા લાગી. એક યુઝરે મોદીની તસવીર સાથે લખ્યું, "આ એક મીમ બની રહ્યું છે."

વડા પ્રધાન મોદીએ આ ટ્વીટને રિ-ટ્વીટ કરીને લખ્યું, "આપનું સ્વાગત છે...ઍન્જોય."

વડા પ્રધાન મોદીએ જે કહ્યું, એવું જ થયું. સોશિયલ મીડિયા પર લોકો પીએમ મોદીની તસવીરોને મજાકિયા અંદાજમાં શૅર કરવા લાગ્યા.

ચશ્માંની કિંમત

ઇમેજ સ્રોત, TWITTER/MODI

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી

સોશિયલ મીડિયા પર કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા, જેમની નજર મોદીનાં ચશ્માં પર અટકી ગઈ.

વાત એમ હતી કે મોદીએ જે ચશ્માં પહેર્યાં હતાં તે 'માયબાખ' કંપનીનાં છે અને એ જર્મનીની કંપની છે.

આ કંપનીનાં કેટલાંક ચશ્માંની કિંમત 1995 ડૉલર એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયા છે.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચશ્માં પહેર્યાં છે એ મૉડલ ખરેખર દોઢ લાખ રૂપિયાનું છે કે કેમ એ અંગે કંઈ કહેવું મુશ્કેલ છે.

જોકે, આ કંપનીની કેટલીય ફ્રેમને ઑનલાઇન જોતાં ખ્યાલ આવે છે કે એ મોદીએ પહેરેલાં ચશ્માંને મળતી આવે છે.

સોશિયલ મીડિયા પર કેટલાય યુઝર્સ પીએમ મોદીની તસવીરના સ્ક્રીનશૉટ શૅર કરી રહ્યા છે.

કૉંગ્રેસનાં નેતા રાધિકા ખેડાએ લખ્યું, "ફકીરની ફકીરી. ધ આર્ટિસ્ટ -III. કિંમત - એક લાખ 55 હજાર રૂપિયા. કલેક્શનનું નામ ગ્રાહક સાથે મળતું આવે છે."

ટ્વિટર પર #CoolestPM ટૉપ ટ્રૅન્ડ પર જોવા મળ્યું. લોકો પીએમ મોદીની તસવીરો સાથે મીમ બનાવીને શૅર કરી રહ્યા છે.

@RamsaBJYMએ લખ્યું, "મારા નેતા વડા પ્રધાન મોદી. માત્ર એવા માટે જ નહીં કે તેઓ કૂલ પીએમ છે પણ એવા માટે પણ કે તેઓ એક સારા માણસ છે."

@DesiPoliticksએ ટ્વીટ કર્યું, "કૂલ પીએમ જર્મનીમાં બનેલાં માયબાખ ચશ્માં પહેરે છે. આની કિંમત 1.5 લાખ રૂપિયા છે. કેટલાક લોકો હજુ પણ પોતાના ખાતામાં 15 લાખ રૂપિયા આવે તેની રાહ જોઈ રહ્યા છે. દંભની પણ હદ હોય છે. મિત્રો"

સઇદ નામના એક યુઝરે લખ્યું, "આપણા કૂલ વડા પ્રધાન 10 લાખ રૂપિયાનું સૂટ પહેરે છે અને દોઢ લાખ રૂપિયાનાં ચશ્માં પહેરે છે. પાછા કહે છે - હું તો ફકીર માણસ છું. ઝોળી ઉપાડીને ચાલી નીકળીશ."

જ્યારે રાહુલ ગાંધીના જાકીટની કિંમત પર ચર્ચા થઈ

ઇમેજ સ્રોત, TWITTER

જાન્યુઆરી 2018માં રાહુલ ગાંધીની જાકીટ પણ ચર્ચામાં રહી.

રાહુલ ગાંધી એક તસવીરમાં 'બરબરી' કંપનીનું જાકીટ પહેરેલા જોવા મળ્યા હતા.

'બરબરી' એક બ્રિટિશ લક્ઝરી ફૅશન હાઉસ છે. જેનું વડુ મથક લંડનમાં છે.

રાહુલ ગાંધીએ જે જાકીટ પહેર્યું હતું, એ વખતે એની કિંમત 63 હજાર રૂપિયા હતી.

એ વખતે ભાજપે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી.

ભાજપનું કહેવું હતું, "કેમ રાહુલ ગાંધીજી, શૂટ-બૂટની સરકાર ભ્રષ્ટાચારથી મેઘાલયનો સરકારી ખજાનો ખાલી કરી રહી છે? અમારી મુશ્કેલી પર ગીત ગાવાને બદલે મેઘાલયમાં તમારી નકામી સરકારનું રિપોર્ટકાર્ડ રજૂ કર્યું હોત તો સારું રહેત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો